ગુજરાતી નાટકોનાં મોટાં માથાંઓ સુધી હું કઈ રીતે પહોંચી શક્યો?

03 December, 2020 04:16 PM IST  |  Mumbai | Latesh Shah

ગુજરાતી નાટકોનાં મોટાં માથાંઓ સુધી હું કઈ રીતે પહોંચી શક્યો?

પ્રફુલ આભાણી

રીકૅપમાં બે વાત છે. એક, મારા પપ્પાએ વર્ષો બાદ મને આગ્રહ કરીને જમવા બેસાડ્યો એની અનહદ ખુશીની વાત અને બીજી વાત, કૉલેજમાં કૅન્ટીનમાં બેસીને નવા ડિરેક્ટર પ્રફુલ આભાણીના આવવાની રાહ જોવાની વાત.

પહેલી વાત મારા નાના ભાઈ હસમુખે ભેંકડો તાણ્યો એટલે આપણી તો બોલતી બંધ થઈ ગઈ. હસુ પપ્પાનો લાડકો હતો. અચાનક પપ્પા મારા માથા ઉપર ઊભા રહી ગયા. હુ કંપી ઊઠ્યો. કેમ એમ થયું એ સમજાયું નહીં પણ હું ધ્રૂજી ગયો. મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. અરે બાપ રે, બાપ જ સામે આવીને બાપ બનીને એકીટશે  તાકતા ઊભા રહી ગયા. મારી નજર આખા રૂમમાં ટ્રાવેલ કરીને જમીન ખોતરવા લાગી.

આશ્ચર્ય અને આઘાત એ વાતના હતા કે મારા પપ્પાએ પહેલી વાર મારી સાથે પ્રેમથી વાત કરી.

પપ્પા બોલ્યા, ‘પોતર, જમે ઘેડો? હલ જમે ગન. આઉં તોઈ વાટ જ જોઈનો વો. હલ, પાણ બોય બાપબેટો સાથે  વે વનો (દીકરા તેં જમી લીધું? ચાલ જમી લે. હું તારી રાહ  જોતો હતો. ચાલ આપણે બને બાપ-બેટો સાથે બેસી જઈએ.) આઇ વૉઝ સરપ્રાઇઝ્ડ ઍન્ડ શૉક્ડ. અઢાર પૂરાં કરી ઓગણીસમું વર્ષ ચાલતું હતું. આવું સાથે જમવાનું ભાવભીનું આમંત્રણ પહેલી વાર મળ્યું. મેં તો ભોલેનાથ બનીને સ્વીકારી  લીધું. પણ આમંત્રણ હજી મને પચ્યું નહોતું.

મને મારતા-ઠપકારતા પપ્પાએ વર્ષો બાદ મને પ્રેમથી જમવા બેસાડ્યો. ખીચડી પોતાના હાથે પીરસી ને ત્રણ ચમચી ઘી એમાં ઉલેચીને નાખ્યું. હું હતપ્રભ થઈ ગયો. મારા પ્યારા પપ્પાને મારા પર આટલો બધો પ્રેમ કેવી રીતે ભરાયો. હું થોડી વાર માટે નાટક લખવાનું ટેન્શન ભૂલી ગયો. મારી આંખો થોડી ભેજવાળી થઈ ગઈ.

જમતાં-જમતાં તેમણે મારાં લગ્ન કરવા બાબત વાત છેડી. મારા મગજના બધા છેડા છૂટી ગયા. શૉર્ટ સર્કિટ  સરજાઈ. ખીચડી, શાક અને રોટલી, કાંદાનો કોળિયો ગાળામાં જ અટકી ગયો. થોડું બોલવા ગયો અને કોળિયો અન્નનળીની જગ્યાએ શ્વાસનળીમાં ફસાયો અને પપ્પા આગળ બોલે એ પહેલાં જ હું કોળિયો ઓનારી ગયો એટલે શરીરે કોળિયો બહાર કાઢવા ખાંસવાનું શરૂ કર્યું. માએ તરત પાણી આપ્યું, પપ્પાએ પીઠ પર થાબડવાનું શરૂ કર્યું. માંડ-માંડ શ્વાસ હેઠો પડ્યો. નાક અને આંખમાંથી પાણી વહેવા લાગ્યું.

