પાંચ પેઢી અને ૯૪ પરિવારજનોનું વટવૃક્ષ ધરાવતાં માજી આજે ૧૦૮ વર્ષનાં થયાં

20 January, 2021 03:07 PM IST  |  Mumbai | Rohit Parikh

પાંચ પેઢી અને ૯૪ પરિવારજનોનું વટવૃક્ષ ધરાવતાં માજી આજે ૧૦૮ વર્ષનાં થયાં

મીઠાબહેન ગાંગજી શાહ પરિવાર સાથે

નાનપણથી જૈન ધર્મનાં અનુરાગી મૂળ કચ્છનાં અંધેરીમાં દીકરીના ઘરે ધર્મમય જીવન જીવી રહેલાં ૧૦૮ વર્ષનાં મીઠાબહેન ગાંગજી શાહનો વર્તમાનપત્રો અને ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ અકબંધ છે. તેમનું હુલામણું નામ મઠામા છે. મઠામાના પગમાં ચાલવાની તાકાત નથી, કાન નબળા પડી ગયા છે, આંખોની રોશની નબળી પડવા લાગી છે પણ દાંત ઓરિજિનલ છે. આ ઉંમરે પણ વિલપાવર સ્ટ્રૉન્ગ છે.‍ તેમની સેવામાં બાઈ હોવા છતાં પોતાની જાતે જ સાત્ત્વિક ભોજન જમવાનો આગ્રહ રાખે છે. તેઓ છેલ્લાં ૫૩ વર્ષથી રાત્રિભોજન કરતાં નથી.

આજે મઠામાનો જન્મદિવસ છે. તેઓ આજે ૧૦૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. આજે તેમની પુત્રીઓ અને પુત્રીઓના પરિવારજનો સાથે તેમના અમેરિકામાં રહેતા પુત્રો અને તેમના પરિવારજનો મઠામાની કેકનું કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરશે. અમેરિકાના પરિવારજનો વર્ચ્યુઅલી હાજર રહેશે. 

કચ્છના વાંઢ ગામનાં મઠામાએ તેમના જીવનનાં ૭૦ વર્ષ કચ્છમાં વિતાવ્યાં છે. ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ સહિત પાંચ જનરેશનના ૯૪ સભ્યોનો તેમનો વિશાળ પરિવાર છે જેમાંથી અત્યારે ૮૭ સભ્યો મુંબઈ અને અમેરિકામાં આજે પણ હયાત છે. આ ૮૭ સભ્યોનાં નામ, તેમની સાથેના તેમના સંબંધો અને દરેકેદરેક સભ્યની વિશેષતાનું તેમને પૂરેપૂરું સ્મરણ છે. મઠામાના ત્રણેય પુત્રો તેમના પરિવાર સાથે વર્ષોથી અમેરિકામાં સેટ થયા છે, જ્યારે તેમની પાંચેય દીકરીઓ મુંબઈમાં જ રહે છે.

ધર્મમય જીવન

કચ્છની ધરતીનાં અડીખમ મીઠાબહેન નાનપણથી જ ખડતલ હતાં. પહેલેથી જ ઘરનાં કામકાજની સાથે તેમણે પરિવારના ખેતીકામમાં પણ સક્રિય ફાળો આપ્યો છે. તેમનું સમગ્ર જીવન ધાર્મિક સંસ્કારોથી ઘડાયેલું હોવાથી એનું પ્રતિબિંબ તેમના જીવનમાં પણ પ્રત્યક્ષ થતું રહ્યું છે. માતા-પિતાના ધાર્મિક સંસ્કાર અને સાસરિયાંમાં પણ જૈન ધર્મનો ખૂબ જ રાગ હોવાથી તેઓ પહેલાંથી ધર્મમય જીવન ગાળી રહ્યાં છે એવું જણાવતાં મઠામાનાં પુત્રી કુસુમ રાંભિયા કહે છે, ‘તેમની ધર્મ પ્રત્યેની રુચિ અને અડગ શ્રદ્ધા આજે પણ તેમણે ટકાવી રાખી છે. તેમની એક બહેને અચલગચ્છ જૈન સમુદાયમાં દીક્ષા લીધેલી છે. તેમનું નામ સાધ્વી ધર્માનંદશ્રીજી છે. છેલ્લાં થોડાં વર્ષોથી પગ નબળા પડી જવાથી તેઓ ચાલી શકતાં નથી, પણ તેમનો જીવન જીવવાનો જુસ્સો હજીયે અડીખમ છે. જીવનની સદી પાર કરી દીધા પછી તેમનું શરીર થોડુંક કંતાયું છે, પણ ધર્મ પ્રત્યે અથાગ શ્રદ્ધામાં કદી ઓટ આવી નથી. બેડ પર કે ખુરશી પર બેસીને રોજ ચોક્કસ સમયે સામાયિક-પ્રતિક્રમણ જેવી ધાર્મિક ક્રિયાઓમાં તેમણે કદી બ્રેક પાડ્યો નથી. ઉંમરને કારણે યાદશક્તિ નબળી પડી છે એટલે વિધિ અને સૂત્રો ભૂલી જાય છે, પણ તોય જેટલું યાદ રહે એટલું જાતે કરતાં રહે. રોજ નવકારવાળી ગણવાના નિયમમાં કોઈ બાંધછોડ નથી કરતાં. આ ઉંમરે પણ તપશ્ચર્યા કરવાના એટલાબધા ઊંચા ભાવ છે કે તેઓ પાંચમ, આઠમ, ચૌદશ જેવી તિથિના દિવસે ઉપવાસ કરી લે છે.’

આ ઉંમરે પણ અસલી દાંત છે

સાત્ત્વિક ભોજનનાં આગ્રહી મઠામાને સાત્ત્વિક ભોજન તો જોઈએ જ, પણ એ ભોજન સ્વાદિષ્ટ પણ હોવું જોઈએ. તેમનો આ રસ ટકી રહ્યો છે એનું પણ એક કારણ છે અને એ કારણ છે તેમના મજબૂત દાંત. યસ, સદી પાર કર્યા પછી પણ તેમના ઓરિજિનલ દાંત અકબંધ છે. તેમનાં બીજા દીકરી ઊર્મિલા રાંભિયા કહે છે, ‘તમને નવાઈ લાગશે, પણ તેમની સૌથી મોટી અજાયબી તો એ છે કે તેમના દાંત અસલી છે. આજે નાની ઉંમરમાં ઘણાને ઇમ્પલાન્ટ કે ડેન્ચર કરાવવું પડે છે, પણ મઠામા તેમના અસલી દાંતથી પોતાની જાતે જ ભોજન આરોગે છે. ખાવામાં મઠામાને ગોળવાળી મીઠી પૂરી અને બદામી ડ્રાયફ્રૂટ હલવો અતિ પ્રિય છે.’

તેઓ ૧૦૮ વર્ષની ઉંમરે પણ એટલાંબધાં માનસિક રીતે જાગૃત છે કે કોઈ કામમાં તેમને પરવશતા નથી જોઈતી એમ જણાવતાં મઠામા કહે છે, ‘હું જાતે જમીશ નહીં તો મારો હાથ નબળો પડી જશે. મારાં આંગળાં વળી જશે.’

સ્ટ્રૉન્ગ વિલપાવર

મોટા ભાગનું જીવન કચ્છમાં વિતાવનારાં મીઠાબહેનનાં લગ્ન નાની ઉંમરમાં થયાં હતાં. નાના ગામમાં રહેતાં અને આસપાસના લોકોની બનતી સેવા કરવાની તેમનામાં પહેલેથી જ ઇચ્છા હતી. સેવા-સાદગી અને સાત્ત્વિક જીવનને કારણે તેમને આટલી ઉંમરમાં પણ બહુ જ ઓછી માંદગીઓ આવી છે. તેમણે જીવનમાં ક્યારેય દવા લીધી નથી એમ જણાવતાં તેમના માટુંગામાં રહેતાં દીકરી જયા ગંગર કહે છે, ‘૩૦ વર્ષ પહેલાં તેમનું હાર્ટ પહોળું થાય છે એવું ડૉક્ટરે નિદાન કર્યું હતું. ડૉક્ટરે તેમને એક ગોળી લેવા કહ્યું હતું પણ તેમનો વિલપાવર સ્ટ્રૉન્ગ રહ્યો છે. આજદિન સુધી તેમણે એકપણ દવા લીધી નથી. તેઓ હૉસ્પિટલમાં દાખલ થયાં નથી કે તેમની કોઈ સર્જરી થઈ નથી. ૧૦૩ વર્ષની ઉંમરે તેમને પહેલી વાર પગના દુખાવાની તકલીફ શરૂ થઈ. ત્યાં સુધી તેમની તબિયત માટે ક્યારે કોઈ ફરિયાદ રહી નથી. તેમણે ક્યારેય દવા લીધી નથી. હા, પણ ગામમાં કોઈને દવાની જરૂર હોય તો તેઓ મુંબઈથી દવા મગાવીને એકપણ રૂપિયો લીધા વગર આપતાં હતાં. કોઈને આર્થિક મદદની જરૂર હોય તો એમાં પણ તેઓ અગ્રેસર રહેતાં.’

