વેદ ગ્રંથો, જૈન ધર્મ, પર્યુષણ પર્વ અને કચ્છની પંચતીર્થી

10 September, 2019 04:32 PM IST  | 

વેદ ગ્રંથો, જૈન ધર્મ, પર્યુષણ પર્વ અને કચ્છની પંચતીર્થી

‘પર્યુષણ અને શ્રાવણની વિદાયનો વસવસો રહ્યો. જિન પ્રભુની વાત શરૂ કરતાં પહેલાં શિવ અને જીવને ઓળખી લઈએ! શિવ સાંસારિક હોવા છતાં સ્મશાનમાં નિવાસ કરે છે. એનું કારણ એ છે કે આ સંપૂર્ણ સંસાર મોહમાયાનું પ્રતીક છે અને સ્મશાન વૈરાગ્યનું પ્રતીક મનવામાં આવે છે. ભગવાન શિવનું સ્વરૂપ અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ આપણને કહે છે કે સંસારમાં રહીને તમારાં કર્તવ્યો પૂરાં કરો, પણ મોહમાયાથી દૂર રહો! કારણ કે આ સંસાર તો નશ્વર છે. એટલે સંસારમાં રહીને પણ કોઈ પ્રકારનો મોહ ન રાખવો જોઈએ. શિવજીને સંહારક માનવામાં આવે છે એટલે કે આ સૃષ્ટિનો સંહાર શિવજી જ કરે છે. ભગવાન બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ એનું પાલન-પોષણ કરે છે અને શિવ કાળક્રમે જીવનો સંહાર કરે છે. સ્મશાનમાં જ જીવનનો અંત આવે છે. ત્યાં બધું ભષ્મ થઈ જાય છે એટલે જ શિવનો ત્યાં વાસ હોવાનું ગણાય છે જ્યાં માનવશરીર, એની સાથે જોડાયેલા તમામ સંબંધો, તમામ મોહ, તમામ બંધનો ખતમ થઈ જાય છે અને મૃત્યુ બાદ જીવનો આત્મા શિવજીમાં જ સમાઈ જાય છે!

આમ હિન્દુ ધર્મમાં ઈશ્વરને ત્રિલોકના કર્તા માનવામાં આવે છે, જ્યારે જૈન ધર્મમાં એ ત્રિલોકના જ્ઞાતા-દ્રષ્ટા જરૂર છે પણ કર્તા નથી. જૈન ધર્મમાં જિન કે અરિહંત અને સિદ્ધને ઈશ્વરસ્વરૂપ માનવામાં આવે છે. અરિહંતો અને કેવળજ્ઞાનીઓનાં આયુષ્ય પૂર્ણ થતાં એ જન્મ-મરણથી મુક્ત થઈને નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તેમને ‘સિદ્ધ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમની જ આરાધના કરવામાં આવે છે અને તેમનાં જ દેરાસરો બને છે. જૈન ધર્મ સ્પષ્ટપણે સુખ અને દુઃખનું કારણ માત્ર કર્મ હોવાનું માને છે.

જૈન ધર્મ અત્યંત પ્રાચીન ધર્મ છે. એનો અર્થ છે ‘જિન દ્વારા પ્રવર્તીત ધર્મ’. જે જિનના અનુયાયી હોય તેઓ જૈન. જિન શબ્દ ‘જિ’ ધાતુ પરથી બન્યો છે. ‘જિ’ એટલે જીતવું. ‘જિન’ એટલે જે જીતે છે તે. મન,વાણી, કાયાને જીતીને વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી, સર્વજ્ઞ કે પૂર્ણ જ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું તેવા આપ્ત પુરુષને ‘જિનેશ્વર’ કે જિન કહેવામાં આવે છે. જૈન ધર્મ અર્થાત્ ‘જિન ભગવાનનો ધર્મ.’ અહિંસા એ જૈન ધર્મનો મૂળ સિદ્ધાંત છે. જૈન ધર્મની પ્રાચીનતાની પુષ્ટિ આપતા ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં પણ વિપુલ પ્રમાણમાં છે. જૈન ધર્મમાં પણ હિન્દુ દર્શનનો પ્રભાવ છે.

ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ વેદોની રચનાથી પહેલાં જૈન ધર્મ ભારતમાં હતો. વિષ્ણુપુરાણમાં શ્રી ઋષભદેવ, મનુસ્મૃતિમાં પ્રથમ જિન એટલે કે ભગવાન ઋષભદેવ, સ્કંદપુરાણ, લિંગપુરાણ વગેરેમાં બાવીસમા તીર્થંકર આરિષ્ટનેમિનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ઋષભદેવની કથા ભાગવત જેવાં કેટલાંક પુરાણોમાં પણ છે અને તેમની ગણના હિન્દુઓના ૨૪ અવતારોમાં કરવામાં આવી છે. મહાભારત અનુશાસનપર્વ, મહાભારત શાંતિપર્વ, સ્કંદપુરાણ, પ્રભાસપુરાણ, લંકાવતાર વગેરે અનેક ગ્રંથોમાં આરિષ્ટનેમિજીનો ઉલ્લેખ છે.

જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંત ત્રણ છે : અહિંસા, કર્મ અને અનેકાંતવાદ. એમાં અનેકાંતવાદ એ અ‌હિંસાનું વ્યાપક સ્વરૂપ છે; જ્યારે આચાર-વિચારમાં, ખાસ આત્મશુદ્ધિ અને જાતિભેદનો સ્વીકાર નહીં! પૂર્વકાળમાં જૈન ધર્મ એ ક્ષત્રિયોનો ધર્મ હોવાનું એટલા માટે માનવામાં આવે છે કે જૈન ધર્મના બધા જ તીર્થંકરોનો જન્મ ક્ષત્રિય કુળમાં જ થયો છે.

શ્રાવકો અને જૈન મુનિઓ માટે પાંચ વ્રત દર્શાવવામાં આવ્યાં છે; અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જૈન મુનિઓ આ પાંચેય વ્રતોનું સૂક્ષ્મ રૂપે પાલન કરે છે, જ્યારે શ્રાવકો સંસારી હોવાને કારણે સ્થૂળ રૂપે એનું પાલન કરે છે. એ ઉપરાંત ચાર કષાય પણ બતાવવામાં આવ્યા છે; જેમાં ક્રોધ, માન, માયા અને લોભનો સમાવેશ છે જેને સંયમિત રાખવા માટે મધ્યસ્થતા, કરુણા, પ્રમોદ અને મૈત્રીના ભાવ ધારણ કરવાનું જરૂરી બતાવવામાં આવ્યું છે.

જૈન ધર્મમાં પાંચ મુખ્ય તહેવારોનું અત્યંત મહત્ત્વ છે જેમાં પંચકલ્યાણક, મહાવીર જયંતી, પર્યુષણ, ઋષિપંચમી, જૈન દિવાળી, જ્ઞાનપંચમી અને દસ લક્ષણ ધર્મ જેવા તહેવારોનો સમાવેશ થાય છે. એ બધામાં પર્યુષણપર્વનું મહત્ત્વ અને માહાત્મ્ય વિશિષ્ટ ગણાય છે. પર્યુષણનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ છે જેને માટે જરૂરી ઉપક્રમો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે. સૌથી વધારે સમય મુનિ ભગવંતોના સાંનિધ્ય અને સ્વાધ્યાયમાં વિતાવવામાં તેમ જ પૂજા-અર્ચના, સંત સમાગમ, ત્યાગ, તપસ્યા અને ઉપવાસમાં વ્ય‌તીત કરવાનું શ્રેષ્ઠ ગણાય છે. સંયમ અને વિવેકના પ્રયોગ કરવાનું પર્યુષણ એ રૂડું પર્વ છે.

તીર્થંકર મહાવીરસ્વામી સુધીના સમયગાળા સુધી એક જ સંપ્રદાય હતો. ત્યાર પછી એ બે ભાગમાં વિભક્તથયા : શ્વેતામ્બર અને દિગમ્બર! શ્વેતામ્બર જૈનોનાં પર્યુષણ આઠ દિવસનાં હોય છે,જ્યારે દિગમ્બર સંપ્રદાયનાં પર્યુષણ ૧૦ દિવસનાં હોય છે અને એ પણ શ્વેતામ્બરનાં પૂરાં થયા પછી શરૂ થાય છે. આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ માનવામાં આવે છે. સમાપ્તિ પર ક્ષમાયાચનાનું પર્વ અને ક્ષમાવાણી એ તો જૈનેતર લોકો માટે પણ અત્યંત પ્રેરક હોય છે.

શ્રાવકો પર જિનકૃપા હોવાને કારણે કચ્છ એક એવી પવિત્ર ભૂમિ બની રહી છે કે ત્યાં જિન આરાધના માટે બૌંતેર જિનાલય અને ભદ્રેશ્વર જેવાં તીર્થધામો અને નાની પંચતીર્થી તેમ જ મોટી પંચતીર્થીનું માહાત્મ્ય ધરાવતાં પ્રાચીન દેરાસરો છે. ભદ્રેશ્વર એ વસઈ તીર્થ તરીકે પણ પ્રચલિત છે જેનું ઐતિહાસિક મહત્ત્વ છે. તાલુકામથક મુંદ્રાથી ૨૭ કિલોમીટર અને દરિયાકિનારાથી એક કિલોમીટર દૂર આવેલા એ જૈન મંદિરનો મહાભારત ગ્રંથમાં પણ ઉલ્લેખ છે. અગાઉ ભદ્રેશ્વર એ ભદ્રાવતીનગર તરીકે ઓળખાતું હતું. વિ. સં. ૧૬૨૨ કે ઈ.સ. ૧૫૬૫માં કનક ચાવડા નામના રાજવીએ આ દેરાસર બંધાવ્યું હોવાનાં પ્રમાણ મળે છે. એ અગાઉ ભદ્રાવતી પર જૈન રાજા વનરાજ વાઘેલાથી માંડીને કાઠીઓનું પણ શાસન રહ્યું હતું. કાળાંતરે જગડુશા દાતાર તરીકે જગમશહૂર થયેલા દાનવીરે એનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કચ્છનાં અતિ પ્રાચીન દેવમંદિરોમાં આ જૈન દેવાલયનો સમાવેશ છે.

બૌંતેર જિનાલય માંડવીથી ભુજ જતાં કોડાય રોડના ત્રિભેટે આવેલું છે, જ્યાં ૮૦ એકરમાં અપ્રતિમ સૌંદર્ય ધરાવતી મહાવીરસ્વામીની ૭૨ દહેરીઓ આવેલી છે. એ આદિશ્વર બૌંતેર જિનાલય તરીકે પણ ઓળખાય છે. ૧૯૮૨માં એનું બાંધકામ શરૂ થયું હતું અને આજે પણ હજી નૂતન કામ ચાલુ જ છે. કચ્છના કેટલાક કારીગરો શરૂઆતથી આજ સુધી હજી ત્યાં જ કામ કર્યા કરતા હોવાનું કહેવાય છે. બૌંતેર જિનાલય એ માત્ર કચ્છનું નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું ઘરેણું ગણાય છે.

કચ્છના બે તાલુકા અબડાસા અને મુંદ્રા વિસ્તારનાં કેટલાંક કેન્દ્રો જૈનો માટે નાની અને મોટી પંચતીર્થી સમાન ગણવામાં આવે છે. નાની પંચતીર્થીમાં મુન્દ્રામાં આવેલું શ્રી શીતલનાથજી દેરાસર, બાજુમાં જ ભુજપુર ખાતે આવેલું ચિંતામણિ પાર્શ્વપ્રભુજીનું દેરાસર, મોટી ખાખરમાં બિરાજમાન ચિંતામણિ પાર્શ્વપ્રભુ અને નાની ખાખર ખાતે બિરાજતા શ્રી આદિનાથ પ્રભુજી ઉપરાંત અબડાસા તાલુકામાં તેરામાં જિરાવાલા પાર્શ્વનાથજીનું અને સાંધાણનું શાંતિનાથજી દેરાસર નાની પંચતીર્થીમાં સમાવિષ્ટ છે. શ્રાવકો આ બધા જિનેશ્વરનાં એક જ દિવસમાં દર્શન કરીને કૃતકૃત્ય થાય છે.

મોટી પંચતીર્થીમાં બધાં અબડાસા તાલુકાનાં દેરાસરોનો સમાવેશ છે; જેમાં તાલુકાનું મુખ્ય મથક નલિયા અને એની નજીકના અંતરે આવેલા સુથરી, કોઠારા, જખૌ, તેરા અને સાંધાણનાં દેરાસરો સમાવિષ્ટ છે. દરેકનું મહત્ત્વ અને માહાત્મ્ય પણ વિશિષ્ટ છે. નલિયામાં શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિમા વિ.સં. ૧૮૯૭માં સ્થાપવામાં આવી છે. ૧૬ શિખર ધરાવતું એ દેરાસર કચ્છી દશા ઓસવાળ જૈન સમાજના દાતા શેઠ નરશી નાથાએ બંધાવ્યું છે અને એમાં પદ્‍માસન જિનપ્રભુ બિરાજમાન છે. દેરાસરમાં શ્રી શાંતિનાથ અને અષ્ટપદ મંદિરો પણ છે.

આ પણ વાંચો:હૈયું હેલે ચડે ને શિવનાં ગાણાં ગવાય, એ શ્રાવણ લે છે વિદાય

નલિયાથી ૧૩ કિલોમીટર દૂર તેરા ખાતેનું દેરાસર કાચ મંદિર’ તરીકે પણ ઓળખાય છે. ૧૭મી સદીમાં શેઠ રાયમલ શિવજી અને બુદ્ધા ડોસા જેવા દાનવીરોએ એ દેરાસર બંધાવી એમાં શામળાજી પાર્શ્વનાથજીની સ્થાપના કરાવી હતી. ૧૮૯૫માં અને ૧૯૭૧માં એમ બે વખત એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કોઠારાના દેરાસરમાં ૧૬મા તીર્થંકર શ્રી શાંતિનાથજી બિરાજમાન છે. એ દેરાસર વિ.સં. ૧૯૧૮ કે ઈ.સ.૧૮૬૧માં, દાનવીર શ્રાવકો શાહ વેલજી માલુ, કેશવજી નાયક, શિવજી નેણશી અને સમાજના અન્ય સભ્યોના દાનપ્રવાહથી બાંધવામાં આવ્યું છે, જ્યારે જખૌમાં ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીનાં બેસણાં છે. પંચતીર્થીમાંના એક એવા સાંધાણ ખાતે જિનેશ્વર શ્રી શાંતિનાથજી બિરાજમાન છે.

અબડાસા તાલુકામાં જ આવેલા સુથરીનું દેરાસર બે માળનું બાંધકામ ધરાવે છે અને ત્યાં ભગવાન પાર્શ્વનાથની મોહક પ્રતિમાની સ્થાપના વિ.સં. ૧૮૯૫માં કરવામાં આવી હોવાનાં પ્રમાણ મળે છે. સમગ્ર બાંધકામ કચ્છના જ કારીગરો દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. દેરાસર સંકુલમાં ભગવતી પદ્‍માવતી , કુંથુનાથજી, ગૌતમસ્વામી અને ચૌમુખજીનાં દહેરાં આવેલાં છે. એ બધા અરિહંતોને વંદન, સિદ્ધોને વંદન, આચાર્યોને વંદન, ઉપાધ્યાયો અને પાંચમા પરમેષ્ઠી સર્વ સાધુઓને પણ વંદન અને આ લેખના સમાપન અને ક્ષમાપના અવસર નિમિતે સૌને ‘મિચ્છા મી દુક્કડં.’

gujarati mid-day columnists