ચાલો રાણી બાગની વર્ચ્યુઅલ ટૂર પર...

20 February, 2021 03:36 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

ચાલો રાણી બાગની વર્ચ્યુઅલ ટૂર પર...

બે દિવસ પહેલાં બપોરે બે વાગ્યે અમે જ્યારે ભાયખલામાં આવેલા રાણી બાગના નામથી ઓળખાતા વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને ઝૂમાં એન્ટ્રી મારી ત્યારે નાનકડો કિયાન ક્રૉકોડાઇલ જોવા માટે દાદા-દાદી પ્રવીણ શાહ અને પ્રફુલ્લાબહેન પાસે જીદ કરી રહ્યો હતો. ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતો કિયાન નજીકમાં જ રહેતો હોવા છતાં પહેલી વખત ઝૂમાં આવ્યો હતો એટલે તે ભારે ઉત્સાહિત હતો.

પ્રવીણભાઈના અવાજમાં પણ ઉત્સાહ હતો. તેમનું કહેવું હતું કે ૧૧ મહિના બાદ ઝૂ ફરી શરૂ થયું છે એટલે પૌત્ર કિયાનને લઈને તેઓ અહીં આવ્યા છે. ઝૂમાં અનેક ફેરફાર કરવાની સાથે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે, જે જોઈને ખૂબ જ આનંદ થાય છે. કૉન્ક્રીટના જંગલ વચ્ચે દોઢ દાયકા કરતાં વધારે સમયથી અસંખ્ય અલભ્ય વૃક્ષો અને વિવિધ પશુ-પક્ષીથી ભરપૂર ગાર્ડન ટકી રહ્યું છે એ હકીકત માત્ર મુંબઈગરાઓ જ નહીં દેશભરમાંથી અહીં મુલાકાતે આવતા લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. પૌત્ર કિયાન ટાઇગર અને પૅન્ગ્વિન ઉપરાંત અહીં વિવિધ પ્રાણીઓ માટે નવાં બનાવાયેલાં લૅન્ડસ્કેપ જોઈને નવી દુનિયામાં આવી ગયો હોય એવો અનુભવ કરી રહ્યો છે.

બીજી તરફ નાશિકમાં રહેતો ૧૧ વર્ષનો એક બાળક સ્કૂલની બુકમાં રાણી બાગ ઝૂ વિશે જાણ્યા બાદ મમ્મી-પપ્પાને અહીં ખેંચી લાવ્યો હતો. મુંબઈના સૌથી મોટા અને જૂના ઝૂમાં ટાઇગર અને પૅન્ગ્વિન એકસાથે જોવા માટે તે અહીં આવ્યો હતો. તેનાં મમ્મી-પપ્પા સાથે અમે વાત કરી તો તેમણે કહ્યું કે ‘અમે પોતે પણ નાનાં હતાં ત્યારે અહીં આવતાં. જોકે ત્યારના અને અત્યારના ઝૂમાં જમીન-આસમાનનો ફરક છે. પહેલાં પાંજરામાં પ્રાણીઓ રખાતાં જ્યારે હવે તેમના માટે જંગલમાં તેઓ જેવા વાતાવરણમાં રહે છે એવાં લૅન્ડસ્કેપ બનાવાયાં છે. ટૂરિસ્ટ અને પ્રાણીઓ વચ્ચે સીધો સંપર્ક ન થાય એ માટે કાચની દીવાલો બનાવાઈ છે. આ જોઈને ખૂબ જ આનંદ થયો. મુંબઈ જેવા ભરચક શહેરમાં આવું ગાર્ડન અને ઝૂ સચવાઈ રહેવાની સાથે એમાં આધુનિક સુધારા કરાઈ રહ્યા છે એ સારી બાબત છે. સંચાલકો દ્વારા જૂની પેઢી અને આવનારી જનરેશનને કનેક્ટ કરવા જે પ્લાનિંગ કર્યું છે એનાથી ઝૂની ખૂબસૂરતી વધી જાય છે.’

કોરોનાને લીધે લાગુ કરાયેલા લૉકડાઉનને કારણે ઝૂ ૧૧ મહિના બંધ રહ્યું હતું. આ સોમવારે એ મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું હતું. સામાન્ય સંજોગોમાં અહીં દરરોજ છથી આઠ હજાર લોકો આવે છે અને વીક-એન્ડમાં તો વીસ હજાર કુદરતી-પ્રાણીપ્રેમીઓ પરિવાર સાથે અહીં પહોંચે છે.

સામાન્ય રીતે રવિવારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ હોય છે, પરંતુ અમે ગુરુવારે ઝૂમાં ગયા હતા ત્યારે પણ અસંખ્ય પરિવારો નાનાં બાળકોને લઈને અહીં આવેલા જોવા મળ્યા હતા. ટાઇગર, ગોલ્ડન જૅકૉલ, લેપર્ડનાં નવાં બનાવાયેલાં લૅન્ડસ્કેપ ખરેખર સરસ છે. પહેલાંની પાંચથી દસ રૂપિયાની એન્ટ્રી ફી સામે અત્યારે પચાસ રૂપિયા ચાર્જ કરવા સામે નવી સુવિધાઓ અને નવાં આકર્ષણો જોઈને તેમણે પૈસા વસૂલ થયા હોવાનું કહ્યું હતું.

પક્ષીઓ માટેના ઍક્વા બર્ડ્સમાં ટૂરિસ્ટ પક્ષીઓની વચ્ચે જઈને તેમને નજીકથી જોઈ શકે એવી વ્યવસ્થા કરાઈ છે. જોકે અત્યારે બર્ડ ફ્લુનું જોખમ હોવાથી લોકોને સાવચેતી ખાતર અહીં જવા નથી દેવાતા. ઝૂમાં એકમાત્ર અનારકલી નામનો હાથી છે, જે જોઈને નાનાં બાળકોને મજા પડી જાય છે. એની નજીક જ ગીરના સિંહને રાખવા માટેનું લૅન્ડસ્કેપ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત અને કેન્દ્ર સરકાર સાથે સિંહોને મુંબઈ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટાઇગર અને લાયન જોવા માટે સૌથી વધુ લોકો ઝૂની મુલાકાત લેતા હોય છે એવું જાણ્યા બાદ દર્શકોને વધુ જલસો પડે એ માટે હજી ગયા વર્ષે જ બે બંગાળના ટાઇગર લાવવામાં આવ્યા છે અને નજીકના ભવિષ્યમાં જો બધું સરખી રીતે પાર પડશે તો આપણને સિંહનાં દર્શન પણ થઈ શકશે.

આર્કટિક વુલ્ફ અને સ્લોથ બેર માટે પણ ઝૂમાં જગ્યા ફાળવાઈ છે. તેઓ જંગલમાં કે બીજા ઝૂમાં જેવા વાતાવરણમાં રહેતા હોય એનો અભ્યાસ કરીને અહીં એવું જ એન્વાયર્નમેન્ટ ઊભું કરાઈ રહ્યું છે. ઝૂની મુલાકાતે આવનારા ટાઇગર, લેપર્ડ અને ગોલ્ડન જૅકૉલ જોઈને જબરા એક્સાઇટેડ થતા હોય એવું લાગતું હતું. પ્રેક્ષકોની સાથે વાત કરી તો તેમણે કહ્યું, ‘આ પ્રાણીઓ જાણે ખુલ્લા કુદરતી વાતાવરણમાં હરતાં-ફરતાં હોવાથી તેઓ પીંજરે પુરાયેલાં પ્રાણીઓ કરતાં ઘણાં ફ્રેશ અને નૅચરલ લાગે છે. આ લૅન્ડસ્કેપમાં હોઈએ ત્યારે ગીચ મુંબઈને બદલે ગાઢ જંગલમાં આવી ગયા હોઈએ એવું ફીલ થાય છે. વર્ષોથી અમે અહીં આવીએ છીએ, પરંતુ અચાનક કરાયેલા આ પ્રકારના ફેરફારે અમને ચોંકાવી દીધા.’

ઝૂની કાયાપલટ માટે પૅન્ગ્વિન

આવતા મહિને પૅન્ગ્વિનને ઝૂમાં ચાર વર્ષ થશે. અહીં ચાર બાળ પૅન્ગ્વિન લાવવામાં આવ્યાં હતાં, જે હવે મોટાં થઈ ગયાં છે. એકનું મૃત્યુ થયા સિવાય બાકી બધાં પૅન્ગ્વિન હેલ્ધી છે. એમણે પોતાની પેર બનાવી દીધી છે એટલે અવારનવાર પૅન્ગ્વિનની જોડીની ઘનિષ્ઠતા પણ જોવા મળી જાય છે. એમની નજદીકી જોઈને આશા રખાઈ રહી છે કે અહીં નજીકના ભવિષ્યમાં બાળ પૅન્ગ્વિન પણ જોવા મળશે. ઝૂમાં કરાઈ રહેલા ફેરફાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. આ માટેની મોટા ભાગની ઇન્કમ પૅન્ગ્વિન જોવા માટેના ચાર્જમાંથી ઊભી થઈ રહી છે. આથી પૅન્ગ્વિન ઝૂની કાયાપલટ માટે આશીર્વાદરૂપ સાબિત થયાં છે.

ભાયખલા ઝૂ કે રાણી બાગ ઝૂમાં એન્ટ્રી, ટિકિટ-વિન્ડોથી માંડીને અંદર કયા પ્રાણી કે પક્ષીની સાઇટ કઈ તરફ છે એ માટે નવાં સાઇન બોર્ડ લગાવાયાં છે. ઘણા લોકો ઇંગ્લિશ, હિન્દી કે મરાઠી ભાષા વાંચી નથી શકતા. આવા ટૂરિસ્ટો પણ સાઇન બોર્ડ સમજી શકે એ માટે એમાં ચિત્ર મુકાયાં છે. આ નાનકડા ફેરફારથી અહીંના એકથી બાવીસ નંબર સુધીનો મૅપ લોકો આસાનીથી જોઈને તેમને જે પ્રાણી કે પક્ષી જોવાં હોય એ તરફ જવામાં મદદરૂપ થાય છે. 

છેલ્લાં ચાર વર્ષથી અહીંનાં ગાર્ડન, વૃક્ષ અને પ્રાણી-પક્ષીઓ માટે સતત અપગ્રેડેશન ચાલી રહ્યું છે. એના પૂરા થવા આવેલા પહેલા ફેઝ વિશે ઝૂના ડિરેક્ટર ડૉ. સંજયકુમાર ત્રિપાઠી કહે છે, ‘મોટા ભાગના લોકોના મગજમાં ઝૂની ઇમેજ પીંજરામાં પુરાયેલાં પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે. મુંબઈની વચ્ચોવચ્ચ આપણને એક નાનકડું જંગલ કહી શકાય એવી ૫૩ એકર જમીન મળી છે. એને વર્લ્ડ લેવલનું બનાવવા માટેની તક મળી એ ઝડપી લઈને અમે અહીંનાં અલભ્ય વૃક્ષોને જરાય ડિસ્ટર્બ કર્યા વિના ટાઇગર, લેપર્ડ, જૅકૉલ, પૅન્ગ્વિન, સિંહ, બેઅર સહિતનાં પ્રાણીઓ અને પક્ષીઓ માટેનાં લૅન્ડસ્કેપ બનાવ્યાં. આથી પીંજરાનાં પ્રાણીઓ ખુલ્લી જગ્યામાં હરીફરી શકે છે. લોકોનો એમની સાથેનો સીધો સંપર્ક ઓછો થાય એ માટે કાચની દીવાલો ઊભી કરાઈ. તબક્કાવાર ઝૂમાં નવેસરથી ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના સિંહોને પણ અહીં લાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે એટલે એમને રહેવા માટેનું લૅન્ડસ્કેપ ઑલરેડી બનાવી દેવાયું છે. બરફમાં રહેતા પોલર બેઅર, વુલ્ફ પણ ઝૂમાં લાવવાના પ્રયાસ ચાલુ છે. ટૂંકમાં કહીએ તો દેશના સૌથી મોટા અને જૂના આ ઝૂમાં કુદરતી વાતાવરણથી લઈને આધુનિક પ્રાણીસૃષ્ટિ ઊભી કરવામાં આવી છે. બેન્ગાલ ટાઇગરની જોડી શક્તિ અને ક્રિષ્ના અને પૅન્ગ્વિન જોવા માટે સૌથી વધુ પ્રવાસીઓ અત્યારે ઝૂની મુલાકાત લઈ રહ્યા છે.’

નવાં લૅન્ડસ્કેપ તૈયાર કરવામાં વર્ષો જૂનાં વૃક્ષ, ગાર્ડનને જરાય ડિસ્ટર્બ નથી કરાયાં. રાધર, એ જૂનાં વૃક્ષોનો અહીં લૅન્ડસ્કેપ તૈયાર કરવામાં બખૂબી ઉપયોગ કરી લેવાયો છે. આ માટે રખાયેલી કાળજી વિશે ઝૂના બૉટનિકલ વિભાગના ઇન્ચાર્જ અભિષેક સાટમ કહે છે, ‘અહીં અનેક વૃક્ષો છે જે બીજે ક્યાંય જોવા નથી મળતાં. આથી એમને હાથ લગાડ્યા વિના પ્રાણીઓની નવી સૃષ્ટિ ઊભી કરાઈ છે. દાખલા તરીકે લેપર્ડ ઊંચાં ઝાડ પર ચડી શકે છે એટલે એ કૂદકો મારીને લોકોની વચ્ચે ન આવી જાય એ માટે જૂનાં વૃક્ષોની ફરતે સ્ટીલની નેટ મોટા પિલરને જોડીને બાંધી છે. આનાથી સેંકડો વર્ષ જૂનાં વૃક્ષને કાપવાની જરૂર નથી પડી અને એ જ વૃક્ષ પ્રાણીની ખાસિયત મુજબના લૅન્ડસ્કેપ માટે તૈયાર પણ થઈ ગયું. આવી જ રીતે તમામ પ્રાણીઓની ખાસિયતોને ધ્યાનમાં રાખીને ઝીણવટભર્યું કામ કર્યું છે.’

લૉકડાઉનમાં શું થયું?

લૉકડાઉનના કપરા સમયમાં લોકોના જીવ સામે જોખમ હતું ત્યારે રાણી બાગ ઝૂમાં સેંકડો પ્રાણી-પક્ષીઓની દેખભાળ કરવાની ચૅલેન્જ ઝૂના સંચાલકોને હતી. જોકે તેમણે અહીંના ત્રણસોથી વધારેના સ્ટાફ અને પ્રાણીઓના ડૉક્ટરો નૉર્મલ સમયની જેમ સવાર-સાંજ રૂટીન કામ કરી શકે એ માટેની વ્યવસ્થા કરી હતી. ઝૂની અંદર છ મહિના સુધી તેઓ રહ્યા હતા. આ સિવાય કોરોના વાઇરસનું સંક્રમણ સ્ટાફની સાથે પ્રાણી-પક્ષઓને ન થાય એ માટે બહારથી લવાતી ભોજન સહિતની વસ્તુઓ સૅનિટાઇઝ કરવામાં આવતી હતી. ૨૪ કલાક બહારથી આવેલી વસ્તુઓને એક જગ્યાએ રાખ્યા બાદ જ એનો ઉપયોગ કરવામાં આવતો હતો.

મુંબઈના આ અનોખા રાણી બાગની જાણવા જેવી વાતો

૦ વીર જિજાબાઈ ભોસલે ઉદ્યાન કે રાણી બાગ ઝૂ માત્ર મુંબઈ જ નહીં, ભારતનું સૌથી જૂનું છે. ૦ એનું મૂળ નામ ક્વીન વિક્ટોરિયા ગાર્ડન્સ હતું, જે ભાયખલામાં ૫૩ એકરમાં ફેલાયેલું છે.

૦ અહીં દેશમાં સૌથી વધુ વનસ્પતિ વૈવિધ્ય છે. આ ગાર્ડનનું ઉદ્‌ઘાટન ૧૯ નવેમ્બર, ૧૮૬૨માં લેડી કૅથરિન ફ્રેઅરે કર્યું હતું. અહીં ૨૮૬ પ્રજાતિ, ૩૨૧૩ વૃક્ષ અને ૮૫૩ વનસ્પતિની જાતિ છે.

૦ ૧૮૭૩થી ઝૂનું સંચાલન મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.

૦ આ ઝૂ લંડનના ‘પામ હાઉસ’ની થીમ પર બનાવવામાં આવ્યું છે.

૦ સામાન્ય સંજોગોમાં દરરોજ છથી આઠ હજાર અને વીક-એન્ડમાં ૨૦ હજાર જેટલા લોકો ઝૂની મુલાકાત લે છે.

 

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને ઝૂ

સમય: સવારે ૯.૩૦થી સાંજે ૬.૦૦

બુધવારે બંધ

એન્ટ્રી ફી: ૬૦ રૂપિયા (સિનિયર સિટીઝન્સ માટે ફ્રી)

columnists prakash bambhrolia byculla zoo