ચાલતાં-ચાલતાં ટહેલીએ ગિરગામ રોડ પર

25 April, 2020 08:04 PM IST  |  Mumbai Desk | Deepak Mehta

ચાલતાં-ચાલતાં ટહેલીએ ગિરગામ રોડ પર

મુંબઇના સ્થળો

યાદ છે? ઘણા વખત પહેલાં આપણે ભગવાનદાસકાકાને મળવા ગયા હતા અને સાથોસાથ કાલબાદેવી રોડ પર લટાર પણ મારેલી. એવી રીતે આજે જવું છે વામનભાઈ દેસાઈને મળવા. ક્યાં? ગિરગામ રોડ. ‘પણ લૉકડાઉન છેને?’ ‘ફિકર નહીં. આપણી પાસે જપાનથી મંગાવેલી જાદુઈ મોજડી છે. રાજ કપૂર પાસે ‘જૂતા જાપાની’ નહોતાં? આપણી મોજડીની ખરી મજ્જા એ છે કે પગમાં પહેરી પછી તમને કોઈ જોઈ શકે નહીં, તમે બની જાઓ ઇન્વિઝિબલ મૅન! (કે વુમન).’ અને વળી આ મોજડી પહેરીને ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ જઈ શકાય. એટલે આપણે જઈએ છીએ લગભગ સાઠ વરસ પહેલાંના ગિરગામ રોડના ધોબી તળાવવાળા નાકે. પહેલાં ગિરગામ રોડને નાકે આવેલી ‘બાસ્તાની’માં ઈરાની ચા અને બન મસ્કા ઝાપટી લઈએ. હા, લૉકડાઉન પૂરું થયા પછી શોધવા જશો તો આ ઈરાની હોટેલ નહીં મળે, કારણ કે મુંબઈની બીજી ઘણી ઈરાની હોટેલોની જેમ આ બાસ્તાની પણ બંધ થઈ ગઈ છે. ત્યાંથી થોડે દૂર, ક્રુકશેન્ક રોડ પર ઝૅવિયર્સ કૉલેજ. એમાં ભણતા વિદ્યાર્થીઓ બે સામસામી છાવણીમાં વહેંચાયેલા: એક બાસ્તાનીવાળા અને બીજા કયાનીવાળા. બન્ને ઈરાની હોટેલો લગભગ સામસામે, એક રસ્તાની બે બાજુએ. હરીફાઈ પાક્કી, પણ બન્ને મોટે ભાગે ભરચક. ચા-કૉફી પીવા કૉલેજની કૅન્ટીનમાં તો નવાસવા આવેલા કે વેદિયા વિદ્યાર્થીઓ જાય; રીઢા વિદ્યાર્થીઓ નહીં, કારણ કે કૉલેજની કૅન્ટીન માટે એમ કહેવાતું કે ત્યાં જઈને તમે જે પીઓ એ ચા હતી કે કૉફી એની ખબર તમને પૈસા ચૂકવતી વખતે જ પડે! જો બે આના આપવા પડે તો ચા, ચાર આના આપવા પડે તો કૉફી. બાકી સ્વાદમાં બે વચ્ચે ભાગ્યે જ કશો ફરક. એટલે બપોરના એક વાગે લેક્ચર પૂરાં થાય એટલે ચાલો બહાર બેમાંથી એક ઈરાનીમાં. (ભણતા ત્યારે બંદા બાસ્તાનીવાળા, હોં કે.)

