Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હૈયું હેલે ચડે ને શિવનાં ગાણાં ગવાય, એ શ્રાવણ લે છે વિદાય

હૈયું હેલે ચડે ને શિવનાં ગાણાં ગવાય, એ શ્રાવણ લે છે વિદાય

27 August, 2019 03:29 PM IST | મુંબઈ
લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

હૈયું હેલે ચડે ને શિવનાં ગાણાં ગવાય, એ શ્રાવણ લે છે વિદાય

હૈયું હેલે ચડે ને શિવનાં ગાણાં ગવાય, એ શ્રાવણ લે છે વિદાય


એ એક પૌરાણિક માન્યતા છે કે શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથનો મહિનો. શિવ અને શ્રાવણનું અનોખું જ મહત્ત્વ છે. વિદ્વાનોનું કહેવું છે કે મહિનામાં ચાર સોમવાર, એક પ્રદોષ તથા શિવરાત્રિ આવા ત્રણેય યોગ એકસાથે માત્ર શ્રાવણ મહિનામાં રચાય છે જેના કારણે શ્રાવણ મહિનો યથેચ્છ ફળ આપનારો ગણાય છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ‘શ્રવણ’ નક્ષત્ર હોવાથી આ મહિનાનું નામ શ્રાવણ પડ્યું હોવાનું કહેવાય છે.

એક મહત્ત્વના માહાત્મ્યને જાણવાનું અહીં રસપ્રદ બની રહેશે કે શ્રાવણ મહિનાને અને શિવઉપાસનાને શું સંબંધ છે? આ સવાલનો જવાબ સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં જોવા મળે છે. વેદોમાં પ્રકૃતિ અને માનવજાતિનો ગાઢ સંબંધ દર્શાવવામાં આવ્યો છે. વેદોમાં સમાવિષ્ટ કેટલાક મંત્રોનો સંદેશ કંઈક આવો છે ‘શ્રાવણ એટલે જેટલો શિવનો મહિનો એટલો જ વરુણદેવની કૃપાનો પણ મહિનો ! વરસાદમાં બ્રાહ્મણો વેદપાઠ અને અન્ય પવિત્ર ધર્મગ્રંથોનું અધ્યયન કરે છે અને એ દરમ્યાન તેઓ એવા મંત્રજાપ કરે છે કે જેનાથી ધરતી પર સુખ અને શાંતિનો પણ વધારો થાય છે.



‘કાન સરવા કરીને જો સાંભળીએ તો આખું વરસ મૌન રહેતાં હોય એવાં જીવ-જંતુઓના પણ અવાજ વરસાદની ઋતુમાં સંભાળવા મળે છે. એ માનવો માટે સંદેશ હોય છે કે પવિત્ર માસમાં ભક્તિ કરો, શિવસ્મરણ કરો, ધર્મગ્રંથોનો પાઠ કરો અને શ્રાવણ કરો ! એ જીવ-જંતુ ઉપરાંત અનેક પ્રકારની વનસ્પતિ પણ ઊગી નીકળે છે જેમાંની ઘણી તો ઔષધીય ગુણો ધરાવતી હોય છે જે  આરોગ્યવર્ધક હોય છે. ધર્મ તો કહે જ છે કે સમગ્ર પ્રકૃતિ જ શિવસ્વરૂપા છે. એટલે જ પ્રકૃતિપૂજન શ્રાવણ મહિનામાં કરાતું હોય છે. શ્રાવણ મહિનો એટલે ભરપૂર ચોમાસાની ઋતુ ! ચોમાસાની ઋતુમાં જળ તત્ત્વનું પ્રમાણ વધારે હોવું સ્વાભાવિક છે અને એ જ જળ વડે શિવનો કરાતો અભિષેક સુખમાં તેમ જ આયુષ્યમાં વૃદ્ધિ કરનાર હોવાનું ગણાય છે.’


