શોર: ઘર ફૂંક દિયા હમને, અબ રાખ ઉઠાની હૈ

05 September, 2020 08:09 PM IST  |  Mumbai | Raj Goswami

શોર: ઘર ફૂંક દિયા હમને, અબ રાખ ઉઠાની હૈ

શોર: ઘર ફૂંક દિયા હમને, અબ રાખ ઉઠાની હૈ

ઍક્ટર-ડિરેક્ટર મનોજકુમારને ૨૦૧૬માં એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે ‘ઉપકાર’, ‘શોર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી, કપડા ઔર મકાન’ જેવી ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવી હતી એમાંની તમારી ફેવરિટ ફિલ્મ કઈ? ત્યારે મનોજકુમારે કહ્યું હતું, ‘૧૯૭૨ની ‘શોર’. આવી વાર્તા પર ભારતમાં કોઈ ફિલ્મ બની નથી. આ એક જ ફિલ્મ હતી જેમાં મારું નામ ભારત નહોતું. ‘શોર’ના એક દૃશ્ય પરથી તો ૧૯૮૭માં ‘ધ સાઇક્લિસ્ટ’ નામની ઈરાનિયન ફિલ્મ બની હતી, જેને અનેક અવૉર્ડ્સ મળ્યા હતા. મને યાદ છે કે ‘ગુડ્ડી’ જોયા પછી હું જયા ભાદુરીજીને સાઇન કરવા તેમની પાસે ગયો હતો. મેં તેમને કહ્યું કે ‘પિતા અને પુત્રની વાર્તા છે. પુત્ર બોલી શકતો નથી અને પિતા તેનો અવાજ સાંભળવા તડપે છે, પણ જે દિવસે પુત્ર બોલતો થાય છે ત્યારે પિતાને સંભળાવાનું બંધ થઈ જાય છે.’ ‘શોર’ પહેલી ફિલ્મ હતી જેમાં મેં એડિટિંગ કર્યું હતું અને મને એના માટે હૃષીકેશ મુખરજીના હાથે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો, જેઓ ખુદ એક ઉત્તમ એડિટર હતા.’

જયાએ રાનીનું પાત્ર ભજવવા માટે હા પાડી, એટલે મનોજકુમારે આખી વાર્તા સમજાવી કે બાળક એક અકસ્માતમાં તેનો અવાજ અને માતા ગીતા (નંદા)ને ગુમાવી દે છે. તેનો પિતા બાળકના ઑપરેશન માટે કાળી મજૂરી કરે છે અને એમાં જ તેને અકસ્માત નડે છે અને તેના કાનનો પડદો ફાટી જાય છે. અમિતાભ બચ્ચન પાસે ત્યારે બહુ કામ નહોતું (જયા ત્યારે મોટી સ્ટાર હતી) અને તે ‘શોર’ના સેટ પર આંટાફેરા મારતો હતો. એમાં મનોજકુમારને તેનામાં સ્પાર્ક દેખાયો અને ‘રોટી, કપડા ઔર મકાન’ માટે તેને સાઇન કર્યો હતો.

એમાં પુત્ર દીપક (માસ્ટર સત્યજિત)ના ઑપરેશનના પૈસા ભેગા કરવા માટે શંકર (મનોજકુમાર) આઠ દિવસ સુધી અટક્યા વગર સાઇકલ ચલાવવાની ચૅલેન્જ ઉપાડે છે અને એમાં જ અકસ્માતે શ્રવણશક્તિ ગુમાવી બેસે છે. ૧૯૮૭માં ઈરાનના ડિરેક્ટર મોહસેન મખ્મલબફે આ જ દૃશ્ય પરથી ‘ધ સાઇક્લિસ્ટ’ ફિલ્મ બનાવી હતી. એમાં નસીમ નામનો એક અફઘાન

શરણાર્થી તેની બીમાર પત્નીની સારવાર માટે પૈસા ઊભા કરવા ૭ દિવસ અને રાત સાઇકલ ચાલવવાના ખેલમાં ભાગ લે છે અને દર્શકોની ચિચિયારીઓ-સીટીઓ વચ્ચે તે થાકીને ચૂર થઈ ગયા પછી પણ ખેલ પૂરો કરે છે. આ ફિલ્મના વિવેચકોએ તેને ઈરાનમાં અફઘાન શરણાર્થીઓના શોષણની કહાની ગણાવી હતી.

