ડાયટિશ્યનને છોડો, દાદી-નાનીનું કહ્યું માનો

15 September, 2021 06:01 PM IST  |  Mumbai | Jigisha Jain

આ એવું જ્ઞાન છે જે કોઈ પોથીમાંથી નહીં પરંતુ વર્ષોના અનુભવ પરથી મેળવેલું હોય છે. આજે કેટલાંક દાદી-નાની પાસેથી જાણીએ ખોરાક સંબંધિત કેટલીક બેસ્ટ ટિપ્સ જે વર્ષોથી તેઓ પાળતાં આવ્યાં છે

ડાયટિશ્યનને છોડો, દાદી-નાનીનું કહ્યું માનો

કેમ ખાવું, શું ખાવું, શું ન જ ખાવું કે કેટલું ખાવું એ બધું જ જ્ઞાન આપણાં દાદી-નાનીએે તેમનાં દાદી-નાની પાસેથી પરંપરાગત રીતે શીખેલું. આ એવું જ્ઞાન છે જે કોઈ પોથીમાંથી નહીં પરંતુ વર્ષોના અનુભવ પરથી મેળવેલું હોય છે. આજે કેટલાંક દાદી-નાની પાસેથી જાણીએ ખોરાક સંબંધિત કેટલીક બેસ્ટ ટિપ્સ જે વર્ષોથી તેઓ પાળતાં આવ્યાં છે