પપ્પાએ મને થોડો ઉચાટમાંથી બહાર આવેલો જોયો એટલે વાર્તા શરૂ કરી, ‘તું ઓગણીજો થી વ્યો અઇએ. પાંજે વાગડમે અઢારો વરે લગ્ન થી વને. પોય જત્રી ઉંમર વધે, છોકરી મળે જા ચાનસ ઓછા થી વને. (તું ઓગણીસ વર્ષનો થઈ ગયો છે. આપણા વાગડમાં અઢાર વર્ષના થાઓ એટલે લગ્ન થઈ જાય. પછી જેમ ઉંમર વધે એમ મનપસંદ છોકરી મળવાના ચાન્સ ઓછા થતા જાય.) મને લાગ્યું લગ્નની વાત કરવાની હતી એટલે પપ્પા લાડ લડાવતા હતા! પપ્પાએ બૉમ્બ ફોડ્યો કે તેમની વાગડ વીસા ઓસવાળ નાતમાં જ એક મિત્રની દીકરી તેમણે  જોઈ છે. તે કાલે જઈને તેમની સાથે ફાઇનલ કરી આવશે. આવતા મહિને સગાઈ અને આવતા વર્ષે લગન. આમ બોલીને પપ્પા ખીચડી-છાશ હાથેથી મસ્ત મિક્સ કરીને નિરાંતે ખાવા લાગ્યાં. મારી બોબડી બંધ થઈ ગઈ. થાળીમાંથી કોળિયો હાથ દ્વારા ઉપાડીને મુખદ્વારમાં પ્રવેશવો નામુમકિન થઈ ગયો હતો. પપ્પાએ ફોડેલા બૉમ્બને લીધે જે શૉક લાગ્યો હું વધુ જમ્યા વગર જ ઊભો થઈ ગયો. પપ્પાએ જમવા બાબત પ્રશ્ન કર્યો. હું જવાબ આપવા નહોતો માગતો એટલે હાથ ધોવા વૉશરૂમમાં ગછન્તી કરી ગયો. હું બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે પપ્પા મમ્મીને કહેતા હતા કે 'તોય પાટવી કે સમજાય ડીજે, વધારે ડાયો થિનો તો કોલેજફોલેજમાંથી કઢાયને દુકાન મેં વેરાય ડીનો. ઠેકાણો સારો મલ્યો અય. ઈ નખરા કર્યો ઈ ન હલે. હેવર નહીં પેણે તો ગેઢો થિનો તેરે પેણનો?' (તારા મોટા દીકરાને સમજાવી દેજે. વધારે દોઢડાહ્યો થશે તો તેને કૉલેજફોલેજમાંથી કઢાવી મૂકીને દુકાનમાં બેસાડી દઈશ. ઠેકાણું સારું મળ્યું છે અને તે નખરાં કરે એ નહીં ચાલે. હમણાં નહીં પરણે તો ઘરડો થશે ત્યારે પરણશે?) આટલું કહીને તે પોતાની રૂમમાં જતા રહ્યા. મેં પપ્પા ગયા એટલે મા પાસે આવીને કહ્યું, ‘મા બાપા કે સમજાય ડે કે હેવર આઉં પેણેવાળો નૈયા. ઓછેમાં ઓછા પંજ વરસ  ભોલે જ વને.' (મમ્મી, પપ્પાને સમજાવી દેજે, હમણાં હું પરણવાનો નથી. ઓછાંમાં ઓછાં પાંચ વર્ષ  તો ભૂલી જ જાય.)

પપ્પાનું બૉમ્બાર્ડિંગ સાંભળીને મારા મગજમાંના બધા સેલ્સ (કોષો)ના ચીંથરાં ઊડી ગયાં. વિચારો બધા વેરવિખેર થઈ ગયા. મારામાં માતાજી પ્રવેશ્યાં અને હું બરાડ્યો કે ‘તમે ભણાવો કે ન ભણાવો, પણ હું પાંચ વર્ષ પહેલાં પરણીશ નહીં'. મનમાં એમ હતું કે જો પપ્પા ભણવાનો વધુ સમય આપે તો હું વધુ નાટકો કરી શકું. હું પપ્પાને ભૂલથી પણ એમ ન કહી શકું કે નાટક કરવા સમય જોઈએ છે. હું કૉલેજમાં જઈ નાટકો કરું છું એની જો તેમને ખબર પડે તો મારી ચામડી ઉતરડી નાખે એવો મને ડર હતો. એટલે પપ્પા મને કાંઈ કહે એ પહેલાં હું અગાસીની સીડી ફટાફટ ચડી ગયો. અગાસીમાં સવારના છ વાગ્યા સુધી ચૂપચાપ લખતો રહ્યો. આઠેક નાટકોની શરૂઆત લખી અને જામ્યું નહીં એટલે નાટકો લખવાનું છોડી દીધું. ક્યારે ઘોંટી ગયો એની સમજ ન પડી. બીજે દિવસે બપોરે ઊઠીને નહાઈને વગર ખાધે-પીધે, વગર પર્સ અને પૈસે બસ પકડી. મારી ક્લાસમેટ નયનાના ફાઇનૅન્શિયલ સપોર્ટથી કૉલેજ પહોંચ્યો. મહેન્દ્ર રાવલ સાથે પ્રવીણ સોલંકીને મળીને પ્રફુલ આભાણીનો નંબર મેળવ્યો. પ્રવીણ સોલંકીએ ફોન કરી પ્રફુલ આભાણી સાથે વાત કરી. અમને પ્રફુલભાઈએ  ફોન પર બીજા દિવસે ચાર વાગ્યે મળવાની વાત કરી. બીજા દિવસે હું ટીમ સાથે ત્રણ વાગ્યાથી આભાણી સરની રાહ જોતો કૅન્ટીનની બારી પાસે બેઠો. ઇન્તેજારીમાં હું રેસ્ટલેસ થઈ રહ્યો હતો. દસેક ચા ઠપકારી ગયો. પ્રફુલભાઈ ચાર વાગ્યે ન પધાર્યા. ચાર વાગ્યાથી ટીમની રાહ જોતા વિદ્યાર્થીઓ ખરવા લાગ્યા. મારું તેમને  સમજાવવું ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું લાગ્યું. પાંચ વાગવા સુધીમાં તો દસમાંથી બે બાકી બચ્યા. હું અને ઝરણા (નામ બદલ્યું છે). અમને બન્નેને નાટકમાં અને એકબીજામાં રસ ખરો. એટલે હું તેને વાતનું વતેસર કરી રોકી શક્યો. એક વામન સાઇઝના ભાઈએ કૅન્ટીનમાં આવીને વેઇટરને પૂછયું, નાટક કરનેવાલે સ્ટુડન્ટ્સ કિધર મિલેંગે? મારા કાન સળવળ્યા. મેં વચમાંથી ટપકી પડીને તેમને તેમનું નામ પૂછ્યું. પ્રફુલ આભાણી, તેમણે કહ્યું. મેં મારી ઓળખાણ આપી. પ્રફુલભાઈએ મોડા પડી ગયા એના માટે બહાનું રજૂ કરીને માફી માગી. મારી સાથે ચા પીતાં નાટક ફાઇનલ કર્યું, ‘ચંપા તુજમેં તીન ગુણ’. મોંમાં પાન દબાવીને તેમણે  બીજા દિવસથી રિહર્સલ શરૂ કરાવી દીધાં. મેં નોટિસ બોર્ડ પર નોટિસમાં ગુજરાતી નાટકમાં કામ કરવા ઑડિશન આપવા વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કર્યા. અમે બે હતાં અને ઑડિશનમાંથી બીજા ત્રણ મળી ગયા.

