જવાન અને કિસાનનો ઉપકાર

09 January, 2021 01:07 PM IST  |  Mumbai | Raj Goswami

જવાન અને કિસાનનો ઉપકાર

હિન્દી ફિલ્મો હંમેશાં ભારતીય સમાજનો આઇનો રહી છે. કોઈને જો આખા દેશમાં ફર્યા વગર ભારતને સમજવું હોય તો તે હિન્દી ફિલ્મોના આધારે ભારતના જનજીવન વિશે ઉપરછલ્લી પણ સટિક સમજ કેળવી શકે. ધારો કે આજના કોઈ યુવાનને ખેડૂતોના જીવન અને સમસ્યાઓનો અંદાજ લેવો હોય અને તે જો ૫૦ના દાયકાની હિન્દી ફિલ્મો પર નજર નાખે તો તેને ખબર પડે કે એક સમયે ખેડૂતોનો વિષય ફિલ્મસર્જકોને કેવો આકર્ષતો હતો. શહેરીકરણના પગલે ખેડૂતો ખુદ વૈકલ્પિક વ્યવસાયમાં રોજીરોટી શોધતા થયા એટલે સિનેમામાંથી ખેતી અને ખેડૂતો ગાયબ થઈ ગયા છે. બાકી એક સમયે ‘દો બીઘા જમીન’ (૧૯૫૩), ‘મધર ઇન્ડિયા’ (૧૯૫૭) અને ‘ઉપકાર’ (૧૯૬૭) બ્લૉક બસ્ટરની શ્રેણીમાં ગણાતી હતી એ વાતની આજે કોઈકને નવાઈ લાગે.

વાસ્તવમાં મનોજકુમારની ‘ઉપકાર’ તો ભારત અને ઇન્ડિયા વચ્ચેના વિરોધાભાસનું જ ઉદાહરણ હતી. એમાં એક ખેડૂતપરિવારના ‘ગામડિયા’ અને બીજા ‘વિદેશી’ ભાઈ વચ્ચેનાં મૂલ્યોનો સંઘર્ષ બતાવવામાં આવ્યો હતો. ૧૯૭૦માં મનોજકુમારે આ જ વિષયનો વિસ્તાર કરીને ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિના ટકરાવ પર ‘પૂરબ ઔર પશ્ચિમ’ બનાવી હતી. આ બન્ને ફિલ્મોએ મનોજકુમારની ‘મિસ્ટર ભારત’ની ઇમેજ પર થપ્પો મારી દીધો હતો.

‘ઉપકાર’માં તેમનું નામ ભારત કેમ હતું એનું એક રસપ્રદ કારણ છે. એક ઇન્ટરવ્યુમાં મનોજકુમાર કહે છે, ‘હીરોનું મૂળ નામ તો રામ હતું, કારણ કે તેનામાં ભગવાન રામના ગુણ હતા, પણ ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે અસલી ભારત ગામડામાં જીવે છે એટલે એક ભારતીય નાગરિકના પ્રતિનિધિ તરીકે મેં તેનું નામ ભારત કરી નાખ્યું. મેં એમાં આ દેશના ખેડૂતનાં મૂલ્યો પર ફોકસ કર્યું હતું. તે જો ખેતી ન કરે તો દેશના ધનવાન લોકો પણ ભૂખે મરે.’

‘ઉપકાર’ પહેલાં મનોજકુમાર રોમૅન્ટિક ભૂમિકાઓ કરતા હતા અને કંઈક અંશે દિલીપકુમારના પડછાયામાં હતા. તેમનું મૂળ નામ હરિકિશનગિરિ ગોસ્વામી હતું (અમેરિકન નેવી સીલની ટુકડીએ ઓસામા બિન લાદેનને જ્યાં ઠાર માર્યો હતો એ પાકિસ્તાનના અબોટાબાદમાં તેમનો જન્મ થયો હતો). હિન્દી ફિલ્મોમાં આવીને તેમણે દિલીપકુમારની જેમ મનોજકુમારે નામ અને ઢંગ પણ અપનાવ્યાં હતાં. વિજય ભટ્ટે બનાવેલી ‘હિમાલય કી ગોદ મેં’ (૧૯૬૫) તેમની ત્યારની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

‘ઉપકાર’ ન આવી હોત તો મનોજકુમાર ઝાડની આસપાસ રોતલ ગીતો ગાતા રહી ગયા હોત, પરંતુ કહે છેને કે ભૂતકાળ કોઈને પીછો નથી છોડતો. મનોજકુમારનો ભૂતકાળ તો સારો હતો, એ આગળ આવ્યો. ‘હિમાલય કી ગોદ મેં’ જે વર્ષે રિલીઝ થઈ એ જ વર્ષે તેમણે અચકાતાં-અચકાતાં ક્રાન્તિવીર ભગતસિંહ પર ‘શહીદ’ ફિલ્મ બનાવી હતી. અચકાતાં-અચકાતાં એટલા માટે કે આ ફિલ્મનું નિર્દેશન આમ તો મનોજકુમારે કર્યું હતું, પણ એ વખતે તેમના નામ પર ફ્લૉપ અભિનેતાનો સિક્કો લાગેલો હતો, એટલે મનોજકુમારે પોતાનું નામ છુપાવી રાખ્યું અને ‘શહીદ’ના ટાઇટલ્સમાં નિર્દેશક તરીકે ‘એસ. રામ શર્મા’નું નામ મૂક્યું હતું.

આમ તો એ એક તુક્કો હતો, પણ ચાલી ગયો. ‘શહીદ’ હિટ સાબિત થઈ અને એને શ્રેષ્ઠ ફિલ્મનો નૅશનલ પુરસ્કાર મળ્યો. દિલ્હીમાં, પ્લાઝા સિનેમામાં ‘શહીદ’નું પ્રીમિયર યોજાયું હતું. મનોજકુમારે એમાં તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને આમંત્રણ આપ્યું હતું. શાસ્ત્રીજીએ હા તો પાડી, પણ કહ્યું કે ૧૦ મિનિટ માટે જ આવીશ. તેઓ આવ્યા અને આખી ફિલ્મ જોઈને ઊઠ્યા. એ ભારત-ચીનના યુદ્ધનો સમય હતો અને દેશમાં રાષ્ટ્રભક્તિના ભાવની જરૂર હતી. આગલા જ વર્ષે નેહરુની પ્રેરણાથી ચેતન આનંદે ‘હકીકત’ ફિલ્મ બનાવી હતી.

‘શહીદ’ના પ્રીમિયરના બીજા દિવસે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી મનોજકુમાર પર ફોન આવ્યો. શાસ્ત્રીજીએ ચા પીવા બોલાવ્યા હતા. મનોજકુમાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘બાબુજીએ મને ‘જય જવાન જય કિસાન’ સૂત્ર પર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. મને પૂછ્યું, તમે કરશો? મેં કહ્યું, મારે તમારા આશીર્વાદ જ જોઈએ છે.’

એ રાતે દિલ્હીથી મુંબઈની ટ્રેન-યાત્રા દરમ્યાન મનોજકુમારે ‘ઉપકાર’ની વાર્તા ઘડી કાઢી. મનોજકુમારે એમાં પહેલી વાર તેમના પાત્રનું નામ ‘ભારત’ રાખ્યું હતું એટલે ‘ઉપકાર’ મનોજકુમારની દેશપ્રેમી ફિલ્મોના સિલસિલામાં પાયાનો પથ્થર કહેવાય. તેમના ભાઈ પૂરનની ભૂમિકામાં પ્રેમ ચોપડા હતા. મૂળમાં પૂરનની ભૂમિકા માટે રાજેશ ખન્ના સાથે કરાર થયા હતા, પણ ખન્નાની ફિલ્મફેર ટૅલન્ટ કૉમ્પિટિશનમાં પસંદગી થઈ એટલે તે બીજી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયો.

ભારત તેના ભાઈ પૂરનને ભણવા માટે વિદેશ મોકલે છે. પૂરન ત્યાં બગડી જાય છે અને પાછો આવીને ભારત પાસેથી જમીન-સંપત્તિમાં ભાગ માગે છે. દરમ્યાન ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય છે એટલે ભારત લડવા માટે સીમા પર જાય છે. આ બાજુ પૂરન ડ્રગ્સ વેચવાનો અને કાળાબજાર કરવાનો ધંધો કરે છે. છેલ્લે ભારત યુદ્ધમાં વિજયી થઈને હીરોને છાજે એવી રીતે વતન પાછો આવે છે. પૂરનને પોલીસ પકડી લે છે. તેને પસ્તાવો થાય છે અને કસમ ખાય છે કે તે તેના મોટા ભાઈ ભારતની જેમ પરિશ્રમી અને સારો માણસ બનશે. આમ મનોજકુમારે ‘ઉપકાર’માં કિસાન અને જવાન બન્નેની ભૂમિકા નિભાવી હતી. તમે તેમને ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે-મોતી’ ગાતા જુઓ તો એકદમ વિશ્વસનીય લાગે.

