પ્રેમ અને પઝેશન વચ્ચેની પાતળી રેખા પારખી લો

22 November, 2022 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ સમર્પણનો છે, પ્રેમી કે પતિ તેની સાથે ખોટું કરી રહ્યો છે એનું ભાન તેને થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. પ્રેમસંબંધમાં સ્ત્રીઓ પર થતો અત્યાચાર વરવું સ્વરૂપ ધારણ કરી લે એ પહેલાં જ આંખો પરની પટ્ટી હટાવી દો

પ્રતીકાત્મક તસવીર

લગ્ન પહેલાં તે મને બહુ પ્રેમ કરતો, પણ લગ્ન પછી અચાનક તે ઝઘડા અને મારપીટ પર ઊતરી આવ્યો છે. મારો વર મને બેફામ ગાળો આપે છે અને હાથ પણ ઉગામે છે, પણ હવે હું પિયરિયાંને કહી શકું એમ નથી, કેમ કે મેં મમ્મી-પપ્પાની ના છતાં ઘરેથી ભાગીને લગ્ન કર્યાં હતાં. 

જ્યારે પણ તે હાથ ઉપાડે ત્યારે જુએ નહીં કે મને હર્ટ થઈ રહ્યું છે, પણ ગુસ્સો શાંત પડે પછી તે જ મને દવાખાને લઈ જાય અને માફી પણ માગે. જોકે હવે તો આ મારપીટ અને માફીનું ચક્કર પણ એટલું થઈ ગયું છે કે હવે સમજાતું નથી કે તે મને ખરેખર પ્રેમ કરે છે ખરો? 

આમાંના ઘણા સંવાદો આફતાફ-શ્રદ્ધા કેસમાં એકબીજાને કહેવાયા હશે, પણ આ કોઈ એક શ્રદ્ધાની વાત નથી. આવી વાતો તમે તમારા આસપાસની ઘણી સ્ત્રીઓ પાસેથી સાંભળી હશે. પતિ કે પ્રેમી મારે છે અને પછી માફી માગી લે છે એટલે સ્ત્રીહૃદય તેને માફ કરી દે છે. એનું ખરું કારણ એ છે કે લવ-મૅરેજ હોય કે અરેન્જ્ડ મૅરેજ, ગળાડૂબ પ્રેમમાં પડેલી મહિલા પ્રેમ અને અબ્યુઝ વચ્ચેનું અંતર સમજી નથી શકતી. પ્રેમથી બોલાયેલા ‘બેબી મારા માટે તું આટલું ન કરે?’ વાક્યથી સ્ત્રી પોતાનું બધું જ ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે અને આ પહેલાં કરેલી સેંકડો ભૂલોને માફ કરીને તે પતિ કે પાર્ટનરનું કહ્યું માનવા તૈયાર થઈ જાય છે. એક તરફ ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટનો દુરુપયોગ કરનારી મહિલાઓ પણ છે અને બીજી તરફ પ્રેમમાં આંખે પાટા બાંધી બેઠેલી મહિલાઓ પણ છે, જે મારપીટ પછી માફી આપ્યા જ કરે છે. પ્રેમી કે પતિના અબ્યુઝને પણ તેમના પ્રેમમાં ખપાવી દેવા મથે છે. આ જ લાલબત્તી છે જેને માટે મહિલાઓએ આંખો ખોલવાની જરૂર છે.

સંબંધ બંધન ન હોવું જોઈએ

કઈ રીતે તમે પારખી શકો કે સંબંધમાં કંઈક અજુગતું થઈ રહ્યું છે? એની ગુરુચાવી આપતાં રિલેશનશિપ કોચ ડૉ. મમતા શેટ્ટી કહે છે, ‘કોઈ પણ સંબંધ બંધનકારક ન હોવો જોઈએ. તમને સંબંધમાં મજા આવે એ જ સાચો સંબંધ કહેવાય. આપણે બધાં સામાજિક પ્રાણી છીએ. સમાજ સાથે રહેવું અને સમાજ સાથે ચાલવું એ આપણે ગળથૂથીમાંથી શીખીને આવીએ છીએ, પણ ક્યારેય આપણા લાઇફ-પાર્ટનરની વર્તણૂક આપણા સંબંધ માટે યોગ્ય છે કે હાનિકારક એ સમજવું આવશ્યક બની જાય છે.’

