વર્કિંગ વિમેન વચ્ચે જામી છે રસાકસી, ખરેખર?

31 January, 2019 12:12 PM IST  |  | વર્ષા ચિતલિયા

વર્કિંગ વિમેન વચ્ચે જામી છે રસાકસી, ખરેખર?

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશિયલ

કામના સ્થળે પુરુષો દ્વારા મહિલાઓની જાતીય સતામણી અને હૅરૅસમેન્ટ વિશે આપણે રોજબરોજ અખબારોમાં વાંચીએ છીએ. આ બાબતે ઘણી ચર્ચાઓ અને વિવાદો થતાં રહે છે. કહેવાતા ફેમિનિસ્ટો આ બાબતને લઈને વિરોધ પ્રદર્શન પણ કરતા રહે છે. દરેક ક્ષેત્રે મહિલાઓની પ્રગતિ અને વિકાસને પુરુષો પચાવી શકતા નથી એવું આપણે સર્વાધિક માની બેઠા છીએ, પરંતુ થોડા સમય પહેલાં લંડનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં નવો જ ખુલાસો થયો છે. વર્કિંગ વિમેને સાથી પુરુષ-કર્મચારી કરતાં સાથી મહિલા-કર્મચારીની કનગડત વધારે સહન કરવી પડે છે એવું તારણ નીકળ્યું છે. આ અભ્યાસ અનુસાર દર વર્ષે વિશ્વની બેતૃતીયાંશ મહિલાઓ તેમની સાથે કામ કરતી અન્ય મહિલાઓની હૅરૅસમેન્ટનો ભોગ બને છે એટલું જ નહીં, તેમની પ્રગતિના માર્ગમાં અડચણ ઊભી કરવામાં પણ મહિલાઓનો મોટો રોલ હોય છે. વિમેન એમ્પાવરમેન્ટના જમાનામાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે જાણીએ.

અમારા ફીલ્ડમાં તો મહિલાઓની સંખ્યા જ વધારે છે તેથી હું આ વાત સાથે સો ટકા સહમત છું એમ જણાવતાં કાંદિવલીનાં સ્કૂલ-ટીચર ભાવિકા સોની કહે છે, ‘ટીચિંગના ફીલ્ડમાં પંદર વર્ષના અનુભવને આધારે કહી શકું કે ચુગલખોરી અને ઈર્ષ્યાના કારણે સ્ત્રીઓની પ્રગતિ રૂંધાય છે. વૉશિંગ પાઉડરની ઍડમાં આવતું હતુંને કે તેરી સાડી મેરી સાડી સે સફેદ કૈસે? મહિલાઓની આવી જ માનસિકતાના કારણે અન્ય મહિલા-કર્મચારીને ભોગવવું પડે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીની પ્રગતિને સાંખી શકતી નથી. વેરઝેર અને કામમાં ભૂલો કાઢવી તેના સ્વભાવમાં છે. પોતાના જુનિયરને હેલ્પ કરનારી મહિલાઓની સંખ્યા બહુ ઓછી હશે. અસલામતીની ભાવના મનમાં જાગે એટલે જુનિયરને આગળ વધવા ન દે. હું એવી ઘણી ટીચર્સને ઓળખું છું જેઓ બૅકબાઇટિંગમાં એક્સપર્ટ છે. પરીક્ષાના પેપરની જેમ તેઓ મૅનેજમેન્ટ સામે ફૂટી જાય છે અને પોતાનું કામ કઢાવી લે છે. એ જ રીતે ઑફિસમાં ઘણી મહિલાઓ એટલી સ્માર્ટ હોય છે કે કામના કલાકો પૂરા થયા બાદ બેસીને કામ કરે છે. આમ કરવાનું કારણ વર્ક ડેડિકેશન નહીં, પણ ઉપરીની નજરમાં આવવાનું હોય છે. તેઓ બતાવવા માગે છે કે અમે ખૂબ કામ કરીએ છીએ. તેમની આવી વર્તણૂકની અસર બીજાના કામના કલાકો પર પડે છે.’

