અપમાન વિરુદ્ધ આભિજાત્ય, સત્તા સામે શાલીનતા!

22 December, 2020 04:22 PM IST  |  Mumbai | Taru Kajaria

અપમાન વિરુદ્ધ આભિજાત્ય, સત્તા સામે શાલીનતા!

પ્રતીકાત્મક તસવીર

એક ટીવી-ચૅનલ પર ત્રણેક વર્ષ અગાઉ ૨૦૧૭ના ઑગસ્ટમાં ટેલિકાસ્ટ થયેલો એક જૂનો કાર્યક્રમ હમણાં ફરી જોવા મળ્યો. એક યુવાન કમ્પ્યુટર એન્જિનિયર અને એથિકલ હૅકર એ શોમાં દર્શકોને એ દેખાડવાનો હતો કે માત્ર ૨૦ જ સેકન્ડમાં કોઈનો પણ સ્માર્ટફોન હૅક થઈ શકે છે! આપણા ફોનનો બધો ડેટા હૅકર પાસે પહોંચી જાય છે! ઇન ફૅક્ટ, એ કાર્યક્રમ રજૂ થયો એ પહેલાં જ તે યુવાનની એ ૨૦ સેકન્ડમાં ફોન હૅક કરવાની વિડિયો-ક્લિપ વાઇરલ થઈ હતી. એ ટીવી-ચૅનલે એના દાવાની ખરાઈ કરવાના ઇરાદાથી જ એ કાર્યક્રમ યોજેલો. એ કાર્યક્રમમાં કેન્દ્રના ઇલેક્ટ્રૉનિક્સ, માહિતી અને પ્રસારણ વિભાગ તેમ જ કાયદા ખાતાના પ્રધાન આર. રવિપ્રસાદ પણ એ જ મંચ પર હાજર હતા.

ઍન્કરે પહેલાં યુવાનનો પરિચય આપ્યો અને તેઓ શું કરવાના છે એ કહ્યું. પછી પ્રધાનશ્રીની ઉપસ્થિતિ વિશે આનંદ વ્યક્ત કર્યો અને કાર્યક્રમ શરૂ કરવાની પરવાનગી માગી. ત્યાં તો પ્રધાનશ્રી એકદમ કરડાકીભર્યા અવાજે બોલ્યા, ‘અહીં કંઈ પણ દેશના સાઇબર કાયદા વિરુદ્ધનું થશે તો હું નહીં સાંખી લઉં. પછી તેમણે ઉમેર્યું કે એક વાતનું ધ્યાન રાખજો કે હું માત્ર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને પ્રસારણ પ્રધાન જ નથી, હું કાયદાપ્રધાન પણ છું. આ કાર્યક્રમમાં લોકોને જરાજેટલો પણ ગેરમાર્ગે દોરવાનો અથવા તો તમારા વ્યવસાય માટે કમર્શિયલ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે તો તમને જેલભેગા કરાવી દઈશ. હું અહીં આવતાં પહેલાં તમારી પૂરી કુંડલી ખંખોળીને આવ્યો છું.’

એક રીતે જોઈએ તો પ્રધાનશ્રીએ જે કહ્યું એમાં કંઈ ખોટું નહોતું, પરંતુ તેમણે જે કરડાકીભર્યા અને સત્તાવાહી અવાજે એ કહ્યું અને વારંવાર કહ્યા કર્યું એ ખટકે એવું હતું. કોઈને પણ અપમાનજનક લાગે એવું હતું. ત્યાં આવતાં પહેલાં જ કેટલીક પૂર્વધારણાઓ બાંધીને આવ્યા હોય એમ તેઓ સતત પેલા યુવાનને ડારી રહ્યા હતા.

જોકે પ્રધાનશ્રીની વાતના જવાબમાં પેલો યુવાન સાઇબર સિક્યૉરિટી નિષ્ણાત જે શાલીનતાથી પેશ આવ્યો એ સુખદ આશ્ચર્ય હતું. તેણે સસ્મિત કહ્યું કે હું અહીં જે કરવા જઈ રહ્યો છું એમાં કશું ગેરકાયદે નથી. આજે આપણે ત્યાં કે દુનિયાના કોઈ પણ ખૂણે પ્રવર્તતા સાઇબર સલામતી કાનૂનના દાયરામાં રહીને પણ ૨૦ સેકન્ડમાં કોઈનો સ્માર્ટફોન હૅક થઈ શકે છે અને કમ્પ્યુટર સાયન્સનો ફર્સ્ટ યરનો વિદ્યાર્થી પણ એ કરી શકે છે એ જ મારે દેખાડવું છે એમ કહી તેણે ઍન્કરની પરવાનગીથી તેનો મોબાઇલ લીધો અને એમાં એક ઍપ ડાઉનલોડ કરી અને પોતે કહ્યું હતું એમ ૨૦ સેકન્ડમાં એ મોબાઇલ હૅક કરી લીધો. એમાંની માહિતી પોતાના કમ્પ્યુટર પર દેખાડી. કમ્પ્યુટરની સ્ક્રીન પર ફ્લૅશ થયેલું પોતાનું કૉન્ટૅક્ટ-લિસ્ટ જોઈને ઍન્કરની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ અને ઑડિયન્સમાં બેઠેલા સૌના ચહેરા પર ભયની રેખાઓ અંકાઈ ગઈ હતી.

