પોતાની મેળે થાળે પડી જાય એનું જ નામ જીવન

28 October, 2019 01:27 PM IST  |  મુંબઈ | સોશ્યલ સાયન્સ - ફાલ્ગુની જડિયા

પોતાની મેળે થાળે પડી જાય એનું જ નામ જીવન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનના જીવનનો એક બહુ જાણીતો પ્રસંગ છે. શાળા-કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરી સામાન્ય માણસની જેમ બિગ બી પણ પોતાને માટે નોકરીની શોધમાં નીકળ્યા હતા, પરંતુ ક્યાંય સફળતા મળી નહીં. ત્યાં સુધી કે આજે તેમના જે અવાજ પાછળ આખી દુનિયા કાયલ છે એ જ અવાજને એ દિવસોમાં ઑલ ઇન્ડિયા રેડિયોએ પણ ફગાવી દીધો હતો અને નાસીપાસ થઈને એક દિવસ તેઓ અત્યંત આક્રોશમાં પોતાના પિતા તથા હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનના રૂમમાં પ્રવેશ્યા. તેમના પિતાશ્રી રોજની જેમ જ ટેબલ પર માથું ઝુકાવીને પોતાના લખાણકાર્યમાં વ્યસ્ત હતા. ઓરડામાં પ્રવેશતાની સાથે જ અમિતાભ બચ્ચને પોતાના પિતા પર પહેલી વાર જીવનમાં ઊંચા અવાજે પ્રશ્ન કર્યો, ‘ક્યોં પૈદા કિયા મુઝે?’ પુત્રના જીવનમાં એ દિવસોમાં ચાલી રહેલા ઝંઝાવાતથી પરિચિત પિતા આ પ્રશ્ન ક્યાંથી આવ્યો એ તો સમજી ગયા, પરંતુ એનો જવાબ આપી શક્યા નહીં. ક્યાંય સુધી બન્ને એકબીજાને તાકતા રહ્યા અને આખરે અમિતાભ બચ્ચન રડમસ ચહેરે ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે સવારે જેવી તેમણે આંખ ખોલી કે તેમના પિતાએ તેમના હાથમાં એક ચિઠ્ઠી મૂકી, જેમાં આ કવિતા લખી હતી...
‘ઝિંદગી ઔર ઝમાને કી કશ્મકશ સે ઘબરાકર
મેરે લડકે મુઝસે પૂછતે હૈં,
‘હમે પૈદા ક્યોં કિયા થા?’
ઔર મેરે પાસ ઇસકે સિવા
કોઈ જવાબ નહીં હૈ
કી મેરે બાપને ભી મુઝસે બિના પૂછે
મુઝે પૈદા કિયા થા,
ઔર મેરે બાપ સે બિના પૂછે
ઉનકે બાપને ઉન્હે,
ઔર મેરે બાબા સે બિના પૂછે
ઉનકે બાપને ઉન્હે.
ઝિંદગી ઔર ઝમાને કી કશ્મકશ
પહલે ભી થી, અબ ભી હૈ, શાયદ ઝ્‍યાદા,
આગે ભી હોગી, શાયદ ઔર ઝ્‍યાદા.
તુમ્હી નયી લીક ધરના,
અપને બચ્ચોં સે પૂછકર ઉન્હે પૈદા કરના!’
કોઈક જમાનામાં બિગ બી પણ આવી મનઃસ્થિતિમાંથી પસાર થયા હતા એ જાણી ક્યારેક આશ્ચર્ય થાય તો ક્યારેય ધરવ પણ. ધરવ એટલા માટે કે આપણને એ વિચારીને સારું લાગે કે આપણે એકલા જ નથી જે જીવનની આ જંજાળમાં અટવાયેલા છીએ. મોટી અને મહાન હસ્તીઓએ પણ પોતાના જીવનમાં આવા અનેક ઉતાર-ચડાવ જોયા છે અને એ બધામાંથી પસાર થઈને જ સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે તેમના જેવા મોટા કે મહાન બનીએ કે ન બનીએ, પરંતુ એક વાતનો દિલાસો તો ચોક્કસ થાય જ છે કે સુખ-દુઃખ, ભરતી-ઓટ જેવા પ્રસંગો દરેકના જીવનમાં બને જ છે અને જીવન જેનું નામ એ આ બધામાંથી પોતાનો રસ્તો શોધી જ લે છે.