ગામડામાં સાદગીભર્યું જીવન, સાત્ત્વિક ખોરાક છતાં મજબૂત મનોબળ તથા તેમનામાં રહેલી શીખવાની ધગશ અને આવડતને કારણે તેઓ ભણેલાં ન હોવા છતાં ગ્રીન કાર્ડહોલ્ડર હોવાથી અત્યાર સુધીમાં છ વાર કોઈના સાથસંગાથ વગર તેમના પુત્રોના પરિવાર પાસે અમેરિકા પણ ફરી આવ્યાં છે. છેલ્લે તેઓ ૮૦ વર્ષનાં હતાં ત્યારે અમેરિકા ગયાં હતાં.

ખેતીવાડી પણ શીખી લીધેલી

અમારી કચ્છમાં ખેતીવાડી હતી, પણ ખેતીનું ધ્યાન અમારા ગામના ખેડૂત રાખે. એ વિશે જાણકારી આપતાં મીઠાબહેનની પુત્રીઓ કહે છે, ‘અમારી ખેતીનું ધ્યાન શામજી કુંવરજી (ગાભાભાઈ) રાખતા હતા. એક દિવસ તેમણે મમ્મીને કહ્યું કે હવે ખેતી તમે સંભાળો. પહેલાં તો મમ્મી ઢીલાં પડી ગયાં, પણ પછી ગાભાબાપાની સાથે રહીને તેમણે ખેતીવાડી શીખી લીધી હતી. પહેલા જ વર્ષે મગફળીનો સારો પાક થયો હતો. એ સમયે તેમને નવલકથા વાંચવાનો ખૂબ જ શોખ હતો. કલાકોમાં એક નવલકથા પૂરી કરી બીજી મગાવી લે એટલાંબધાં વાંચનનાં શોખીન. સમય સાથે એમાં પણ પરિવર્તન આવી ગયું. તેમણે વર્તમાનપત્રો અને ધાર્મિક પુસ્તકોનું વાંચન શરૂ કર્યું, જે આદત તેમની આજદિન સુધી અકબંધ છે. થોડી આંખો નબળી પડી ગઈ છે. બાકી તો તેમને વાંચન વગર ચાલે નહીં. મમ્મીની આંખો હવે નબળી પડી ગઈ હોવાથી હવે લૉકડાઉનમાં વર્તમાનપત્રો આવતાં નથી એમ કહીને તેમને વાંચવા આપતી નથી.’

સત્ય બોલવું, સાદગીભર્યું જીવન જીવવું, ખોટા ખર્ચા નહીં કરવા એ તેમનો જીવનમંત્ર છે એમ જણાવતાં તેમની મોટી પુત્રી પૂર્ણિમાબહેન કહે છે, ‘અમારી માનું જીવન અમારા પરિવાર માટે પ્રેરણારૂપ છે. આજે પણ તેમને મળવા જઈએ ત્યારે તેમની સલાહ હોય જ કે સૌનું સારું કરજો તો આપણું સારું થશે. ખોટા ખર્ચા કરવા નહીં, જેટલું સાદગીભર્યું જીવન હશે એટલું જ જીવન સુંદર હશે.’

મઠામાના બે પુત્રો તેમનાં દીકરા-દીકરીઓ અને દોહિત્રી સાથે અમેરિકામાં સેટલ થયા છે. હજારો કિલોમીટર દૂર હોવા છતાં દર શનિવારે દીકરા ઇન્દુકુમાર ફોન કરીને વાતચીત કરે ત્યારે બન્ને એયને મસ્ત જૂની વાતો વાગોળીને આનંદ-પ્રમોદ કરતાં જોવાં મળે. મારાં સાસુજી ખૂબ જ પુણ્યશાળી છે એમ જણાવતાં તેમના જમાઈ સુરેશ ગંગર કહે છે, ‘તેમનાં પુત્ર-પુત્રીઓ તો માની સેવા કરે જ છે પણ તેમની દોહિત્ર વધૂ જિજ્ઞા, વિપુલા, હેતલ, ખુશ્બૂ, મનીષા, દીપા અને દોહિત્રી કલ્પના પણ ખૂબ જ પ્રેમથી અને ભાવથી માની સેવા કરે છે. અમારા પરિવારની એમ જ પ્રાર્થના છે કે મા હંમેશાં સ્વચ્છ, મસ્ત અને તંદુરસ્ત રહે અને તેમના આશિષ અમારા પૂરા પરિવાર પર સદાય રહે.’

columnists