પ્રફુલભાઈ બહુ મહેનતુ હતા. તેમણે અમારા પર ખૂબ મહેનત કરી. સરસ રીતે નાટક બેસાડ્યું. પ્રોડ્યુસર્સ ગીલ્ડ એકાંકી નાટ્યાસ્પર્ધામાં નાટક ગાજ્યું, મારી અને ઝરણાની ઍક્ટિંગ વખણાઈ. અમારું નાટક પહેલા દિવસે ભજવાયું. લોકો હસી-હસીને બેવડ વળી ગયા. એની બધી ક્રેડિટ પ્રફુલ આભાણીને જાય. થૅન્ક યુ પ્રફુલભાઈ. આપે કરાવેલા નાટકથી મને પુષ્કળ તાળીઓ અને વખાણ મળ્યાં. બાકીના ત્રણ દિવસ હું નાટ્યસ્પર્ધા જોવા ગયો ત્યારે બધા મારા પાત્રના ડાયલૉગ્સ અને સ્ટાઇલની કૉપી કરી હસવા લાગ્યા. પ્રફુલભાઈ ગુજરાતી રંગભૂમિના બધાં મોટાં માથાંઓને ઓળખતા હતા. પહેલી વાર મારી ઓળખાણ કાંતિ મડિયા, અરવિંદ ઠક્કર, ગિરેશ દેસાઈ સાથે પ્રફુલભાઈએ કરાવી. બધાએ મારો પર્ફોર્મન્સ જોયો હતો અને મારાં વખાણ કર્યાં. હું તો આ માંધાતાઓને મળી ગદ્ગદ થઈ ગયો હતો. છેલ્લા દિવસે પ્રબોધ જોશીજી પ્રાઇસ અનાઉન્સ કરવાના હતા. ઘણાબધાએ ઍડ્વાન્સમાં મને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળશે એ આશા વ્યક્ત કરી હતી. હું ટેન્શનમાં હતો, શું થશે?

માણો અને મોજ કરો જાણો અને જલસા કરો

દેવલાલીની ઠંડી દેવની લાલી તમારા ચહેરા પર લાવે એવી ગુલાબી હતી. ત્યાંથી મુંબઈ પાછા ફરવાનું મન  ન થાય એવી મજાની, યેડા ગલ્લી અને એમાં આવેલું સૅનેટોરિયમ, અસ્ટાપદ અને એનું ક્લબ હાઉસ, સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત વાતાવરણ અને લોકો. મજા માણવા માટે જેવા મુંબઈથી દૂર જાય એટલે બધાં ટેન્શન, સ્ટ્રેસ‍ દૂર થઈ જાય અને જલસો શરૂ થાય. ક્યારેક મુંબઈથી દૂર જાઓ અને ક્યારેક પોતાની નજીક આવો અને મોજ માણો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists latesh shah