‘ઉપકાર’નું સૌથી મોટું અચરજ હતા પ્રાણ. સિનેમાના ખતરનાક ખલનાયકની અત્યંત લોકપ્રિય ભૂમિકાઓમાં કેદ થઈ ગયેલા પ્રાણની સાર્થક ચરિત્રો કરવાની બીજી ઇનિંગની શરૂઆત ‘ઉપકાર’થી થઈ હતી. ‘ઉપકાર’માં દર્શકો પ્રાણની લંગડા મલંગચાચાની ભૂમિકા પર ઓવારી ગયા હતા. પ્રાણ પર ફિલ્માવાયેલા ‘કશ્મે વાદે પ્યાર વફા સબ, બાતે હૈં બાતોં કા ક્યા’ ગીત મન્ના ડેનું ફેવરિટ છે.

ગાંધીટોપી બદનામ થઈ ગઈ હતી, મનોજકુમાર કહે છે, ‘મોંઘવારી આસમાન પર હતી. એટલે મારે એક એવું કૅરૅક્ટર ઊભું કરવું હતું જે એ સમયના ભારતની આલોચના કરે.’

હિન્દી સિનેમાએ ‘ઉપકાર’માં એક ખલનાયક (પ્રાણ)ને ગુમાવ્યો, તો એમાંથી જ બીજા ખલનાયકની ભેટ મળી. પ્રેમ ચોપડા તો હીરો બનવા માટે ફાંફાં મારતા હતા. તેમની પંજાબી ફિલ્મ ‘ચૌધરી કરનૈલ સિંહ’ વખણાઈ હતી, પણ હિન્દી ફિલ્મોમાં તેમનો ગજ વાગતો નહોતો. રાજેશ ખન્નાનો મેળ ન પડ્યો એટલે મનોજકુમારે સોહામણા પ્રેમ ચોપડાને તેમના ભાઈની ભૂમિકા ઑફર કરી. ‘ઉપકાર’ અડધી થઈ ત્યારે ચોપડાને સમજ પડી કે તેમની ભૂમિકા તો નેગેટિવ છે. પ્રેમ ચોપડા કહે છે, ‘અડધી ફિલ્મ છોડીને હું ક્યાં જાઉં એટલે હું એને વળગી રહ્યો.’ દર્શકોએ પૂરનની ભૂમિકાને વખાણી અને એમાંથી જ હિન્દી ફિલ્મોના બીજા ખતરનાક ખલનાયકનો જન્મ થયો.

એવું જ આશા પારેખનું થયું. આશા આમ ચુલબુલી છોકરીઓની ભૂમિકા કરતી હતી, પરંતુ ‘ઉપકાર’માં તેને પહેલી વાર એક ડૉક્ટરની ગંભીર ભૂમિકા મળી હતી. મનોજકુમારમાં કૅમેરા-ઍન્ગલની સૂઝ સરસ હતી. ‘શોર’ ફિલ્મમાં તેમણે અવનવા ઍન્ગલથી દૃશ્યો શૂટ કર્યાં હતાં. એમાં તેમને શ્રેષ્ઠ એડિટરનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. ‘ઉપકાર’માં ક્લાઇમૅક્સ માટે મનોજકુમારને વહેલી સવારનું દૃશ્ય શૂટ કરવું હતું, જે એક નવા સમયનું, નવા સમાજના આરંભનું પ્રતીક હોય. એમાં એક દૃશ્યમાં મનોજકુમારે કવિતા (આશા પારેખ)ના પગનાં ઝાંઝરમાંથી ખેતરનો પાક દેખાતો હોય એ રીતે કૅમેરા ગોઠવ્યો હતો.

આ દૃશ્ય શૂટ કરતાં ૬ દિવસ નીકળી ગયા હતા. આશા દરરોજ સવારે મોડી આવે. મનોજકુમારની પણ પર્ફેક્ટ શૉટ લેવાની જીદ હતી. એમાં એક દિવસ આશાએ મનોજકુમારને સંભળાવ્યું, ‘ક્યા રોજ-રોજ સુબહ-સુબહ જલ્દી આના પડતા હૈ. સનલાઇટ સે શૉટ અચ્છા હોતા હૈ?’ મનોજકુમારે તરત તેને કહ્યું, ‘સમજ ન પડતી હોય તો મોઢું બંધ રાખ.’ આશા પારેખને ખોટું લાગી ગયું અને મનોજ સાથે બોલવાનું બંધ કરી દીધું. ત્યાં સુધી કે ‘ઉપકાર’ના પ્રીમિયરમાં પણ આશા ન આવી. બે વર્ષ સુધી અબોલા ચાલ્યા.

મનોજકુમારે પછીથી કહ્યું હતું કે તેમના મનમાં કાયમ માટે અંકિત થઈ ગયેલું કોઈ દૃશ્ય હોય તો એ ‘ઉપકાર’માં ધૂંધળી રોશનીમાં દેખાતી આશા છે. ‘હાફ-લીટ આશા પારેખ’ એવો શબ્દ મનોજકુમારે વાપર્યો હતો.

columnists raj goswami