લીંબુનો રસ જ નહીં, છાલ પણ છે મજેદાર

26 May, 2020 10:07 PM IST  |  Mumbai | Varsha Chitaliya

લીંબુનો રસ જ નહીં, છાલ પણ છે મજેદાર

રોજબરોજના આહારમાં ખવાતા ખાદ્યપદાર્થમાં ફળનું સ્થાન અનેરું છે. લીંબુ એવું ફળ છે જે સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે. ઉનાળાની મોસમમાં તો લીંબુનું શરબત સૌથી પસંદીદા અને પ્રચલિત પીણું છે. ઘરમાં આવતા મહેમાનોને પણ સામાન્ય રીતે આપણે એમ જ પૂછીએ છીએ કે શું લેશો - ચા, કૉફી કે લીંબુનું શરબત? વિટામિન સી, કૅલ્શિયમ તેમ જ અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર લીંબુની ફ્લેવર અનેક વાનગીઓના સ્વાદમાં વધારો કરે છે. જોકે રોજબરોજની રસોઈમાં વપરાતા આ ફળનો રસ કાઢી એની છાલને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કો લીંબુની છાલ કેટલી ફાયદેમંદ છે? એનો ઉપયોગ સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે થાય છે. લીંબુની છાલ એટલી ગુણકારી છે કે અનેક રોગોને દૂર કરી તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. ડે ટુ ડે લાઇફમાં વપરાતા આ ફ્રૂટની છાલની ઉપયોગિતા અને વિવિધ લાભો વિશે આજે વાત કરીએ.

છાલ ખવાય?

આપણે ત્યાં લીંબુનું અથાણું બને છે અને છાલ સહિત જ ખવાય છે. આ સિવાય છાલ ખાવામાં વપરાતી નથી એનું કારણ છે સ્વાદ. લીંબુની છાલનો સ્વાદ તૂરો, ખાટો અને સહેજ કડવો હોય છે. લીંબુ અને સંતરાં એક જ જાતનાં ફળો છે. બન્નેના પલ્પ તેમ જ છાલનો ઉપયોગ ક્રીમવાળાં બિસ્ક્ટિ્સ, ચૉકલેટ્સ, મીઠાઈ જેવા અનેક પ્રકારની ફૂડ પ્રોડક્ટ્સમાં થાય છે. મુલુંડનાં ડાયટિશ્યન ઈશિતા શાહ કહે છે, ‘લીંબુ સૌથી સસ્તું અને સરળતાથી મળતું સિટ્રસ ફ્રૂટ છે, પરંતુ આપણે એનો સંપૂર્ણ ઉપયોગ કરતા નથી. સાયન્ટિફિક સ્ટડી અનુસાર લીંબુની છાલમાં રહેલું બાયોઍક્ટિવ કમ્પાઉન્ડ અત્યંત ગુણકારી છે. લીંબુના રસની જેમ જ એની છાલનો પણ ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. છાલની છીણીને સૅલડ પર ભભરાવી શકાય. યોગર્ટ અને અન્ય બેક્ડ ફૂડમાં પણ ખમણેલી છાલ ઉમેરી ખાઈ શકાય છે. છાલની ફ્લેવરથી વાનગીનો સ્વાદ વધે છે અને સુંદર મજાની સુગંધ આવે છે. ફ્રોઝન લીંબુની છાલને ખમણીને સૂપ તેમ જ મૉકટેલ ડ્રિન્કમાં મિક્સ કરી શકાય. આજકાલ લેમન ટી પીવાનો ટ્રેન્ડ છે. ગ્રીન ટી, લેમન ટી અથવા કોઈ પણ હર્બલ ટીમાં માત્ર લીંબુનો રસ ન નાખતાં એની છાલ ભભરાવશો તો વધુ ફાયદો થશે. વિવિધ રીતે તમે છાલને તમારી ડાયટમાં ઉમેરી આરોગી શકો છો. એનાથી વજન નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીઝના દરદીઓ પણ આહારમાં એનો ઉપયોગ કરી શકે છે. અમારા ડાયટ-પ્લાનમાં લીંબુનો રસ જ નહીં એની છાલ ખાવાની સલાહ પણ આપવામાં આવે છે.’

