નાદયોગ: સીક્રેટ ઑફ સાઉન્ડ

24 December, 2020 03:27 PM IST  |  Mumbai | Ruchita Shah

નાદયોગ: સીક્રેટ ઑફ સાઉન્ડ

પ્રતીકાત્મક તસવીર

વૈજ્ઞાનિકોથી લઈને પ્રાચીન શાસ્ત્રો એક વાત પર સહમત થાય છે કે આ બ્રહ્માંડનું સર્જન ધ્વનિમાંથી થયું છે. એટલે કે આ દુનિયામાં જે પણ કંઈ છે એ દરેકમાં એક વાઇબ્રેશન છે, સ્પંદન છે, તરંગ છે. વાઇબ્રેશનલ થેરપી તરીકે એક આખી નવી ઉપચાર પદ્ધતિ વિકસી છે, જેના વિશે ફરી ક્યારેક વિસ્તારપૂર્વક વાત કરીશું. ઈવન  મ્યુઝિક થેરપીનો મહિમા આપણે ત્યાં દાયકાઓથી ગવાઈ રહ્યો છે. ચાહે એક કોઈ શબ્દમાંથી સર્જાતો સાઉન્ડ હોય કે પછી કોઈ સ્પેસિફિક ફ્રીક્વન્સીનો અવાજ હોય કે પછી કોઈ સંગીતના સૂર હોય; આ દરેક ધ્વનિમાંથી અમુક પ્રકારનાં સ્પંદનો જનરેટ થાય છે અને એ સ્પંદનોની ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ વેલબીઇંગમાં જોરદાર અસર છે. આ જ વાતને વધુ ઊંડાણપૂર્વક અનુભવ કરાવી શકતો યોગમાં નાદાનુસંધાન નામનો કન્સેપ્ટ છે. ધ્યાનની ઉચ્ચ અવસ્થા જોઈતી હોય, સમાધિ સુધી પહોંચવું હોય તો નાદાનુસંધાન એક મહત્ત્વનું અંગ ચતુરંગ યોગ ગણાતા હઠપ્રદીપિકામાં સ્વામી સ્વાત્મારામજીએ ગણાવ્યું છે. નાદ સાથે અનુસંધાન એટલે કે જોડાવું એ નાદાનુસંધાન ગણાય. તેઓ લખે છે કે જ્યારે કોઈ સાધક પોતાની સાધનામાં સ્થિર થતો જાય ત્યારે તેને વિવિધ તબક્કે જુદા-જુદા ધ્વનિ સંભળાવવા શરૂ થાય છે. આ ધ્વનિ એ સાધનાના કયા સ્ટેજમાં પોતે છે એનું ઇન્ડિકેટર મનાય છે. નાદ એટલે સરળ ભાષામાં અવાજ, ધ્વનિ. આપણે ત્યાં નાદ પણ બે પ્રકારમાં વિભાજિત થયો છે. આહત અને અનાહત. આહત એટલે એવો સાઉન્ડ જે કોઈ પણ બાહ્ય ઑબ્જેક્ટની મદદથી જનરેટ થાય. અનાહત એટલે કે એવો ધ્વનિ જે અવકાશમાં કોઈ પણ જાતના ઘર્ષણ વિના જનરેટ થાય. બહુ વધુ અઘરી ફિલોસૉફીમાં પડ્યા વિના હવે આગળ જાણીએ કે આ નાદયોગનો પ્રૅક્ટિટિક્લ જીવનમાં શું ઉપયોગ છે. તમે તમારા રૂટીનમાં નાદયોગને કઈ રીતે સામેલ કરી શકો.

