આજે એક દીવો પ્રગટાવીએ

03 July, 2022 08:13 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ધ્વનિમાં જ્યારે અર્થ ઉમેરાયો હશે ત્યારે એને ભાષાની ઓળખ મળી હશે. આ ભાષાએ સાહિત્ય નામની ઓળખ ક્યારે અને શી રીતે પ્રાપ્ત કરી હશે એ રસપ્રદ ચર્ચાનો વિષય છે

આજે એક દીવો પ્રગટાવીએ

માણસજાતે પૃથ્વી પર વિચરણ કર્યું એને કેટલાં વર્ષ થયાં હશે એનો કોઈ ચોક્કસ અંદાજ તો મેળવી શકાયો નથી. આજે માઇલના વિસ્તારમાં પથરાયેલી પૃથ્વી પર માણસે જીવન વિસ્તર્યું હશે ત્યારે સૌપ્રથમ તેણે પરસ્પર સાથે વ્યવહાર કરવા માટે કેટલાંક ચોક્કસ ઉચ્ચારણો કર્યાં હશે. આ ઉચ્ચારણો એ ભાષા નથી. એ અવાજ છે, ધ્વનિ છે. આ ધ્વનિમાં જ્યારે અર્થ ઉમેરાયો હશે ત્યારે એને ભાષાની ઓળખ મળી હશે. આ ભાષાએ સાહિત્ય નામની ઓળખ ક્યારે અને શી રીતે પ્રાપ્ત કરી હશે એ રસપ્રદ ચર્ચાનો વિષય છે. 
દેખીતું જ છે કે ભૂપ્રદેશના વિસ્તાર સાથે જ ભાષાઓ વિકસી હોય અને વખત જતાં આ ભાષાઓની સંખ્યા હજારોની થઈ ગઈ હોય. આ હજારો ભાષાઓ કાળક્રમે વિકસે અને પછી કાળક્રમે વિલુપ્ત પણ થઈ જાય. આ ભાષાઓનું આપણી પાસે રહેવું એ આપણો આજનો ઇતિહાસ છે, સંસ્કૃતિ છે, આપણો પરસ્પરનો વહેવાર છે. 
આપણો દેશ અને આપણી ભાષા
દેશને પોતાની એક આગવી વિશિષ્ટ અને રાષ્ટ્રીય કક્ષાની ભાષા હોવી જોઈએ. આવો પ્રશ્ન ૧૯૪૭ પહેલાં આપણા મનમાં ઉદ્ભવ્યો નહોતો. આનું કારણ એ હતું કે દેશ પર અંગ્રેજો શાસક હતા અને શાસકની પોતાની ભાષા એ જ દેશના શાસિતોની ભાષા એવી સમજણ સર્વવ્યાપી હતી. અંગ્રેજી શાસકની ભાષા હતી અને અંગ્રેજી પૂર્વે પાંચ-છ સૈકા સુધી મુસ્લિમ શાસન હોવાને કારણે ફારસી કે ઉર્દૂ આપોઆપ જ દેશની ભાષા તરીકે સ્વીકારાઈ ચૂકી હતી. જોકે ૧૯૪૭થી નવી પરિસ્થિતિ પેદા થઈ અને હવે જે શાસકો હતા તેઓ એકભાષી નહોતા, બહુભાષી હતા. હિન્દી મોટા ભાગની વસ્તી વપરાશમાં રાખતી હતી, પણ દેશનો એક વિશાળ વર્ગ હિન્દીને દેશની રાષ્ટ્રીય ભાષા તરીકે સ્વીકારે એમ નહોતો. આમ મૂળ વાત ભાષાની નથી, સાહિત્યની છે. રામાયણ દેશવ્યાપી ગ્રંથ બનવાનું કારણ એની ભાષા નથી, પણ એમાં રહેલું સાહિત્ય છે. આ સાહિત્ય શબ્દ આપણે સમજી લેવા જેવો છે. 