કોઈ પણ સંબંધ કઈ રીતે આકાર લેશે, ખરેખર સંબંધમાં પ્રેમ છે કે પઝેસિવનેસ એની ખબર કંઈ પહેલી જ મીટિંગમાં નથી થઈ જતી એમ જણાવતાં ડૉ. મમતા શેટ્ટી કહે છે, ‘પ્રેમ અને દગો સાથે ચાલતા હોય છે. ત્યારે કોઈ પણ સંબંધમાં સામેવાળાનું માઇન્ડસેટ કેવું છે એ સમજવું પડે. કદાચ પહેલી મીટિંગમાં આ વાત નહીં સમજાય, પણ દરેક વ્યક્તિના સ્વભાવની નાની ઝલક ક્યારેક ને ક્યારેક તો દેખાઈ આવે છે. તમે કોઈનું માઇન્ડસેટ વાંચી શકો છો, માત્ર થોડી સતર્કતા જરૂરી છે. એવી જ કેટલીક વાતો વિશે આપણે જાણીએ. જો તમારો પાર્ટનર સેલ્ફ-સેન્ટર હોય અને બહુ પઝેસિવ હોય તો એ સંબંધો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો આ એક વૉર્નિંગ-સાઇન છે. દરેક સંબંધમાં સ્પેસ હોવી જરૂરી છે. તમે શું ખાઓ છો? શું પહેરો છો? કોને મળો છો? જો આ વાતો પર કોઈ કન્ટ્રોલ કરવા માંડો તો આ પણ એક સાઇન છે. બીજી વાત એ કે તમે જુઓ કે એ માણસ સામાજિક રીતે કેવો છે? તેનો પરિવાર, તેના મિત્રો શું એ લોકો સાથે વાત કરતાં ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે? હું મારી દઈશ, હું તોડી નાખીશ એવું કહે કે જાહેરમાં તમને ગાળો આપે છે કે અભદ્ર બોલે છે એ વાત પણ એક સાઇન છે. અબ્યુઝિવ રિલેશનશિપ સહેવી અને એમાં રહેવું બન્ને ખોટું છે. શું તમારો પાર્ટનર તમારી સાથે વાત કરતાં અચાનક ગુસ્સે થવા માંડે છે, તોડફોડ કરવા માંડે છે, ગાળો બોલે છે કે તમને મારવા માંડે તો આવા સંબંધોથી સાચવજો. સામાન્ય રીતે વ્યક્તિના વ્યવહાર અને બોલચાલથી તમે તેને ઓળખી શકો છો.’

આટલી વાતોને ક્યારેય નજરઅંદાજ ન કરતા

તમારા પાર્ટનર સાથેના સંબંધોમાં કંઈક ખોટું થઈ રહ્યું છે એ સમજવાનાં પ્રાથમિક લક્ષણો થોડા સમય પહેલાં લેખિકા, કેળવણીકાર સુધા મૂર્તિએ સોશ્યલ મીડિયા પર શૅર કર્યાં હતાં. આ મુદ્દાઓ દરેકે ધ્યાનમાં રાખવા જેવા છે...

તમારો પાર્ટનર જો બહુ જેલસ થતો હોય કે તમારી સાથે વારંવાર ખોટું બોલે : તમારો પાર્ટનર વારંવાર ખોટું બોલતો હોય તો એ સંબંધો માટે હાનિકારક હોઈ શકે છે. નાનુંઅમસ્તું ખોટું હોય કે તે ક્યાં જાય છે કે પછી મોટી વાત કે તેના પર કેટલું દેવું છે. જો આવી વાતોમાં તમારો પાર્ટનર તમારી સાથે ખોટું બોલે તો એ સંબંધ માટે હાનિકારક છે.

સતત તમને નીચું દેખાડે અથવા વારંવાર તમારું અપમાન કરે : જો તમારો પાર્ટનર વારંવાર તમને ટોકે કે પછી બધાની સામે અપમાન કરે તો આ વાતને નજરઅંદાજ ન કરતાં, કારણ કે શારીરિક ત્રાસની જેમ માનસિક ત્રાસ પણ તમને ડિપ્રેશનમાં મૂકી શકે છે.

જો તમારો પાર્ટનર નાની વાતમાં પણ બાંધછોડ ન કરે તો ધ્યાન આપજો : તમ કોઈ સંબંધમાં છો અને સામેવાળી વ્યક્તિ કોઈ પણ વાતમાં બાંધછોડ ન કરે અને એ માટે પોતાનું ચલાવે તો આવા સંબંધ વિશે તમારે વિચાર કરવો રહ્યો. 

કન્ટ્રોલિંગ બિહેવિયર અથવા ઈર્ષા : જો તમારા પાર્ટનરને તમારા કાર્યક્ષેત્ર કે પછી તમારી સામાજિક લાઇફથી ઈર્ષા થતી હોય અને એ વારંવાર તમને ફોન કે મેસેજ કરીને તમારા પર નજર રાખવા માંડે તો ધ્યાન આપજો કે આવો સંબંધ આગળ જતાં બગડી શકે છે.

૫. મારપીટ કે ગાળો અપાવી : આ વાતે કોઈ બેમત નહીં હોય. જો તમારો પાર્ટનર તમને ગાળ આપે કે પછી મારે તો એ વાતને નજરઅંદાજ ન કરતાં. આ વર્તન આગળ જતાં ઘાતકી બની શકે છે.

ક્યારેક આપણા લાઇફ-પાર્ટનરની વર્તણૂક આપણા સંબંધ માટે યોગ્ય છે કે હાનિકારક એ સમજવું આવશ્યક બની જાય છે. કોઈ પણ સંબંધ બંધનકારક ન હોવો જોઈએ. તમને સંબંધમાં મજા આવે એ જ સાચો સંબંધ કહેવાય. : ડૉ. મમતા શેટ્ટી

(સરિતા હરપળે)

columnists