રન મુંબઈ રન...

18 January, 2020 03:03 PM IST  |  Mumbai | Varsha Chitaliya, Sanjay Pandya

રન મુંબઈ રન...

મૅરથૉન

આમ તો મુંબઈ રોજ દોડતું જ હોય છે, પણ આવતીકાલે ૧૬મી મૅરથૉનમાં દોડવા માટે લોકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. ગુજરાતીઓ પણ એમાં જરાય પાછા પડે એમ નથી. ખાવા-પીવા અને જલસા કરવામાં અવ્વલ ગણાતા ગુજરાતીઓમાંથી અમે એવા લોકોને ખોળી કાઢ્યા છે જેમને નથી નડી ઉંમરની સીમા, નથી દેશની સીમા અને નથી કોઈ બીમારીની સીમા. હેલ્થને જ વેલ્થ માનીને મૅરથૉનમાં દોડવા માટેનું જબરું પૅશન ધરાવતા આ દોડવીરોની વાત સાંભળીને તમને પણ ખરેખર દોડવાનું મન થઈ જશે એની ગૅરન્ટી

આ ગુજરાતી બિઝનેસમૅન ૨૦૦મી મૅરથૉન દોડીને બનશે આ લક્ષ્યાંક મેળવનારા પ્રથમ ભારતીય - હીરેન્દ્ર કુરાની

મુંબઈમાં મૅરથૉન  વર્ષ ૨૦૦૪થી યોજાઈ રહી છે. આ મૅરથૉન સાથે જોડાયેલી એક રસિક બાબત એ છે કે આપણા ગુજરાતી એવા હીરેન્દ્ર કુરાનીની આ બસોમી મૅરથૉન દોડ હશે. બસોમી મૅરથૉન દોડનાર તે પ્રથમ જ ભારતીય છે. હીરેન્દ્ર કુરાની મુંબઈના ગુજરાતી દોડવીર છે, ભારતીય નાગરિકતા ધરાવે છે; પણ ધંધાર્થે જર્મની સ્થાયી થઈ વર્ષનો મોટા ભાગનો સમય ત્યાં વિતાવે છે.

‘બસોમી મૅરથૉન એટલે બધી જ ફુલ લેન્ગ્થ મૅરથૉન, ૪૨.૧૯૫ કિલોમીટર!’ હીરેન્દ્ર કુરાની વાતની શરૂઆત કરે છે, ‘એ બસો મૅરથૉનમાં કેટલીક અલ્ટ્રા મૅરથૉન પણ આવી જાય જેમાં મૅરથૉન કરતાં ત્રણ કિલોમીટર કે પચાસ-સાઠ કિલોમીટરનું વધારાનું અંતર હોઈ શકે. મોટા ભાગની મૅરથૉનમાં સરળ રસ્તાઓ હોય. જોકે જર્મનીમાં માઉન્ટન અલ્ટ્રા મૅરથૉનમાં ૪૮ ક‌િલોમીટર તો ફ્લૅટ રસ્તા પર દોડવાનું હતું, પણ પછી પહાડના ચડાણવાળો રસ્તો હતો. કેટલીક વાર જંગલના રૂટમાં પણ મૅરથૉન યોજાતી હોય છે સ્વિટ્ઝરલૅન્ડમાં પણ એ રીતે પહાડોમાં મૅરથૉન  યોજાય છે અને આવા રૂટ સ્પર્ધક માટે એક વિશેષ ચૅલેન્જ ઊભી કરતા હોય છે.’