 

 ‘શોર’માં નંદાની ભૂમિકા માટે શર્મિલા ટાગોરને લેવામાં આવી હતી, પરંતુ ‘રોટી, કપડા ઔર મકાન’ (૧૯૭૪)માં તુલસી (મૌસમી ચૅટરજી)ની ભૂમિકા ન મળી એટલે તેણે ‘શોર’ છોડી દીધી. એક ઇન્ટરવ્યુમાં મનોજકુમાર કહે છે, ‘તુલસી તગારાં ઊંચકનારી હતી અને ભારતને તેની ગર્લફ્રેન્ડ શીતલ (ઝીનત અમાન) પૈસાવાળા બૉસ માટે છોડી દે છે એટલે તે તુલસી તરફ ઢળે છે. શર્મિલા ગ્લૅમરસ હતી અને તુલસીની ભૂમિકા માટે બરાબર નહોતી એટલે મેં શીતલની ભૂમિકા ઑફર કરી, પણ તે ન માની. મેં તો એના ખાવિંદ પટૌડીને કહ્યું પણ હતું કે તમેય દરેક બૉલને એના મેરિટ પર રમો છો, પણ યહાં ગરબડ હો રહી હૈ.’

નંદા મનોજકુમારની પત્ની શશી ગોસ્વામીની બહેનપણી હતી એટલે તેના કહેવાથી છેલ્લી ઘડીએ નંદાને ‘શોર’માં લેવામાં આવી. નંદા મનોજકુમાર કરતાં સિનિયર હતી અને

અચકાતાં-અચકાતાં મનોજકુમારે શર્મિલાએ ના પાડી છે એની વાત કરી હતી. નંદાએ દોસ્તીના નાતે જ ‘શોર’ કરી હતી અને શરત મૂકી હતી કે તે કામ કરવાનો એક રૂપિયો પણ નહીં લઉં. ‘બહેનજી’ની ભૂમિકાઓમાં ભરાઈ ગયેલી નંદા ‘એક પ્યાર ક નગ્મા...’થી અમર થઈ ગઈ.

મનોજકુમાર તેમના પરિવાર સાથે દિલ્હીમાં તેમના ફાર્મહાઉસ પર વેકેશન ગાળવા ગયેલા ત્યાં તેમને ‘શોર’ ફિલ્મનો વિચાર આવ્યો હતો. બપોરે જમીને તેઓ ખાટલામાં આડા પડ્યા હતા ત્યારે તેમણે ખેતરમાં રમતા છોકરાઓને બોલતા સાંભળ્યા કે ‘કિતની શાંતિ હૈ યહાં, કોઈ શોર નહીં હૈ.’ મનોજકુમારને આ ‘શોર’ શબ્દ મગજમાં ભરાઈ ગયો અને તેઓ પાછા હોટેલ પર આવ્યા ત્યાં સુધીમાં ચાર પાનાંની વાર્તા તૈયાર હતી. હોટેલમાં જ તેમને ગીતકાર વિઠ્ઠલભાઈ પટેલ ભટકાયા. તેમણે શંકા વ્યક્ત કરી કે આમાં ફિલ્મ બને એમ લાગતું નથી. મનોજકુમારે કહ્યું, હું બનાવીશ, તમે જોજો.

‘શોર’ અવાજના પ્રદૂષણની ફિલ્મ છે. ત્યારે આવો શબ્દ પણ નહોતો અને કોઈને પ્રદૂષણની ચિંતા પણ નહોતી. આજે આપણે શહેરમાં ઘોંઘાટથી પરેશાન છીએ, પણ મનોજકુમારને ૪૦ વર્ષ પહેલાં એવો વિચાર આવેલો કે અવાજની ગેરહાજરી હોય તો કેવું લાગે. મનોજકુમારે આના પરથી અત્યંત ખૂબસૂરત ફિલ્મ બનાવી હતી, જે ધંધાની દૃષ્ટિએ બૉક્સ-ઑફિસ પર તબલાતોડ તો હતી જ, સાથે ઘણી અર્થગંભીર હતી. ‘શોર’ના ટાઇટલમાં સંગીત ન હતું, માત્ર ઘોંઘાટ હતો. શંકર એક મિલમાં કામ કરે છે અને ચારે તરફ અવાજના પ્રદૂષણથી પરેશાન છે. તેણે એક વિચિત્ર ટ્રેન-ઍક્સિડન્ટમાં પત્નીને ગુમાવી દીધી હતી, પણ દીપક જખમી થઈને બચી ગયો હતો. ત્યારથી શંકર ઘોંઘાટથી અસ્વસ્થ થઈ જતો હતો.

એક ઍક્ટર તરીકે મનોજકુમાર આજે કૉમેડિયનોના જોક્સનો વિષય બનીને રહી ગયા છે, પરંતુ ‘શોર’માં તેમણે સાબિત કરી દીધું હતું કે તેમનામાં ટેક્નિકલ કુશળતા કેટલી જબરદસ્ત હતી. ‘ડૉન’ ફિલ્મના પ્રોડ્યુસર નરીમાન ઈરાની (જેઓ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એક અકસ્માતમાં માર્યા ગયા હતા) ‘શોર’ના સિનેમૅટોગ્રાફર હતા અને તેમની મદદથી મનોજકુમારે ‘શોર’ ફિલ્મમાં અવનવા કૅમેરા ઍન્ગલ અને પ્રતીકોનો ઉપયોગ કર્યો હતો.

ખાસ કરીને ‘એક પ્યાર કા નગ્મા હૈ...’ ગીતમાં નંદાને અને ઊછળતા દરિયાને બહુ ખૂબસૂરત રીતે પડદા પર પેશ કરવામાં આવી હતી. ‘ઘર’ ફિલ્મમાં ‘આજ કલ પાંવ ઝમીં પર નહીં પડતે મેરે’ અને ‘એક પ્યાર ક નગ્મા હૈ’નો સૂર એકસમાન હતો. લક્ષ્મીકાંતજીએ આ ગીતમાં જાતે વાયોલિન વગાડ્યું હતું. આ ગીતના રચનાકાર સંતોષ આનંદ હતા, જેમને જોઈએ એટલા યાદ કરવામાં નથી આવતા. મૂળ તેઓ બુલંદશહરના સિકંદરાબાદના હતા અને મનોજકુમારની જ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (૧૯૭૦)થી ગીતકાર બન્યા. કુમારની જ ‘રોટી, કપડા ઔર મકાન’ માટે તેમને પહેલો ફિલ્મફેર પુરષ્કાર મળેલો.

૧૯૯૫માં તેમણે ગીતો લખવાનું છોડી દીધું અને દીકરા સાથે દિલ્હી રહેવા જતા રહ્યા હતા. પાંચ વર્ષ પહેલાં તેમના દીકરા અને તેની પત્નીએ આત્મહત્યા કરી નાખી હતી. તે સરકારી વિભાગમાં કામ કરતો હતો અને ત્યાં ભ્રષ્ટાચારના મામલે પરેશાન રહેતો હતો. એ પછી આનંદ હતાશામાં જીવન પસાર કરે છે. તેમનો એક પગ પણ નકામો થઈ ગયો છે. એક વાર પટનામાં એક કાર્યક્રમમાં તેમણે એવો ખુલાસો કર્યો કે તેમણે સદાબહાર ‘એક પ્યાર કા નગમા...’ ગીત તેમની બહુ જૂની એક પ્રેમિકાની યાદમાં લખ્યું હતું. આ ગીતના પિક્ચરાઇઝેશનમાં મનોજકુમારે નંદાને બેહદ ખૂબસૂરત રીતે પેશ તો કરી જ હતી, પણ ગીત ખુદ એક લાજવાબ સર્જન હતું. એમાં અમુક અંતરા ફિલ્મમાં લેવામાં આવ્યા નહોતા. તમે વાંચો, કેવી કવિતા છે, જે તેમની આજની જિંદગીને બયાં કરે છે...

‘જો બીત ગયા હૈ વોહ, અબ દૌર ના આયેગા

ઇસ દિલ મેં સિવા તેરે, કોઈ ઔર ના આયેગા

ઘર ફૂંક દિયા હમને, અબ રાખ ઉઠાની હૈ

જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...

તુ સાથ ના દો મેરા, ચલના મુઝે આતા હૈ

હર આગ સે વાકિફ હૂં, જલના મુઝે આતા હૈ

તદબીર કે હાથોં સે, તકદિર બનાની હૈ

જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...’

columnists raj goswami