આમ તો આ ગિરગામ રોડ પરથી ઘણી ટ્રામના રૂટ પસાર થાય છે, પણ આપણે તો ચાલતાં જઈએ આગળ. થોડું ચાલ્યા ત્યાં આવ્યું પ્રિન્સેસ સ્ટ્રીટનું નાકું. નવું નામ શામળદાસ ગાંધી રોડ, પણ ખરો મુંબઈગરો તો હજી પ્રિન્સેસ સ્ટ્રીટ નામે જ ઓળખે. ડાબી બાજુ વળીએ તો મરીન લાઇન્સ સ્ટેશન તરફ જવાય, જમણી તરફ કાલબાદેવી રોડ તરફ. ડાબી બાજુ વળીને પારસી ડેરીની કુલ્ફી ખાવાનું મન તો થાય, પણ બીજી કોઈ વખત. જરા આગળ ચાલો. પેલું સફેદ બોર્ડ જોયું, પારસી હાડવૈદનું? એની શરૂઆત થયેલી ૧૮૭૯માં. જોકે આજે હવે એ જગ્યાએ નથી, પણ શામળદાસ ગાંધી રોડ પર વોરા બ્રધર્સ કેમિસ્ટની લાઇનમાં ખસેડાયું છે. પણ આપણે તો સીધા ગિરગામ રોડ પર જ આગળ વધીએ. થોડું ચાલ્યા કે આ આવ્યું ચીરાબજાર. માછલીની વાસથી ટેવાયેલા ન હો તો નાકે રૂમાલ દાબી રાખજો, કારણ કે આ છે ૧૫૦ વર્ષ જૂની માછલી બજાર કહેતાં ફિશ માર્કેટ. એક બાજુ સાસૂન ડૉક અને ભાઉચા ધક્કા તથા બીજી બાજુ ઠેઠ વર્સોવાથી અહીં રોજેરોજ તાજી માછલી આવે છે – ખટારામાં, ટૅક્સીમાં. સાથે ઘરેણાં લાદેલી માછણો. અંદર લાઇનબંધ દુકાનો છે. જોકે હવે આ માછલી બજારની છેવટની ઘડીઓ ગણાઈ રહી છે. મુંબઈમાં ઠેર ઠેર જે મેટ્રોનું જાળું ફેલાઈ રહ્યું છે એ આ રસ્તા પરથી પણ પસાર થવાનું છે અને એને માટે જગ્યા કરવા આ ચીરાબજાર માર્કેટ તોડી પાડવામાં આવશે એમ કહે છે.
હવે આગળ ચાલીએ. આ આવી દાદીશેઠ અગિયારી લેન. જોકે નામ ભૂલભરેલું છે, કારણ કે આ લેન કહેતાં ગલીમાં આગળ જતાં પારસીઓનું જે ધર્મસ્થાનક આવે છે એ હકીકતમાં અગિયારી નથી પણ આતશબહેરામ છે. આતશબહેરામ એ પારસીઓ માટે સર્વોચ્ચ અને અત્યંત પવિત્ર સ્થાનક છે. આખી દુનિયામાં માત્ર નવ આતશબહેરામ છે. આઠ આપણા દેશમાં અને એક ઈરાનમાં. આપણા દેશમાંના કુલ આઠ આતશબહેરામમાંથી ચાર મુંબઈમાં આવેલા છે અને એ ચારમાંથી આ દાદીશેઠે બંધાવેલું આતશબહેરામ સૌથી જૂનું છે. ૧૭૮૩ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે અહીં પહેલવહેલા આતશબહેરામ તખ્તનશીન કરવામાં આવ્યા હતા. આ આતશબહેરામ પરઠવાની બધી ક્રિયા મુલ્લા કાઉસ રુસ્તમ જલાલે કદમી તરીકા પ્રમાણે કરી હતી. પણ આ દાદીશેઠ હતા કોણ? આખું નામ દાદીભાઈ નસરવાનજી. જન્મ ઈ. સ. ૧૭૩૫માં, બેહસ્તનશીન થયા ૬૫ વર્ષની ઉંમરે ૧૭૯૯ના એપ્રિલની સાતમી તારીખે. તેમના બાવા નસરવાનજી હોમજી અને કાકા બેહરામજી હોમજી વહાણોમાં આવતાં-જતાં માલની દલાલી