માણસજાત ગમે ત્યાં અને ગમે ત્યારે વસતી હોય, પણ તેનામાં જે જીવનતત્ત્વ રહેલું છે એ સનાતન અને સર્વત્ર છે. સેંકડો વર્ષો પૂર્વેનું ગ્રીક સાહિત્ય હોય, હિબ્રૂ સાહિત્ય હોય કે સંસ્કૃત સાહિત્ય હોય - આ બધાની વચ્ચે રહેલો માણસ લગભગ એક જ હોય છે. આ એકનો એક માણસ બધાની વચ્ચે ફરતો રહેતો નથી તો પછી સાહિત્યની સમજણ નવેસરથી કેળવવી પડે છે. દેશની પારસ્પરિક જોડાણવાળી ભાષાઓ એકબીજાથી વધુ ને વધુ સંલગ્ન થાય એ એક જરૂરી વાત છે. આઝાદી પછી તરત જ સ્થપાયેલી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મૂળભૂત પાયામાં આ વાત રહેલી છે. તાત્પૂરતી ૧૪ ભાષાઓને ભારતની સ્વીકૃત ભાષા તરીકે ગણતરીમાં લીધા પછી એવું ઠરાવવામાં આવ્યું હતું કે પ્રત્યેક ભાષાના શ્રેષ્ઠ પુસ્તકને પ્રતિ વર્ષ પારિતોષિક આપવું અને આ પુસ્તક બીજા વર્ષે પારિતોષિક અપાય ત્યારે અન્ય ૧૩ ભાષાઓમાં અનુદિત કરીને પ્રકાશિત કરાવવું. આમ કરવાથી દર વર્ષે નવાં પુસ્તકોને સ્વીકૃતિ પ્રાપ્ત થાય અને એ સાથે જ આગલા વર્ષનું પુસ્તક દેશની તમામ ભાષાઓમાં પ્રસાર પામે. જોકે સાહિત્યની આ ઉત્તમ વિભાવનાનો અમલ થઈ શક્યો નથી. આજે કેન્દ્રીય સાહિત્ય પાસે ૧૪ને બદલે ૨૮ ભાષા છે અને પેલો પાયાનો સિદ્ધાંતનો અમલ થઈ શક્યો નથી.
એક ઘરઆંગણાની વાત
મરાઠી આપણી એટલે કે ગુજરાતીઓની પાડોશી ભાષા છે. ગુજરાતીઓએ કેટલાક મરાઠી લેખકોને ગુજરાતીની જેમ જ પોતાના કરી દીધા છે. દાખલા તરીકે વિષ્ણુ સખારામ ખાંડેકર એટલે કે ટૂંકમાં વિ. સ. ખાંડેકર. ખાંડેકર જેટલા મરાઠીઓના લોકપ્રિય લેખક રહ્યા છે, ગુજરાતી વાચકો માટે પણ તેમની લોકપ્રિયતા એટલી જ રહી છે. સહેજ વધુ વિચારતાં એવું લાગે છે કે જે રીતે મરાઠી ખાંડેકર સાહિત્ય ક્ષેત્રે જેટલા ગુજરાતી બન્યા છે એટલા પ્રમાણમાં કોઈ ગુજરાતી લેખક મરાઠી કેમ નથી બન્યા? 
આજે રાજકોટમાં એક એવી ઘટના બની રહી છે કે એની અહીં નોંધ લેવી જોઈએ. રાજકોટમાં ગુજરાતી પ્રકાશક પ્રવીણ પ્રકાશન દ્વારા એક જ ગુજરાતી લેખકના એકસાથે ૧૧ પુસ્તકો પ્રગટ થઈ રહ્યાં છે અને એ સાથે જ એ જ ગુજરાતી લેખકનાં ૯ પુસ્તકો મરાઠી ભાષામાં અનુવાદિત થઈને પુણેના સુપ્રસિદ્ધ મરાઠી પ્રકાશક મહેતા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થઈ રહ્યાં છે. આનો અર્થ એવો થયો કે એક ગુજરાતી લેખકનાં ૨૦ પુસ્તકો એકસાથે પ્રકાશિત થાય અને એમાં ગુજરાતી તથા મરાઠી એમ બન્ને ભાષાઓનું પ્રભુત્વ જળવાયેલું રહે એ કાંઈ નાનીસૂની વાત નથી. દેશની સઘળી ભાષાઓનો ઇતિહાસ ઊંડાણથી તપાસીશું તો આ ઘટના એક અદ્વિતીય છે એવું લાગ્યા વિના રહેશે નહીં. 