કામના સ્થળે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ સંદર્ભે વાત કરતાં કાંદિવલીની હૉસ્પિટલમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતાં હિનલ લાઠિયા રાઉત કહે છે, ‘પુરુષ સહકર્મીઓ વધારે લમણાઝીંક નથી કરતા. તેઓ બહુ હેલ્પફુલ હોય છે. તેમની સરખામણીએ મહિલાઓમાં અન્ડરસ્ટૅન્ડિંગ ઓછી હોય છે. કૉર્પોરેટ વર્લ્ડમાં ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ વચ્ચે હુંસાતુંસી વધુ જોવા મળે છે. અહીં ફેવરિટિઝમ પણ ચાલે છે. પ્રમોશન માટે સિનિયર સાથે સારો રેપો રાખવો પડે છે. અન્ય ફીલ્ડમાં આ પ્રકારની હેરાનગતિ ખાસ જોવા મળતી નથી. અત્યાર સુધી ચાર વાર નોકરી બદલી છે અને બધે જ પુરુષોની દેખરેખ હેઠળ જ કામ કર્યું છે તેથી મને કોઈ કડવો અનુભવ થયો નથી. તેમ છતાં મારા અનુભવના આધારે એટલું કહી શકું કે મહિલાના હાથ નીચે કામ કરતી વખતે થોડી તકેદારી રાખવી પડે. લીવ અને વર્કલોડનો ઇશ્યુ હોય ત્યારે તેઓ ક્રૉસ ક્વેશ્ચન બહુ કરે છે. વારંવાર તમારી ભૂલ કાઢી આગળ વધતાં અટકાવશે એવો ડર રાખવાની જરૂર નથી, કારણ કે આજે કોઈ પણ કંપની કામના આધારે જ તમને આગળ વધવાની તક આપે છે. તમારી પ્રગતિને તમારા પર્ફોર્મન્સ સાથે જ લેવાદેવા છે. દર વખતે બટર લગાવવાની આવશ્યકતા નથી હોતી.’

હૅરૅસમેન્ટ જેવું કશું હોતું નથી એવો જવાબ આપતાં મુલુંડનાં સિનિયર સૉફ્ટવેર એેન્જિનિયર ભૂમિ લાખાણી કહે છે, ‘વર્કિંગ વિમેને પુરુષથી બચીને રહેવું જોઈએ કે સાથી મહિલા કર્મચારીથી ચેતવું જોઈએ એ વ્યક્તિગત અનુભવ પર નિર્ભર કરે છે. જો હૅરૅસમેન્ટ થતી હોય તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સામે રજૂઆત કરી શકાય. અત્યારના માહોલમાં કોઈને હેરાન કરવું આપણે ધારીએ છીએ એટલું સરળ નથી. મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. મારું અંગતપણે માનવું છે કે તમારી વિચારશક્તિ, ક્રીએટિવિટી અને આવડતનું હાયર વર્ઝન હોય તો કોઈની તાકાત નથી કે તમારી પોઝિશનને હલાવી શકે. દરેક કંપનીને કામમાં સ્માર્ટ વ્યક્તિ જોઈએ છે. હેલ્પની વાત છે તો મારો અનુભવ કહે છે કે સ્ત્રીઓ એકબીજાને હેલ્પ નથી કરી શકતી એનું કારણ જુદું છે. દાખલા તરીકે કોઈ કારણસર તમને આજે ઘરે જલદી જવું છે તો પુરુષ સહકર્મચારી કલાક વધારે બેસી તમારું કામ કરી આપશે. તેઓ મહિલાઓને રિસ્પેક્ટ આપે છે અને સહાય પણ કરે છે. અહીં તમે એવું વિચારો કે મહિલાઓ ક્યારેય હેલ્પ નથી કરતી તો ખોટું વિચારો છો. તેમને પણ તમારી જેમ ઘરે જવાની ઉતાવળ હોય છે. લગભગ દરેક સ્ત્રીની સમસ્યાઓ સરખી જ હોય છે. તમે એક જ બોટ પર સવાર હો તો હેલ્પની અપેક્ષા ન રાખી શકો.’

