પ્રી-સ્કૂલ દ્વારા તમે કેવી રીતે આત્મનિર્ભર બની શકો છો?

14 March, 2019 11:44 AM IST  |  | વર્ષા ચિતલિયા

પ્રી-સ્કૂલ દ્વારા તમે કેવી રીતે આત્મનિર્ભર બની શકો છો?

પ્રતીકાત્મક તસવીર

લેડીઝ સ્પેશ્યલ

ઊંચી ઇમારત માટે પાયાનું બાંધકામ મજબૂત હોવું જોઈએ. એ જ રીતે બાળકોના ભવિષ્યના નિર્માણ માટે પાયાનું શિક્ષણ મહત્વનું હોય છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર પાંચ વર્ષની ઉંમર પછી બાળકના મગજના વિકાસનો તબક્કો શરૂ થાય છે. આ ઉંમર બાદ એની કલ્પનાની પાંખો ફૂટે છે. જોકે, આજે તો બેથી ત્રણ વર્ષનાં બાળકોના બુદ્ધિચાતુર્યને જોઈને આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. તેમની બુદ્ધિના વિકાસમાં માત્ર ડિજિટલ વર્લ્ડને જ નહીં, પ્રી-સ્કૂલ મૉડલને પણ શ્રેય આપવું પડે. છેલ્લાં થોડાં વર્ષોથી આપણા દેશમાં પ્રી-સ્કૂલ મૉડલના કન્સેપ્ટની એન્ટ્રી થતાં મહિલાઓ માટે વ્યવસાયનાં નવાં દ્વાર ખૂલી ગયાં છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવતા આ ફીલ્ડમાં શું ચાલી રહ્યું છે, જોઈએ.

સંતાનના પ્રાથમિક શિક્ષણને લઈને હવે પેરન્ટ્સમાં સભાનતા વધી છે. ભારતીય તેમ જ આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રી-સ્કૂલ બ્રાન્ડ્સને પોતાનો બિઝનેસ વિકસાવવાની ઊજળી તક ઊભી થતાં એનો સીધો લાભ મહિલાઓને મળી રહ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે કામ કરવા ઇચ્છતી મહિલાઓ માટે અત્યારે પ્રી-સ્કૂલ મૉડલ ગ્રોઇંગ ઍન્ડ મોસ્ટ પ્રૉમિસિંગ બિઝનેસ તરીકે ઊભરી આવ્યું છે. એક આંકડા મુજબ પ્રી-સ્કૂલ બિઝનેસ વર્ષે ચાર હજાર કરોડ રૂપિયાનું માર્કેટ ધરાવે છે તેમ જ ૨૦.૬ ટકાની ઝડપે એમાં વધારો થઈ રહ્યો છે. દોઢથી બે વર્ષના બાળકને શરૂઆતથી જ સ્માર્ટ બનાવવા મમ્મીઓમાં પોતાના સંતાનને પ્રી-સ્કૂલમાં મોકલવાનું ચલણ વધ્યું છે. આટલાં નાનાં ભૂલકાંઓને હૅન્ડલ કરવાનાં હોય ત્યારે મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ અનિવાર્ય થઈ પડે છે. પુરુષોની સરખામણીએ તેમનામાં કુદરતી રીતે જ બાળકોને નવું-નવું શીખવવાની અને દેખરેખ રાખવાની ક્ષમતા અધિક હોય છે. નાનાં બાળકો સાથે કઈ રીતે વાત કરવી, તેમની જરૂરિયાતો શું છે તેમ જ બાળકોની કાલીઘેલી ભાષાને સમજવી મહિલાઓ માટે સરળ છે. આ તમામ બાબતો પાયાના શિક્ષણમાં મોટો રોલ ભજવે છે. એટલે જ મુંબઈની મોટા ભાગની પ્રી-સ્કૂલોનું સંચાલન મહિલાઓના હાથમાં છે.

પ્રી-સ્કૂલ બિઝનેસ તરફ મહિલાઓનો ઝુકાવ વધવાનું કારણ શું હોઈ શકે? આ ફીલ્ડમાં સમયની પાબંદી નથી એ મુખ્ય કારણ છે. આખા દિવસમાં માત્ર ત્રણથી ચાર કલાક જ ફાળવવાના હોય છે તેથી ઘરની જવાબદારીઓ સાથે સાઇડમાં ઇન્કમ ઊભી કરવા હવે ગૃહિણીઓ પણ રસ લેતી થઈ છે. આ એવું ક્ષેત્ર છે, જેમાં ચોક્કસ સિલેબસ નથી હોતું તેથી તમારી પાસે ક્રિયેટિવ આઇડિયાઝ હોય અને સમયાંતરે અપગ્રેડ કરતાં રહો તો જોખમ ઓછું અને કમાણી વધુ છે.

