કૉલમ : ગુજરાતી ઘરોમાં ઘર કરી રહી છે વિદેશી વાનગીઓ

21 May, 2019 11:42 AM IST  |  | વર્ષા ચિતલિયા - લેડીઝ સ્પેશ્યલ

કૉલમ : ગુજરાતી ઘરોમાં ઘર કરી રહી છે વિદેશી વાનગીઓ

વાઈટ ગ્રેવી વિથ પાસ્તા

લેડીઝ સ્પેશ્યલ

કહે છે કે, ‘ફૂડ ટ્રાવેલ ફાસ્ટર ધૅન લાઇફ.’ આપણે વિદેશનો પ્રવાસ કર્યો હોય કે ન કર્યો હોય, ત્યાંની વાનગીઓ આપણા રસોડા સુધી ચોક્કસ પહોંચી ગઈ છે. બદલાતી લાઇફસ્ટાઇલની સાથે લોકોની ફૂડ હૅબિટમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. ફાઇવસ્ટાર હોટેલો અને ક્લબ કલ્ચરથી પ્રભાવિત મૉડર્ન હાઉસવાઇફને જલેબી-ગાંઠિયા કે પૂરણપોળી જેવી પરંપરાગત દેશી વાનગીઓ તો ઠીક, પાંઉભાજી, પાણીપૂરી અને ઈડલી-ઢોસા જેવા દેશી ફાસ્ટફૂડનો સ્વાદ પણ બોરિંગ લાગે છે. તેઓ હવે રસોડામાં ચાઇનીઝ, મૅક્સિકન અને ઇટાલિયન વાનગીઓને પ્રાધાન્ય આપવા લાગી છે. આજે આપણે ગુજરાતીઓનાં ઘરોમાં પૉપ્યુલર બનેલી વિદેશી વાનગીઓ તેમ જ બદલાયેલા ટેસ્ટ પાછળનાં કારણો વિશે મહિલાઓ સાથે વાત કરીએ.

ગુજરાતી પ્રજા ફૂડી છે એટલે જ દેશ-વિદેશની વાનગીઓએ આપણા રસોડામાં સહેલાઈથી એન્ટ્રી લીધી છે એવો અભિપ્રાય આપતાં જુહુ સ્કીમનાં ભાવિકા ભૂતા કહે છે, ‘આપણે ટ્રાવેલિંગ ખૂબ કરીએ છીએ. નવી-નવી ડિશો ટ્રાય કરવાનો શોખ લગભગ બધા જ ગુજરાતીઓમાં જોવા મળશે. ઇન્ટરનૅશનલ ડિશનો સ્વાદ દાઢે વળગે પછી એને ઘરમાં બનાવવાનું શરૂ કરી દઈએ છીએ. ટીવી અને યુ-ટ્યુબ પર આવતા કુકિંગ શો એટલા બધા ઇન્ટરઍક્ટિવ હોય છે કે દરેક ગૃહિણી માટે નવી વાનગી બનાવવી સરળ બની ગઈ છે. હવે તો વેન્ડર્સ પાસેથી રેડી કિટ પણ મળી જાય છે. દાખલા તરીકે તમને થાઈ કરી બનાવવી હોય તો એની તૈયાર કિટ લઈ લેવાની. કિટમાં કરી બનાવવા માટે આવશ્યક થાઈ ચીલી (આંગળીના વેઢા જેટલાં નાનાં મરચાં) સહિત તમામ સામગ્રી મૂકેલી હોય છે તેથી અહીં-તહીંથી સામગ્રી એકઠી કરવાની કડાકૂટ પડતી નથી.’

વિદેશી વાનગીઓમાં પડતા મસાલા અને લેટેસ્ટ ડિશ વિશે વાત કરતાં ભાવિકા કહે છે, ‘વિદેશી વાનગીઓમાં રોઝમેરી, બાસિલ, થાઇમ, સેલેરી, હર્બ્સ અને સ્પાઇસનું પ્રમાણ વધુ હોય છે. વાસ્તવમાં આ બધી વસ્તુ આપણા દેશમાં સહેલાઈથી ઉપલબ્ધ છે, પરંતુ આ વિશે જાગૃતતા ન હોવાના કારણે આપણે એનો ઉપયોગ કરતા નહોતા. હવે આ બાબત ગૃહિણીઓમાં સભાનતા આવી છે તેથી વપરાશ વધ્યો છે. યંગ જનરેશનને ચીઝ અને પનીર બહુ ભાવે છે. પેરુવિયન ડિશમાં ગ્રીન ચીલી, પટૅટો અને ચીઝનું પ્રમાણ વધુ હોય છે તેથી જલસો પડી જાય છે. મારું અંગતપણે માનવું છે કે વિદેશી ડિશ બનાવતી વખતે એનો મૂળ સ્વાદ બદલાવો ન જોઈએ. ઑથેન્સિટી રાખો તો જ ખાવાની મજા આવે. અમારા ઘરમાં પેરુવિયન ઉપરાંત લેબેનીઝ રોલ્સ, લેબેનીઝ રાઇસ પિલાઝ, હમસ, મૅક્સિકન ટેકોઝ, સાલસા, મૅક્સિકન સોરક્રીમ, મૅક્સિકન કેસેડિલાસ અને સિલેક્ટેડ જૅપનીઝ ડિશ પણ બને છે.’

