આ ગરવી ગુજરાતણો માટે સાયન્સ હૈ સબકુછ

11 February, 2020 01:32 PM IST  |  Mumbai | Ruchita Shah

આ ગરવી ગુજરાતણો માટે સાયન્સ હૈ સબકુછ

ફાઈલ ફોટો

વિજ્ઞાન એટલે તર્કવિતર્કનું વિશ્વ. સ્ત્રી મોટા ભાગે લાગણીપ્રધાન અસ્તિત્વ ગણાય છે એટલે સાયન્ટિફિક શોધ-સંશોધનોમાં તેમને ભાગ્યે જ તક મળતી હતી, જે સિનારિયો છેલ્લાં દસેક વર્ષમાં સાતત્ય પૂર્વક સાથે બદલાઈ રહ્યો છે. વધુ ને વધુ લેડીઝ સાયન્સમાં રિસર્ચ ફીલ્ડ પસંદ કરીને સમાજને આગવું પ્રદાન આપવા તત્પર બની છે. આજે ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ વુમન ઍન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ નિમિત્તે સાયન્ટિસ્ટ તરીકે સફળતાપૂર્વક સક્રિય કેટલીક ગુજરાતી મહિલાઓ સાથે ચિટ-ચૅટ કરીએ...

આપણે ત્યાં કેટલાંક ક્ષેત્રો પુરુષપ્રધાન રહ્યાં છે. સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી એવી જ એક મેલ ડોમિનેટેડ ફીલ્ડ ગણાતી હતી. જોકે હવે એમાં બદલાવ આવી રહ્યો છે. મહિલાઓની સંખ્યા સાયન્સ અને ટેક્નૉલૉજીના ક્ષેત્રમાં રિસર્ચની દિશામાં બહેતર બની છે. મહિલાઓનું પ્રદાન વિજ્ઞાન ક્ષેત્રે વધારવા માટે વૈશ્વિક સ્તરે પ્રયત્ન થતા રહ્યા છે. મોટા ભાગે સાઉથ ઇન્ડિયામાં જે સાક્ષરતાની બાબતમાં ભારતમાં નંબર-વન ગણાય છે ત્યાં મહિલાઓ વિજ્ઞાનક્ષેત્રમાં વધુ જોવા મળે છે. જોકે હવે ગુજરાતી મહિલાઓ પણ હમ કિસી સે કમ નહીંની જેમ વૈજ્ઞાનિક શોધ-સંશોધનમાં ઉલ્લેખનીય કામગીરી બજાવી રહી છે. ‘મિડ-ડે’એ કેટલીક ગુજરાતી મહિલા રિસર્ચરો સાથે શું કામ મહિલાઓએ વિજ્ઞાનક્ષેત્રમાં રસ લેવો જોઈએ અને એક સ્ત્રી તરીકે શું કામ આ ક્ષેત્રમાં તેઓ શ્રેષ્ઠ પ્રદાન કરી શકે છે એ સંદર્ભે વાતચીત કરી ત્યારે શું જાણવા મળ્યું એ વાંચો આગળ...

મહિલામાં રહેલો નર્ચરિંગનો ગુણ બનાવી શકે છે તેને શ્રેષ્ઠ સાયન્ટિસ્ટઃ ડૉ. મેઘા ભટ્ટ