૨૦૦૨થી મેં દોડવાની શરૂઆત કરી એમ જણાવતાં હીરેન્દ્રભાઈ કહે છે, ‘એ સમયે મારા શરીરનું વજન વધુ હતું, જે મારે ઓછું કરવું હતું. આમેય આપણે ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન અને સાથે ઑફિસ તથા ઘરનું બેઠાડુ જીવન એટલે શરીરમાં ચરબી વધતી જાય. દોડવાનું શરૂ કર્યા પછી મેં ધીરે-ધીરે દોડનું અંતર વધારવા માંડ્યું. લાંબી દોડ માટે તમારે શરીરને કેળવવું પડે છે. મૅરથૉન  માટે તમારાં ઘૂંટણ અને પગના મસલ્સ ધીરે-ધીરે કેળવાતાં જાય છે. હૃદયની પમ્પિંગ ક્ષમતા ધીરે- ધીરે વધે છે. ફેફસાં પણ લાંબી દોડ માટે કેળવાતાં જાય છે. બે-ચાર મહિના દોડીને તમે મૅરથૉનમાં ભાગ લો એ યોગ્ય નથી. હા, ડ્રીમ રનના પાંચ દસ કિલોમીટર ઠીક છે, પણ ૪૨ કિલોમીટરની મૅરથૉન માટે સતત ત્રણેક વર્ષની દોડવાની પ્રૅક્ટિસ જરૂરી છે જે શરીરની ક્ષમતા યોગ્ય ગતિએ વધારે છે.’

જર્મનીમાં રહેવાથી તમને વધુ મૅરથૉનમાં દોડવાનો મોકો મળ્યો? એવું પૂછતાં હીરેન્દ્રભાઈ કહે છે,  ‘હા, જર્મનીમાં ઘણી મૅરથૉનમાં હું દોડ્યો છું. મુંબઈની મૅરથૉનમાં છેલ્લાં ૧૬ વર્ષથી ભાગ લઉં છું. ન્યુ યૉર્ક અને સૅન ફ્રાન્સિસ્કોની મૅરથૉનમાં પણ મેં ભાગ લીધો છે. મૅરથૉનનો મારો શ્રેષ્ઠ સમય ૩ કલાક ૪૪ મિનિટ ૩૫ સેકન્ડનો રહ્યો છે. યુરોપ અને અમેરિકામાં અને એમાંય નાના શહેરમાં મૅરથૉન હોય ત્યારે દોડવાનો વધુ આનંદ આવે છે. ત્યાંના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો હોય. ઘણી વાર શહેર સાથે જોડાયેલા જંગલમાંથી રસ્તો પસાર થતો હોય, હવા શુદ્ધ હોય એટલે એની મજા અલગ હોય છે. મુંબઈ ઉપરાંત અહીં પુણે અને ચેન્નઈમાં પણ હું મૅરથૉન દોડ્યો છું. જોકે ૨૦૧૭ની ચેન્નઈની મૅરથૉનનો અનુભવ વિકટ હતો. ત્યાં હાઇવેની બાજુમાં સખત ટ્રાફિકની સાથે ખૂબ ગરમી અને પ્રદૂષણ વચ્ચે અમારે દોડવાનું હતું. આવી પરિસ્થિતિ દોડવીરો પસંદ નથી કરતા.’

૨૦૦૪માં મુંબઈમાં હું મૅરથૉન દોડ્યો ત્યારે માંડ દોઢસોથી બસો રનર હતા, હવે જાગૃતિ આવી છે એમ જણાવતાં તે કહે છે, ‘ગયા વર્ષે મુંબઈમાં ૬૦૦૦ જેટલા લોકોએ મૅરથૉનમાં ભાગ લીધો હતો. બર્લિન, ન્યુ યૉર્ક, શિકાગો કે બૉસ્ટનમાં તો ચાલીસ-પચાસ હજાર મૅરથૉન રનર્સ હોય છે. મુંબઈના રનરે ન્યુ યૉર્ક કે સૅન ફ્રાન્સિસ્કોની મૅરથૉનમાં ભાગ લઈ પાછા આવી જવું હોય તો ૧૫૦૦થી ૧૭૦૦ ડૉલરમાં તે પોતાનું સપનું પૂરું કરી શકે છે જેમાં જવા-આવવાની ફ્લાઇટ ટિકિટ અને ત્યાં રહેવાનો ખર્ચ આવી જાય. રજિસ્ટ્રેશનનો ખર્ચ તો સાવ મામૂલી હોય છે.’

