એક નિસ્પૃહ સાધુત્વનું નિર્માણ અંજારની નંદીશાળા

04 August, 2020 12:58 PM IST  |  Kutch | Mavji Maheshwari

એક નિસ્પૃહ સાધુત્વનું નિર્માણ અંજારની નંદીશાળા

આ દેશમાં ગાય હંમેશાં ચર્ચામાં રહી છે. એનાં કારણો સૌ જાણે છે. ગાયને બચાવવા, એના સંવર્ધન અને એની ઉપયોગીતા માટે સામાન્યજનથી માંડીને સરકાર સુધી સૌ  સક્રિય રહ્યા છે. ગાય તરફ કરુણા વહેવી એ ભારતીય પ્રજાની ખાસિયત રહી છે. ભારતમાં એક પ્રાણી તરીકે ગાયને જેટલું સન્માન મળ્યું છે એટલું અન્ય પ્રાણીને નથી મળ્યું, પરંતુ ગાયના પેટે જ જન્મ લેનાર નર ગૌવંશની શી દશા છે એ સમગ્ર ભારતવાસીઓ સારી રીતે જાણે છે. ખેતીમાં યંત્રોના પ્રવેશ પછી બિનઉપયોગી બની ગયેલા નર ગૌવંશનું શું કરવું એ માટે ન તો સરકાર પાસે કોઈ ઉપાય છે ન સમાજ પાસે. પરંતુ અંજારના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે આ દિશામાં પહેલ કરી છે. તેમણે નર ગૌવંશ માટે અંજારમાં નંદીશાળા શરૂ કરી છે.

પશ્ચિમ ભારતનાં બે રાજ્યો, ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન ગૌશાળા અને પાંજરાપોળોના નિભાવ માટે વર્ષોથી અગ્રેસર રહ્યાં છે. એમાંય ગુજરાત રાજ્યની મહાજન પરંપરામાં માત્ર મનુષ્ય જ નહીં, અન્ય જીવોનો પણ ખ્યાલ રખાયો છે. કચ્છમાં માંદા, અશક્ત અને ખોડખાપણવાળાં ગાય અને બળદને નિભાવવા માટે મોટા ભાગનાં શહેરો અને ગામડાંઓમાં પાંજરાપોળો હતી, જેમાંની કેટલીક હજીય ચાલે છે. તો કચ્છમાં કેટલીક ગૌશાળાઓ પણ છે, જ્યાં ગાયોનો નિભાવ કરવામાં આવે છે. કચ્છની પાંજરાપોળો મોટા ભાગે અશક્ત પશુ, ખેડવાલાયક ન રહ્યા હોય એવા બળદ અને વસૂકી ગયેલી ગાયોનો નીભાવ પણ કરતી રહી છે, પરંતુ છેલ્લાં ત્રીસેક વર્ષથી ચિત્ર બદલાયું છે. એક તરફ ગામડાંમાં ચાલતી મોટા ભાગની પાંજરાપોળો બંધ પડવા માંડી તો બીજી તરફ ખેતીમાં યંત્રો પ્રવેશ્યાં. પરિણામે બળદની જરૂરિયાતો ઘટવા માંડી. અત્યારે કચ્છમાં સ્થિતિ એ છે કે મોટા ભાગનાં ગામડાંઓમાં ખેતી ટ્રૅક્ટર આધારિત થઈ ગઈ છે. રોકડિયા પાકોનું ચલણ વધ્યું હોવાથી બળદની ખાસ જરૂરત રહી નથી. પહેલાં નર વાછરડાની લે-વેચ થતી એ બંધ થવા લાગી. પરિણામે નર વાછરડાની સંખ્યા વધવા માંડી. નર વાછરડાની કોઈ સીધી ઉપયોગીતા ન હોવાથી તેના માલિકો એને રખડતા મૂકી દેવા લાગ્યા. કેટલાંક ગામડાંઓમાં આવા રખડતા, પુખ્ત અને નાના વાછરડાઓને ‘રામધણ’ તરીકે ગાયો ચારતા ગોવાળો ખાતરની આશાએ ચારે છે. તેમ છતાં, આવા નર ગૌવંશની સંખ્યા એટલી વધી ગઈ કે ખાસ કરીને શહેરોમાં એક નવી જ સમસ્યા દેખા દેવા લાગી. આ સમસ્યા આજની તારીખે ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં છે. ભારતનું એવું કોઈ શહેર નહીં હોય જ્યાં આખલાઓની લડાઈનાં દશ્યો સર્જાતાં ન હોય.