પ્રી સ્કૂલ મૉડલમાં મહિલાઓને રસ પડતાં કિડઝી, યુરોકિડ્સ, શેમરૉક, બચુન, હેલો કિડ્સ, ટ્રી હાઉસ, મેપલ બેર, લિટલ મિલેનિયમ વગેરે જેવી અનેક મોટી બ્રાન્ડ્સે માર્કેટમાં ઝંપલાવ્યું છે. તેઓ મહિલાઓને ફ્રેન્ચાઇઝી આપે છે તેમ જ તાલીમ પણ આપે છે. સાંભળવા મળ્યા મુજબ કેટલીક વિદેશી બ્રાન્ડ્સની પ્રી-સ્કૂલોમાં તો ફ્રેન્ચ, જર્મની અને સ્પેનિશ ભાષા પણ શીખવવામાં આવે છે.

શું પ્રી-સ્કૂલ શરૂ કરવા ખાસ ટ્રેનિંગની આવશ્યકતા છે? કોઈ રોકાણ પણ કરવું પડે? આ સંદર્ભે વાત કરતાં બોરીવલીમાં બે પ્રી-સ્કૂલને હૅન્ડલ કરતાં અમી વાસુ કહે છે, ‘ઘણી મહિલાઓ નાની જગ્યામાં કે ઘરમાં પ્રી-સ્કૂલ ખોલી નાખે છે એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. નાનાં બાળકોના પાયાનું ઘડતર કરવાનું હોય ત્યારે તમારી પાસે વ્યવસ્થિત જગ્યા અને ક્વૉલિફાઇડ ટીચર્સ હોવા જ જોઈએ. હવેના પેરન્ટ્સ એજ્યુકેટેડ છે. તેઓ જ્યારે પોતાના બાળક માટે ઍડમિશન લેવા આવે છે ત્યારે ટીચર્સ વિશે પૂછપરછ કરે છે. વર્ષેદહાડે ચાલીસ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીની ફી ચૂકવનારા પેરન્ટ્સની અપેક્ષાઓ હોય એ સ્વાભાવિક છે. તમે બાળકને રમાડીને મોકલી દો એ ન ચાલે, કંઈક શીખવવું પડે. હમણાં થોડાં વર્ષથી આ ફીલ્ડમાં તકો વધી છે એ સાચું, પણ આ ક્ષેત્ર ભારતમાં નવું નથી. હું પંદર વર્ષથી પ્રી-સ્કૂલ ચલાવું છું. મારા પપ્પા પાસે વિશાળ જગ્યા હતી તેથી મારા માટે થોડું સરળ હતું, પણ જો તમારી પાસે જગ્યા ન હોય તો પોતાની પ્રી-સ્કૂલ ખોલવી બહુ મુશ્કેલ છે. જે મહિલાઓ રોકાણ કરી શકે એમ નથી તેઓ ટીચર તરીકે જોડાઈ શકે છે. એ માટે વધારે કંઈ કરવાની જરૂર નથી. ટીચર્સ ટ્રેનિંગનો કોર્સ બહુ ખર્ચાળ નથી અને એનો ટાઇમ પિરિયડ પણ એક વર્ષનો જ હોય છે. જે મહિલાઓને બાળકો સાથે લગાવ હોય અને એજ્યુકેશનના ફીલ્ડમાં રસ હોય તેઓ બેઝિક કોર્સ કરી સારી પ્રી-સ્કૂલમાં જોડાઈ શકે છે.’

હજી તો પા પા પગલી ભરતાં પણ ન આવડતી હોય એવાં બાળકો મમ્મીની સાથે ગજબની ઍક્ટિવિટી કરે છે એમ જણાવતાં અમી કહે છે, ‘આ ફીલ્ડમાં ટકી રહેવું હોય તો સમયાંતરે નવું-નવું લાવવું પડે. તમને થશે દોઢથી બે વર્ષનું બાળક શું બોલે? પણ એવું નથી. ઑડિયો, વિઝ્યુઅલ ઇફેક્ટ દ્વારા તેઓ ઘણુંબધું શીખે છે. અત્યાર સુધી અમે પ્લે ગ્રુપ અને નર્સરી ચલાવતા હતાં. હવે તો મધર-ટોડલર બૅચ પણ શરૂ થઈ ગયા છે. આ વર્ષે જ શરૂ થયેલા આ બૅચને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ બૅચમાં મમ્મીઓ તેમના સાતથી આઠ મહિનાના બાળકને લઈને આવે છે.’