પ્યૉરિફિકેશન અને પર્ફેક્શન

યોગના બહુ મોટા જ્ઞાની ગોરખનાથજીએ લખ્યું છે કે જે લોકો બહુ શાસ્ત્રો નથી જાણતા, જેમનો અભ્યાસ ઓછો છે એ લોકો પણ નાદયોગ દ્વારા આંતરિક યાત્રામાં આગળ વધી શકે છે. સાઉન્ડ એટલે કે વાઇબ્રેશન્સ આપણી એનર્જી ચૅનલને પ્યૉરિફાય કરવાનું કામ કરે છે એમ જણાવીને બિહાર સ્કૂલ ઑફ યોગમાં દીક્ષિત થયેલા અને લગભગ બે દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાદયોગની દિશામાં ઘણું કામ કરનારા સ્વામી તપોનિધિ સરસ્વતીજી કહે છે, ‘શિવસૂત્ર, વૈશેશિખ, નાદબિંદુ ઉપનિષદ જેવા ઘણા ગ્રંથોમાં નાદના મહત્ત્વની પેટ ભરીને ચર્ચા કરવામાં આવી છે. યોગના દરેક પ્રકારના ડાયરેક્ટ્લી અથવા તો ઇનડાયરેક્ટ્લી નાદનો મહિમા તો છે જ. વાઇબ્રેશન્સનો આપણે પ્યૉરિફિકેશન માટે ઉપયોગ કરતા આવ્યા છીએ. પંચ તત્ત્વથી લઈને પ્રકૃતિના અન્ય પ્રત્યેક પરિબળમાં એક લય છે. જ્યાં લય છે ત્યાં ધ્વનિ છે. નાડી શબ્દ પણ નાદ પરથી આવેલો છે. નાડી એટલે કે જ્યાંથી સતત પ્રાણોનો પ્રવાહ ચાલુ હોય. હવે જ્યાં પ્રવાહ હોય ત્યાં નાદ અથવા તો અમુક પ્રકારનો ધ્વનિ હોય કે ન હોય? જાતને પૂછી લો, સામાન્ય કૉમન સેન્સથી જવાબ મળી જશે. સતત જાગ્રતિ કેળવવી એ પ્રત્યેક યોગનું મહત્ત્વનું પાસું મનાય છે. આ અવેરનેસ કેળવવા માટે સાઉન્ડ સૌથી વધુ ઉપયોગી છે. યોગના મૂળમાં પણ ધ્વનિ છે, કારણ કે આ સમસ્ત બ્રહ્માંડમાં મૂળમાં ધ્વનિ અથવા તો નાદ છે. નાદયોગ એ હાઇએસ્ટ સાધના છે અને એની વિશેષતા એ છે કે સાવ સામાન્ય વ્યક્તિ પણ નાદયોગની સાધનામાં સહજ રીતે સ્થિર થઈ શકે છે. એવું શું કામ થાય કે ગીતો સાંભળવાથી તમારા મનને આનંદ થાય, તમે પ્રફુલ્લિત થઈ જાઓ અને એવું શું કામ થાય કે કોઈકનો કર્કશ અવાજ ડિસ્ટર્બ કરી દેકે વારંવાર વાગતા હૉર્ન કે અન્ય નૉઇઝ પૉલ્યુશન તમને બેચેન કરી મૂકે છે? સીધો હિસાબ છે કે સાઉન્ડની તમારી ઇન્ટર્નલ સિસ્ટમ પર અકલ્પનીય અસર પડે છે. એટલે જ આપણે ત્યાં મંત્રને અદ્ભુત મહત્ત્વ અપાયું છે, કારણ કે મંત્ર વિવિધ હકારાત્મક ધ્વનિનું બંધારણ છે. પ્રત્યેક સાઉન્ડ વાઇબ્રેશનની તમારી ફિઝિકલ બૉડી, મેન્ટલ બૉડી અને તમારા આત્મપ્રદેશ પર એટલે કે તમારી કૉન્શિયસનેસ પર પણ ઊંડી અસર પડે છે. મંત્ર એ બીજુ કંઈ નહીં પણ વાઇબ્રેશનલ ટેક્નૉલૉજી જ છે. ટૂંકમાં જો તમે ધારો તો અંદર સુધીના, કૉન્શિયસનેસ લેવલના શુદ્ધિકરણમાં મંત્ર, વિવિધ સાઉન્ડ, નાદ જાદુઈ કામ કરી શકે છે.’

