ચાલો કહીએ કે તારે આવવાની જરૂર નથી, અમે અમારી લીલા સંકેલી લઈએ છીએ

12 August, 2020 06:15 PM IST  |  Mumbai | Manoj Joshi

ચાલો કહીએ કે તારે આવવાની જરૂર નથી, અમે અમારી લીલા સંકેલી લઈએ છીએ

તારે આવવાની કોઈ જરૂર નથી, તું તારે ઉપર લીલાલહેર કર, અમે અમારી તમામ લીલા સંકેલી લેવા તૈયાર છીએ...’

જ્યારે-જ્યારે ધર્મ જોખમમાં મુકાશે, જ્યારે-જ્યારે પાપાચાર એની ચરમસીમા પર પહોંચશે, જ્યારે-જ્યારે અધર્મની માત્રા વધશે ત્યારે-ત્યારે હું પૃથ્વી પર આગમન કરીશ.
શ્રેષ્ઠતમ સંદેશ, પણ એનો ભાવાર્થ પણ સમજવાની જરૂર છે. કહેવામાં આવેલા આ શબ્દોને મોટા ભાગનાઓએ સાહજિક સ્વરૂપમાં લીધા છે, પણ આ શબ્દોનો ગૂઢ અર્થ પણ સમજવો જોઈશે અને એ સમજ્યા પછી નક્કી કરવું પડશે કે કૃષ્ણને આપણે ફરીથી બોલાવવા છે ખરા. કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે ધર્મ જોખમમાં મુકાશે, જ્યારે પાપ વધશે અને જ્યારે અધર્મ એની ચરમસીમા પર હશે ત્યારે એ આવશે. કહેવાયેલા આ શબ્દોની પાછળ ન કહેવાયેલા શબ્દો પણ સૌકોઈએ સમજવા જોઈશે.
ધર્મ જોખમમાં ક્યારેય મુકાય, પાપ ક્યારેય વધે અને અધર્મનું આચરણ કેવા સંજોગોમાં ચરમસીમા પર પહોંચે? ત્યારે અને ત્યારે જ જ્યારે માણસ પોતાની માણસાઈ ભૂલી જાય. ત્યારે અને ત્યારે જ જ્યારે માણસ હેવાન બનીને, રાક્ષસ બનીને રહેવા માંડે. માણસ સ્વાર્થી થઈ જાય ત્યારે અને સ્વાર્થભાવ વચ્ચે તે પોતાનાઓનું પણ અહિત કરતાં ખચકાય નહીં ત્યારે. પ્રશ્ન એ છે કે જો માણસ બગડે, માણસ હેવાન થઈ જાય અને માણસ વિકૃતિની ચરમસીમા પર પહોંચી જાય તો ઈશ્વર પૃથ્વી પર આવશે. ભગવાન જન્મ લેશે એવી વાતથી આપણે બહુ ખુશ થઈએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ અને દર વર્ષે એવી અપેક્ષા સેવીએ છીએ કે ભગવાનનો જન્મ લેવાનો દિવસ નજીક આવી ગયો, પણ આ ઉત્સાહ અને ઉલ્લાસના વાતાવરણ વચ્ચે ભગવાનના પ્રૉમિસની સાથે જોડાયેલી પેલી શરતને તો આપણે ભૂલી જ જઈએ છીએ.
જો આપણે રાક્ષસ બનીશું તો ભગવાન આવશે.
કૃષ્ણએ તમારી સામે શરત મૂકી છે કે જો તું આમ કરશે તો હું આમ કરીશ. તેણે આવવાનું વચન આપ્યું, પણ સાથોસાથ તેણે સુઝાડ્યું પણ ખરું કે મારા વિનાની આ સૃષ્ટિને તું સૃષ્ટિ બનાવીને અકબંધ રહેવા દેશે, તારી માણસાઈને તું જીવંત રાખશે તો મારે જન્મ લેવાની કોઈ આવશ્યકતા નથી. જો માણસ પોતાનો ધર્મ ચૂકવાનો ન હોય તો પછી ક્યાં કૃષ્ણની જરૂરિયાત છે. જો માણસ પોતાની માનવતાને આંખ સામે રાખવાનો હોય તો પણ ક્યાં કૃષ્ણની જરૂર છે અને કોણે કહ્યું કે કૃષ્ણ પણ આવવા માટે રાજી છે. કૃષ્ણને પણ આવવું તો નથી જ અને એટલે જ તો તેણે કહ્યું છે, જો આમ થશે તો અને જો તેમ થશે તો...
એમ કરવું જ શું કામ છે ભાઈ? માણસ પોતે જો માણસાઈ ચૂકશે નહીં તો કોઈ ઈશ્વરને નવેસરથી જન્મ લેવાની જરૂર નથી પડવાની. જો શીખવવામાં આવેલો દાખલો ક્યારેય ભુલાવાનો ન હોય તો માસ્તરે ક્યારેય પાસે ન આવવું પડે અને જો માસ્તરે ફરજિયાત પાસે આવવું પડે તો એ આવીને લાડ લડાવે નહીં, એ ટપલી મારી લે. કૃષ્ણને પાછા આવવું નથી, પણ જો તેમણે જે શીખવ્યું છે એ ભૂલ્યા તો પાછા આવવામાં તેમને વાંધો પણ નથી, પરંતુ એ સમયનો ઇરાદો બહુ સ્પષ્ટ છે. પાછા આવીને તેઓ લાડ નહીં લડાવે, તેઓ ટપલી મારી લેશે અને ભાઈ, ભગવાને મારેલી ટપલી કેવી ભારે હોય છે એની જરા કલ્પના કરજો. બહેતર છે કે એ ટપલી ખાવાને બદલે માણસાઈ સાથે ફરીથી આગળ વધીએ અને કહીએ કે ‘કાના, તારા શીખવેલા પાઠ ક્યારેય ભૂલીશું નહીં. તારે આવવાની કોઈ જરૂર નથી, તું તારે ઉપર લીલાલહેર કર, અમે અમારી તમામ લીલા સંકેલી લેવા તૈયાર છીએ...’

manoj joshi columnists