ભગવાન શિવને શ્રાવણ અત્યંત વહાલો હોવાનું સૌથી મહત્ત્વનું કારણ છે તેમની ભગવતી પાર્વતી પ્રત્યેની પ્રીત ! એક વખત સનત કુમારોએ ભોળાનાથને પૂછ્યું હતું કે ‘હૈ ભોળાનાથ, આપને શ્રાવણ કેમ અતિ પ્રિય છે?’ ત્યારે ભોળા થઈને કહી દીધું હતું કે ‘દક્ષની પુત્રી તરીકે અવતરેલાં દેવીએ જ્યારે યોગ શક્તિથી પ્રાણ ત્યાગ્યા એ પહેલાં તેમણે દરેક જન્મમાં મને જ પતિ તરીકે પામવાની પ્રતિજ્ઞા લીધી હતી. બીજા જન્મમાં હિમાલય અને માતા મેનાવતીના ઘરે અવતાર લઈ તે શૈલ પુત્રીએ શ્રાવણ મહિનામાં નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું હતું અને મને પ્રસન્ન કરી મારી સાથે લગ્ન કર્યાં હતાં એથી શ્રાવણ મને બહુ પસંદ છે !’ હવે સમજાયું કે કુમારિકાઓ શ્રાવણ મહિનામાં શા માટે વ્રત-પૂજા કરે છે?

આવા સૃષ્ટિના આદી અને અનંત સ્વરૂપા ગણાતા દેવાધિદેવ મહાદેવનું મંદિર ન હોય એવું દેશમાં ભાગ્યે જ કોઈ ગામ હશે ! દેશમાં બાર જેટલાં જ્યોતિર્લિંગ છે. એ સિવાય એવાં શિવાલયો પણ છે જે ભાવિકોના શ્રદ્ધાના સ્થાન સમાન છે. કચ્છમાં આપણે મોટા ભાગનાં શિવાલયોના પ્રાદુર્ભાવ અને માહાત્મ્યનો ઉલ્લેખ કર્યો. શ્રાવણ માસ સમાપ્તિના આરે છે ત્યારે રહી ગયેલાં થોડાં શિવમંદિરો વિષે પણ જાણી લઈએ.


શિવપુરાણમાં ‘પંચવક્ત્રમ ત્રિનેત્રમ’ એટલે કે પાંચ મુખવાળા અને ત્રણ નેત્રવાળા કહીને બધા દેવતાઓએ ભગવાન શિવનાં ગુણગાન ગાયાં છે. યાગ્નવલ્ક્ય શ્રુતિ ગ્રંથમાં પંચવક્ત્રમ પૂજનનો પ્રકાર વિશેષ સિદ્ધ અને ઐશ્વર્ય આપનાર હોવાનું દર્શાવ્યું છે. ભુજના વાલદાસ નગરમાં વિશેષ શિવ અનુગ્રહને અને પરોક્ષમાંથી પ્રત્યક્ષ થતા આપણા આ ચર્મ ચક્ષુથી દર્શન કરનારા શ્રદ્ધાળુઓ એક વિશષ્ટ લાભ લઈને ત્યાં બંધાવવામાં આવેલા શ્રી સિધ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરીને કૃતકૃત્યતા અનુભવે છે, જ્યાં મૂર્તિમંત સ્વરૂપમાં પૂર્વ દિશામાં સદ્યોજાત શિવ છે. દક્ષિણ દિશામાં અઘોર સ્વરૂપ શિવ, પશ્ચિમમાં વામદેવ સ્વરૂપ છે. ઉત્તરમાં તત્પુરુષ અને ઊર્ધ્વ એટલે કે આકાશમાં શિવલિંગ સ્વરૂપ છે. ભુજ શહેરમાં આવું અને સમગ્ર કચ્છમાં એકમાત્ર આવા અદ્ભુત સ્વરૂપનાં શિવદર્શન જોવાં મળે છે. પાંચેય સ્વરૂપના મંત્રો, મુદ્રાઓ, ન્યાસ, આયુધ, નૈવૈદ્ય, ઉપચાર, સ્તોત્ર વગેરેનો મહિમા ઋષિઓએ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ગ્રંથમાં બતાવ્યો છે.