આઉટિંગ ખૂબ વધી ગયું છે એના કારણે આપણે વિદેશી વાનગીઓએ પગપસારો કર્યો છે આ વાત સાથે સહમત થતાં બોરીવલીનાં મનીષા દોશી કહે છે, ‘ગુજરાતીઓ મળે એટલે ખાણી-પીણીની વાતો પહેલાં કરશે. ફલાણી જગ્યાએ આ ડિશ બહુ સરસ મળે છે અને આ હોટેલનું ફૂડ ટેસ્ટી છે. ફૂડ આપણો હૉટ ટૉપિક હોય છે. આજે કોઈ પણ ફંક્શનમાં જાઓ, વિદેશી વાનગીઓનાં ત્રણ-ચાર કાઉન્ટર તો જોવા મળશે જ. વાસ્તવમાં વિદેશી વાનગી ખાવી અને બીજાને ખવડાવવી સ્ટેટસ સિમ્બૉલ બની ગઈ છે. ડાઇનિંગ ટેબલ પર વિદેશી વાનગીઓ ગોઠવાતી જાય છે એનું બીજું કારણ છે આજની જનરેશન. તેમને સાદી રસોઈ ભાવતી જ નથી. મારી દીકરી સાંજ પડે એટલે પૂછે કે મમ્મી શું બનાવ્યું છે? હું કહું કે ભાખરી-શાક છે કે ખીચડી-કઢી છે તો કહેશે મારા માટે નહીં બનાવતી, હું બહારથી ખાઈને આવવાની છું. આ ઘર ઘરની કહાની છે. સંતાનો માટે મમ્મીઓ હવે યુ-ટ્યુબના રસોઈ શો જોતી થઈ ગઈ છે.’

ગ્રીન થાઈ કરી

વિદેશી વાનગીઓમાં સૂપ, પાસ્તા અને નૂડલ્સ મોસ્ટ પૉપ્યુલર ડિશ છે એમ જણાવતાં મનીષા કહે છે, ‘ચીઝ-બટર વધુ પડતાં હોય એવી વાનગીઓ ઘરના તમામ મેમ્બરને ભાવે છે. આ સિવાય વાઇટ ગ્રેવી વિથ પાસ્તા, લેમન રાઇસ, ગ્રીન થાઈ કરી, સ્પેગટી, ગાર્લિક બ્રેડ તેમ જ અન્ય દેશોની સિલેક્ટેડ ડિશનો સ્વાદ પસંદ છે. આ બધી વાનગીઓમાં પડતા મસાલા કોઈ પણ સુપરમાર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. સામાન્ય રીતે વિદેશી વાનગીઓ સ્વાદહીન હોય છે તેથી એને ઇન્ડિયન ટચ આપવો પડે. આપણે અત્યાર સુધી કાળાં મરી વાપરતા હતા, હવે વાઇટ પેપર વાપરીએ છીએ. જોકે મારો અનુભવ કહે છે કે કૉબી વાપરીએ અને લેટસ નાખીએ એમાં જમીન-આસમાનનું અંતર છે. જૅકુઝી, લેટસ અને વિવિધ રંગનાં કૅપ્સિકમે આપણા રસોડામાં સ્થાન જમાવ્યું છે એનું કારણ માત્ર સ્વાદ નહીં, પ્રેઝન્ટેશન પણ છે.’

મને લાગે છે કે અન્ય વિદેશી ડિશ કરતાં ગુજરાતીઓના ઘરમાં ચાઇનીઝ વધુ ખવાય છે એવો મત વ્યક્ત કરતાં માટુંગાનાં મીનલ પડિયા કહે છે, ‘અત્યારની પેઢીને રાતે જમવામાં દાળ-ભાત શાક-રોટલી આપો તો મોઢાં ચડી જાય છે. તેઓ ખાતાં જ નથી તેથી મમ્મીએ રસોડામાં કંઈક ઇનોવેટિવ કર્યા વગર ચાલે એમ નથી. જો આપણે ઘરમાં નહીં બનાવીએ તો તેઓ બહાર ખાશે. સંતાનોને હોમ ફૂડ તરફ વાળવા માટે થઈને સમયાંતરે વિદેશી વાનગીઓનું ભાણું પીરસવું જ પડે છે. જોકે હવે વાત માત્ર સંતાનો સુધી સીમિત નથી રહી. અત્યારે બધા ફ્લેક્સિબલ બની ગયાં છે. વડીલો પણ હોંશે હોંશે બધું જ ખાય છે. અમે માટુંગામાં રહીએ છીએ એટલે સાઉથ ઇન્ડિયન ડિશ ખાઈ-ખાઈને કંટાળી ગયાં છીએ. ઘરના દરેક મેમ્બરને અઠવાડિયું થાય એટલે નવો સ્વાદ જોઈએ છે.’

મૅક્સિકન કેસેડિલાસ

આપણે ખાવાના શોખીન છીએ એ વાત સો ટકા સાચી, પરંતુ ભાવે છે ટિપિકલ ઇન્ડિયન ટેસ્ટ જ એમ જણાવતાં મીનલ કહે છે, ‘વિદેશી વાનગીઓ થોડી ફિક્કી લાગે છે તેથી કેટલીક ખાસ ડિશોમાં ઇન્ડિયન તડકા જોઈએ. સેઝવાન સોસ, એરીગેનો, ચીલી ફ્લેક્સની સાથે મરી પાઉડર અને બીજા ઇન્ડિયન સ્પાઇસ ઉમેરવાથી જીભ પર મસાલાનો ચટકો લાગે તો ખાવાની મજા આવે. હું લગભગ બધી જ ચાઇનીઝ ડિશ બનાવું છું.

આ પણ વાંચો : જંપસૂટ પહેરીને લગ્ન કરાતાં હશે?

આ ઉપરાંત નાચોસ, ટોકોઝ અને ઇન્ડિયન-ઇટાલિયન સ્ટાઇલ પાસ્તા પણ રેગ્યુલર બને છે. નાચોસ માટેની પૂરી ઘરે જ બનાવવાની અને લિક્વિડ ચીઝ પણ ઘરનું જ. નવા-નવા એક્સપરિમેન્ટ સાથે વિદેશી વાનગી બનાવું છું તેમ છતાં મારો આગ્રહ છે કે શક્ય હોય ત્યાં સુધી બ્રેડની આઇટમ ઓછી ખાવી. લાંબા ગાળે આ બધી વસ્તુ હેલ્થ માટે નુકસાનકારક છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વિદેશી વાનગીઓ આપણાં દેશી રોટલા-શાકની તોલે ન આવે.’

ગુજરાતી પ્રજા ફૂડી છે તેથી વિદેશી વાનગીઓએ આપણા રસોડામાં સહેલાઈથી એન્ટ્રી લીધી છે. હું લેબેનીઝ રોલ્સ, લેબેનીઝ રાઇસ પિલાઝ, હમસ, મૅક્સિકન ટોકોઝ, સાલસા, મૅક્સિકન સોરક્રીમ અને ઘણીબધી જૅપનીઝ તથા પેરુવિયન ડિશ બનાવું છું. - ભાવિકા ભુતા, જુહુ સ્કીમ

આજની જનરેશનને હોમ ફૂડ તરફ વાળવા મમ્મીએ રસોડામાં નવા-નવા એક્સપરિમેન્ટ કર્યા વગર ચાલે એમ નથી. એમને જીભનો ચટાકો છે તેથી વિદેશી ડિશ થોડી ફિક્કી લાગે છે. એમાં ઇન્ડિયન તડકા લાગે તો ખાવાની મજા આવે. - મીનલ પડિયા, માટુંગા

જૅકુઝી, લેટસ અને વિવિધ રંગનાં કૅપ્સિકમે આપણા રસોડામાં સ્થાન જમાવ્યું છે એનું કારણ માત્ર સ્વાદ નહીં, પ્રેઝન્ટેશન પણ છે. લેમન રાઇસ, ગ્રીન થાઈ કરી, સ્પેગટી, પાસ્તા વિથ વાઇટ ગ્રેવી, અને નૂડલ્સ જેવી ડિશ અમારી ફેવરિટ છે. - મનીષા દોશી, બોરીવલી

Varsha Chitaliya columnists