માસ્ક ઇઝ મસ્ટ

11 May, 2020 08:42 PM IST  |  Mumbai | Varsha Chitalia

માસ્ક ઇઝ મસ્ટ

કોરોના મહામારીથી બચવા માસ્કની અનિવાર્યતાને ધ્યાનમાં રાખી ગોરેગામનાં કિંજલ પંડ્યા ફ્રીમાં માસ્ક પહોંચાડે છે.

કોરોના મહામારીથી પોતાને સુરક્ષિત રાખવા દેશભરના લોકોને ઘરની બહાર નીકળો એ પહેલાં માસ્ક પહેરવાનું અનિવાર્ય બનાવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘરમાં અવેલેબલ હોય એ કાપડને મોઢા પર બાંધીને બહાર નીકળવાની સલાહ આપી છે અને આગામી થોડાક મહિનાઓ માટે નાક-મોં ઢાંકતું આ કાપડું આપણી રોજિંદી ફૅશનનું અનિવાર્ય અંગ બની રહેવાનું છે ત્યારે આપણે એવા કેટલાક લોકોને મળીએ જેઓ લૉકડાઉનના સમયનો સદુપયોગ કરી માસ્ક બનાવી રહ્યા છે.

કોરોના મહામારીથી સુરક્ષિત રહેવા ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવો અત્યંત જરૂરી છે. છીંકવાથી કે ખાંસવાથી કોરોના વાઇરસના જીવાણુ અન્ય લોકોના શરીરમાં પ્રવેશી શકે છે. આવનારા સમયમાં માસ્ક જીવનશૈલીનો એક ભાગ બની જશે એવો માહોલ પેદા થયો છે. જોકે સામાન્ય લોકોમાં માસ્કના વપરાશ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. બીજી તરફ માર્કેટમાં માસ્કની શૉર્ટેજ ઊભી થઈ છે. માસ્કની કિંમત વધુ હોવાથી અનેક લોકો એકના એક માસ્ક ફરી-ફરી વાપરે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતાવહ નથી. આજે આપણે એવા કેટલાક લોકોને મળીએ જેમણે ઓછા ખર્ચે ઘરમાં માસ્ક બનાવ્યા છે અને સમાજની સહાય પણ કરી છે.

ચાર પેઢી જોડાઈ
કોરોના મહામારીથી બચવા માસ્કની અનિવાર્યતાને ધ્યાનમાં રાખી ગોરેગામનાં કિંજલ પંડ્યા ફ્રીમાં માસ્ક પહોંચાડે છે. તેમની ફેમિલીમાં દાદાજી સસરાથી લઈ આઠ વર્ષના દીકરા સહિત ચાર પેઢી માસ્ક બનાવવાના કાર્યમાં જોડાઈ છે. હાલમાં જ તેમણે એક હજાર માસ્ક ડોનેટ કર્યા છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘વ્યવસાયે હું ફૅશન-ડિઝાઇનર છું. મારી વર્કશૉપમાં અનેક મીટર કાપડ પડ્યું હતું. થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાપડના માસ્કની વાત કરી પછી મને અમારા વિસ્તારના શાકભાજીવાળા અને અન્ય વેન્ડર્સ માટે માસ્ક બનાવવાનો વિચાર આવ્યો. પોલીસની પરવાનગીથી માસ્ક બનાવવા માટે આવશ્યક ઇલૅસ્ટિક મેળવવા એક મિત્રની દુકાન ખોલાવી હતી. શરૂઆતમાં ૨૫૦ માસ્ક બનાવ્યા. જરૂરિયાતમંદ લોકો સુધી એને પહોંચાડવા સામાજિક કાર્યકરોનો સંપર્ક કર્યો. હાલમાં ઘરમાં બધાને નવરાશ છે અને આ તો સેવાનું કામ છે. વધુમાં વધુ માસ્ક પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. સ્ટિચિંગનું કામ મને આવડે છે. દેરાણી કટિંગ કરી આપે છે. બાકીના મેમ્બરો દોરા અને ઇલાસ્ટિક કાપવાનું કામ કરે છે. કોઈને પણ જરૂર હોય ત્રણ દિવસ પહેલાં કહી દે એટલે અમે બનાવી આપીએ. સ્વયંસેવકોની સહાયથી માસ્ક પહોંચી જાય છે. હું ફૅશન ડિઝાઇનર છું તેથી ઘણાને થયું કે કંઈક ઇનોવેટિવ હશે, પરંતુ એવું જરાય નથી. અમે સાદા માસ્ક જ બનાવીએ છીએ. તમે ઇચ્છો તો પર્સનલ યુઝ માટે બૉર્ડરવાળા દુપટ્ટામાંથી માસ્ક બનાવી શકો છો. આગામી સમયમાં માસ્ક ફૅશન ટ્રેન્ડ બને એવું શક્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિમાં પહેરી શકાય એવા ડિઝાઇનર માસ્ક માર્કેટમાં ઉતારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. જોકે મારું માનવું છે કે માસ્ક ફૅશનનું નહીં, જીવનને સુરક્ષિત રાખવાનું સાધન છે. ફૅશનના નામે એનો બિઝનેસ કરવો યોગ્ય નથી.’