ભુજના વાલદાસજી નગરમાં રાજશ્રી ધામ સંકુલમાં શ્રી રાજર્ષિમુનીજીના આશિષ અને અનુગ્રહથી આ અલૌકિક સિધ્ધેશ્વર મહાદેવના મંદિરનું થોડાં વર્ષો પહેલાં નિર્માણ થયું છે. કચ્છ માટે એ આધ્યાત્મિક શક્તિનો પૂંજ છે. કચ્છમાં રાપર તાલુકો એટલે વાગડ દર્શન ! એવા વાગડ વિસ્તારમાં ઘણી એવી અલૌકિક જગ્યાઓ આવેલી છે. એ ખરું છે કે પૂર્વ અને પશ્ચિમ કચ્છની બોલી, લઢણ, પહેરવેશ અને સંસ્કૃતિમાં ઘણો ફરક છે. મારી જાણકારી મુજબ મેળાઓ પણ પશ્ચિમ કચ્છમાં ઊજવાઈ ગયા પછી પૂર્વમાં શરૂ થતા હોય છે. એમ પણ કહેવાય છે કે સૌથી પહેલાં વરસાદ વાગડમાં વરસે તો આખા કચ્છનું વરસ સારું જાય ! વાત એ વિસ્તારમાં આવેલા એક મહાદેવના મંદિરની કરવી છે અને એ છે નીલાગર મહાદેવ!

રાપરથી થોડા કિલોમીટર દૂર બાલાસરની બાજુમાં રાસાજી ગઢડા પાસે નીલાગર મહાદેવની ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક જગ્યા આવેલી છે. એ એક એવું સ્થળ છે કે ત્યાં પહોંચતાં એવું લાગે કે કચ્છમાં નહીં, કોઈ અન્ય વિસ્તારમાં આવી ગયા છીએ ! આબુ પર્વત જેવી કોતરો અને ખીણમાંથી રસ્તો જાય છે. બન્ને બાજુ ઊંચા પહાડોની વચ્ચે એક ખીણમાં ભોળાનાથ નીલાગર બિરાજમાન છે. નીલાગર મહાદેવની સ્થાપના પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમ્યાન કરી હોવાનું કહેવાય છે. પાંડવો તેમના અજ્ઞાતવાસના ૧૩મા વર્ષે આ વાગડ વિસ્તારમાં રહ્યા હતા. એક મોટી વિશાળ ગુફામાં દેવાધિદેવ બિરાજમાન છે. એ ગુફા કોતરીને બનાવવામાં આવી છે.

એ ગુફાની બાજુમાં એક બીજી પણ ગુફા છે જે એવું કહેવાય છે કે એનો બીજો છેડો ગેડી ગામમાં નીકળે છે. એ ગુફામાં હાથે અને પગે જવું પડે છે! શિવલિંગ અત્યંત પ્રાચીન છે અને કાળના અને પથ્થરના ઘસારાને કારણે નાનું થઈ ગયું છે. હાલમાં દશનામી ગોસ્વામી સમાજના મહંત છેલ્લાં આઠ વર્ષથી ત્યાં સેવા-પૂજા કરે છે. કોઈને ખ્યાલ હોય તો, એમનાથી પહેલાં આદરણીય રામગીરી બાપુ તેમ જ અન્ય સંતોએ ત્યાં રહીને મહાદેવની સેવા અને તપ કર્યું હતું. એ પાવન ભૂમિ પર બે સંતોની સમાધિ પણ મંદિરના ઉપરના ભાગમાં આવેલી છે.