મહિલાઓની દિલચસ્પી વધવાનાં કારણો વિશે વધુ માહિતી આપતાં ભાયંદરનાં નર્સરી સ્કૂલ ટીચર રેશમા વાઘેલા કહે છે, ‘આપણે ત્યાં બહાર જઈને કામ કરતી સ્ત્રીઓએ પણ ઘર તો સાચવવાનું જ હોય છે. આ એવું ક્ષેત્ર છે, જેમાં ઘર અને સ્કૂલ વચ્ચે બૅલૅન્સ રાખી શકાય છે. બીજું, બાળ સાઇકોલૉજીને મહિલાઓ સારી રીતે સમજી શકે છે. પ્રી-સ્કૂલ ટીચરને તો સેકન્ડ મધરનો દરજ્જો આપવામાં આવે છે. બાળકોનું માઇન્ડ રીડ કરવાની આવડત લગભગ તમામ મહિલાઓમાં કુદરતી રીતે જ હોય છે તેથી આ ફીલ્ડ તેમના માટે બેસ્ટ ઑપ્શન છે.’

આ ફીલ્ડમાં સ્કૂલશિક્ષક જેટલું પ્રેશર નથી તેથી સામાન્ય મહિલાઓને પણ કામ કરવાનું ફાવે છે એમ જણાવતાં રેશમા કહે છે, ‘સ્કૂલમાં સિલેબસ પૂરું કરવાથી લઈને પરીક્ષાના પેપરોની ચકાસણી સહિત અનેક પ્રકારના કામનું દબાણ હોય છે, જ્યારે પ્રી-સ્કૂલ ટીચરની જૉબમાં બાળકોને સાચવવાની ટેક્નિક તેમ જ ડ્રોઇંગ, ક્લે મોલ્ડિંગ, ગેમ્સ, સ્ક્રીબલ વગેરે જેવી ઍક્ટિવિટી આવડે એટલે બસ થયું. જોકે ECCEનો કોર્સ કર્યો હોય તો પગાર સારો મળે અને ગ્રોથ થાય, નહીંતર એરિયા પ્રમાણે ચાર-પાંચ હજારથી વધુ ન મળે. ઘણી મહિલાઓ એવું વિચારે છે કે બાળકોની નજીક રહેવા મળે, સમય પસાર થાય અને હાથખર્ચ પણ નીકળે છે તો એમાં ખોટું શું છે?’

આ પણ વાંચો : તમને પહેરવી ગમે કૅપ્શન જ્વેલરી?

પ્રી-સ્કૂલ બ્રાન્ડ્સની ફ્રેન્ચાઇઝી મળવી અઘરી છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘તમારી પાસે પાંચેક લાખનું રોકાણ કરવાની તૈયારી હોય અને જગ્યા હોય તો જ ફ્રેન્ચાઇઝી મળે છે. જેમને આ બધી માથાકૂટમાં નથી પડવું તેઓ ઘરમેળે નાના પાયે પ્રી-સ્કૂલ ચલાવે છે. સામાન્ય રીતે પેરન્ટ્સ ઘરની નજીક હોય એવી પ્રી-સ્કૂલ જ પ્રીફર કરે છે, તેથી તેમનો બિઝનેસ પણ ચાલે છે. સંતાનને નાનપણથી જ સ્માર્ટ બનાવવાના અભરખા રાખતા આધુનિક પેરન્ટ્સના કારણે આજના સમયમાં આ વ્યવસાય ઘણો ફૂલ્યોફાલ્યો છે.’

એજ્યુકેશનના ફીલ્ડમાં રસ ધરાવતી મહિલાઓ ટીચર્સ ટ્રેનિંગનો બેઝિક કોર્સ કરી લે તો તેમના માટે આ ફીલ્ડમાં ઘણી તક છે. પહેલાં પ્લે ગ્રુપ અને નર્સરીના બૅચ હતા, હવે તો મધર-ટોડલર બૅચ પણ શરૂ થઈ ગયા છે-અમી વાસુ, પ્રી-સ્કૂલ ફાઉન્ડર, બોરીવલી

બાળ સાઇકોલોજીને મહિલાઓ સારી રીતે સમજી શકે છે. પ્રી-સ્કૂલ ટીચરને તો સેકન્ડ મધરનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ એવું ફીલ્ડ છે, જેમાં ઘર અને કરીઅર વચ્ચે બૅલૅન્સ જાળવવું સરળ છે તેથી મહિલાઓનો ઝુકાવ વધ્યો છે - રેશમા વાઘેલા, નર્સરી ટીચર, ભાયંદર

ECCE- ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહૂડ કૅર ઍન્ડ એજ્યુકેશન

Varsha Chitaliya columnists