કૈસે તૂને અનકહા, તૂને અનકહા સબ સુના

19 March, 2021 05:55 PM IST  |  Mumbai | RJ Dhavnit Thaker

ફિલ્મ અને મ્યુઝિક. જો આ બન્ને ન હોય તો જીવન કેવું નીરસ બની જાય. નીરસ અને શુષ્ક પણ. તમારી લાગણીને, તમારી ભાવનાને સમજી શકે એ મ્યુઝિક, એ ગીત ઇબાદતથી સહેજ પણ ઓછું ઊતરતું નથી...

પ્રતીકાત્મક તસવીર

તૂ હોગા ઝરા પાગલ, તૂને મુઝકો હૈ ચુના

તૂ હોગા ઝરા પાગલ, તૂને મુઝકો હૈ ચુના

કૈસે તૂને અનકહા, તૂને અનકહા સબ સુના

તૂ હોગા ઝરા પાગલ, તૂને મુઝકો હૈ ચુના

તૂ દિન સા હૈ, મૈં રાત

આના દોનોં મિલ જાએં શામોં કી તરહ

યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલિયોં સે જા ઉલઝે

યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલિયોં સે જા ઉલઝે

કોઈ ટોહ ટોહ ના લાગે

કિસ તરહ ગિરહ યે સુલઝે

હૈ રોમ રોમ ઇકતારા...

જો બાદલોં મેં સે ગુઝરે...

 

હૃષીકેશ મુખરજી અને બાસુ ચૅટરજીની ફિલ્મોના ફૅન હોવાનો સૌથી મોટો ફાયદો જો કોઈ હોય તો એ કે વાસ્તવિકતા સાથે તમારો નાતો કદી છૂટે જ નહીં, તમારા પગ ધરતી સાથે જોડાયેલા રહે, ધરતી તમને સ્પર્શતી રહે અને ફિલ્મના પડદે દરેક પાત્રમાં તમને તમારી આસપાસનું જ કોઈ ઓળખીતું કૅરૅક્ટર દેખાઈ જાય! આ બન્ને દિગ્ગજ દિગ્દર્શકોની ખાસિયત કહું તમને. બન્ને લેજન્ડ ડિરેક્ટરનાં દરેકેદરેક કૅરૅક્ટર સામાન્ય જનજીવનમાંથી પ્રેરાઈને સિનેમાના માધ્યમ થકી પોતાની રિયલ વાર્તા કહેતાં. અમોલ પાલેકરના અભિનયમાં કંઈકેટલાય ભારતીય પુરુષોને પોતાનો ચહેરો દેખાતો. ફિલ્મ જોતાં એવું જ લાગે કે આ કોઈ ફિલ્મ નહીં, તેની લાઇફમાં બનેલી કોઈ ઘટના છે કે એ ઘટનાની હૃદયપૂર્વક કહેવાતી વાત છે.

આજકાલ પૉલિટિક્સમાં આમ આદમીની બોલબાલા છે. જો પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી (એએપી-આપ)એ ગુજરાતની કૉર્પોરેશન અને જિલ્લા પંચાયત, પંચાયતના ઇલેક્શનમાં પોતાનું ખાતું ખોલાવી દીધું, પણ આપણે વાત કરીએ છીએ ફિલ્મોની અને ફિલ્મોમાંથી આમ આદમીનો અંતર્ધ્વનિ અને અભિવ્યક્તિ બિલકુલ ગાયબ થઈ ગયો છે! સતત સંમોહિત કરતી એક અવનવી દુનિયા દેખાડતું બૉલીવુડ વાસ્તવિકતાથી દૂર ભાગતું રહે છે અને જ્યારે પણ સમાજની  વાસ્તવિકતા દેખાડવાનો પ્રયત્ન થાય ત્યારે મધુર ભંડારકર બ્રૅન્ડની કરુણતા અને સમાજની વિસંગતતાઓ-ખામીઓ પર કટાક્ષ કરતી ટ્રૅજિક ફિલ્મો રિયલિટીના નામે આપણા માથે થોપી બેસાડવામાં આવે છે. શું વાર્તાનાં મુખ્ય પાત્રો પર તૂટી પડતા દુઃખના પહાડ જ એકમાત્ર રિયલિટી છે? શું જીવનની કડવાશને હળવાશ વડે માણી ન શકાય?

આ સવાલનો જવાબ તમને મળશે જેના ગીતથી આપણે વાતની શરૂઆત કરી એ એ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’માંથી...

યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલિયોં સે જા ઉલઝે

કોઈ ટોહ ટોહ ના લાગે

ભણવામાં ઝીરો એવા પ્રેમ તિવારીની ઑડિયો કૅસેટમાં ગીતો રેકૉર્ડ કરી આપવાની દુકાન છે. એ આખો યુગ તો ચાલ્યો ગયો. યાદ કરો તમે, પહેલાં બ્લૅન્ક કૅસેટ લઈને કેવા ગીતોનું લિસ્ટ બનાવવા બેસતા. એમાં પણ ઘણા મારા જેવા મરદના ફાડિયા એવા પણ હોય કે આખી કૅસેટમાં એકનું એક ગીત રેકૉર્ડ કરાવે. પાંચ મિનિટનું સૉન્ગ હોય અને નાઇન્ટી મિનિટની કૅસેટ હોય. અઢારેક વાર સૉન્ગ રેકૉર્ડ થાય. વારંવાર સૉન્ગ રિવાઇન્ડ કરવાનું ટેન્શન જ નહીં, તમારું ફેવરિટ ગીત સાંભળ્યા કરો લગાતાર.

આપણે વાત કરીએ છીએ પ્રેમ તિવારીની. પ્રેમની ઑડિયો કૅસેટ રેકૉર્ડ કરવાની દુકાન છે અને પ્રેમના પપ્પાને ટેન્શનનો શોરૂમ છે,

‘હવે આની સાથે કોણ પરણશે?’

આ વાતની ચિંતા પ્રેમના પપ્પાના મનમાં સતત રહ્યા કરે છે અને એટલે પ્રેમના પપ્પા પ્રેમને પ્રમાણમાં ઘણી સ્થૂળ એવી યુવતી સંધ્યા સાથે પરણાવી દે છે. પ્રેમને સંધ્યા દિઠ્ઠીયે ગમે નહીં. અત્યાર સુધી પ્રેમ જેને સુંદરતા ગણતો આવ્યો છે એવા બ્યુટીના દુન્યવી કન્સેપ્ટમાં સ્થૂળકાય સંધ્યા ક્યાંય ફિટ થતી નથી.

સોચા ક્યા ઔર ક્યા મિલા.

મનમાં આ એક જ અવઢવ છે અને આવી અવઢવમાં ફસાયેલો પ્રેમ પોતાનું મન સંધ્યા સાથે ગોઠવી શકતો નથી. સ્થૂળકાય સંધ્યાને તે જીવનની મોટી હાર માની લે છે. સંધ્યા બીઍડ ભણેલી છે. પોતાના આ ભણતરનું તેને ગુમાન પણ છે અને કેમ ન હોય. એ સમય જ એવો હતો જેમાં ભણતર ઓછું લેવાતું અને છોકરીઓમાં તો ભણતરનું પ્રમાણ હજી વધ્યું જ નહોતું, એવા સમયે સંધ્યાએ એજ્યુકેશનમાં બૅચલરની ડિગ્રી લીધી છે.

પોતાનું લગ્નજીવન શરૂ થાય એ પહેલાં જ એ કરમાઈ ન જાય એ માટે સંધ્યા ઠીક-ઠીક પ્રયત્નો કરે છે, પણ પ્રેમના પક્ષેથી એ પ્રયાસમાં કોઈ જાતનો સહકાર નથી મળી રહ્યો. સંધ્યાની સાથે બહાર જવામાં પ્રેમ નાનપ અનુભવે છે. કપલ વચ્ચે નોકઝોંક થાય અને એક તબક્કે એવું પણ લાગે કે પ્રેમ અને સંધ્યા બન્ને છૂટાં પડી જશે, પણ એવું નથી થતું અને આખરે ઘીના ઠામમાં ઘી પડી જાય. આવી સરળ વાર્તામાં જે મજા છે એવી જ મજા ફિલ્મની સરળ અને સહજ સ્ટોરી-ટેલિંગમાં છે. એક પણ તબક્કે ઝાઝા ગંભીર થયા વિના કે ખોટી ઇમોશનલ ડ્રામેબાજી કર્યા વિના ફિલ્મ ગંગા નદીના પાણીની જેમ વહ્યે જાય છે. જો જોઈ ન હોય તો જોજો એક વાર, સાચે જ. મજા પડી જશે. ફિલ્મનાં દરેકેદરેક પાત્રોનાં રીઍક્શન્સ, પાત્રોના પહેરવેશ, ઘર્ષણ અને આડાતેડા સ્વભાવમાંથી સર્જાતી કૉમેડી, હરિદ્વાર-હૃષીકેશનાં બ્યુટિફુલ લોકેશન્સ અને એ બધાની સાથોસાથ ફિલ્મનું ડિરેક્શન. બધું એકદમ પ્રામાણિક, ઑથેન્ટિક અને એમાં પણ ‘મોહ મોહ કે ધાગે’ ગીત.

વાહ, વાહ, વાહ...

હૈ રોમ રોમ ઇકતારા...

જો બાદલોં મેં સે ગુઝરે...

આ વાતને, આ શબ્દોને અને હૃદય પર ફરતા પીછાં જેવા એના શબ્દોની વાતો કરીશું આપણે આવતા વીકમાં, ત્યાં સુધી હું રજા લઉં અને

આ માઇક, આઇ મીન, જગ્યા પર આવશે બીજું કોઈ. બાય...

columnists rj dhvanit