ભારતીય સંસ્કૃતિમાં પુખ્ત નર ગૌવંશને એક સન્માનજનક નામ આપવામાં આવ્યું છે. એનું ચોક્કસ પૂજનીય સ્થાન પણ છે. ભગવાન શિવજી જેની સવારી કરે છે એવા નંદીની મંદિરમાં જનાર ભક્તો પૂજા પણ કરે છે, પરંતુ એ જ નંદી વાસ્તવિક જીવનમાં આખલા તરીકે વગોવાય છે, જે આપણી અધકચરી વ્યવસ્થાઓનું પરિણામ છે. પરંતુ ભારતીય સમાજવ્યવસ્થામાં જ્યારે-જ્યારે અવ્યવસ્થા સર્જાઈ છે ત્યારે-ત્યારે કોઈ ને કોઈ સાધુપુરુષ આગળ આવ્યા છે. એ પણ હકીકત છે.  આખાય ભારતને દિશા મળે એવું કામ અંજારના સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પૂજનીય ત્રિકમદાસજી મહારાજે કર્યું છે. ત્રિકમદાસજી મહારાજનું નામ માત્ર કચ્છમાં જ નહીં, હવે ગુજરાતમાં પણ જાણીતું થવા માંડ્યું છે. એનાં કેટલાંક કારણ છે. ત્રિકમદાસજી મહારાજ એક ચોક્કસ સંપ્રદાયના ધર્મગુરુ છે. સશક્ત કૃષ્ણભક્તિ પરંપરાના ગાદીપતિ છે, પરંતુ તેમનો માંહ્યલો જુદો છે. તેઓ અધ્યાત્મ અને ધર્મને જુદી દષ્ટિએ જુએ છે. આપણી સંસ્કૃતિના મૂળ મંત્ર સર્વજન હિતાય અને સર્વજન સુખાયને તેમણે ચરિતાર્થ કર્યો છે. ત્રિકમદાસજી મહારાજ જુદી માટીના છે. ભારેખમ ઉપદેશો  અને પરલોકની અટપટી વાતોમાં પડ્યા વગર તેઓ આ લોકની જીવસૃષ્ટિ વિશે વિચારે છે. નાતજાતના વાડાથી હજારો કોશ દૂર એવા ત્રિકમદાસજી મહારાજે સામાજિક, શૈક્ષણિક તેમ જ પર્યાવરણની રક્ષાનો એક જંગ આદર્યો છે. તેમણે પોતાનું સાધુત્વ સિદ્ધ કર્યું છે. છેલ્લા દોઢ દાયકામાં તેમણે કરેલી જનકલ્યાણની પ્રવૃ‌ત્ત‌િઓની નોંધ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. સત્તાપર ગામની વગડાઉ અને નિર્જન જમીન પર ગોવર્ધન પર્વતનું નિર્માણ કરી અગિયાર હજાર વૃક્ષો ઉછેરી એક રમણીય સ્થળ બનાવ્યું. ભુજ ખાતે આકાર લઈ રહેલા સ્મૃતિવન પ્રકલ્પમાં વૃક્ષો ઉછેરવાની જવાબદારી તેમના શીરે છે. આવનારા સમયમાં ભુજિયો ડુંગર રળિયામણો લાગશે એનાં એંધાણ દેખાઈ રહ્યાં છે. નાગલપર ગામે તેમની નિશ્રામાં ચાલતી ગૌશાળામાં ગાયોની માત્ર સંભાળ લેવાતી નથી, તેમને માતાની જેમ સન્માન આપવામાં આવે છે. દર વર્ષે શહેર અને તાલુકાના ગરીબ તેમ જ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં પણ ત્રિકમદાસજી મહારાજ આગળ છે.