સ્વાસ્થ્ય માટેની દોડ વિશે તમે શું માનો છો એવા પ્રશ્નના જવાબમાં હીરેન્દ્રભાઈ કહે છે, ‘દોડવાથી સ્ટેમિનામાં વધારો થાય છે. આજે ૩૦ વર્ષના માણસો થાકી જાય છે જ્યારે ૬૪ વર્ષે પણ હું વધારે સ્ફૂર્તિ અનુભવું છું. મારું ક્યારેય માથું નથી દુખ્યું કે નથી છેલ્લાં ૧૭ વર્ષમાં હું બીમાર પડ્યો. આપણને ફ્રેશ ઍર ન મળે તો આપણે બીમાર પડીએ. જર્મનીમાં ઘરની બહાર સ્નો ફૉલ થતો હોય કે તડકો હોય, હું અઠવાડિયામાં ચાર દિવસ નિયમિત દોડું છું. મૅરથૉન માટે તૈયારી કરવી હોય કે સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ખુલ્લામાં દોડવું જોઈએ. ટ્રેડમીલ બહુ કામ ન આપે. પહાડોના રસ્તા પર મૅરથૉન હોય તો ચડાણવાળા રસ્તા પર દોડવાની પ્રૅક્ટિસ કરવી જોઈએ.’

તમે ૧૦૦ કે ૨૦૦ મૅરથૉન દોડશો એવું ધ્યેય શરૂઆતમાં રાખ્યું હતું? એવા પ્રશ્નના જવાબમાં હીરેન્દ્રભાઈ સ્મિત કરે છે, ‘ના... ૧૦૦ના આંકડાનો વિચાર નહોતો. મૅરથૉન દોડ ગમવા માંડી અને એમાંયે વ્યવસાયને કારણે મને સમયની સુવિધા પણ મળી એટલે દોડ ચાલુ રહી. પરિવારનોય સપોર્ટ રહ્યો.

‘આ રવિવારે તાતા મુંબઈ મૅરથૉન મારી બસોમી મૅરથૉન દોડ છે.’ હીરેન્દ્રભાઈની આંખમાં ચમક છે, ‘મૅરથૉન દોડવાથી જે હેલ્થ મળે છે, જે સ્ટેમિના મળે છે એ જીવનમાં બીજા કાર્યમાં રિફ્લેક્ટ થાય છે. આઉટડોર રમત શરીર માટે વધુ ફાયદાકારક છે એ આજના યંગસ્ટર્સે સમજવું પડશે. હું તો તેમને કહું છું તમને જેમાં આનંદ આવે એવી આઉટડોર પ્રવૃત્તિ કરો. આજે ૧૭ વર્ષથી હું દોડું છું અને બસોમી મૅરથૉન પછી પણ દોડીશ, કારણ કે દોડવું મને ગમે છે.’

રનિંગ એ આધ્યાત્મિ અનુભવ છે કેમ કે દોડતી વખતે મન મેડિટેશન ઝોનમાં ચાલ્યું જાય છે

મુંબઈ, શિમલા, કલકત્તા, બૅન્ગલોર, લદ્દાખ... આ યાદી ઘણી લાંબી છે. લોઅર પરેલના ૩૭ વર્ષનાં ગૃહિણી અપેક્ષા વિરલ શાહ ભારતના દરેક ખૂણામાં દોડી આવ્યાં છે. માત્ર ચાર વર્ષમાં જુદી-જુદી ૫૬ રનિંગ ઇવેન્ટમાં તેમણે ભાગ લીધો છે. કલાકો નહીં પણ દિવસો સુધી તેઓ રનિંગ કરે છે. મુંબઈ મૅરથૉન માટેનો તેમનો ઉત્સાહ બધા કરતાં જુદો તરી આવે છે એનું કારણ છે બાંદરા-વરલી સી-લિન્ક. અપેક્ષા કહે છે, ‘મુંબઈ મૅરથૉન તો ક્વીન ઑફ ઑલ મૅરથૉન છે. દેશ-વિદેશના રનર્સને મળવાની બહુ મજા પડે. એનર્જેટિક માહોલની વચ્ચે સી-લિન્ક પરથી દોડવાની તક વર્ષમાં માત્ર આ જ દિવસે મળે છે અને એ પણ ટોલ-ટૅક્સ ભર્યા વગર. આ ઇવેન્ટ મુંબઈગરાઓ માટે કાર્નિવલ ફેસ્ટિવલથી કમ નથી.’