મેડિકલ બેનિફિટ્સ

આશરે પાંચ હજાર વર્ષ જૂના ભારતીય ઔષધીય વિજ્ઞાનમાં લીંબુના છાલની ઉપયોગિતાનું વર્ણન કરવામાં આવ્યું છે. લીંબુના રસમાં રહેલા પાચક

તત્ત્વો ઉપરાંત એની છાલ દ્વારા રોગો મટાડવાના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જપાનમાં થયેલા એક અભ્યાસ મુજબ લીંબુની છાલમાંથી બનાવેલી ઔષધી બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં હેલ્પ કરે છે. લીંબુની છાલમાં મળી આવતાં ફિનાલ નામના તત્ત્વમાં બૉડીફૅટ્સને બર્ન કરવાની તાકાત છે. આ સંદર્ભે વાત કરતાં ઈશિતા કહે છે, ‘લીંબુમાં વિટામિન સી ઉપરાંત પોટૅશિયમ, એન્ઝાઇમ્સ અને ફાઇબર પણ હોય છે જે નીરોગી જીવન માટે આવશ્યક છે. છાલમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ફાઇબરથી તમારી પાચનશક્તિ સુધરે છે. લીંબુની છાલ પેઢાના દુખાવા

અને ડેન્ટલ ઇન્ફેક્શનમાં ઉપયોગી છે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતી લીંબુની છાલમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા છે. હૃદય સંબંધિત રોગોના દરદી તેમ જ કૉલેસ્ટરોલની સમસ્યા ધરાવતા દરદીઓએ આહારમાં લીંબુની છાલનો સમાવેશ કરવો જ જોઈએ.’ 

લીંબુની છાલમાં વિટામિન સી ઉપરાંત ઍન્ટિ-ઑક્સિડન્ટ, ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-એજિંગનો ગુણધર્મ પણ રહેલો છે તેથી ઘણા રોગોની દવા, હેલ્થ પ્રોડક્ટ્સ અને બ્યુટી વર્લ્ડમાં એનો ઉપયોગ થાય છે એમ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ રિન્કી કપૂર કહે છે, ‘પ્રાપ્ત માહિતી મુજબ કૅન્સરના સેલ્સને કન્ટ્રોલમાં રાખવા લીંબુની

છાલનો પ્રયોગ થઈ રહ્યો છે. ટૂથપેસ્ટમાં લીંબુની છાલનો વપરાશ સૌથી કૉમન છે. એનાથી મોઢાની દૂર્ગંધ દૂર થાય છે. ઓરલ હેલ્થ માટે ઘરગથ્થુ ઉપાયો કરવામાં પણ વાંધો નથી. શરદી-ખાંસીની સમસ્યામાં લીંબુને છાલ સહિત પાણીમાં ઉકાળી, ગાળીને પીવાથી ફાયદો થાય છે. જોકે કોઈ પણ વસ્તુનો અતિરેક હાનિકારક નીવડી શકે છે. ગ્રેટેડ લેમન પીલને

અડધી ચમચીથી વધુ માત્રામાં ન ખાવાની સલાહ છે.’

સૌંદર્ય નિખારે

દાદીમાના નુસખાઓથી લઈને મૉડર્ન બ્યુટી વર્લ્ડમાં લીંબુની છાલના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. ત્વચાના નિખારમાં લીંબુની છાલના મહત્ત્વ વિશે સમજાવતાં રિન્કી કપૂર કહે છે, ‘સાબુ, ફેસવૉશ, ઍન્ટિ-એજિંગ ક્રીમ, ઍક્ને ક્રીમ સહિત અનેક પ્રકારની કૉસ્મેટિક પ્રોડક્ટ્સમાં લીંબુની છાલનો ઉપયોગ થાય છે. કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સમાં એની માત્રા ૨૦થી ૨૫ ટકા જેટલી હોય છે. વાસ્તવમાં કોઈ પણ પ્રોડક્ટ્સમાં વિટામિન સીની પ્રૉપર્ટીઝ સ્ટેબલ રહેતી નથી.

થોડા સમય બાદ એ ઊડી જાય છે. તાજા લીંબુની છાલ એ નૅચરલ પ્રોડક્ટ છે. સ્નાન કરતાં પહેલાં પંદરેક મિનિટ પાણીમાં લીંબુની છાલ રાખી મૂકવાથી ત્વચા સ્વચ્છ થાય છે. ગ્રેટેડ પીલમાં મધ અને મિલ્ક ઉમેરી અઠવાડિયે એક વાર ચહેરા પર લગાવવાથી ત્વચાનો રંગ નીખરે છે. ખીલની સમસ્યામાં પણ લીંબુની છાલ લગાવવાથી રાહત થાય છે. ઘણી મહિલાઓ અન્ડર આર્મ્સની કાળાશ દૂર કરવા છાલ ઘસે છે. આપણે ત્યાં જૂના જમાનાથી ત્વચાના સૌંદર્ય માટે લીંબુનો પલ્પ અને છાલ બન્ને વપરાય છે.’