આપણે સૌએ આપણા સ્માર્ટફોનની બધી જ માહિતી જોવાની પરવાનગી આવી કેટલીય ઍપ્સને આપી જ છે. એ જુદી વાત છે કે એ એનો દુરુપયોગ નહીં કરે એવી ખાતરી આપે છે. બાકી આપણા ફોનમાં સંઘરાયેલી બધી માહિતી એની પાસે ઉપલબ્ધ તો થઈ જ ગઈ હોય છે!

યાદ કરો, આપણા મોબાઇલ પર આપણે કોઈ ઍપ ડાઉનલોડ કરીએ ત્યારે એ આપણી પાસેથી કેટલીક પરવાનગી માગે છેને? આપણું લોકેશન જાણવાની, આપણા મેસેજિસ વાંચવાની, આપણા ફોટો કે કૉન્ટૅક્ટ-લિસ્ટ જોવાની વગેરે-વગેરે અને આપણે બિન્દાસ એને એ પરવાનગી આપીએ છીએ. એ જ રીતે આ ઍન્કરના મોબાઇલમાં તે યુવાને જે ઍપ ડાઉનલોડ કરી હતી એને પણ એવી પરવાનગી અપાઈ હતી અને તેણે એ માહિતી કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાડી હતી.

આમાં આપણે ચોંકવાની કોઈ જરૂર નથી. તમે યુટ્યુબ પર કોઈ રેસિપી સર્ચ કરો છો અને એ જોઈ લો છો, પણ ત્યાર પછી તમારા ફોન પર જ્યારે યુટ્યુબ ખોલો છો તો તમે શું જુઓ છો? પેલી રેસિપી દર્શાવતી બીજી કેટલીય સાઇટ્સના વિડિયોઝ તમારી સામે હોય છે. કેવી રીતે? સ્માર્ટ ડિવાઇસનું આ જ તો કામ હોય છે. ફોન હોય કે કોઈ પણ સ્માર્ટ ડિજિટલ ડિવાઇસ, એ વપરાશકર્તાની પસંદ-નાપસંદથી વાકેફ થતી રહે છે અને પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ જેવી ટેક્નિક્સથી એ વપરાશકર્તાને ગમતી અને તેની જરૂરિયાત મુજબની માહિતી તેની સમક્ષ પીરસે છે. બિઝનેસ વધારવામાં આ બધી ટેક્નિક્સ ખૂબ ઉપયોગી બનતી હોય છે, પરંતુ આ બધાનો શિકાર  આપણી ખાનગી જિંદગી અને અંગત જાણકારી બને છે. બૅન્ક-અકાઉન્ટની જાણકારી, ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે આધાર યા પૅન કાર્ડ જેવી માહિતી ચોરીને કેટલાં બધાં નાણાકીય ફ્રૉડ થાય છે એ આપણે જાણીએ છીએ. એટલે જ સાકેત મોદીએ ખાસ કહ્યું કે તમે બિનજરૂરી ઍપ્સ ડાઉનલોડ કરો નહીં અને કોઈ ઍપની જરૂર હોય ને ડાઉનલોડ કરો તો પણ તમારું કામ પૂરું થઈ જાય પછી એને ડિલીટ કરી દો. બીજું એ કે તમારો મોબાઇલ ફોન ક્યાંય રેઢો ન મૂકો કે કોઈના હાથમાં ન આપો.  