મહિલાઓ વચ્ચે ચડસાચડસી હોય એવું મને જરાપણ નથી લાગતું એમ જણાવતાં બિઝનેસ ઍન્ડ લાઇફ કોચ સંજય શાહ કહે છે, ‘આપણા દેશમાં કૉર્પોરેટ ફીલ્ડમાં CEO, CMO, CFO જેવી હાયર પોસ્ટ પર અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. આ લેવલ પર પહોંચ્યા બાદ તેમનું એક જ ધ્યેય હોય છે. પોતાની પોઝિશનને સંભાળીને રાખવી. તેમનું ફોકસ કરીઅર અને પોઝિશનને મેઇન્ટેઇન કરવા પર હોય છે. સેલ્ફને પ્રૂવ કરવામાં તેઓ વધુ દિલચસ્પી ધરાવે છે. પોતાના હાથ નીચે કામ કરતી મહિલાઓને પછાડવામાં તેમને કોઈ રસ હોતો નથી. સત્તાનો દુરપયોગ કરવાની દિશામાં વિચારવાનો પણ તેમની પાસે સમય નથી હોતો. મારા આટલાં વર્ષના અનુભવમાં ક્યારેય પાવરનો મિસયુઝ કરતી મહિલા જોઈ નથી. તમે બૅન્કમાં જશો તો મહિલાઓની સંખ્યા વધુ દેખાશે એટલું જ નહીં, વર્ષોવર્ષ એ જ ચહેરા જોવા મળશે. જો તેમની વચ્ચે ખરેખર કોઈ પ્રૉબ્લેમ હોય તો નવા ચહેરા દેખાવા જોઈએ. બીજો એક દાખલો આપું. શૅરબજારને લગતી એક ટીવી ચૅનલના રિપોર્ટરોને હું સારી રીતે ઓળખું છું. વર્ષોથી ટીવીની સ્ક્રીન પર એ જ મહિલા રિપોર્ટરો જોવા મળે છે. તેમની વચ્ચે ચડસાચડસી હોત તો અત્યાર સુધીમાં એકાદ-બે જણની વિકેટ પડી ગઈ હોત. જુનિયર લેવલ પર કદાચ પુલિંગ જેવું જોવા મળતું હશે. આ લેવલ પર સ્પર્ધા વધુ હોય છે તેથી મહિલાઓ એકબીજાની ચાડીચુગલી કરતી હશે. મારા મતે એને પરિપક્વતા ન કહેવાય.’

વર્કિંગ વિમેને કોનાથી ચેતીને રહેવું જોઈએ એ બાબત ઑફિસના વાતાવરણ પર નિર્ભર કરે છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘મહિલા હોય કે પુરુષ, બન્નેએ ઑફિસ પૉલિટિક્સથી દૂર રહેવું જોઈએ. ઘણી જગ્યાએ પુરુષો મહિલા-કર્મચારીને મિસગાઇડ પણ કરતા હોય છે. આવા પુરુષોથી અલર્ટ રહેવું જોઈએ. સૌથી મહત્વની વાત એ કે ઑફિસમાં પ્રોફેશનલ રિલેશનશિપને જ પ્રાધાન્ય આપવું. અંગત વાતો શૅર ન કરવી. યાદ રાખો તમે કામ કરવા જાઓ છો અને તમારું ધ્યાન માત્ર કામ પર જ કેન્દ્રિત હોવું જોઈએ. ફ્રેન્ડશિપ જેવો શબ્દ ઑફિસ-કલ્ચરમાં ન ચાલે. મહિલાઓને પ્રૅક્ટિકલ ડિસિઝન લેતી વખતે ખચકાટ ન થવો જોઈએ.’

આ પણ વાંચો : મળો 102 વર્ષના ખાવા-પીવાનાં શોખીન જમનાબહેનને

મહિલાઓના ચુગલખોરી અને ઈર્ષ્યાના લીધે સાથી મહિલા-કર્મચારીની પ્રગતિ રૂંધાય છે. કેટલીક મહિલાઓ મૅનેજમેન્ટની નજરમાં આવવા કામ પૂરું થયા બાદ પણ બેસી રહે છે, જેના કારણે અન્ય મહિલાઓના કામના કલાકો પર અસર થાય છે - ભાવિકા સોની, કાંદિવલી

પુરુષ સહકર્મચારીની સરખામણીએ મહિલાઓમાં અન્ડરસ્ટૅન્ડિંગ ઓછી હોય છે, પણ તેઓ તમારું પ્રમોશન અટકાવી શકવા સક્ષમ નથી. આજે કોઈ પણ કંપની કામના આધારે જ તમને આગળ વધવાની તક આપે છે. દર વખતે બટર લગાવવાની આવશ્યકતા હોતી નથી - હિનલ લાઠિયા રાઉત, કાંદિવલી

તમારી વિચારશક્તિ, ક્રીએટિવિટી, અને આવડતનું હાયર વર્ઝન હોય તો કોઈની તાકાત નથી કે તમારી પ્રગતિ રોકી શકે. પુરુષ કે મહિલા કોઈ પણ હેરાન કરતું હોય તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સામે રજૂઆત કરી નિવેડો લાવી શકાય છે - ભૂમિ લાખાણી, મુલુંડ

કૉર્પોરેટ ફીલ્ડમાં મહિલાઓ ફોક્સ્ડ હોય છે, અન્યને પછાડવામાં તેમને રસ નથી - સંજય શાહ, બિઝનેસ ઍન્ડ લાઇફ કોચ, મલાડ

CEO = ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર, CMO = ચીફ માર્કેટિંગ ઑફિસર, CFO = ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર

columnists