‍એક સમયે અપેક્ષાનું વજન ૧૩૫ કિલો હતું. બે વર્ષની આકરી મહેનત અને ડાયટ કરીને તેમને ૬૦ કિલો જેટલું વજન ઘટાડવામાં સફળતા મળી હતી. ચારેક વર્ષ પહેલાં વાગડ સમાજની એક રનિંગ ઇવેન્ટમાં તે પહેલી વાર દોડ્યાં. દોડવાના હેલ્થ બેનિફિટ્સ જાણ્યા બાદ તેમને રનિંગમાં રસ જાગ્યો. રનિંગના કારણે તે વધુ વજન ઘટાડી શક્યાં છે. રનિંગના પૅશન વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એક વાર દોડવાનું શરૂ કરું એ પછીના થોડા કલાકમાં મારું મન મેડિટેશન ઝોનમાં ચાલ્યું જાય છે. એમ થાય કે બસ દોડ્યા જ કરું. વાસ્તવમાં હું અલ્ટ્રા રનર છું. ૩૬ કલાકમાં ૧૧૭.૨૦ કિલોમીટર દોડી છું. મન જ્યારે જિદ્દી બની જાય ત્યારે એને કોઈ અટકાવી ન શકે. આ આધ્યાત્મિક અનુભવ છે. ડેડિકેશન અને પ્રૅક્ટિસ વગર એને પાર કરવું શક્ય નથી.’

ખૂબ જ ટૂંકા ગાળામાં આટલી બધી રેસમાં ભાગ લેવો અને ફિનિશ લાઇન સુધી પહોંચવું એ અચીવમેન્ટ છે. સૌથી મજાની વાત એ કે ચાર વર્ષમાં એક પણ વખત તે થાક્યાં નથી કે નથી તેમને કોઈ ઈજા થઈ. આ માટે તે પોતાને લકી માને છે. મુંબઈ મૅરથૉનમાં તે પાંચમી વાર દોડવાનાં છે. ફુલ મૅરથૉન માટેનો તેમનું બેસ્ટ ટાઇમિંગ ચાર કલાક છપ્પન મિનિટ છે. પરેલ ફીનિક્સ મૉલથી શરૂ કરી હાજી અલી અને ચોપાટી સુધી તેઓ નિયમિતપણે દોડે છે. અત્યાર સુધી તેમણે ભારતનાં વિવિધ રાજ્યોની રનિંગ ઇવેન્ટમાં ભાગ લીધો છે. હવે તે વિદેશ માટે તૈયારી કરી રહ્યાં છે. તેમનું ફોકસ ૧૦૦ માઇલ્સ એટલે કે ૧૬૦ કિલોમીટર છે. વિદેશમાં આયોજિત અલ્ટ્રા રનમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાની તે ઇચ્છા ધરાવે છે.

પિતાના હાર્ટ-અટૅકમાંથી દોડવાની શીખ મળેલી, એ પછી તો રનિંગ માટે વિશ્વભ્રમણ કરી લીધું