કરતા હતા. આ બહેરામજીના નામનો એક રસ્તો જ્યાં એવણ રહેતા હતા એ કોટ વિસ્તારમાં છે. આજના હૉર્નિમન સર્કલથી શરૂ થતા આ રસ્તાની એક બાજુ દેના બૅન્કનું મોટું મકાન આવેલું છે અને એની સામે બીજી બાજુ ઝોરાસ્ટ્રિયન બૅન્ક આવેલી છે. દાદીશેઠ વિષે થોડી વધારે વાત. બાવાનો ધંધો દાદીશેઠે ઘણો વિકસાવ્યો અને પોતે વહાણવટામાં પડ્યા. તેમનો ચીન સાથે મોટો વેપાર હતો. આ માટે તેમની પાસે પાંચ વહાણ હતાં: શાહ અરદેશર, કિંગ જ્યૉર્જ, ફ્રેન્ડ‌િશ‌પ, બ્રિગવિલ્યમ, અને સર ડેવિડ સ્કૉટ. ઈ. સ. ૧૭૯૦માં ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે ત્યાંથી હિજરત કરીને મુંબઈ આવેલા પારસીઓની દસ મહિના સુધી દાદીશેઠે ખાતરબરદાસ્ત કરી હતી એટલું જ નહીં, લગભગ બે હજાર બિનપારસી હિજરતીઓને ખાધાખોરાકી પૂરી પાડી હતી. વાલકેશ્વર વિસ્તારમાં તેમની પુષ્કળ જમીન હતી જેમાંનો ઘણો ભાગ તેમણે પોતે બંધાવેલી અગિયારીના નિભાવ માટે આપ્યો હતો. વાલકેશ્વર વિસ્તારના એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે, દાદીશેઠ રોડ. આ દાદીશેઠે પોતાનું વસિયતનામું તૈયાર કરેલું એમાં મિલકતની વહેંચણીની વિગતો પછી છેલ્લું વાક્ય લખેલું: કોઈ તમારું માઠું કરે તો બી તમો તેનું ભલું કરજો.
દાદીશેઠ અગિયારી લેન અને ગિરગામ રોડના કૉર્નર પરનું આ વજેરામ બિલ્ડિંગ. કૉર્નર પર મોખરાની જગ્યાએ છે વજેરામ દેવચંદ બ્રધર્સની ઑફિસ કમ હોલસેલ દુકાન. જર્મન સિલ્વર અને પિત્તળનાં વાસણો બનાવવાનું તેમનું કારખાનું સામેની એક ગલીમાં છે. ગલીનું નામ હતું ડુક્કર વાડી. પણ વખત જતાં ત્યાંના રહીશો માટે આ નામ અળખામણું બન્યું. એટલે નામ થયું વિજય વાડી. થોડાં વર્ષો પછી ફરી નામ બદલાયું. એ ગલીમાં એક જાણીતા ડૉક્ટર રહેતા. રાજકારણમાં પણ સ‌િક્ર‌ય. મુંબઈના મેયર પણ બનેલા. તેમના અવસાન પછી વિજય વાડી બની ડૉક્ટર નગીનદાસ શાહ સ્ટ્રીટ. બીજી દુકાન ભોસલેની સોડા વગેરે ઠંડાં પીણાંની દુકાન. બાજુમાં મકાનનું પ્રવેશદ્વાર. ત્યાં ઓટલા પર એક સોની બેસે. ઘરેણાં સમાંનમાં કરવાનું નાનુંમોટું કામ કરે. એની બાજુમાં બાબુભાઈની ચાની હોટેલ. વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતી. એની બાજુમાં એક ફૂલવાળાની નાનકડી દુકાન. હવે ચાલો ઉપર. લાકડાનાં જૂનાં પગથિયાં ઘસાઈ ગયાં છે અને લગભગ અંધારું છે એટલે ચડતાં જરા સંભાળજો. ચાર માળનું મકાન. દરેક માળે પાંચ રૂમ. દરેક