કાર્યક્રમમાં પ્રધાનશ્રીનો જે ઍટિટ્યુડ જોવા મળ્યો એ ખરેખર વિચિત્ર હતો. તેમના મનમાં જાણે આ યુવાન સાઇબર સિક્યૉરિટી વિશે લોકોના મનમાં ડર ભરાવી દેશે અને પછી પોતાની પ્રોડક્ટ વેચશે એવી શંકા ઘર કરી ગઈ હોય એમ જણાતું હતું. તેમને કદાચ ડર હતો કે ડિજિટાઇઝેશન વિરુદ્ધ લોકોને ભંભેરવામાં આવશે! એક તબક્કે તો તેમણે ઉશ્કેરાઈને એવી કમેન્ટ પણ કરી હતી કે ભારતમાં તમને આવી છૂટ છે, બાકી અમેરિકામાં કે બીજા દેશમાં જઈને આવા કાર્યક્રમ કરી બતાવો. હકીકતમાં સાકેત મોદી નામના એ યુવાને અમેરિકા જ નહીં, દુનિયાના અનેક દેશોમાં કાર્યક્રમ કર્યા છે અને ત્યાં લોકોએ સાઇબર સલામતી સંદર્ભે તેમની આંખ ખોલવા બદલ તેમને વધાવ્યા છે. તેમણે બે મિત્રો સાથે મળીને સ્થાપેલી કંપની કોઈ પણ નેટવર્ક અને ડિજિટલ ડિવાઇસ કે પ્રોગ્રામ્સની સલામતીનું આકલન કરી શકે, સાઇબર સલામતીની સતત ચકાસણી કરી  શકે તેમ જ માહિતી સુરક્ષિત રાખી શકે એવું ‘સિક્યૉરિટી અસેસમેન્ટ ફ્રેમવર્ક ફૉર એન્ટરપ્રાઇઝ’ (સેફ) નામનું સૉફ્ટવેર વિકસાવ્યું છે. તેમની કંપનીની સેવા ગૂગલ જેવી ટોચની અમેરિકન કંપની પણ લે છે. ૨૦૧૨માં ભારતમાં શરૂ થયેલી તેમની કંપનીની હેડ ઑફિસ અમેરિકામાં છે. પેમેન્ટ માટેની સૌથી સલામત એવી ‘ભિમ’ ઍપ બનાવવામાં  ભારત સરકારે તેમની મદદ લીધી હતી. જાન્યુઆરી ૨૦૧૯માં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ)એ પણ સાકેતની કંપની સાથે એક કરાર કર્યો છે.

કોરોના પછીના આ સમયમાં ઑનલાઇન અને ડિજિટાઇઝેશન ખૂબ જ વધી ગયું છે. પરિણામે સાઇબર સલામતીની ડિમાન્ડ પણ ખૂબ જ વધશે. એ માટે લોકોને ડિજિટલ ડિવાઇસિસના ઉપયોગ વિશે સંપૂર્ણ રીતે વાકેફ કરવા પડશે, તાલીમ આપવી પડશે અને એ માટે સાઇબરજગતનો ઉપયોગ કરવાની આંટીઘૂંટીને સમજી શકે અને એને વપરાશકારો સરળ રીતે શીખવી શકે એવા સાઇબર-વૉરિયર્સની જરૂર પડશે. આ દિશામાં પણ સાકેતની કંપનીએ ડગ ભર્યાં છે અને યુવાનોને આની તાલીમ આપવા અનેક કૉલેજો સાથે ટાઇ-અપ પણ કર્યું છે. અત્યાર સુધીમાં ભારત સરકાર સહિત અનેક સંસ્થાઓએ તેમને પુરસ્કૃત કર્યા છે.

આવા આ સફળ ઉદ્યોગ-સાહસિક સાથે બુઝુર્ગ પ્રધાનશ્રીનું એ શો પરનું વર્તન ખરેખર અપમાનજનક કહી શકાય એવું જ હતું, પરંતુ તેમની સામે આ યુવાને જે આભિજાત્ય દાખવ્યું એ સુખદ આશ્ચર્ય આપી ગયું. લેશમાત્ર પણ અકળાયા કે ધૂંધવાયા વગર તેમણે એ બુઝુર્ગ નેતાને દરેક વખતે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો હતો અને ખરેખર એ પૂરા કાર્યક્રમમાં સાઇબર સિક્યૉરિટી સંદર્ભે લોકોને જાગરૂક કરવાનો જ પ્રયાસ તેમના દ્વારા થયો હતો. એ ટીવી-શો જોઈને મને તો વિચાર આવેલો કે ગમે એવી ઉશ્કેરણીજનક પરિસ્થિતિમાં પણ કેવી રીતે શાલીનતા ગુમાવ્યા વગર કૂલ રહીને પોતાનું કામ કરી શકાય એ પણ સાકેત મોદી પાસેથી શીખવા જેવું છે. સફળતાના પાયામાં આવી ઘણી વાતો હોય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria