મનોરંજનનું અનુશાસન: તકલીફ, પીડા, ગાંડપણ અને વિકૃતિ જોવા માટે કોણ તત્પર?

05 September, 2020 06:15 PM IST  |  Mumbai | Manoj Joshi

મનોરંજનનું અનુશાસન: તકલીફ, પીડા, ગાંડપણ અને વિકૃતિ જોવા માટે કોણ તત્પર?

પ્રતીકાત્મક તસવીર

વેબ-સિરીઝના વિષય પરથી નક્કી થતું હોય છે કે એ જોવાનું કયો વર્ગ પસંદ કરશે. સેક્સ, બળાત્કાર, ડ્રગ્સ, દારૂ અને એવા બધાનો અતિરેક જેમાં હોય છે એ પ્રકારનું કન્ટેન્ટ જોવાનું મિડલ ક્લાસ ક્યારેય પસંદ નથી કરતો. એમની પારિવારિક વ‌િટંબણાઓ જ એટલી હોય છે, તેમના અંગત જીવનની તકલીફો જ એટલી હોય છે કે એ નવું ટેન્શન લેવાનું પસંદ નથી કરતો અને આમ પણ જો આ બધા ક્ષેત્રને પણ જુઓ તો એમાં મિડલ ક્લાસ બહુ ઓછો સંકળાયેલો જોવા મળે છે. ડ્રગ્સ કોણ લે છે એ જોશો તો તમને દેખાશે કે કાં તો અતિશય ધનાઢ્યને એની લત છે અને કાં તો સાવ ગરીબ છે એવા લોકોને એની લત છે. અનધિકૃત સેક્સની બાબતમાં પણ આ જ બન્ને કૅટેગરીના લોકો સંકળાયેલા હોય છે. બળાત્કાર જેવી ઘટનાઓને પણ જોશો તો તમને સમજાઈ જશે કે એ બધામાં પણ આ જ બન્ને વર્ગ સામેલ હોય છે. મિડલ ક્લાસની કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટનામાં મોટા ભાગે જોવા મળતી નથી. દારૂ માટે પણ એવું જ છે. મારા અને તમારા ઘરમાં તો આજે પણ દારૂની બૉટલ આવતી નથી. એ નહીં આવવા પાછળ ક્યાંય આપણી સંકુચિત માનસિકતા કામ નથી કરી રહી, એ કામ સમજદારી કરી રહી છે. આ પ્રકારની લત નુકસાનકર્તા છે એવી સમજણના આધારે જ આપણે એ દિશામાં આગળ વધતા નથી.

જો આવું બનતું હોય તો સ્વાભાવિક રીતે આ પ્રકારના વિષય પર બનનારી ડાર્ક-શેડની વેબ-સિરીઝ પણ એ જ વર્ગ જોતો હોય છે જેને આ પ્રકારનું મનોરંજન જોઈએ છે. શાક વેચતો કે રિક્ષા ચલાવતો જીવનના થાક અને જિંદગીના મારથી હારીને આ પ્રકારના સસ્તા મનોરંજનમાં જતો હોય છે. તે પોતાના જીવનનો ભાર ક્યાં ઓછો કરવો એના રસ્તા શોધતો હોય છે. રસ્તા શોધવાની આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં ડ્રગ્સ અને દારૂના ઉપયોગથી રાહત મળશે એવી આશા તેના મનમાં આવી ફિલ્મોથી જન્મી જાય એવું બને એ શક્યતા પૂરેપૂરી છે અને જો એવું જ હોય તો આ પ્રકારની વેબ-સિરીઝને હવેથી સેન્સર-બોર્ડ જુએ અને એને ઍડલ્ટનું સર્ટિફિકેટ આપે એ જરૂરી બની જાય છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા છોકરાઓ આવી ફિલ્મોમાં ઘૂસી જાય છે એ આપણી કમનસીબી છે અને મોટી કમનસીબી એ છે કે આવી સિરીઝ જોયા પછી એ ડ્રગ્સ શોધી પણ લે છે અને એના રવાડે પણ ચડી જાય છે. આવું બન્યું છે અને બનતું રહેતું હોય છે. જો એ બાળકો ડ્રગ્સ સુધી પહોંચી ગયાં તો એને રસ્તો દેખાડવાનું કામ કોણે કર્યું કહેવાય? ડ્રગ્સના રસ્તે ચડી ગયા પછી કેવા હાલ થાય છે એ દેખાડવા જતાં તમે એ રસ્તો કેટલાકને ચીંધી રહ્યા છો એ પણ તમારે યાદ રાખવું જોઈએ અને જો એવું થતું હોય તો તમારા પર અનુશાસન મૂકવામાં આવે તો એમાં કશું ખોટું નથી. અનુશાસનનો એક નિયમ છે કે જો એ સ્વયં લેવામાં ન આવે તો નાછૂટકે એના પર બાહ્ય અનુશાસન આવે છે. જો અનુશાસન મૂકશો નહીં તો એક દિવસ એવો આવી જશે કે એની જવાબદારી સરકાર ઉપાડી લેશે અને સરકાર ઉપાડશે ત્યારે એકેએકના પેટમાં દુખાવો શરૂ થઈ જશે.

columnists manoj joshi web series