આવતી કાલે ૯૩મી મૅરથૉન દોડવા માટે તૈયાર પ્રભાદેવીના પ૮ વર્ષના બિઝનેસમૅન હિતેશ ગુટકાનો ઉત્સાહ સમાતો નથી. રનિંગ તેમનો પ્રેમ છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘ગુજરાતીઓ માટે રનિંગ એટલે ઘરેથી પાનના ગલ્લા સુધીની સફર. આનાથી આગળ આપણે કેમ વિચારતા નથી? આ ઉંમરે હું ફુલ મૅરથૉન દોડી શકું તો તમે પાંચ કિલોમીટર તો દોડી જ શકો‍ને. પથારી છોડો અને બતાવો દુનિયાને કે ગુજરાતીઓ માત્ર જલેબી-ગાંઠિયા ખાવાવાળી પ્રજા નથી, સ્પોર્ટ્સમાં પણ તેઓ અવ્વલ છે. જોકે એ માટે તમારે એક સેકન્ડનો નિર્ણય લેવાનો છે. પથારી છોડવાનો નિર્ણય. યાદ રાખો, પાંચ મિનિટ પછી ઊઠીશ કે કાલથી જઈશ, એ સમય ક્યારેય આવતો નથી. એક વાર ઊઠો અને માત્ર પાંચ જ મિનિટ દોડો. યસ, માત્ર પાંચ મિનિટ. એક અઠવાડિયા પછી એમાં એક મિનિટ ઉમેરો. હું તમને ગૅરન્ટી આપું છું કે તમારી ઉંમર સાઠની ઉપર હશેને તો પણ છ મહિના પછી તમે અડધો કલાકથી વધુ દોડતા હશો.’

ઠંડી હોય કે ગરમી, હિતેશભાઈનો નિયમ છે સવારે પાંચ વાગ્યે ઊઠવાનું ને સાડાપાંચ વાગ્યે ઘરની બહાર. શિવાજી પાર્ક, વરલી, પેડર રોડ, મહાલક્ષ્મી રેસકોર્સ તો ક્યારેક બોરીવલી. અઠવાડિયામાં ત્રણ દિવસ રનિંગ, ત્રણ દિવસ સાઇક્લિંગ અને એક દિવસ લૉન્ગ રન. છ દિવસ યોગ અને મેડિટેશન પણ કરવાના. ન્યુ યૉર્ક, શિકાગો, બૅન્ગકૉક, સિંગાપોર, બર્લિન, ફુકેટ, લંડન ક્યાંય પણ મૅરથૉનનું આયોજન હોય તેઓ દોડવા જાય. ૨૦૧૯માં એક વર્ષમાં તેમણે કુલ ૨૭ મૅરથૉનમાં ભાગ લીધો હતો. ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન દોડવામાં તેમને અંદાજે પાંચ કલાક લાગે છે.

મૅરથૉન માટેનો આવો પ્રેમ ધરાવતા હિતેશભાઈ રહસ્ય પરથી પડદો ઉઠાવતાં કહે છે, ‘આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં મારા ફાધરને હાર્ટ-અટૅક આવ્યો ત્યારે ડૉક્ટરે મારી સામે જોઈ કહ્યું વર્કઆઉટ નહીં કરેગા તો તેરા ભી યહી હાલ હોગા. બસ, ત્યારથી દોડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પાંચ કિલોમીટર દોડતો હતો. ધીમે-ધીમે સમય વધારતો ગયો. રનિંગની મજાને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, એનો અનુભવ કરવો જોઈએ. મને ૧૨ કલાકની અલ્ટ્રા રનમાં દોડવાની સૌથી વધુ મજા આવે છે એટલું જ નહીં, બીજાને દોડતા જોઈને પણ એટલો જ આનંદ થાય. એક વખત કચ્છમાં સાઠ વર્ષનાં કપલ્સને દોડવાની પ્રેરણા આપી એને હું મારી રનિંગ લાઇફની ધન્ય ઘડી માનું છું. મને દોડતો જોઈને લોકો પ્રેરિત થાય એનાથી મોટું ઇનામ હોઈ ન શકે.’

૭૦ વર્ષના આ કાકાને કેમ બે કલાક ને પાંચ મિનિટમાં મૅરથૉન પૂરી કરવી છે?