ચાર વર્ષ ઇસરોમાં પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલાં અને આજે પણ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી સાથે સંકળાયેલાં રિસર્ચર ડૉ. મેઘા ભટ્ટને વિજ્ઞાનક્ષેત્રમાં ૨૫ વર્ષ પૂરાં થઈ ચૂક્યાં છે. તેમણે કરેલાં સંશોધનોના ૬ રિસર્ચપેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. છેલ્લે તેમણે ગુજરાતના ચાર નૅશનલ પાર્કમાં ઑર્ગેનિક કાર્બનના લેવલ પર રિસર્ચ કર્યું છે અને ગ્લોબલ વૉર્મિંગના દૃષ્ટિકોણથી તેમના આ રિસર્ચને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના મળી છે. વિજ્ઞાનમાં મહિલાઓની આવશ્યકતા શું કામ જરૂરી છે એ સંદર્ભે તેઓ કહે છે કે ‘વિજ્ઞાન એ તર્કનો જ વિષય નથી, પણ એમાં ઘણાંબધાં પાસાંઓ મહત્વનાં હોય છે. આજે સંશોધનનું વિશ્વ ઘણું આગળ વધી ગયું છે. પશ્ચિમના દેશોની જેમ જ હવે આપણે ત્યાં પણ સંશોધનને મહત્વ અપાઈ રહ્યું છે, કારણ કે સંશોધનો એ આવનારા સમયની સમસ્યાને દૂર કરવા માટે દિશા ચીંધવાનું કામ કરે છે. મહિલાઓ આ કાર્ય એટલે જ શ્રેષ્ઠ રીતે કરી શકે છે. એક અભણ માતા પણ પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવી શકે છે, કારણ કે નર્ચરિંગ એ સ્ત્રીમાં સહજ ગુણ ગણાય છે. વિજ્ઞાનમાં પણ આ નર્ચરિંગનો ગુણ મહત્વનો છે. જેમ તમે ‘મિશન મંગલ’ નામની ફિલ્મમાં જોયું હશે કે મહિલા સાયન્ટિસ્ટ તપેલા તેલમાં ગૅસ બંધ કરીને પૂરી તળવાની વાતને વિજ્ઞાન સાથે જોડી શકે છે. એ ક્રિટિકલ થિન્કિંગ જ આવનારા સમયમાં વિજ્ઞાનમાં નવતર પ્રયોગનો અવકાશ વધારશે જો મહિલાઓ એમાં હશે. હું તો દરેક યંગ મહિલાઓને વિજ્ઞાનના રિસર્ચક્ષેત્રમાં આગળ આવવાની અને વર્તમાન સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય એના ઉપયુક્ત વૈજ્ઞાનિક ઉકેલ શોધવા માટે પ્રયત્નશીલ થવાની અપીલ કરીશ.’

કંપનીઓ તત્પર છે મહિલા સાયન્ટિસ્ટને તક આપવા માટેઃ ડૉ. પ્રેરણા સોંથાલિયા - ગોરડિયા

વિલે પાર્લેમાં રહેતાં ડૉ. પ્રેરણા અમિત ગોરડિયા છેલ્લાં ૧૫ વર્ષથી એક અમેરિકન કંપનીમાં રિસર્ચ ફીલ્ડમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કામ કરે છે. રસાયણશાસ્ત્રમાં તેમણે ડૉક્ટરેટ કર્યું છે અને અત્યારે આઇઆઇટી મુંબઈના કૅમ્પસમાં આવેલી તેમની ઑફિસમાં તેઓ વિવિધ રસાયણોની વિવિધ પ્રોડક્ટ પર શું અસર થાય એના પર સતત સંશોધન કરી રહ્યાં છે. વિવિધ ટેક્નૉલૉજીમાં વિવિધ કેમિકલની ભૂમિકા શું હોય અને કેટલાંક વિશેષ કેમિકલ દ્વારા કઈ રીતે કેટલાંક કાર્ય વધુ બહેતર રીતે કરી શકાય એ તેમના સંશોધનમાં પ્રાઇમ હોય છે. પ્રેરણા કહે છે, ‘નવી ઇમર્જિંગ ટેક્નૉલૉજીમાં કેમિકલનો રોલ જાણવો એ અમારું મુખ્ય કામ છે. રિસર્ચનું કાર્ય ડિમાન્ડિંગ છે અને એમાં સતત લૉજિકનો અને આંકડાઓનો ઉપયોગ કરવો પડતો હોય છે એ સાવ સાચી વાત છે પરંતુ માત્ર આંકડા અને તર્ક પર રિસર્ચનો પાયો નથી રચાતો. રિસર્ચનો પાયો રચાય છે પ્રૉબ્લેમ અને એના સૉલ્યુશન પર. સમસ્યાને જાણવા અને એને માટે અપ્રોપ્રિએટ ઉકેલ શોધવાના કામમાં હૉલિસ્ટિક અપ્રોચ ખૂબ મહત્વનો છે અને આ હૉલિસ્ટિક અપ્રોચ મહિલાઓના લોહીમાં હોય છે એમ કહું તો વધુપડતું નહીં ગણાય. આ વાત ઘણીબધી કંપનીઓ સમજતી થઈ ગઈ છે અને કંપનીઓ પોતે જ પ્રયત્ન કરી રહી છે કે મહિલાઓની સંખ્યા વધે. મને ડાયરેક્ટ રિપોર્ટ કરતી ૧૫ જણની ટીમમાં ૪૦ ટકા મહિલાઓ છે. મેં જ્યારે જૉઇન કર્યું ત્યારે મહિલાઓનું પ્રમાણ ઓછું હતું જે હવે સતત વધી રહ્યું છે. કંપનીઓ તૈયાર છે, તક ઉપલબ્ધ છે. બસ હવે જરૂર છે એ દિશામાં આગળ વધવાની. મહિલાઓએ આ વિશે વધુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને પરિવારોએ પણ તેમને પોતાનાથી બનતો શ્રેષ્ઠ સપોર્ટ આપવાની આવશ્યકતા છે.’

અમારા જમાના કરતાં સમય ૧૦૦ ટકા બદલાયો છે હવેઃ ડૉ. કંચન કોઠારી

ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં પોતાની અડધી જિંદગી વિતાવનારા અને ઇન્ટરનૅશનલ જર્નલમાં જેમનાં ૧૦૦થી વધુ રિસર્ચ-પેપર પબ્લિશ થઈ ચૂક્યાં છે એ ડૉ. કંચન કોઠારી હવે રિટાયર થઈ ચૂક્યાં છે, પરંતુ તેમનો વૈજ્ઞાનિકનો જીવ આજે પણ અવનવાં સંશોધનોના વિષયમાં વિચારતો રહે છે. ન્યુક્લિયર રેડિયો ફાર્માસ્યુટિકલ વિષય પર તેમણે સંશોધન કર્યાં છે. ડૉ. કંચન કહે છે, ‘ન્યુક્લિયર રેડિયો ફાર્માસ્યુટિકલ એટલે વિવિધ તબીબી પદ્ધતિમાં રોગના નિદાનમાં રેડિયેશનનો ઉપયોગ કઈ-કઈ રીતે થઈ શકે એ વિષય પર મેં ખૂબ કામ કર્યું છે અને મારા ફાઇન્ડિંગ્સને કારણે ટ્રીટમેન્ટમાં ઘણા બદલાવ પણ આવ્યા છે. કૅન્સરમાં વપરાતા પેટ સ્કૅનને લઈને મેં કેટલાંક સંશોધન કર્યાં છે. મેં ૧૯૭૩માં જ્યારે જૉઇન કર્યું ત્યારે મારા વિભાગમાં હું માત્ર એક મહિલા વૈજ્ઞાનિક હતી. સંપૂર્ણ પુરુષપ્રધાન ક્ષેત્ર જ હતું. આજે પણ છે. જોકે હવે મહિલાઓની સંખ્યા નોંધનીય રીતે વધી રહી છે. મારી દૃષ્ટિએ એ વધવી પણ જોઈએ. સહજ રીતે તેમની ઍનૅલિટિકલ સ્કિલ સારી છે. વિજ્ઞાનમાં પણ ધર્મની જેમ ડિવોશનની અને એકતાન થઈને કામ કરવાની જરૂર હોય છે. સંશોધન એટલે જે પહેલેથી છે એનું અનાવરણ કરવું. એને માટે એકતાન થવાનો, ઓતપ્રોત થવાનો ગુણ મહત્વનો છે. મહિલાઓની સંવેદનશીલ પ્રકૃતિને કારણે આ ડિવોશન સહજ આવે છે જે વિજ્ઞાનના અનેક નવા આયામોને સર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.’

ruchita shah columnists