તાજેતરમાં એક વડીલમિત્ર સાથે ઘણા વખતે વાત કરવાનું બન્યું. તેમનાં પત્ની હાલમાં કૅન્સરની સારવાર લઈ રહ્યાં છે એ તો ખ્યાલ હતો, પરંતુ એ જાણીને આઘાત લાગ્યો કે દોઢેક મહિના પહેલાં તેમના ઘરના ઍરકન્ડિશનરમાં શૉર્ટ સર્કિટ થતાં તેમના ત્રણ બેડરૂમ બળીને ખાખ થઈ ગયા અને તેમણે બીજે રહેવા જવું પડ્યું. આટલું ઓછું હોય એમ પંદરેક દિવસ પહેલાં તેઓ ખુદ પૅરૅલિસિસનો શિકાર બનતાં હાલમાં સારવાર લઈ રહ્યા છે. વાતચીતમાં તેમને સહજ ભાવે જ પુછાઈ ગયું કે હાલમાં તમે ચારે બાજુથી ઘેરાયેલા હોવાનું અનુભવતા હશો નહીં? તો મને કહે, ‘ચાલ્યા કરે. આ જ તો જીવન છે, ધીરે-ધીરે બધું થાળે પડી જ જતું હોય છે.’
તેમની વાત સાંભળીને મારા બીજા એક સ્વજનના શબ્દો યાદ આવી ગયા. આ સ્વજન પણ જેટલી વાર પોતાના જીવનના કિસ્સા સંભળાવે એટલી વાર વાતનો સાર એ જ હોય કે જીવનમાં તકલીફો તો ઘણી આવી, પરંતુ માણસો સારા મળતા ગયા અને રસ્તા નીકળતા ગયા.
પરંતુ આપણી તકલીફ એ છે કે આપણને વડીલોના આ અનુભવથી શાંતિ મળતી નથી. આપણે બધા જ અનુભવો જાતે અનુભવ્યા હોય છે અને એમાંથી મળતા પદાર્થપાઠ પણ જાતે જ શોધવા હોય છે એથી આપણે જીવનના પ્રત્યેક પાસાને પ્રશ્નાર્થભરી નજરે જોતા હોઈએ છીએ. જોકે એમાં કશું ખોટું પણ નથી, કારણ દુનિયાનો નિયમ છે કે એ માનસિક હોય કે શારીરિક, આર્થિક, સામાજિક કે આધ્યાત્મિક, પ્રત્યેક વિકાસનો જન્મ પ્રશ્નમાંથી જ થતો હોય છે એથી પ્રશ્નો કરવા પણ આવશ્યક છે, પરંતુ સાથે હકીકત એ પણ છે કે માત્ર પ્રશ્ન કર્યા કરવાનો પણ કોઈ અર્થ નથી, કારણ સમયના પ્રવાહમાં વહેતાં-વહેતાં આપણને સમજાય છે કે એક સમયે આપણા માટે જે
જીવન-મરણ જેવા હતા એ પ્રશ્નો આજે સાવ અસ્થાને થઈ ગયા છે. કેટલાકના જવાબ આપણને જાતે જ મળી ગયા છે તો વળી કેટલાક વણપુછાયેલા પ્રશ્નો પણ આપોઆપ ઉકેલાઈ ગયા છે અને આપણા વડીલો આપણને જે કહેતા હતા, એક દરવાજો બંધ થાય તો બીજો આપોઆપ ખૂલી જાય છે, જે થાય છે એ સારા માટે જ થાય છે અને સકારણ જ થાય છે, સમયના પ્રવાહમાં વહેતા રહો જેવી ઉક્તિઓ અક્ષરશઃ સાચી હતી અને જીવન જેનું નામ એ પોતાની રીતે થાળે પડતું જ જાય છે એ સત્યનો આપણને અહેસાસ થાય છે.
આજે નવું વર્ષ છે. વીતેલા વર્ષમાં આપણા બધાના જીવનમાં નાનામોટા ઉતાર-ચડાવ તો આવ્યા જ હશે, પરંતુ જો ઉપરોક્ત સત્યને હૃદયસોંસરવું રાખીશું તો આવનારા વર્ષમાં જ્યારે તકલીફ આવશે, જીવન આપણે ઇચ્છ્યા ન હોય, ધાર્યાં ન હોય કે પછી વિચાર્યાં પણ ન હોય એવા વળાંક લેશે ત્યારે એક દિલાસો ચોક્કસ હૃદયમાં રહેશે કે ઈશ્વર કહો તો ઈશ્વર અને કુદરત કહો તો કુદરત, આપણને આપણે જેની કલ્પના પણ કરી નથી એવા બહેતર મુકામ પર જ લઈ જઈ રહી છે. અલબત્ત એ માટે શુદ્ધ અંતઃકરણથી પોતાના સિદ્ધાંતોને વળગી રહેવું તથા પ્રામાણિકપણે પ્રયત્નો કરતા રહેવામાં કશું જ બાકી રાખવું જોઈએ નહીં. જો આટલું કરવાની તૈયારી હોય તો પછી જીવન તથા એ આપણને જે દિશામાં લઈ જઈ રહ્યું હોય એમાં આંખ બંધ કરીને વિશ્વાસ રાખો અને પૂરા આત્મવિશ્વાસથી સૌકોઈને કહી દો, ‘હૅપ્પી ન્યુ યર...’

amitabh bachchan columnists