મુંબઈ મૅરથૉન, ૨૦૧૮માં ૬૫ પ્લસ કૅટેગરી માટેની હાફ મૅરથૉનમાં બીજો નંબર, ૨૦૧૯માં ચાર કલાક વીસ મિનિટમાં ફુલ મૅરથૉન દોડી ત્રીજું સ્થાન મેળવી પોડિયમ વિનર બન્યા હતા. હવે આવતી કાલની મૅરથૉનમાં ૪૨ કિલોમીટર દોડી પ્રથમ સ્થાન મેળવવું છે રાજકોટના કડવા પાટીદાર જ્ઞાતિના ૭૦ વર્ષના છગનલાલ ભાલાણીને. ત્રણ મહિના પહેલાં ગોવામાં આયોજિત મૅરથૉનમાં તેઓ ફર્સ્ટ આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત અનેક સ્થળે રનિંગમાં મેડલ મેળવી ચૂક્યા છે. આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈને! મજાની વાત એ કે તેમણે હજી ૨૦૧૫થી જ દોડવાનું શરૂ કર્યું છે.

મેડલ લીધા વગર પાછા ન ફરવાનો જાણે કે વણલખ્યો નિયમ હોય એવો તેમનો પર્ફોર્મન્સ રહ્યો છે. છગનલાલભાઈ જોશમાં આવીને કહે છે, ‘આવતી કાલે બે કલાક ને પાંચ મિનિટમાં ફુલ મૅરથૉનની દોડ પૂરી કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ લક્ષ્ય પાર થશે તો અમેરિકાના બોસ્ટન અને જપાનના ટોક્યોમાં યોજાનારી મૅરથૉન માટે ક્વૉલિફાય થઈ જઈશ. દોડવાની ઝડપ એટલી છે કે નેવું ટકા જુવાનિયાઓ મારાથી પાછળ હોય છે. બાકીના દસ ટકા જુવાનિયાઓને આંબીને આગળ નીકળવાના પ્રયાસો ચાલે છે.’

આ ઉંમરે યુવાનો જેવી ચુસ્તી સ્ફૂર્તિ ધરાવતા છગનલાલભાઈ યુવાનોના રોલ મૉડલ છે. તંદુરસ્તીનું રહસ્ય ખોલતાં તેઓ કહે છે, ‘સવારે સાડાપાંચ વાગે એટલે ત્રણ જુદા-જુદા ડ્રેસ, ટોપી, ચશ્માં જેવી આવશ્યક ચીજવસ્તુ ભરેલો થેલો લઈ ઘરેથી નીકળી જાઉં. એક કલાક જિમમાં જુદા-જુદા પ્રકારની એક્સરસાઇઝ કરવાની, દસ કિલોમીટર રનિંગ અને એક કલાક સ્વિમિંગની પ્રૅક્ટિસ કરું છું. નવ વાગે એટલે ઘરે આવી રોજિંદા કામકાજમાં જોડાઈ જાઉં. શરીરને હાઇડ્રેટ રાખવા દેશી ગોળ નાખેલું લીંબુપાણી પીવાનું. ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાનો. પ્રોટીનની માત્રા જળવાઈ રહે એ માટે ખજૂર અને કઠોળ ખૂબ ખાવાનાં. આમ તો નખમાંય રોગ નથી, પરંતુ ક્યારેક નાની-મોટી સામાન્ય વ્યાધિ આવે તો દેશી ઓસડિયાંથી ઉપાય કરવાનો. મારી ટનાટન તબિયતનું શ્રેય દેશી આહાર અને દેશી દવાઓને આપવું પડે.’

અત્યાર સુધીમાં ૧૧ હાફ મૅરથૉન અને ત્રણ ફુલ મૅરથૉનમાં દોડી તેમણે ૧૧ મેડલ મેળવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે રનિંગમાં અનેક ઇનામ મેળવી ચૂકેલા છગનલાલભાઈએ સ્વિમિંગ તેમ જ માસ્ટર ઍથ્લીટ્સમાં પણ ૩૦ જેટલા મેડલ મેળવ્યા છે. ગુજરાત રાજ્યના નાણા વિભાગમાં અધિકારી તરીકે તેમણે ફરજ બજાવી છે. શરૂઆતથી જ સ્વાસ્થ્યની કાળજીમાં માનનારા છગનલાલભાઈએ નિવૃત્તિ બાદ સ્પોર્ટ‍્સને પોતાની જીવનશૈલી બનાવી છે.

Varsha Chitaliya mumbai marathon columnists weekend guide sanjay pandya