આ બહેનના ઘરમાંથી એકેય ચીજ કચરામાં જાય જ નહીં

13 April, 2021 03:28 PM IST  |  Mumbai | Rupali Shah

પ્રદૂષણને નાથવા કોઈ પણ પ્રકારના કચરાને રિડ્યુસ, રીયુઝ અને રીસાઇકલ કરનારાં મલાડમાં રહેતાં પન્ના શાહે છેલ્લાં કેટલાંક વર્ષોથી સસ્ટેનેબલ લિવિંગના મંત્રને અપનાવ્યો છે જેનાથી તેમની ક્રીએટિવિટી મસ્ત ખીલી છે

પન્ના શાહ

હેલ્થ ઇઝ વેલ્થ અને વેસ્ટ આઉટ ઑફ બેસ્ટ આ બન્ને સૂત્રોને જીવનમાં ઉતારનારાં મલાડનાં પન્ના શાહ રોજ કંઈક નવું ક્રીએટિવ કરતાં રહે છે. તેઓ માને છે કે પૈસાની બચત, નકામી વસ્તુઓનું રીસાઇક્લિંગ, નૉલેજ વધવાની સાથે સમયનો સદુપયોગ અને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખતી ઍક્ટિવિટી શું ખોટી? તેમણે રોજિંદા વપરાશની મોસ્ટ્લી તમામ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સને ઘરમાંથી તિલાંજલિ આપી છે. ટૉઇલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને વાસણ માંજવાના લિક્વિડ માટે તેમણે બાયોએન્ઝાઇમ પ્રોડક્ટ તૈયાર કરી છે. ટૂથ પાઉડર, મૉઇશ્ચરાઇઝિંગ લોશન, માથાના વાળમાં નખાતું તેલ જેવી રોજિંદી વપરાશની તમામ વસ્તુઓ તેઓ ઘરે બનાવે છે. એ ઉપરાંત કચરાના ડબ્બામાં ફેંકી દેવાતી દરેક વસ્તુમાંથી કંઈ નવું અને અનોખું બનાવવાની કળા અને ધગશ પન્નાબહેનને બધાથી જુદા પાડે છે.

સર્જનાત્મકતા પન્નાબહેનમાં ઇનબિલ્ટ જ છે. ભરતગૂંથણ, ક્રોશિઓ અને કુકિંગનો શોખ તેમને મમ્મી તરફથી વારસામાં મળ્યો છે અને એમાં તેમણે બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ વસ્તુઓ બનાવવાની કળાને પણ ખીલવી. પન્નાબહેન કહે છે, ‘ઘણાં વર્ષો બહારની કેમિકલયુક્ત પ્રોડક્ટ વાપરીને જ ગયાં. ત્યારે એટલી સમજ નહોતી. કેમિકલની આડઅસરથી બચવું છે અને આપણી પાસે રિઝલ્ટ મળે એવા વિકલ્પ પણ છે તો પછી શા માટે એનો ઉપયોગ ન કરવો? મલ્ટિપર્પઝ ક્લીનર, હેરઑઇલ, મૉઇશ્ચરાઇઝર તરીકે વપરાતું બૉડી લોશન બધું હું ઘરે બનાવું છું. મગની દાળને કરકરી વાટી એનો કોરો પાઉડર હું સાબુની જગ્યાએ વાપરું છું. વસ્તુઓનો ફરી વપરાશ કરીને કમસેકમ મારા તરફથી ઓછામાં ઓછું પૉલ્યુશન કરું એવા વિચાર સાથે છેલ્લાં થોડાં વર્ષથી આ પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. મને એક પણ વસ્તુ ફેંકી દેવાની આદત નથી. કાચની કે પ્લાસ્ટિકની બૉટલ, સૉસની બૉટલ, દાંડી તૂટેલો કપ, ડબ્બાનાં ઢાંકણાં, ન્યુઝપેપર, કંકોતરી, સ્ક્રૅપ કપડાં, દુપટ્ટો, જૂની સાડી દરેકમાંથી વસ્તુઓ બનાવું છું.’

કાચની બૉટલના ફ્લાવરવાઝ કે જ્યુટ, ક્લે, પેપર મૅશ, વિન્ટેજ લુકથી આપીને બનાવેલા શોપીસ, કપનું પેન હોલ્ડર, ન્યુઝપેપરમાંથી બનેલી વિવિધ બાસ્કેટ, ટી કોસ્ટર, કી હોલ્ડર, સિલ્કનાં સ્ક્રૅપ કપડાંઓનાં એન્વલપ, લેમિનેટ ટેબલ મૅટ, મિક્સ ઍન્ડ મૅચ સ્ક્રૅપ ક્લોથનાં કુશન કવર જેવી અનેક વસ્તુઓથી તેમનું ઘર સજાવાયેલું છે. આ તમામ વસ્તુઓ તેઓ ગિફ્ટ પણ કરે છે. પન્નાબહેન કહે છે, ‘અમુક વસ્તુઓ સમય માગી લે છે, પણ મને કોઈ વસ્તુ કંટાળાજનક નથી લાગતી. નૉલેજ વધે છે, ખર્ચો બચે છે અને ક્વૉલિટી પ્રોડક્ટ મળે છે. હું પ્રવૃત્ત રહું છું. મારું ધ્યેય પૈસો કમાવાનું નથી છતાં મેં પોતે ચાર્જ આપીને શીખેલા અમુક કોર્સ કમર્શિયલી ચલાવું છું. બાકી લાઇક માઇન્ડેડ લોકો સાથે આઇડિયાઝની આપલે કરીને તેમને શીખવું છું અને હું પણ શીખતી રહું છું.’

પન્નાબહેન યોગ પણ શીખવે છે. ખાવાનું બનાવવાનાં અને ખવડાવવાનાં શોખીન છે એટલે કુકિંગમાં રેગ્યુલર બેઝ પર અવનવા પ્રયોગો કરતાં રહે છે. પન્નાબહેનના હસબન્ડ વ્યવસાયે ડૉક્ટર છે. તે પણ ખૂબ સપોર્ટિવ છે અને બન્ને  સસ્ટેનેબલ લિવિંગમાં માને છે.

મલ્ટિપર્પઝ લિક્વિડ

લીંબુનાં છોડાં, અનાનસ, સંતરાં, કેરીનાં છોતરાંને પ્રમાણમાં ગોળ અને પાણી સાથે મિક્સ કરીને બરણીમાં ભરી રાખવાં. અંદર અમુક પ્રોસેસ થાય એટલે એ ગૅસ છોડે અને બરણી ફાટી ન જાય એટલે દિવસમાં એક વાર આ ગૅસ રિલીઝ કરવા બરણી ખોલવી. સતત એક મહિનો આ પ્રોસીજર કરવી. પછી બીજા બે મહિના અઠવાડિયે કે ચારેક દિવસે આ રીતે ગૅસ રિલીઝ કરવા બરણી ખોલવી. બધું મળીને ૯૦ દિવસની પ્રોસીજર પછી તમારી બાયોએન્ઝાઇમ પ્રોડક્ટ રેડી થઈ જાય છે. બરણીમાંનું લિક્વિડ તમે હાથથી મસળી પણ શકો અથવા મિક્સરમાં ચર્ન કરી ગાળી પણ શકો. એનો જાડો પલ્પ ટૉઇલેટ ક્લીનિંગમાં વાપરી શકાય અને પાતળું લિક્વિડ વાસણ માંજવા માટે કે ફ્લોર ક્લીનર તરીકે વાપરી શકાય.

દંતમંજન

કેમિકલ ટૂથપેસ્ટના બદલે ઘરગથ્થુ મંજન બનાવવા ૫૦ ગ્રામ ગાયનું છાણ, અજમાનો પાઉડર, પેરુનાં સૂકાં પાનનો પાઉડર, ખાવાના કપૂરનો પાઉડર, મેન્થોલ પાઉડર, લવિંગનો પાઉડર, સંતરાં કે લીંબુનાં છોતરાંનો પાઉડર, નૉનઆયોડાઇઝ્ડ મીઠું, કાળું નમક, હળદર જેવી ચીજમાંથી દાંત ઘસવાનો પાઉડર બનાવીને વાપરી શકાય.

columnists