ગુજરાતીમાં બંગાળી, હિન્દી તથા મરાઠી જેવી ભાષાઓમાંથી સાહિત્ય રચનાઓ પ્રકાશિત થતી રહી છે, પણ એ જ પ્રમાણમાં આપણે ત્યાં બીજી ભાષાઓમાંથી કૃતિઓ આવી નથી. એટલું જ નહીં, આપણી પોતાની ભાષામાંથી બીજી ભાષાઓમાં ખાસ ઓછા પ્રમાણમાં રચનાઓ અનુદિત થઈ છે. આનું કારણ શું હોઈ શકે એવો એક પ્રશ્ન આ લખનારે એક મરાઠી સાહિત્ય સંમેલનમાં મરાઠી સાહિત્યકારોને પૂછ્યો હતો. એના જવાબમાં મરાઠી લેખકોએ કહેલું કે ગુજરાતી સાહિત્ય પ્રમાણમાં અનુદિત થઈને જતું ન હોય એનું આ પરિણામ છે. આ જવાબ એક નિરીક્ષણ હતો કે પછી એમાં કોઈ કટાક્ષ પણ રહેલો હતો એ આપણે સમજી લેવું જોઈએ. આજે રાજકોટમાં એક જ ગુજરાતી લેખકનાં ૨૦ પુસ્તકો અને એમાં પણ ૯ મરાઠી ભાષાંતરો પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે ભાષાના પ્રશ્ન સાહિત્યનું ધોરણ તપાસીને આ વાત વિચારી લેવા જેવી છે. 
મૂળ વાત સાહિત્યિક આદાન-પ્રદાનની છે. અન્ય ભાષાનું ઉત્તમ ગણાતું સાહિત્ય જેટલું આપણે આપણી પોતાની ભાષામાં લાવી શકીશું એટલી આપણી ભાષાની સમૃદ્ધિ વધશે એ સમજી લેવું જોઈએ. મરાઠી ખાંડેકર જો ગુજરાતી બની શકતા હોય તો ગુજરાતના રમણલાલ વસંતલાલ દેસાઈ, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી કે મનુભાઈ પંચોળી શા માટે એટલા જ ધરખમ બનીને બીજી ભાષામાં ન જાય? આમાં કોઈ સાહિત્યિક વળતરની વાત નથી.
સાહિત્યની શોધ, સમજ
કમ્પ્યુટરના આગમન પછી વાંચનારાઓની સંખ્યા ઘટતી જાય છે. હવે વાંચનાર કરતાં સાંભળનારાઓનો વર્ગ વધ્યો છે એવું કહેવાય છે. સાંભળનારાએ પણ જે સાંભળવું પડે છે એ આખરે તો સર્જક દ્વારા લખાયેલું સાહિત્ય જ છે. આમ સાહિત્ય વિના કોઈ સંસ્કારી પ્રજાને ક્યારેય ચાલવાનું નથી એ વાત ભુલાઈ જવી ન જોઈએ. 
રાજકોટમાં આજે ગુજરાતી અને મરાઠી સાહિત્યનું જે સરસ અધિષ્ઠાન થઈ રહ્યું છે એ અધિષ્ઠાનને આપણે સૌ સાથે મળીને અભિનંદન આપીએ અને આવાં અધિષ્ઠાન આપણી ભારતીય ભાષાઓ વચ્ચે અવારનવાર થતાં રહે એવી શુભકામના સાથે આજે એક દીવો પ્રગટાવીએ!

આઝાદી પછી સ્થપાયેલી કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મૂળભૂત પાયામાં આ વાત રહેલી છે. તાત્પૂરતી ૧૪ ભાષાઓને ભારતની સ્વીકૃત ભાષા તરીકે ગણતરીમાં લીધા પછી એવું ઠરાવવામાં આવ્યું હતું કે પ્રત્યેક ભાષાના શ્રેષ્ઠ પુસ્તકને પ્રતિ વર્ષ પારિતોષિક આપવું અને આ પુસ્તક બીજા વર્ષે પારિતોષિક અપાય ત્યારે અન્ય ૧૩ ભાષાઓમાં પ્રકાશિત કરાવવું.

columnists dinkar joshi