વેસ્ટમાંથી સુરક્ષા
વિરારમાં રહેતાં નીતા વિશ્વકર્મા ગાર્મેન્ટ્સ મૅન્યુફૅક્ચરિંગના વેસ્ટ મટીરિયલમાંથી માસ્ક બનાવે છે. તેઓ કહે છે, ‘મારા હસબન્ડ ગાર્મેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. કટિંગ બાદ વધેલું કાપડ કામનું હોતું નથી. સામાન્ય રીતે આસપાસમાં રહેતા લોકો આ વેસ્ટેજ ગોદડી બનાવવા માટે લઈ જતા હોય છે. અત્યારે કોઈ લેવા આવતું નથી. ઘરમાં ઢગલો કરવો એના કરતાં આ વેસ્ટેજનો સદુપયોગ થાય. બજારમાં મળતા કાપડના માસ્ક મોંઘા છે અને ક્વૉલિટી એટલી સારી નથી. ધોવાથી ખરાબ થઈ જાય છે. પહેલાં ઘરના સભ્યો માટે માસ્ક બનાવ્યા. ત્યાર બાદ સોસાયટીના વૉચમૅન અને ઝાડુવાળાની ફૅમિલીની સુરક્ષા માટે બનાવ્યા. અત્યાર સુધી પચાસ જેટલા માસ્ક બનાવીને વહેંચ્યા છે. હવે તેમણે પોતાની ચાલીમાં રહેતા બીજા લોકો માટે માસ્ક માગ્યા છે. મારી પાસે કાપડ હશે ત્યાં સુધી તેમને બનાવીને આપીશ. ઘરમાં માસ્ક બનાવવા સરળ છે. કોઈ પણ કાપડમાંથી તમે જાતે બનાવી શકો છો. સિલાઈ મશીન ન હોય તો હાથેથી પણ બનાવી શકાય. માસ્કને ફિટિંગમાં પહેરવા જરૂરી છે તેથી સાઇઝ પ્રમાણે માપ લઈ કટિંગ કરી દોરા અથવા ઇલાસ્ટિક જે અવેલેબલ હોય એને સાઇડમાં જૉઇન્ટ કરી હા‍ સિલાઈ કરી લેવી. એક વ્યક્તિ માટે ત્રણથી ચાર માસ્ક બનાવી લેવા અને જુદા રાખવા.’

હેલ્થની સાથે આવક
સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતાં નાલાસોપારાનાં વિમલા ગડાએ માસ્કને હેલ્થ અને વેલ્થ બન્નેમાં કન્વર્ટ કર્યા છે. તેમના હસબન્ડ નોકરી કરે છે, પરંતુ આવક એટલી નથી. બે છેડા ભેગા કરવા વિમળાબહેન ડ્રેસ ઑલ્ટરેશન, બ્લાઉઝ સીવવા જેવાં કામ કરે છે. તેઓ કહે છે, ‘હાલમાં કામધંધો નથી. વડા પ્રધાને પગાર ન કાપવાની અપીલ કરી છે પણ મારા હસબન્ડને પાંચ હજાર રૂપિયા જ મળ્યા છે. આટલી રકમમાં ઘરનો ખર્ચ કેમ નીકળે? બહારના માસ્ક પરવડે એમ નથી અને કોરોનાથી બચવા માસ્ક જરૂરી છે એટલે ફૅમિલી માટે જાતે બનાવ્યા હતા. એમાંથી વિચાર આવ્યો કે આપણી જેવા અનેક લોકો છે જેમને માસ્કના ચાળીસ રૂપિયા મોંઘા પડતા હશે. તેમને સસ્તા દરે માસ્ક આપીશું તો બન્નેનું કામ થશે. સિલાઈનું કામ કરું છું તેથી પંદરેક મીટર જેટલું કાપડ હતું. એમાંથી માસ્ક બનાવીને ચાલીમાં રહેતા લોકોને વીસ રૂપિયામાં આપ્યા. મારા બનાવેલા માસ્ક સસ્તા અને ટકાઉ નીકળ્યા એટલે બીજા લોકોએ માગ્યા. પચાસ માસ્કનો ઑર્ડર મળ્યો તો પંદર રૂપિયામાં આપ્યા. સારી રીતે કટિંગ કરતાં આવડતું હોય તો એક મીટરમાંથી વીસ માસ્ક બની જાય. મારી પાસે ઇલૅસ્ટિક નથી એટલે કાપડમાંથી જ દોરી બનાવી છે. આવનારા સમયમાં માસ્કની અનિવાર્યતા અને આર્થિક કટોકટીને જોતાં સિલાઈનું કામકાજ આવડતું હોય એવી મહિલાઓ સ્વાસ્થ્યની સાથે આવકનું સાધન ઊભું કરી શકે છે.’

માસ્ક વાપરવામાં જરૂરી કાળજી વિશે ડૉક્ટર શું કહે છે?

કોરોના સંકટની વચ્ચે કોણે કેવા માસ્ક પહેરવા જોઈએ, કેટલો સમય પહેરી શકાય તેમ જ એને ધોવાની અને નિકાલ કરવાની પદ્ધતિ વિશે વાચકોને સાચી જાણકારી મળી રહે એવા હેતુથી ગ્લોબલ હૉસ્પિટલનાં ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. મંજુષા અગ્રવાલ સાથે થયેલી વાતચીતને અહીં પૉઇન્ટ ટુ પૉઇન્ટ રજૂ કરવામાં આવી છે. માસ્ક વાપરતી વખતે દરેક નાગરિકે પોતાના સ્વાસ્થ્યની કાળજી માટે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની તેમણે ખાસ ભલામણ કરી છે.
માસ્ક ત્રણ પ્રકારના હોય છે. સર્જિકલ, N95 અને સાદા કાપડમાંથી બનાવેલા માસ્ક. N95 માસ્ક માત્ર ડૉક્ટરો, નર્સ અને અન્ય હેલ્થવર્કરો માટે જ છે. આ માસ્ક સામાન્ય નાગરિકોએ વાપરવાના નથી. કોરોના વાઇરસથી સંક્રમિત દરદીને ઘરમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હોય ત્યારે દરદી તેમ જ તેની કૅર લેનારી વ્યક્તિ અથવા ફૅમિલીના સભ્યોએ સર્જિકલ થ્રી પ્લાય માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તમને
શરદી-ખાંસી કે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ ન હોય તો ઘરની અંદર માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ ઘરનો ઉંબરો ઓળંગો ત્યારે સુતરાઉ કાપડમાંથી બનાવેલો માસ્ક પહેરવો અનિવાર્ય છે.
માસ્ક પહેરવાની રીત સાચી હોવી જોઈએ અને ફિટિંગ બરાબર હોવું જોઈએ. સર્જિકલ માસ્કમાં એક તરફ સાડી જેવી પ્લીટ્સ હોય છે. પ્લીટ્સવાળો ભાગ અંદરની બાજુ પહેરવાનો છે. કાપડમાંથી બનાવેલા માસ્ક પહેરતી વખતે નાક અને મોઢું બન્ને ઢંકાય એ રીતે પહેરવો. સુરક્ષા માટે છીંકતી, ખાંસતી કે બોલતી વખતે માસ્ક ચહેરા પરથી હટાવવાનો નથી. એક વાર માસ્ક પહેર્યા પછી વારંવાર એને ઍડ્જસ્ટ કરવા બહારથી હાથ ન લગાવો. આમ કરવાથી માસ્કના ઉપરના ભાગમાં ચોંટેલા જીવાણુથી હાથ વાટે ચેપ લાગી શકે છે. લૉકડાઉન ખૂલ્યા પછી પણ કોરોનાનું જોખમ ટળવાનું નથી તેથી હવે સૌકોઈએ આ વર્ષના અંત સુધી ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા ફરજિયાત છે. સર્જિકલ માસ્કને લાંબો સમય પહેરી રાખવાથી કાનની પાછળના ભાગમાં દુખાવો થવા લાગે છે તેથી આવશ્યક હોય તો જ એનો વપરાશ કરવો અન્યથા કાપડના માસ્ક બેસ્ટ અને સેફ છે.
વાતચીત કરવાથી, છીંકવાથી અને ખાંસવાથી સર્જિકલ માસ્ક અંદરની બાજુ ભીનો થઈ જાય છે અને બહારના ભાગમાં જીવાણુ ચોંટેલા હોય છે તેથી છથી સાત કલાક બાદ ડિસ્કાર્ડ કરી નાખવા જોઈએ. ઘરનો સામાન લેવા બહાર જાઓ એટલો સમય (અડધો કલાક) પહેરતા હો તો બે-ત્રણ દિવસ વાપરવામાં વાંધો નથી. આપણા દેશમાં જુગાડ કરવો નવી વાત નથી. પાણીની બૉટલને જે રીતે રસ્તા પરથી ભેગી કરી રિફીલ કરવામાં આવે છે એવું માસ્કના વેચાણમાં પણ બની શકે છે. માસ્કનો નિકાલ કરવામાં જરા અમથી ગફલત કોરોના જેવી ભયાનક બીમારીને કમ્યુનિટી લેવલ સુધી લઈ જવામાં મોટો ભાગ ભજવી શકે છે. વપરાયેલા માસ્કની બે-ત્રણ ગડી વાળી રબર વડે ટાઇટ બાંધી દો. ત્યાર બાદ ટિશ્યુ પેપરમાં કવર કરી ડસ્ટબિનમાં નાખો.
સુતરાઉ કાપડમાંથી ઘરે બનાવેલા માસ્ક, રૂમાલ અથવા સ્કાર્ફને એક વાર પહેર્યા બાદ ધોવા જરૂરી છે. આ માસ્કને અડધો કલાક ગરમ પાણીમાં ડિટર્જન્ટ નાખી મૂકી રાખો. ત્યાર બાદ સ્વચ્છ પાણીથી ધોઈ ફરીથી વાપરવો.
સર્જિકલ માસ્કને ઝિપ લૉકવાળી પ્લાસ્ટિકની બૅગમાં સાચવીને રાખવા. બૅગની અંદર સિલિકા જેલી રાખવાથી માસ્કને મૉઇશ્ચર-ફ્રી રાખી શકાય છે. સર્જિકલ માસ્કનો શેપ બગડી ગયો હોય કે કોઈક જગ્યાએથી ફાટી ગયો હોય તો તાબડતોબ એનો નિકાલ કરી દેવો. એવી જ રીતે કાપડની ગુણવત્તા પર ધ્યાન આપવું.
માસ્કની સાથે હવે ૭૦ ટકા આલ્કોહૉલ ધરાવતા સૅનિટાઇઝરને પણ પૉકેટમાં લઈને ફરવું પડશે. લિફ્ટનું બટન દબાવ્યા બાદ, કારનો દરવાજો ખોલ્યા બાદ કે કોઈ પણ જગ્યાએ હાથ લગાવ્યા બાદ સૅનિટાઇઝરથી હાથ સાફ કરી લેવા. માસ્ક પહેરતાં પહેલાં અને ઉતાર્યા બાદ સૅનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરી લેવા. સુરક્ષા માટે સેલ્ફ-હાઇજીનને તમારી લાઇફસ્ટાઇલ બનાવી લો.

Varsha Chitaliya columnists