બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ?

04 September, 2020 04:14 PM IST  |  Mumbai | Varsha Chitalia

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ?

કઈ ઘડીએ, કઈ ક્ષણે, કઈ મિનિટે તસવીરમાં જડાઈ જઈશું એની કોઈને ખબર નથી

કઈ ઘડીએ, કઈ ક્ષણે, કઈ મિનિટે તસવીરમાં જડાઈ જઈશું એની કોઈને ખબર નથી અને એ પછી પણ અહમની માત્રા પારાવાર છે. દુશ્મની એ સ્તર પર નિભાવવામાં આવે છે કે જાણે અમરત્વ લઈને આવ્યા છીએ. કબૂતરોને નફરતના રંગે રંગી નાખવામાં પણ પાછા પગ કરવામાં આવતા નથી અને કૂથલી કરીને ઝીણી પીડાને પણ માર્ગ આપી દેવામાં આવ્યો છે. અમરપટ્ટો તો આપણા નામે જ છે જાણે. રગ-રગમાં, નસ-નસમાં, શરીરના અંશ-અંશમાં ગુસ્સો ધરબીને રાખી શકીએ છીએ. ચહેરાના હાવભાવથી માંડીને વાણીમાં, વર્તનમાં અને જરૂર પડે ત્યારે વ્યવહારમાં પણ એ જ ગુસ્સો લઈ આવીએ છીએ. બસ, એવી જ ધારણા સાથે કે જે કંઈ ખરાબ થવાનું છે એ તો સામેની વ્યક્તિનું થવાનું છે, તમે આયુષ્યમાં હજારનો આંક લખાવીને આવ્યા છો. હજારનો આંક અને રાજવી ઐશ્વર્ય પણ. તમને કોઈ ફરક પડવાનો નથી, તમને કંઈ થવાનું નથી અને તમારે ક્યારેય કોઈની આવશ્યકતા ઊભી થવાની નથી. બહેન હોય તો બહેન અને નણંદની વાત આવે તો એ પણ ખરી, ભાઈ હોય તો ભાઈ અને વાત બનેવીની હોય તો એ પણ ખરી. કોઈ જાતનો સંકોચ નથી અને કોઈ જાતની નમવાની, ઝૂકવાની અને જતું કરવાની તૈયારી પણ નથી. પૂરા વિશ્વાસ સાથે, પૂરી ખાતરી સાથે અને પૂરી શ્રદ્ધા સાથે કે નિભાવવી છે તો નફરત. કારણ, કારણ માત્ર એક કે તમને તો કંઈ થવાનું નથી. તમે તો આયુષ્યમાં ચાર આયખાં લખાવીને આવ્યા છો. ધારો તો તમે એક્સટેન્શન પણ લઈ શકવાના છો અને જો ધારો તો તમે વીતેલાં વર્ષોને રિવાઇન્ડ પણ કરી શકો છો. આ સત્તા તમારા સિવાય બીજા કોઈના હાથમાં નથી, બીજા કોઈને મળી નથી અને બીજા કોઈને મળવાની પણ નથી.
મનમાં રહેલી કડવાશ તમે માત્ર તમારા પૂરતી સીમિત નથી રાખતા, એ કડવાશ તમે તમારા પ્રિયજનમાં પણ વાવી રહ્યા છો. આ સમજદારી છે તમારામાં પણ તમે એનો ઉપયોગ તો બહારના સંબંધોમાં જ કરવાના છો. ઉપાશ્રયમાં, હવેલીએ કે પછી સીમંતના પ્રસંગોમાં બેઠા હોય ત્યારે બોલવા માટે જે સુવાક્યો ગોખી રાખીએ છીએ એવી જ રીતે આવી સુફિયાણી સલાહ પણ ગોખી નાખવામાં આવી છે. જેઠાણી સાથે સંબંધો ન બગાડવા જોઈએ એવી સલાહ આપતાં આન્ટી દેરાણીને ચાર વર્ષથી બોલાવતાં નથી. ભાઈથી વિશેષ શું હોય એવું બોલનારા બાંગબહાદુરો નાના ભાઈની સામે કોર્ટે ચડ્યા છે. માબાપ જ વિશ્વ છે એવું સતત ભસતા રહેતા એકલાં રહેતાં માબાપના ઘરે ચાર મહિનાથી મોઢું દેખાડવા ગયા નથી અને ભાઈબંધને ભાઈથી વિશેષ માની ફેસબુક પર ભાઈબંધનાં ઓવારણાં લેતા ભાઈએ મોટાભાઈનો ચહેરો જોયાને દસકો થઈ ગયો.
બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસવીરમાં શું બોલીએ?
થપ્પડ મારે એવી આ પંક્તિ છે. એ તમામના ગાલ પર થપ્પડ જે એવું માને છે, જે એવું ધારે છે કે તેમને કોઈની જરૂર નથી. એ તમામના ગાલ પર તમાચો છે જે એવું ધારે છે કે દુનિયાને તેની જરૂર છે અને એ તમામના ગાલ પર લાફો છે જે એવું માને છે કે આ જગતમાં કાણાં પાડવાવાળાની આવશ્યકતા વધારે છે. જગતમાં કાણાં પાડવાવાળા કરતાં રેણ કરનારાની વધારે જરૂર છે પણ રેણ કરવા માગે છે એની એ પ્રક્રિયામાં સ્વાર્થ જોવામાં આવે છે, એની એ પ્રક્રિયામાં મહાનતા ધારી લેવામાં આવે છે અને ધારી લીધેલી એ મહાનતાની વચ્ચે એવું પણ ધારી લેવામાં આવે છે કે આ દેખાડો છે જે તમે નિયમિત રીતે કરતા આવ્યા છો. સંબંધોના અંતને આવકારવાને બદલે સંબંધોના અસ્તિત્વને સ્વીકારો. વ્યક્તિનો અંત થશે એ સમયે તો તમે પહોંચવાના જ છો. દુનિયાને દેખાડવા, મનથી અને અંતરથી અફસોસની ભાવના સાથે કે પછી વ્યવહાર નિભાવવા માટે પણ એ સમયે તમને તમારો માંહ્યલો સવાલ પૂછવાનો છે: ભાઈને સળગાવવા માટે અત્યારે પહોંચી ગયો પણ ત્યારે કેમ ન આવ્યો જ્યારે તારો ભાઈ અંદરથી સળગતો હતો?
જવાબ નહીં હોય એ સમયે ભલા માણસ અને જવાબ વિનાની એ જે અવસ્થા હશે એ અવસ્થાને સહન કરવાની કોઈ ક્ષમતા પણ નહીં હોય. ક્ષમતા વિનાના એ સમયે રમેશ પારેખની જ પેલી પંક્તિઓ કાનમાં ગુંજશે અને એ ગુંજશે ત્યારે જે અકળામણ હૈયામાં ઉકળાટ પેદા કરશે એ વલોપાત સમી હશે. એ વલોપાતને સહન ન કરવો હોય, એ વલોપાતને નાસૂર બનવા ન દેવો હોય અને એ વલોપાતની સાથે તસવીરમાં ન જડાવું હોય તો કોઈ જાતના માનસિક વિકારને સંબંધોમાં લાવ્યા વિના સરળ રસ્તે ચાલવાનું પસંદ કરજો. નાનો સાળો સંબંધોમાં ઉષ્માનું વાવેતર કરે અને મોટો સાળો એ જ સંબંધો પર ઍસિડનો છંટકાવ કરે તો ભલે કરે, એ તેની સમજણ છે. પણ જો તમારામાં સમજદારીનો ભરપૂર સ્રાવ વહી રહ્યો હોય તો તમારા એ સ્રાવને દ્વેષભાવ બનાવવાને બદલે એને સ્નેહનું સ્વરૂપ આપશો તો કાંધ આપતી વખતે અને આંખોમાં અફસોસ નહીં આવે. બહેતર છે કે આજે, અત્યારે, આ ક્ષણે, આ ઘડીએ અને આ પળે રમેશ પારેખની હેડિંગમાં વપરાયેલી પંક્તિઓ સિવાયના એક ગીતની પંક્તિઓનું પાલન કરવામાં આવે.
મનગમતી ક્ષણના ચણ ચણીએ ના કરશું ફરિયાદ, 
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હોય સંવાદ
(caketalk@gmail.com) (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Varsha Chitaliya columnists