લીંબુની છાલને છીણીને સૅલડ પર ભભરાવી શકાય. યોગર્ટ અને બેક્ડ ફૂડમાં છાલની ફ્લેવરથી વાનગીનો સ્વાદ વધે છે અને મજાની સુગંધ આવે છે. ફ્રોઝન લીંબુની છાલને ખમણીને સૂપ તેમ જ મૉકટેલ ડ્રિન્કમાં મિક્સ કરવી. ગ્રીન ટી, લેમન ટી અથવા કોઈ પણ હર્બલ ટીમાં માત્ર લીંબુનો રસ ન નાખતાં એની છાલ ભભરાવશો તો વધુ ફાયદો થશે. આમ વિવિધ રીતે લીંબુની છાલને તમારી ડાયટમાં ઉમેરી આરોગી શકો છો

- ઈશિતા શાહ, ડાયટિશ્યન

કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સમાં લીંબુનો રસ અથવા છાલની માત્રા ૨૦થી ૨૫ ટકા જેટલી હોય છે. વાસ્તવમાં વિટામિન સીની પ્રૉપર્ટીઝ સ્ટેબલ રહેતી નથી. થોડા સમય બાદ એ ઑક્સિડાઇટ થઈ જાય છે. તેથી તાજા લીંબુની છાલ વાપરવી. સ્નાન કરતાં પહેલાં પંદરેક મિનિટ પાણીમાં લીંબુની છાલ રાખી મૂકવાથી ત્વચા સ્વચ્છ થાય છે. ગ્રેટેડ પીલમાં હની અને મિલ્ક ઉમેરી અઠવાડિયે એક વાર ચહેરા પર લગાવવાથી ત્વચાનો રંગ નીખરે છે

- રિન્કી કપૂર, ડર્મેટોલૉજિસ્ટ

ત્વચાના પ્રયોગમાં સાવચેતી રાખો

લીંબુની છાલમાં ઍસિડનું પ્રમાણ પણ ઘણું ઊંચું હોય છે તેથી ત્વચા પર પ્રયોગો કરતાં પહેલાં સ્કિન સેન્સિટિવિટીની ચકાસણી કરી લેવી એવી ભલામણ આપતાં રિન્કી કપૂર કહે છે, ‘ખાસ કરીને ઉનાળાની મોસમમાં ત્વચા પર લીંબુની છાલ ઘસતા હો તો સાવચેતી રાખવી. આ મોસમમાં ત્વચા પર બળતરા થવાની શક્યતા વધુ છે. છાલના લીધે ઇરિટેશન કે ઍલર્જી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તડકામાં બહાર જવાનું થતું હોય એવા લોકોએ લીંબુની છાલનો પ્રયોગ ટાળવો અથવા સનસ્ક્રીન લગાવીને જ નીકળવું. લીંબુથી સ્કિન બ્રાઇટ થાય છે, પરંતુ લગાવ્યા બાદ થોડી વારમાં તડકામાં નીકળશો તો ઍસિડના કારણે ત્વચા કાળી પડી જશે. તમારી ત્વચા સંવેદનશીલ છે કે નહીં તેમ જ લીંબુની છાલ તમારી ત્વચાને માફક આવે છે કે નહીં એની ચકાસણી કરવા પહેલાં કોણી અથવા ચહેરાના ખૂબ જ ઓછા ભાગમાં એનો ત્રણથી ચાર વાર પ્રયોગ કરી જુઓ. કોઈ બળતરા ન થાય તો પ્રયોગ ચાલુ રાખી શકો છો.’

ન્યુટ્રિશન વૅલ્યુ

એક ટેબલસ્પૂન એટલે કે અંદાજે પાંચથી છ ગ્રામ ખમણેલી લીંબુની છાલમાં ૧ ગ્રામ ફાઇબર, ૧ ગ્રામ કાર્બ્સ, તમારી રોજની જરૂરિયાતના ૯ ટકા વિટામિન સી તેમજ ઝીરો પર્સન્ટ ફૅટ્સ હોય છે.

columnists life and style Varsha Chitaliya