માઇન્ડને સાઉન્ડથી મૅનેજ કરીએ

તમને ખબર છે કે તમારા પ્રત્યેક વિચારથી એક વાઇબ્રેશન ક્રીએટ થાય છે. તમારા મનના સંકલ્પમાં શક્તિ ક્યાંથી આવે છે? જ્યારે સંપૂર્ણ એનર્જી એક વિચારમાં લગાવીને સ્થિર થાઓ છો ત્યારે એ સંકલ્પ અથવા તો તમારો સ્ટ્રૉન્ગ વિલપાવર બને છે. એટલે કે ઇનડાયરેક્ટ્લી વિચાર સાથે પણ નાદ સંકળાયેલો છે. સ્વામી તપોનિધિજી કહે છે, ‘ધારો કે તમે વિચાર કર્યો કે મારે જમીન પર પડેલો પાણીનો ગ્લાસ ઊંચકવો છે. હવે ગ્લાસ જમીન પર પડ્યો છે એ પહેલાં તો તમારી આંખોએ જોયું. એણે બ્રેઇનને માહિતી આપી અને વિચાર આવ્યો કે હવે એને ઉઠાવી લો અને એને તમે ઍક્શન મોડમાં એક્ઝિક્યુટ કર્યું અને ગ્લાસ ઉપાડીને એના નિયત સ્થાને મૂક્યો. આ આખી નાનકડી પ્રક્રિયામાં અનેક સાઉન્ડ વાઇબ્રેશન્સ પણ ક્રીએટ થયા. નર્વસ ઇમ્પલ્સિસ આપણે જે કહીએ છીએ એ સાઉન્ડ વાઇબ્રેશન્સ જ હોય છે. નાદ જ્યારે શબ્દ બને ત્યારે તેમાં પૃથ્વી તત્ત્વ બને છે. મોટર નર્વ્સ, સેન્સરી નર્વ્સ વાઇબ્રેશન્સ ક્રીએટ કરે છે અને એના આધારે જ કામ કરે છે. આપણા બ્રેઇનને અને નર્વસ સિસ્ટમને નાદયોગ પ્રભાવિત કરે છે. બીટા, આલ્ફા અને થીટા આ ત્રણ પ્રકારના બ્રેઇન વેવ્સ હોય છે. જ્યારે અમુક પ્રકારના મંત્રોનું સતત માનસિક ઉચ્ચારણ વધી જાય છે ત્યારે માઇન્ડ આપમેળે જ ધીમે-ધીમે શાંત અવસ્થામાં સ્થિર થતું જાય છે. તમારો થીટા સ્ટેટ એ તમારા કૉન્શિયસનેસની ઉચ્ચતમ અવસ્થા તરફની ગતિ વધારે છે. મન એકાગ્ર થાય છે અને તમારો ઇન્ટર્નલ પાવર વધી જાય છે. એટલે જ ભ્રામરી પ્રાણાયામ માનસિક અને આત્મિક શક્તિ વધારવામાં પણ ખૂબ ઉપયોગી મનાય છે, કારણ કે એનાથી જે સાઉન્ડ જનરેટ થાય છે એ માત્ર તમારા શરીરને જ નહીં, મનને પણ બહોળા પ્રમાણમાં પ્રભાવિત કરે છે.’

આ ટ્રાય કરજો તમે

નાદયોગની ડાયરેક્ટ ઇફેક્ટ તમે તમારા પ્રૅક્ટિકલ જીવનમાં પણ અનુભવ કરી શકો છો. નાદયોગ એક્સપર્ટ સ્વામી તપોનિધિ સરસ્વતી કહે છે, ‘તમને કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો આંખો બંધ કરીને કોઈ પણ અનુકૂળ આસનમાં બેસી જાઓ અને તમારું ધ્યાન જ્યાં દુખાવો છે એ ભાગમાં લઈ જાઓ. રોજ દસ મિનિટ ઓમ, ઓમ, ઓમનું ચૅન્ટિંગ કરો. આ ધ્વનિનું ઉચ્ચારણ કરતી વખતે પણ તમારું ધ્યાન તો એ દુખાવાવાળા હિસ્સામાં જ રાખજો. માત્ર ત્રણથી પાંચ દિવસ રોજની પંદર મિનિટ આ રીતે ઓમ ચૅન્ટિંગ સાથે પેઇનવાળા એરિયામાં ફોકસ કરશો તો તમને બહુ જ રિલીફ તમારા પેઇનમાં લાગશે. આ મારો પોતાનો અને મારી પાસે આવેલા અઢળક વિદ્યાર્થીઓને અનુભવ થયો છે જેમાં તમારા ચૅન્ટિંગની શરીર પર પૉઝિટિવ અસર નોંધાઈ હોવાનું અમે નજરોનજર નિહાળ્યું છે. રીસન્ટ્લી, વધુ કલાકો બેસેલા રહેવાથી, ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી મને બૅકપેઇન શરૂ થયું હતું. માત્ર આ એક પ્રૅક્ટિસથી ત્રણેક દિવસમાં જ મને રાહત થઈ ગઈ. એ જ રીતે ધારો કે કોઈને ગળામાં તકલીફ છે તો તેઓ વિશુદ્ધિ ચક્રના બીજ મંત્રનું ચૅન્ટિંગ કરે અને પોતાના કંઠ પર ધ્યાન કેન્દ્રિત કરે તો ફાયદો થાય. કોઈને ડાયાબિટીઝ છે અને તેઓ જો મણિપુર ચક્રના બીજ મંત્રનું ચૅન્ટિંગ કરી પૅન્ક્રિઆસવાળા હિસ્સા પર ધ્યાન કરે તો તેમને ફાયદો નિશ્ચિત થાય છે. આવા મંત્રોનો ધ્વનિ શુદ્ધિકરણનું કામ કરે છે. એ ભાગમાં પ્રાણઊર્જાનો વિસ્તાર વધારે છે એટલે હીલિંગનું કાર્ય વધુ ઝડપથી થાય છે.’

(પ્રિય વાચકમિત્રો, આવતા ગુરુવારે આ જ નાદાનુસંધાન સાથે સંકળાયેલી એક મહત્ત્વની મેડિટેશન પદ્ધતિ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું.)

columnists ruchita shah yoga