કૉલમ : સાવધાન તમારો કોઈ પીછો કરી રહ્યું છે

02 April, 2019 10:13 AM IST  |  | વર્ષા ચિતલિયા

કૉલમ : સાવધાન તમારો કોઈ પીછો કરી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

મોબાઇલ વાપરતી દર ત્રણમાંથી એક ભારતીય મહિલા ડિજિટલ હેરેસમેન્ટનો ભોગ બને છે એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. ટ્રુ કોલર નામની એપ્લીકેશન દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ૭૮ ટકા મહિલાઓને અઠવાડિયે ઓછામાં ઓછું એક વખત અયોગ્ય માગણી કરતાં સંદેશાઓ, સેક્સુઅલ કન્ટેન્ટ ધરાવતા ટેક્સ્ડ મેસેજ અથવા ફોન કૉલ્સ દ્વારા થતી પજવણીનો સામનો કરવો પડે છે. ૮૨ ટકા મહિલાઓએ કબૂલ્યું હતું કે અણછાજતા વિડિયો અને ફોટા મોકલી તેમને ઇરાદાપૂર્વક હેરાન કરવામાં આવે છે. આ સર્વેમાં મોટા ભાગની મહિલાઓએ બ્લૅન્ક કૉલ અને મિસ્ડ કૉલને પણ સતામણીનો જ એક પ્રકાર કહ્યો હતો. કેટલીક મહિલાઓનું કહેવું હતું કે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, ફાઇનૅન્સ કંપની, ટેલિકોમ ઑપરેટરો તેમ જ વિવિધ પ્રકારની સ્કીમ માટે સતત આવતા ફોન પણ હેરેસમેન્ટ જ છે. મોબાઇલના માધ્યમથી કરવામાં આવતી સતામણીના પચાસ ટકા કેસમાં અજાણી વ્યક્તિનો હાથ હોય છે. અગિયાર ટકા કેસમાં સ્ટોકર્સનો હાથ હોવાનું તેમ જ ત્રણ ટકા કેસમાં જાણીતી વ્યક્તિ જ હેરાન કરતી હોવાનું જાણવા મળ્યું હતું.

મોબાઇલ દ્વારા હેરેસમેન્ટના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારે આ દિશામાં મુંબઈ પોલીસ, CBI, ATS તેમ જ અન્ય સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેટર અદનાન પટેલે ‘મિડ-ડે’ સાથે શૅર કરેલી વાતો તેના જ શબ્દોમાં પ્રસ્તુત છે.

કેટલા પ્રકારના સ્ટોકર્સ

તમારો પીછો કરનારી વ્યક્તિને સ્ટોકર્સ કહેવાય. સ્ટોકર્સ બે પ્રકારના હોય છે વચ્યુર્અલ અને ફિઝિકલ. વચ્યુર્અલ એટલે કે આભાસી અથવા છૂપી વ્યક્તિ અને ફિઝિકલ એટલે જેને તમે જોઈ શકો. ૯૦ ટકા કેસમાં વચ્યુર્અલ સ્ટોકર્સ હોય છે એનું કારણ એમાં ઓળખ છુપાવવી સહેલી છે. જોકે, એમાં પણ જાણીતી વ્યક્તિ છુપાઈને હેરાન કરતી હોય એવું બની શકે છે.

વચ્યુર્અલ સ્ટોકર્સના પ્રકાર :

ડોમેસ્ટિક સ્ટોકર્સ : તમારો એક્સ બૉયફ્રેન્ડ અથવા એક્સ હસબન્ડ, કો-વર્કર, સાથી કર્મચારી વગેરે જાણીતી વ્યક્તિ હેરાન કરતી હોય એને આ શ્રેણીમાં મૂકી શકાય.

પ્રીડિટર્સ : ક્રિમિનલ માઇન્ડ ધરાવતી વ્યક્તિ આ કૅટેગરીમાં આવે છે. આવા સ્ટોકર્સ જોખમી કહેવાય.

સ્કોરન્ડ સ્ટોકર્સ : તમારી સાથે રિલેશનશિપ ડેવલપ કરવા માગતી હોય એવી વ્યક્તિને આ શ્રેણીમાં મૂકી શકાય. દાખલા તરીકે તમારો પાડોશી. એની નજર તમારો પીછો કરતી હોય એની કદાચ તમને ખબર પણ ન હોય.

રિવેન્જ સ્ટોકર્સ : જૂની અદાવત કે બદલો લેવાની ભાવના સાથે તમને હેરેસ કરતી હોય એવી વ્યક્તિ.

હિટમૅન : કોઈએ તમારી હત્યાની સુપારી આપી હોય તો હત્યારો સતત તમારો પીછો કરે. ચાન્સ મળે એટલે હત્યા કરી દે. લૂંટફાટ માટે નજર રાખનારી વ્યક્તિને પણ તમે હિટમૅન સ્ટોકર્સ કહી શકો.

સીક્રેટ ઇન્ફર્મેશન સર્ચર : ગવર્નમેન્ટ એજન્સી, બિઝનેસ કોમ્પિટિટર્સ, ટેલિકૉમ ઓપરેટર વગેરે કે જેને તમારી પર્સનલ ઇન્ફર્મેશન જાણવામાં રસ હોય અને તમને મોબાઇલ દ્વારા હેરાન કરે એને સીક્રેટ સ્ટોકર્સ કહી શકાય.

રિસેન્ટફુલ સ્ટોકસ : આવી વ્યક્તિ તમારા મનમાં ડર બેસાડવા પીછો કરતી હોય છે. દાખલા તરીકે પ્રૉપર્ટી રિલેટેડ કે અંગત કારણોસર ઝઘડો ચાલતો હોય તો તમને ડરાવીને રાખવા માગતી હોય.

સોશ્યલ સ્ટોકર્સ : એકલતાથી પીડાતી હોય, લોકો સાથે મિક્સઅપ ન થઈ શકતી હોય, વિકુત માનસ ધરાવતી હોય કે એકતરફો પ્રેમ કરતી હોય એવી વ્યક્તિને સોશ્યલ સ્ટોકર્સ કહેવાય. સામાન્ય રીતે તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી, કારણ કે આ એક સાઇકૉલૉજિકલ ઇશ્યુ છે.

કઈ રીતે હૅન્ડલ કરશો

સામાન્ય રીતે સ્ટોકર્સ રિપીટ ઑફેન્ડર્સ હોય છે. વ્યક્તિ જાણીતી છે કે અજાણી એ જાણવું ખૂબ જ જરૂરી છે. બન્નેને ટૅકલ કરવાની રીત જુદી હોય છે. અજાણી વ્યક્તિના મેસેજને રિપ્લાય ન કરો. એક જ નંબર પરથી વારંવાર ફોન કે મેસેજ આવતા હોય તો એને બ્લોક કરી દો. ઘણી વાર નંબર બ્લૉક કર્યાના થોડા સમય બાદ ફરીથી બીજા નંબર પરથી એવા જ મેસેજ આવવાના શરૂ થઈ જાય છે. એનો અર્થ સ્ટોકર્સે નંબર બદલી નાખ્યો છે. એક જ પૅટર્નના મેસેજ વારંવાર અલગ અલગ નંબર પરથી આવતા હોય તો પુરાવા એકત્ર કરો. મેસેજનો જવાબ ન આપો, પણ એને ડિલિટ પણ ન કરો. સાયબર સેલમાં એવિડન્સ તરીકે આ મેસેજ સહાય કરશે. સ્ટોકર્સ જાણીતી વ્યક્તિ હોય તો કોઈ પણ ઍક્શન લેતાં પહેલાં એની સાઇકૉલૉજીને સમજવાનો પ્રયાસ કરો. સારા શબ્દોમાં તમને નથી પસંદ એવું કહી દો. ધીમે ધીમે સંબંધ ઓછા કરી નાખો અથવા નંબર બ્લૉક કરી દો. જો એ પછી પણ તમને હેરાન કરવાના ફિઝિકલ માર્ગો શોધી લે તો તમારી ફૅમિલીને અથવા એની વાઇફને જણાવી દો.

જરિયો

ઇન્ટરનેટ, એસએમએસ, ઈ-મેઇલ, સોશ્યલ મીડિયા મેસેજ આ બધાં વચ્યુર્અલ મોડ ઓફ સ્ટોકિંગ છે. ભારતમાં પર્સનલ ડેટા બેઝ કલેક્ટ કરવાની જે સિસ્ટમ છે એ સૌથી જોખમી છે. તમારી પાસે ઑનલાઇન ફૉર્મ ભરાવે, મહિલાઓ મૉલ્સમાં ગઈ હોય તો પ્રોડક્ટની લાલચ આપે એટલે તેઓ ફોન નંબર આપી દે, સર્વે અને ફિડબૅકના નામે પણ ઘણાં ફોર્મ ભરાતાં હોય છે. મહિલાઓ સહેલાઈથી ટાર્ગેટ બની જાય છે. કેટલીક વાર ફ્રેન્ડ્સ અથવા ફૅમિલી મેમ્બરોથી પણ અંગત જાણકારી જાહેર થઈ જાય છે. તેમનો હેતુ કદાચ બિઝનેસ કૉમ્પિટિશન હોઈ શકે, પણ ભરોસો ન કરી શકાય.

સરકાર શું કરી શકે?

વર્ષ ૨૦૧૩ બાદ સ્ટોકિંગ સંબંધિત કાયદા કડક કરવામાં આવ્યા છે. ફર્સ્ટ ટાઇમ સ્ટોકર્સને ત્રણ વર્ષની સજા અને દંડ તેમ જ રિપીટ સ્ટોકર્સ માટે પાંચ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. સ્ટોકિંગ હવે સિરિયસ ક્રાઇમ ગણાય છે તેમ છતાં સરકારી ધોરણે કેટલીક ત્રુટિઓ છે. ડેટા બેઝ વેચાણને લઈને સરકારે કડક પગલાં લેવાની આવશ્યકતા છે. મારી જાણકારી પ્રમાણે એક વ્યક્તિ આઠ ફોન નંબર રાખી શકે છે. કંપનીઓને કદાચ સો જેટલા રાખવાની છૂટ હોઈ શકે છે. એક દિવસમાં સૌથી વધુ મેસેજ મોકલવાની પરવાનગી મળતી નથી તો આટલા બધા લોકોને કઈ રીતે મેસેજ મોકલી શકાય છે કે કૉલ કરી શકાય છે? ટેલિકોમ માર્કેટિંગ પર કંટ્રોલ રાખવાનો સમય પાકી ગયો છે. એક નંબર પરથી ચાલીસથી વધુ મેસેજ જાય તો સરકારે નજર રાખવી જોઈએ. મને લાગે છે કે ઓપન માર્કેટમાં ડેટા કલેક્ટ કરનારા અને વેચનારા સામે પણ હવે ગુનો દાખલ કરવો જોઈએ.

મહિલાઓ ક્યાં ભૂલ કરે છે

ગમતું હતું ને મળી ગયું જેવી મહિલાઓની પ્રતિક્રિયા સ્ટોકર્સ માટે માર્ગ મોકળો કરી આપે છે. પુરુષો (મોટા ભાગે જાણીતા) દ્વારા મળતી લાઇક્સ અને વાહ વાહથી ખુશ થઈ મહિલાઓ તેમની સાથે ચૅટિંગ શરૂ કરી દે છે. ધીમે ધીમે ઇમોશનલ સંબંધ બાંધી બેસે છે. સોશ્યલ મીડિયા પર ફોટો અને વિડિયોની આપ-લે થવા લાગે છે. અહીં સ્ટોકર્સને અટકાવવું મુશ્કેલ થઈ જાય છે. વાત હાથમાંથી સરી જાય ત્યાં સુધી પાછા વળી શકાતું નથી. અહીં મહિલાની મુશ્કેલી વધી જાય છે. આ બાબત ઘરમાં વાત કરવા જાય તો અંગત જીવનમાં ખટરાગ ઊભો થાય. સમાજમાં નીચાજોણું થાય એ ડરથી તેઓ બીજા કોઈને પણ કહી શકતી નથી. આવા કેસ સામાન્ય થતાં જાય છે. મહિલાઓએ પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરતાં શીખી લેવું જોઈએ. કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે એવું ન લખો કે સંબંધ તોડતી વખતે આ જ મેસેજ તમારી વિરુદ્ધ પુરાવા બની જાય. આ પ્રકારના હેરેસમેન્ટને હાથે કરીને આમંત્રણ આપ્યું કહેવાય.

આ પણ વાંચો : કૉલમ : બેમિસાલ બાર્બી

આટલી સાવધાની રાખો

શૉપિંગ મૉલ્સમાં ફોર્મ ન ભરો. ખાસ કરીને સર્વે કરવાવાળી વ્યક્તિ પુરુષ હોય તો ચેતી જાઓ.

ફૅક સાઇટ્સ પર લૉગઇન ન કરો. અન-નૉન ઍપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી દો.

જ્યાં ફરજિયાત ઇન્ફર્મેશન આપવી પડે એમ હોય તો તમારા હસબન્ડ કે ઘરના પુરુષ સભ્યનો ફોન નંબર આપો.

તમારા પર્સનલ અને પ્રોફેશનલ નંબર અલગ રાખો. અંગત નંબર ફેમિલી અને નજીકના મિત્રો સિવાય કોઈ પાસે હોવો ન જોઈએ.

કોઈ પણ પ્રકારના હેરેસમેન્ટનો સામનો કરવો પડે ત્યારે પ્રોફેશનલ નંબરને ચેન્જ કરી શકાય.

કોઈનો પણ ફોન આવે ત્યારે આપણે પોતાનું નામ જણાવી દઈએ છીએ. અજાણી વ્યક્તિને નામ જણાવવાની પણ જરૂર નથી.

ડુ નૉટ ડિસ્ટર્બ દ્વારા નકામા મેસેજ બંધ કરાવી દો.

બાળકોને કહો કે કોઈને નંબર આપવો નહીં.

અજાણી વ્યક્તિ ફિઝિકલ પીછો કરે છે એવો અણસાર આવે તો મોટે મોટેથી ફોનમાં વાત કરો, સ્ટોકર્સનો હુલિયો યાદ રાખો અને તાબડતોબ ફૅમિલીને ઇન્ફોર્મ કરો અથવા પોલીસનો સંપર્ક કરો.

Varsha Chitaliya columnists