હાલના મહંતના કહેવા મુજબ શ્રાવણ મહિનો આવતાં જ મહાદેવની ગુફામાં એક સાપ આવીને લિંગને વીંટળાઈ વળતો અને શ્રાવણ માસ પૂરો થતાં એ અદૃશ્ય થઈ જતો હતો. સામે કાંઠે માત્ર ૩ કિલોમીટર દૂર રણ હોવા છતાં ત્યાં આવેલા એક કૂવામાંનું પાણી મીઠું છે. પહાડો, રણ અને એક નદીના ત્રિભેટે આવેલા આ સ્થળનો નજારો અલૌકિક છે.

રાપરની માફક ભચાઉ શહેર પણ વાગડ વિસ્તારનું એક એવું શહેર છે જે છેલ્લા ભૂકંપમાં ધ્વસ્ત થઈ ગયા પછી પણ રાખમાંથી ઊભું થઈ ગયું છે. એ ભચાઉથી દુધઈ માર્ગે ભુજ તરફ જતાં પણ એક ઐતિહાસિક લોધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે પુરાતન કાળમાં લોધીઓ એટલે કે મછવારા એ સમયે મંદિરની સામે આવેલા સમુદ્રમાં માછીમારીની પ્રવૃત્તિ કરતા હતા. એક વખત એ રીતે જાળમાં માછલીઓ પકડતાં માછલીઓની સાથે એક શિવલિંગ પણ એ જાળમાં આવ્યું ! સૌને આશ્ચર્ય થયું અને અલૌકિક આનંદ પણ થયો. એ લોધીઓએ ત્યાં ભગવાન શિવના લિંગની સ્થાપના કરી અને એ મંદિર ત્યારથી લોધેશ્વર મહાદેવના નામથી ઓળખાવાનું શરૂ થયું ! હવે એ મંદિરની સામેથી નર્મદાની કૅનાલ પસાર થઈ રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન કરવા પધારવાના છે. શ્રધ્ધા એટલી પ્રબળ બની ગઈ છે કે એ વિસ્તારમાં ઝૂંપડું હોય કે બંગલો, પણ પ્રવેશદ્વાર પર ‘બાપા લોધેશ્વર’ લખેલું તો જોવા મળશે જ! હવે નર્મદાના નીર આવશે એટલે શિવ સાથે શક્તિ અને જળ પ્રકૃતિનો સંગમ થશે !

શ્રાવણ મહિનાની સમાપ્તિ એટલે એક આધ્યાત્મિક અવસરની પૂર્ણાહુતિ ! કચ્છમાં માંડવી શહેરની આજુબાજુનો એક વિસ્તાર એવો હોવાનું કહેવાય છે જે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે એક દિવસમાં ત્રણ સ્થળે એની ભારે ભક્તિભાવથી ઉજવણી કરીને શિવને પ્રિય એવા શ્રાવણને વિદાય આપે છે. એક જ દિવસે ત્રણ-ત્રણ સ્થળે મેળા ભરાય એ માંડવી શહેરની નજીક મોચી તરાઈ (તળાવ), રાવલ પીર અને ભૃગુ ઋષિના ધ્રબુડી ખાતે મેળાઓ ભરાય છે અને લોકો ઊમટી પડે છે. એમાં પણ આ શ્રાવણે તો છલોછલ પાણી આપ્યું છે, ધરતીએ લીલી ચૂંદડી ઓઢી લીધી છે એથી લોકોમાં શ્રધ્ધા અને ઉમંગ અનેરો જોવા મળશે ! એમાં પણ જો એ દિવસે સોમવાર પણ આવે અને અમાસ પણ હોય તો, ચોથો મેળો કાશી વિશ્વનાથના દરિયાકિનારે આવેલા મંદિરે પણ ભરાય ! અને આમ દેવાધિ દેવને વિદાય અપાય.. ગચ્છ દેવ યથા સુખમ ! 

“રુદ્રમ પશુપતિ સ્થાનુંમ નીલકંઠ ઉમાંપતિમ,

નમામિ શિરસા દેવં કિં નો મ્રત્યુ કરિસ્યતિ ||” 

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2019 03:29 PM IST | મુંબઈ | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK