ચાલો થઈએ સક્ષમ, આત્મનિર્ભર અને જવાબદારીઓને પણ હકથી સંભાળીએ

14 August, 2020 07:18 PM IST  |  Mumbai | Manoj Joshi

ચાલો થઈએ સક્ષમ, આત્મનિર્ભર અને જવાબદારીઓને પણ હકથી સંભાળીએ

પ્રતીકાત્મક તસવીર

આવતી કાલે સ્વાતંત્ર્ય દિવસ છે. ગુલામીમાંથી આઝાદ થયાનો દિવસ. ૭ દસકા પસાર થઈ ગયા આઝાદી પ્રાપ્ત કર્યાને અને એ પછી આજે પણ આપણે અનેક રીતે ગુલામ છીએ. અનેક રીતે અને અનેક બાબતમાં. આપણે એ ગુલામીમાંથી છૂટવાની દિશામાં આજથી શરૂઆત કરીએ. એવી શરૂઆત જે આપણને પૂર્ણ નાગરિક બનાવે, એવી શરૂઆત કરીએ જે વધુ સક્ષમ નાગરિક બનાવે. કેવી રીતે શરૂઆત કરવી અને શું શરૂઆત કરવી એ તમારે નક્કી કરવાનું છે અને તમારે જ એનું પાલન કરવાનું છે. તમારે જ નિયમ બનાવવાનો છે અને તમારે જ એ નિયમનું પાલન થાય એનું ધ્યાન રાખવાનું છે. નિયમ કોઈ પણ લો, એ નિયમની માત્ર એક જ શરત હોવી જોઈએ કે તમે લીધેલો નિયમ આઝાદી અને રાષ્ટ્રના પક્ષમાં, આઝાદી અને રાષ્ટ્રના હિતમાં હોય. સમાજના દૃષ્ટિકોણથી પણ જો કોઈ નિયમ લેવા માગતા હો તો પણ વાંધો નહીં, કારણ કે સમાજથી જ રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે અને સમાજ દ્વારા જ આઝાદીનું જતન થતું હોય છે.
કોઈ એક નિયમ, એવો નિયમ જે ખરેખર જરૂરી હોય. પછી ભલે એ સિવિક સેન્સની દૃષ્ટિનો હોય કે પછી ટ્રાફિકને લગતો હોય. ભલે એ સોશ્યલ અવેરનેસના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો હોય કે પછી સોસાયટીને યોગ્ય રીતે મદદરૂપ થવાના દૃષ્ટિકોણથી હોય. કોવિડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોય કે પછી અન્ય પ્રકારની સ્વસ્થતા અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોય; પણ આ લેવામાં આવે એ બહુ જરૂરી છે. બહુ વર્ષો જીવ્યા આઝાદીનાં જ ગીતો ગાતા રહીને આઝાદીને બિરદાવવામાં. હવે આપણે એ આઝાદીને નવી દૃષ્ટિથી જોવાની છે અને આગળ વધવાનું છે. આઝાદી મળી ગઈ, બહુ સારું થયું; પણ હવે એ પુરવાર કરવાનો સમય આવી ગયો છે કે આપણે આઝાદીને જ લાયક હતા અને આપણે આઝાદીને સર્વોત્તમ રીતે સાચવી શકીએ છીએ. હવે એ સાબિત કરવાનો પણ સમય આવી ગયો છે કે અમને કોઈની પાસેથી રીતભાત શીખવાની જરૂર નથી, હવે અમે અમારી રીતભાત દુનિયાને શીખવવાના છીએ. અમેરિકાની આ ખૂબી સૌથી સરસ છે અને સિંગાપોરની ફલાણી વાત એકદમ ઉચિત છે એ બધું આપણે બહુ બોલી લીધું અને ગાઈવગાડી લીધું, પણ હવે દુનિયા આપણા આતિથ્યભાવનાં વખાણ કરે છે એ જ રીતે આપણી સોશ્યલ જવાબદારીનાં પણ વખાણ કરે એવું કરવાનું છે. ગંદકી, ટ્રાફિક સેન્સની કમીથી લઈને અભણ અને દરિદ્રતા દૂર કરવા જેવા મુદ્દાઓમાં આપણે કઈ રીતે ઉપયોગી બની શકીએ છીએ એના પર હવે ધ્યાન આપીશું તો એનો ચોક્કસ લાભ આપણને અને આપણા દેશને જ થશે. નક્કી તમે કરો, તમારે શું કરવું છે અને કેવો નિયમ બનાવવો છે; પણ એ બનાવવો બહુ જરૂરી છે. થોડાં વર્ષોમાં આપણે આઝાદીના આઠમા દસકામાં પ્રવેશ કરીશું. આ પ્રવેશ પહેલાં હવે એનો ભાર માત્ર સરકાર પર રહે એવું કરવાને બદલે આ આઝાદીએ દેશનો અને દેશની જવાબદારી, સામાજિક ફરજનો ભાર આપણે સૌ આપણા ખભા પર લઈએ અને આપણે બધા પણ રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીએ. આત્મનિર્ભર માત્ર ચીજવસ્તુઓ પૂરતા જ ન રહીએ, પણ આત્મનિર્ભરતાને જવાબદારીના નામે પણ સક્ષમ બનાવીએ.

manoj joshi columnists