આવો પૂછીએ આ નવી નક્કોર પેઢીને...

02 October, 2020 08:21 PM IST  |  Mumbai | Rupali Shah

આવો પૂછીએ આ નવી નક્કોર પેઢીને...

ગાંધીજી

ગાંધીજીના સત્યાગ્રહ, અહિંસા તેમ જ અંગત જીવનમાં તેમણે અપનાવેલાં સત્ય, સાદગી અને બ્રહ્મચર્યના પાઠ વિશે આજની યંગ જનરેશન શું વિચારે છે? તેમણે આ ફિલોસૉફીને કેટલી પચાવી જાણી છે? આજના યુવાનોને ગાંધીના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા જેવા લાગે છે ખરા? આજના જમાના સાથે બાપુના આ નીતિનિયમો તેમને કેટલા સુસંગત અને મેળ ખાતા લાગે છે?

અત્યારની જનરેશન કશું જ ચલાવી લેવામાં નથી માનતી: ક્રિશા શાહ, ૨૧ વર્ષ, મલાડ

અભ્યાસઃ બૅચલર્સ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનનું છેલ્લું વર્ષ

આજે એટલે કે બીજી ઑક્ટોબરે મારો પણ જન્મદિવસ છે. આખું ભારત મારો જન્મદિવસ ગાંધી જયંતીની રજા મેળવીને ઊજવે છે. જોકે મારી અને ગાંધી બાપુની કોઈ ક્વૉલિટી મૅચ નથી કરતી. અમારી પેઢી થોડી ઈગોઇસ્ટિક કહી શકાય. અત્યારની જનરેશન કશું જ ચલાવી લેવામાં નથી માનતી.મારા પેરન્ટ્સને જોઉં તો એ લોકો કદાચ ગમ ખાઈ જશે. પણ મને કોઈ બે શબ્દ સંભળાવી જાય તો હું કાઉન્ટર આન્સર કરીશ જ. કોઈ એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ શું કામ ધરવાનો? આમાં ઓછી સહનશક્તિની વાત નથી. આપણી પાસે સામા થવા માટેના વિકલ્પ હોય તો શા માટે સહન કરતા રહેવું? ગાંધી બાપુની સાદગી દરેકની પર્સનલ ચૉઇસ પર આધાર રાખે છે. હું ખુદ માટે જીવવામાં માનું છું અને શું કામ ન જીવવું? તમારી પાસે વસ્તુઓ હોય તો એક હદ સુધી તમે તમારી ઇચ્છા પ્રમાણે એને ભોગવો કે એન્જૉય કરો એમાં કશું ખોટું નથી. આજે બધું મૉડર્નાઇઝ થઈ ગયું છે. વેસ્ટર્ન કલ્ચર, નવી ટેક્નૉલૉજી, નવા વિચારોની આજની પરિસ્થિતિ સાથે એ વખતના વિચારો, નિયમો કે સિદ્ધાંતો ખાસ મેળ નથી ખાતા. હા, જોકે ગાંધીજીના સત્યના પ્રયોગો માટે કહીશ કે સત્ય સનાતન છે અને સત્ય ગઈ કાલની, આજની કે આવતી કાલની દરેક જનરેશન માટે વૅલિડ છે.

અહિંસાની ફિલોસૉફી આજે પણ વિશ્વમાં એટલી જ માન્યતા ધરાવે છે: પૂજન સરવૈયા, ૨૧ વર્ષ, ઘાટકોપર

અભ્યાસઃ બૅચલર ઇન ફાઇનૅન્શિયલ માર્કેટિંગનું છેલ્લું વર્ષ

૧૯૪૭માં આપણને સ્વતંત્રતા મળી ત્યારે મોટા ભાગના નેતાઓ દિલ્હીમાં હતા, પણ ગાંધીજી એ વખતે ત્યારનું ઈસ્ટ પાકિસ્તાન ગણાતું અને અત્યારનો બાંગલા દેશ છે એ નોઆખલીમાં હતા. ભારતના ભાગલા સમયનાં રમખાણો વખતે ઉપવાસ કરીને તેમણે હજારો લોકોને બચાવ્યા હતા અને એને લીધે જ આપણે તેમને આજે પણ મહાત્મા તરીકે યાદ કરીએ છીએ. તેમની સત્યાગ્રહ અને અહિંસાની ફિલોસૉફી આજે પણ વિશ્વમાં એટલી જ માન્યતા ધરાવે છે. સત્યાગ્રહ એટલે સત્યનો આગ્રહ- સત્યની પડખે ઊભા રહેવું. અત્યારે બેલારુસ નામનો દેશ સરમુખત્યારશાહીને હટાવવા બહુ મોટો નૉન-વાયલન્સ પ્રોટેસ્ટ કરી રહ્યો છે, જે ગાંધીજીના સત્યાગ્રહની નીતિને અનુલક્ષીને જ થઈ રહ્યો છે. આની સામે તમે જોશો તો સિરિયાના લોકો અહિંસામાં નથી માનતા. ત્યાં જે આર્મ સ્ટ્રગલ થઈ છે એમાં અત્યાર સુધી તેઓ સ્વતંત્ર નથી થઈ શક્યા. ૨૦૧૨થી ૨૦૧૮ની વચ્ચેની અરબ સ્પ્રિંગની ક્રાન્તિ વખતે ઇજિપ્ત, ટ્યુનિશિયા જેવા ઘણા દેશો પણ અહિંસાની ઝુંબેશ ઉપાડીને ડિક્ટેટરશિપને હટાવી દેવામાં સફળ રહ્યા છે. જોકે બાપુની એક ફિલોસૉફી સાથે હું સહમત નથી. તેમણે હંમેશાં ગૃહઉદ્યોગ, ગ્રામીણ ઉદ્યોગ અને કો-ઑપરેટિવ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું, પણ ગ્રીન રેવલ્યુશન પછી જ ભારતમાં પ્રગતિ આવી. મોટી-મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય તો લોકોને કામની વધુ તક મળી શકે. અત્યારે કોવિડ-19નો જ દાખલો લો. લોકો ગામ જતા રહ્યા છે, પણ તેમની પાસે ત્યાં કામ નથી. એ માટે નેહરુચાચાની ઇન્ડસ્ટ્રિયલાઇઝેશનની પૉલિસી આજના જમાનામાં વધુ કારગત નીવડી શકે એવું કહી શકાય.

સાદગી, અહિંસા, બ્રહ્મચર્ય જેવા નિયમો પર્સનલ ચૉઇસ હોઈ શકે પણ દુરાગ્રહ નહીં: ઊર્જા ઠક્કર, ૨૨ વર્ષ, કાંદિવલી

અભ્યાસઃ B.L.S, L.L.B

એકાદ-બે વાર માર ખાવાનો વારો આવે ત્યાં સુધી ઠીક છે, પણ વારંવાર તો ન જ ખાઈ શકાય. અહિંસક બનીને શું પુરવાર કરવાનું? કારણ વગર શું કામ સહન કરવાનું? ગાંધીજીનું સાદગીભર્યું જીવન, શુદ્ધ શાકાહારી જ ખાવું, બ્રહ્મચર્ય જેવા નિયમો કદાચ પર્સનલ ચૉઇસ તરીકે કોઈ સ્વીકારી શકે, પણ મને એ દુરાગ્રહ લાગે છે. હું એને ઝીરો પર્સન્ટ અપ્લાય કરું. બધા જ લોકો શુદ્ધ શાકાહારી બની જશે તો ઇકો સિસ્ટમના સંતુલનનું શું થશે? હા, તેમની સાચું બોલવાની ક્વૉલિટીને માન્ય કરું છું. જોકે એક ફ્રીડમ ફાઇટર તરીકે ગાંધીજીની જ ફિલોસૉફી શા માટે? એવા ઘણા ફ્રીડમ ફાઇટર હતા કે જેમની ફિલોસૉફી અને જીવન પદ્ધતિ આકર્ષક હતી અને એ તમામમાંથી પ્રેરણા લઈ શકાય.

બસો બાળવાથી કોઈ ઉકેલ નથી આવવાનો, શાંતિ અને સમજાવટનો માર્ગ જ ખરો ઉકેલ છે: નિધીશ પારેખ, ૧૮ વર્ષ, સિક્કાનગર

અભ્યાસઃ ફર્સ્ટ યર એન્જિનિયરિંગ

૧૯૪૭ની સાલ હોય કે ૨૦૨૦નું કોરોનાગ્રસ્ત વર્ષ. ગાંધીજીના વિચારો, સિદ્ધાંતો અને તેમના અમુક નિયમો આજે પણ એટલા જ રેલેવન્ટ છે. ૧૯૪૭ની સાલ અને ૨૦૨૦ના વર્ષમાં જો કોઈ એક મોટો તફાવત હોય તો એ કે આપણું વાતાવરણ બદલાયું છે, પણ માણસો નહીં. લોકોનાં વિચારો, આદત, લાગણી અને વર્તનમાં કોઈ ફેર નથી પડ્યો. એટલે ગાંધીજીના વિચારો અત્યારે પણ કામ કરે છે. આજે દરેક ફિલ્ડમાં અવિશ્વાસ, જૂઠાણું અને ધોખાબાજી થઈ રહી છે. આને લીધે માનવતામાંથી બધાનો વિશ્વાસ ઊઠી ગયો છે. ત્યારે ગાંધીજી જે સત્ય, અહિંસાના પાઠ આપણને શીખવી ગયા છે અને તેમણે ખુદે એનો અમલ કરીને જે ઉદાહરણો આપ્યાં છે એ આજે આપણે પણ અપનાવીએ તો ચોક્કસ ભાઈચારો વધશે અને દરેકની પ્રગતિ થશે. આજે કોઈ પણ મુદ્દાનો ઉકેલ લાવવા લોકો બસો બાળવા જેવી હિંસક પ્રવૃત્તિ સાથે મારામારી પર ઊતરી પડે છે, પણ હિંસા આનો ઉકેલ જ નથી. આવે વખતે બાપુની નૉન-વાયોલન્સ નીતિ અકસીર છે. ડિપ્લોમસી ઇઝ અ સ્ટ્રૉન્ગેસ્ટ વેપન. અફઘાનિસ્તાનનો જ દાખલો લો. છેલ્લાં વીસ વર્ષથી ત્યાં ચાલતી લડાઈમાં હજારો લોકોનાં મૃત્યુ સિવાય બીજું કશું હાથમાં નથી આવ્યું. જોકે આજે હવે અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે વાતચીત અને શાંતિનો દોર શરૂ થયો છે.

બદલાની ભાવનાથી કશું બદલાવાનું નથી. બદલો લેવા સિવાય પણ બીજો માર્ગ છે શાંતિથી સમજાવવાનો અને એ બિલકુલ સફળ માર્ગ છે. હું ગાંધીજીના વિચારોને મારા જીવનમાં અપનાવવાની કોશિશ કરું છું. મારી ભૂલ થાય તો સૌથી પહેલાં હું માફી માગવા તૈયાર રહું છું. આજે સૌથી મોટી સમસ્યા અહંકારની છે. લોકો પોતાની ભૂલ કબૂલવા તૈયાર નથી. દરેકે વ્યક્તિગત રીતે એક પગલું ભરવાનું છે કે આ મારી ભૂલ છે, મને માફ કરી દો. એને ભૂલીને આગળ વધીએ. ભૂલને રોકવાનો ઉપાય નથી, પણ એને સુધારવાનો ઉપાય કરી શકાય. ભૌતિક સુખ-સમૃદ્ધિની સામે સંબંધો અને માનવતા હંમેશાં એક ડગલું વધુ ચડી જાય છે. એટલે ઊડતી કારનો જમાનો આવશે તો પણ ગાંધીજીના સેન્સિબલ સિદ્ધાંતો કામ કરશે જ. ટેક્નૉલૉજી બદલાઈ છે; પણ માણસો, માનવીયતા, સંબંધો અને લાગણીઓ તો એ જ છે. અને એ સંબંધોને સુધારવા કે સાચવવા તમને લડાઈની નહીં; સત્ય, અહિંસા અને સિમ્પ્લિસિટીની જ જરૂર પડવાની છે.

columnists mahatma gandhi