મૉડર્ન સમયમાં હેલ્થનું ધ્યાન કેમ રાખવું, શું ખાવું અને શું ન ખાવું એ માટે લોકો ડાયટિશ્યનની મદદ લે છે. જોકે વર્ષો પહેલાં ડાયટિશ્યન્સની જરૂર જ નહોતી પડતી, કેમ કે પરિવારના હેલ્થની જવાબદારી ઘરના હેલ્થ મિનિસ્ટરે પોતાના પર રાખી હતી. શું ખાવું અને શું ન ખાવું એની સમજ આપણાં દાદી-નાનીએ કોઈ થોથાં ઊથલાવીને નહોતી લીધી, પરંતુ તેમનાં સાસુ કે મમ્મી પાસેથી પરંપરાગત રીતે શીખેલી. 
પરંપરા સાથેનું વિજ્ઞાન
કયા શાકમાં કેવો વઘાર કરવો, કઈ દાળ સાથે કયું શાક બનાવવું, સવારના અને રાતના જમવામાં કયા પ્રકારનું ભોજન હોય, અથાણું કઈ રીતે બનાવીએ જેથી વર્ષો સુધી એવું ને એવું રહે, મસાલા કેવી રીતે દળાવવા, લોટમાં મોણ કેટલું નાખવું, દહીં કઈ રીતે મેળવવું, ઘી કેમ બનાવવું જેવી રીત દરેક ઘરની જુદી-જુદી હોય છે. આ ફક્ત રીત નથી, પરંપરા પણ છે જે ઘરની સ્ત્રીઓ એકબીજાને વારસામાં શીખવતી હોય છે. દાદી-નાનીઓ દ્વારા પરંપરાગત રીતે ચાલતી આવેલી ખોરાકની રીતભાત પોતે જ પોતાનામાં સમગ્રપણે ન્યુટ્રિશન સાયન્સ છે. 
ખાવામાં બધા રસ જરૂરી
આપણે જાણીએ છીએ કે આપણા ઘરમાં આપણાં દાદી-નાનીની હેલ્થ આપણા કરતાં લાખ દરજ્જે સારી છે એનું શ્રેય તેમણે ખાધેલું અને ખવડાવેલું અન્ન છે. 
અંધેરીમાં રહેતાં ૮૬ વર્ષનાં કંચનબહેન વોરા ખાવાનાં અને ખવડાવવાનાં ખૂબ જ શોખીન છે. આજે આ ઉંમરે પણ ૧૦ માણસની રસોઈ બનાવવાની ક્ષમતા ધરાવતાં કંચનબહેને ક્યારેય કોઈનેય પોતાના ઉંબરેથી જમ્યા વગર જવા દીધા નથી. આ ઉંમરે પણ તેમને બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે બીજા કોઈ લાઇફસ્ટાઇલ ડિસીઝ નથી. ઉંમર પ્રમાણે તેમનો ખોરાક પહેલાં કરતાં ખૂબ ઓછો થઈ ગયો હોવા છતાં રસ કે ઇચ્છા એવાં ને એવાં અકબંધ છે એમ વાત કરતાં કંચનબહેન કહે છે, ‘ભાણામાં અમને ક્યારેય બે વસ્તુથી ચાલ્યું નથી. થાળીમાં બધા જ પ્રકારના સ્વાદ હોવા જરૂરી છે. એક સમય હતો જ્યારે અમારા ઘરમાં ૧૫ માણસનું જમવાનું બનતું. એમાં દરરોજ બે શાક, દાળ, રોટલી, ભાત, સંભારો, અથાણું, પાપડ, છાશ તો હોય જ. કોઈ મહેમાન આવે ત્યારે એમાં ફરસાણ અને મીઠાઈ પણ ભળે. પછી જીવને એવા દિવસો બતાવ્યા કે સાવ એકલા રહેવાનો વારો પણ આવ્યો. ત્યારે પણ ખોરાકની આદત તો એ જ રહી. ક્યારેય ખાલી શાક-રોટલીથી ચલાવ્યું નથી, કારણ કે ખોરાકમાં બધા જ રસ હોવા જરૂરી છે. મારાં સાસુ કહેતાં કે જે ખાય એ જ ખવડાવી શકે. એટલે મેં બન્ને આદતો વિકસાવી હતી.’
દિવાળીમાં ઘૂઘરા, નવા વર્ષે સુખડી, ગણેશચોથના લાડવા અને જન્મદિવસે લાપસી કંચનબાની ફિક્સ જ હોય. ઉનાળામાં શ્રીખંડ અને દૂધપાક તથા શિયાળે અડદિયા અને મોહનથાળ પણ બનાવે જ. 
ઉજાણી અને ઉપવાસ
બધું ખાવા છતાં નખમાં પણ કોઈ રોગ નથી એનું કારણ આપતાં કંચનબહેન કહે છે, ‘જેટલી ઉજાણી કરવી મહત્ત્વની છે એટલા જ ઉપવાસ પણ જરૂરી છે. ૪૦ વર્ષની ઉંમરથી જ મેં ઉપવાસ, એકાસણું, આયંબિલ, અઠ્ઠાઈ, માસક્ષમણ, વર્ષીતપ બધું જ ધીમે-ધીમે શરૂ કરી દીધું હતું. ક્યારે શરીરને ખોરાકની અને ક્યારે આરામની જરૂર છે એ સમજવું ખૂબ જરૂરી છે.’ 
સમય પર અને સપરિવાર
વિલે પાર્લેમાં રહેતાં ૭૭ વર્ષનાં ભાનુબહેન ચિતલિયા પણ નીરોગી જીવન જીવી રહ્યાં છે જેનું મહત્ત્વનું કારણ પોતાની ખોરાક બાબતની કાળજી છે એમ જણાવતાં ભાનુબહેન કહે છે, ‘સમય પર ખાવાની અમને વર્ષોથી આદત છે. ઘડિયાળના કાંટે અમારું ભાણું પડી જ ગયું હોય. એનાથી એક રૂટીન જળવાય અને પાચન સારું રહે. વળી ઘરમાં અમે બધા સાથે જ જમવા બેસીએ એટલે જમવાનો આનંદ બમણો થઈ જતો હોય છે. પરિવાર સાથે બેસીને જમે ત્યારે એ ખોરાક શરીરને ગણ કરે.’ 
ઇન્સ્ટન્ટ નહીં 

ભાનુબહેનની વહુની પણ વહુ આવી ગઈ છે તેથી રસોડામાં જવાનું બહુ ઓછું થાય, જોકે આજે પણ દાળઢોકળી, હાંડવો, મૂઠિયાં જેવી વાનગીઓ તો તેમના ઘરમાં ભાનુબહેનના હાથની જ વખણાય. તેમનો ખોરાક ઇન્સ્ટન્ટ બન્યો નથી એમ જણાવતાં ભાનુબહેન કહે છે, ‘વર્ષોથી અમારા ઘરમાં ઇડલી, ઢોકળાં, હાંડવો પીસીને અને આથો લાવીને જ બનાવવામાં આવે છે, ઇન્સ્ટન્ટ સોડા કે ફ્રૂટ-સૉલ્ટ નાખીને નહીં. આજે પણ એ જ પરંપરા અમે જાળવી રાખી છે.’