માળે પ્રવેશદ્વાર પર લોઢાની કૉલે‌્િપ્સ‌બલ જાળી જે બંધ જ રહે. કોઈ આવે ત્યારે તાળું ખોલવાનું. પહેલે માળે છે સરસ્વતી ઍન્ગલો-વર્નાક્યુલર સ્કૂલ. આ વળી કઈ જાતની સ્કૂલ? બ્રિટિશ શાસનના જમાનામાં આવી સ્કૂલ ઘણી જોવા મળતી. તેમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયો અંગ્રેજીમાં અને બાકીના વર્નાક્યુલર કહેતાં ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં શીખવાય. આ લખનારની એ પહેલવહેલી સ્કૂલ, ફક્ત અડધા દિવસ માટે! કેમ? વાજતેગાજતે એ સ્કૂલમાં દાખલ થયા. પિરિયડ શરૂ થયો. માસ્તરે બોર્ડ પર કશુંક ચિતરામણ કરી લેસન આપ્યું. પછી ક્લાસમાં જ બેઠાં-બેઠાં બે-ત્રણ બીડી પીધી અને પછી ઊંઘી ગયા! બપોરની રિસેસમાં ઘરે જમવા ગયા ત્યારે બંદાએ જાહેરાત કરી દીધી: ‘હું આ સ્કૂલમાં જવાનો નથી.’ ‘પણ કેમ?’ ‘માસ્તર ક્લાસમાં બીડી પીએ છે.’
બીજે માળે બે ભાડૂત. એક પાસે બે રૂમ, એક પાસે ત્રણ. ત્રીજે માળે રહે છે વામનભાઈ. અરે, પણ આ વામનભાઈનું ઘર તો બંધ છે. હવે? ચાલો ચોથે માળે. આ માળ પર પાંચને બદલે ચાર રૂમ છે. ચારે રૂમ લાંબી ‘ગેલેરી’થી જોડાયેલી છે. ગૅલરીને લાકડાનો કઠેરો છે. ચૉકલેટી કલરની લાદી છે. પાંચમા રૂમની જગ્યાએ અહીં અગાસી કહેતાં ટેરેસ છે. ચારે રૂમમાં અને આ અગાસીમાં કપચીની લાદી જડેલી છે. ચાર માળ કરતાં ઊંચાં મકાન અહીં ભાગ્યે જ છે એટલે અગાસીમાં ઊભા રહીને મરીન ડ્રાઇવના દરિયાનો થોડો ભાગ જોઈ શકાય છે. એક બાજુ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી અને બીજી બાજુ ઠાકુરદ્વાર સુધી નજર પહોંચે છે. સામે દરિયા પહેલાં સોનાપુરના સ્મશાનના છાપરાનો થોડો ભાગ નજરે પડે છે. મકાન ઉપર વિલાયતી નળિયાવાળું ‘વી’ શેપનું છાપરું એટલે સીલિંગ ઘણી ઊંચી. બારી-બારણાં ઘણાં એટલે લગભગ બારેમાસ દરિયાનો પવન ફૂંકાતો રહે. પંખાની જરૂર ન પડે એટલો. ત્યારે ઘરોમાં ઍર-કન્ડિશનર આવ્યાં નહોતાં. સીલિંગ ફૅન પણ બે પાંદડે સુખી હોય તેવાને ઘરે જોવા મળે. બાકી મોટે ભાગે ઘરમાં એક ટેબલ ફૅન હોય જે હવા કરતાં અવાજ વધુ આપે. એને જરૂર પ્રમાણે એક રૂમમાંથી બીજીમાં ફેરવાય. રસોડામાં ગૅસ, ફ્રિજ કે માઇક્રોવેવ નહોતાં. અરે, મિક્સર પણ નહોતાં. ઘરની સ્ત્રીઓએ આ બધાં કામ જાતે કરવા પડતાં. આ બધાં સાધનો અને ગૅજેટ્સને કારણે સ્ત્રીઓના જીવનમાં જે ફેરફાર થયો એનો કોઈએ અભ્યાસ કર્યો છે કે નહીં એની ખબર નથી.