આવા ત્રિકમદાસજી મહારાજનું અંતર ત્યારે કકળી ઊઠ્યું જ્યારે રાજસ્થાનથી આવેલા ગૌઋષિ તરીકે જાણીતા સ્વામી દત્તશરણાનંદજીએ કચ્છમાં રખડતા ગૌવંશની વેદના વ્યક્ત કરી. ત્રિકમદાસજી મહારાજે ત્યારે જ મનોમન ગાંઠવાળી કે ગાયો માટે તો અનેક લોકો વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, પણ શહેરમાં રખડતા આખલાઓનું શું ? જેને ભારતદેશ માતા ગણતું હોય તેના દીકરાની આ દશા? લોકો જેને નંદીજી તરીકે પૂજા કરે છે તેના જીવતા સ્વરૂપને આટલી પીડામાંથી પસાર થવાનું? તેમને હડધૂત થવાનું? ત્રિકમદાસજી મહારાજે ખૂબ મનન કર્યું. શું-શું થઈ શકે એ વિચારી જોયું અને તેમણે પોતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવાની કવાયત શરૂ થઈ. સેવાભાવી લોકો, દાતાઓ, શ્રેષ્ઠિઓ, સત્તાધિશો આપોઆપ જોડાતા ગયા. એના ફળસ્વરૂપે અંજારના પાદરે વીડી ગામે જતા રસ્તાને કિનારે છ એકર જમીન પર ‘શ્રી ગોવર્ધન નંદીશાળા’ ઊભી થઈ. ભારત તેમ જ વિશ્વમાં ગૌશાળાઓ સંખ્યાબંધ છે, પરંતુ ભારતની જ નહીં, સંભવતઃ વિશ્વની પ્રથમ નંદીશાળા ઊભી કરવાનું શ્રેય પૂજ્ય ત્રિકમદાસજી મહારાજને જાય છે, સાથોસાથ તેમના આ મહાયજ્ઞમાં જોડાયેલા લોકોને જાય છે.

હાલ આ નંદીશાળામાં ૪૫૦ જેટલા નંદીનો નિભાવ કરવામાં આવે છે. સ્થાનિક નગરપાલિકાનું તંત્ર શહેરમાં ફરતા નંદીને પકડીને નંદીશાળામાં મૂકી જાય છે. જ્યાં સૌ પહેલાં તો તેમના સ્વાસ્થ્યને ચકાસવામાં આવે છે, કેમ કે આવેલા નંદીના પેટમાં પ્લાસ્ટિકનો કચરો હોવાની સંભાવના વધૂ રહે છે. એ સારવાર બાદ તેને નવડાવીને સ્વચ્છ કરાય છે. નંદીની વય અને જરૂરિયાત મુજબ ખોળ તેમ જ સૂકો અને લીલો ચારો નીરવામાં આવે છે. પાણીની જરૂરિયાત માટે આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી આપમેળે પાણી ભરાય અને તેની સફાઈ થઈ શકે. હાલ આ નંદીશાળાનું કાર્યક્ષેત્ર માત્ર અંજાર શહેર પૂરતું જ છે, પરંતુ ભવિષ્યમાં એનો વ્યાપ જિલ્લા સ્તર સુધી પહોંચાડવાની કાર્યયોજના વિચારાધિન છે. આ નંદીશાળાનો રોજનો ખર્ચ ૨૦થી ૨૫,૦૦૦ રૂપિયા જેટલો થાય છે. ગઈ સાલ શ્રાવણ વદ દસમથી શરૂ થયેલી આ નંદીશાળા અત્યાર સુધી ૯૦ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી ચૂકી છે. અત્યાર સુધી ગૌભક્તો, સખીદાતાઓ, વિવિધ સંસ્થાઓએ યથાશક્તિ દાન આપ્યું છે. ગુજરાતની નામદાર સરકારે પણ રાહતનિધિ પેટે નિયમાનુસાર કેટલીક રાશિ ચૂકવી છે. આ એક એવું કાર્ય છે જેમા ખર્ચ વધશે, પણ ઘટશે નહીં. આવનારા સમયમાં અહીં નિભાવવામાં આવતા નંદીની સંખ્યા વધશે જ, પરંતુ આ સંસ્થાના પ્રણેતા ત્રિકમદાસજી મહારાજ મનોમન પોતાના આરાધ્ય દેવ મુરલીધરને બધોય ભાર સોંપીને હળવા થઈ ગયા છે. તેમને ખબર છે કે ભારત એવો દેશ છે જ્યાંના માણસના હૈયામાં કરુણાની સરવાણી કદીય સુકાઈ નથી. આ સંસ્થામાં રહેતાં પ્રાણીઓને કુદરતી ઠંડક મળી રહે એ માટે સંખ્યાબંધ વૃક્ષો ઊછરી રહ્યાં છે સાથે-સાથે પરિવહન ખર્ચ બચે એ માટે ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉન આકાર લઈ રહ્યાં છે. મિત્રો, જ્યારે સંસારથી અલિપ્ત એક-એક સાધુજન સંસાર માટે, અબોલ જીવો માટે આટલી ચિંતા સેવી રહ્યા હોય ત્યારે આપણે તો સંસારી છીએ. આપણું પણ કંઈક યોગદાન હોવું જોઈએ.

gujarat saurabh shukla kutch columnists mavji maheshwari