દાદી-નાનીની આ ઇટિંગ ટિપ્સ અચૂક અપનાવવા જેવી

 અન્નને પ્રસાદની જેમ બનાવો અને કૃતજ્ઞનાપૂર્વક ખાઓ તો એ શરીરને ક્યારેય ખરાબ નહીં કરે.  
 ભાણા પર બેસો ત્યારે અચૂક પ્રાર્થના કરીને જમો.
 ખોરાકથી ડરો નહી કે આ ખાવાથી જાડા થઈ જઈશું કે ડાયાબિટીઝ થઈ જશે. ખોરાક સ્વરૂપે પ્રેમનો કોળિયો ભરો. 
 રસોઈમાં ક્યારેક ઉપર-નીચે થઈ ગયું હોય એમ છતાં એ અન્નનો અનાદર ન કરો. 
 હાલતા-ચાલતા, ભાગતા ન ખાઓ. બેસીને, એક જગ્યાએ નિશ્ચિંત થઈને જમો. 
 ખોરાકનો અંદાજ રાખવો એક વસ્તુ છે અને ગણીને કે માપીને ખાવું જુદી. ભૂખ હોય એટલું ખાવાનું, ગણીને નહીં.  
 ઘી-તેલથી ડૂબેલું ભોજન કરવાની જરૂર નથી, પરંતુ પારંપરિક રીતે જેટલું ઘી-તેલ ખવાય છે એટલું તો ખાવું. એટલે કે સમોસા બેક્ડ ખાવાની જરૂર નથી કે ઘી વગરની રોટલી ખાવાની જરૂર નથી. 
 ઘી, તેલ, સાકર, અથાણાં, પાપડ અમે ખૂબ ખાધાં છે જે આજે વિજ્ઞાન ખાવાની મનાઈ કરે છે. જોકે એવું નથી. અથાણા વગર ભાણું પડે જ નહીં, પરંતુ એની માત્રા અડધી ચમચીથી વધે પણ નહીં.  
 ઘરે જ બનાવેલો ખોરાક ખાવાનો દુરાગ્રહ કેળવો. ઘરે નાસ્તા અને મીઠાઈઓ પણ બનાવો. 
 બેકરી આઇટમ્સ ખાવી નહીં અને ઘરે બનાવવી પણ નહીં. 
 પરંપરાગત, વર્ષો જૂની વાનગીઓ માટેનો સ્વાદ કેળવો. ગુજરાતીને ગુજરાતી પરંપરાગત વાનગીઓ જેટલી માફક આવે એટલી બીજી કોઈ નહીં. આમ જન્મદિવસ હોય ત્યારે કેક કાપવાને બદલે લાપસીનું જમણ કરો. એ વધુ આનંદદાયક રહેશે. 
 સાંજના જમવામાં ખાલી પૌંઆ, ઉપમા કે થેપલાં ખાઈને ન પતાવો. રાતના જમવામાં ખીચડી, કઢી, ભાખરી, શાક પરંપરાગત ભોજન છે.  
 જમવામાં કોની સાથે શું ખવાય એ સમજણ કેળવો. જેમ કે ખીર સાથે કઢી ન જ બનાવાય. બાજરાના રોટલા સાથે ઘી-ગોળ ખવાય. ખાખરા અને મગ સવારનો ખૂબ સારો નાસ્તો ગણાય તો રાત્રે દહીં ન ખવાય. 
 બુધવારે મગ, શુક્રવારે ચણા અને શનિવારે અડદની દાળ ખવાય એવી માન્યતાઓ અમથી નથી કેળવાઈ. એની પાછળ પણ સાયન્સ છે. એ સમજીને ખોરાકમાં વરાઇટી રાખો. 
 સીઝન પ્રમાણે ખોરાક બનાવો અને સીઝનમાં જે મળતું હોય એ બધું જ ખાઓ. ચોમાસામાં ભજિયાં-પાર્ટી કરો. ઉનાળામાં કેરી ખાવ જ અને શિયાળામાં અડદિયા કે મેથીના લાડુ બનાવવા જ અને જે સીઝનમાં નથી હોતું એ ન જ ખાવ.

columnists Jigisha Jain