આ મકાનમાંનાં ચાર કુટુંબો વચ્ચે ખટરાગ થતો જ નહીં એવું તો નહોતું, પણ એ ઝાઝો વખત ટકતો નહીં. સાજે-માંદે કે સારે-માઠે પ્રસંગે સૌનો ટેકો વગરમાગ્યે મળી રહેતો. માંદા માણસને ફૂલો કે ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ મોકલવાનો રિવાજ નહોતો, પણ પડોશી કહ્યા-પૂછ્યા વગર ખીચડી કે રાબ કે ખાખરા (ઘરે બનાવેલા, ત્યારે બજારુ ખાખરાનું ચલણ થયું નહોતું.) બહુ સ્વાભાવિક રીતે મૂકી જતા. વાટકી-વ્યવહાર એ અપવાદ નહીં, નિયમ હતો. બાળકો આડોશ-પાડોશના ઘરમાં રમતાં એટલું જ નહીં, જમતાં પણ ખરાં. જેમને ઘરે રેડિયો હોય તેમને ત્યાં સાંજે પાડોશીઓ ભેગા થતા. બધા તહેવારો મનના ઉમંગ અને ઉત્સાહથી સાથે મળીને ઊજવાતા. દિવાળીના દિવસોમાં અઠવાડિયા અગાઉ કાચું-કોરું બનાવવાની શરૂઆત. એને માટે કે વડી-પાપડ માટે કે સીઝનમાં અથાણાં બનાવવા માટે બધાં બૈરાં (સૉરી, સ્ત્રીઓ) ભેગાં મળીને કામ કરે. દિવાળીના પાંચ-છ દિવસ ઓછામાં ઓછું સૂવાનું. પહેલાં પાડોશીને ઘરે સાથિયો કરવા જવાનું, પછી પોતાને ઘરે કરવાનો. જે દિવાળી માટે સાચું એ જ બીજા બધા તહેવારો માટે પણ સાચું.
આ વજેરામ બિલ્ડિંગ બે કાંઠે વહેતી નદી જેવું. એક કાંઠે ધબકતું જીવન. બીજે કાંઠે સતત મૃત્યુની આવનજાવન, કારણ કે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સ્મશાન-કબ્રસ્તાન થોડેક જ દૂર. રોજ બે-ચાર વખત ‘શ્રી રામઃ, શ્રી રામઃ’ કે ‘લાય લાય યે અલ્લાહ’ સાંભળવા મળે જ. ખ્રિસ્તીઓનું હળવા સૂરે વાગતું મફલ્ડ બૅન્ડ સંભળાય. પારદર્શક કાચની બાજુઓવાળા કાળા ‘હર્સ’ની પાછળ સફેદ ફૂલોના ‘રીધ’ હાથમાં લઈ સ્ત્રી-પુરુષો શાંતિથી ચાલતાં હોય. આજે મનસુખલાલ ઝવેરીની પેલી પંક્તિઓ યાદ આવે:
માનવીનાં રે જીવન!
એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે ચિતરાયું ચિતરામણ
પ્રિય વાચક! તમને પ્રશ્ન થશે કે આજે આ ‘વજેરામ બિલ્ડિંગ’ની રામાયણ કેમ માંડી છે? આ લખનારની જિંદગીનાં પહેલાં ત્રીસેક વરસ એ મકાનના ચોથા માળે વીત્યાં હતાંને, એટલે. આવતે અઠવાડિયે હજી ગિરગામની મુલાકાત ચાલુ.

columnists weekend guide deepak mehta