કેટલુ હાઇજીનિક છે તમારું બ્યુટી-પાર્લર?

05 February, 2019 02:00 PM IST  |  | વર્ષા ચિતલિયા

કેટલુ હાઇજીનિક છે તમારું બ્યુટી-પાર્લર?

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં સિડનીની એક યુવતીએ આઇ મેકઅપને કારણે પોતાની આંખો ગુમાવવી પડી. ગ્રૂમિંગ અને બ્યુટી-ટ્રીટમેન્ટ કેટલીક વાર ગંભીર રોગો લાવવામાં નિમિત્ત બની શકે છે એવા અઢળક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે ન મુકાવું હોય તો શું કરશો?

દરેક અવસ્થામાં પોતાના સૌંદર્યને બરકરાર રાખવા મહિલાઓ નિયમિતપણે બ્યુટી- પાર્લરની મુલાકાત લે છે. ખૂબસૂરત ચહેરો આત્મવિશ્વાસમાં વધારો કરે છે તેથી આજના સમયમાં ગ્રૂમિંગ અને બ્યુટી-ટ્રીટમેન્ટ અનિવાર્ય બની ગયાં છે, પરંતુ જો પ્રૉપર ધ્યાન આપવામાં ન આવે તો સુંદરતાની સાથે રોગ લઈને ઘરે આવવાનો વારો આવી શકે છે. રિસર્ચ કહે છે કે બ્યુટી-પાર્લર એવું સ્થળ છે જે તમને હેપેટાઇટિસ જેવી ગંભીર બિમારીનો શિકાર પણ બનાવી શકે છે. રોગ અને ઇન્ફેક્શનથી બચવા બ્યુટી-પાર્લરમાં કઈ બાબતોમાં ચીવટ રાખવાની જરૂર છે એ જાણી લો.

બ્યુટી-પાર્લરમાં હાઇજીન સંબંધિત તકેદારી રાખવામાં ન આવે તો ત્વચાને લગતી બીમારી થવાની શક્યતા રહેલી છે એમ જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૈથિલી કામત કહે છે, ‘બ્યુટી-ટ્રીટમેન્ટને સ્કિન સાથે સંબંધ છે. ડૉક્ટરના ક્લિનિકમાં જે રીતે હાઇજીન મેઇન્ટેન કરવામાં આવે છે એ જ સ્તરની સંભાળ બ્યુટી-પાર્લરમાં હોવી જોઈએ, પરંતુ એવું થતું નથી. દાખલા તરીકે તમે જ્યારે વૅક્સિંગ કરાવો છો ત્યારે નાઇફ સ્વચ્છ છે જોઈને ખુશ થઈ જાઓ છો, પણ બીમારી નાઇફથી નહીં; વૅક્સથી શરીરમાં પ્રવેશે છે. તમારા શરીર પર વૅક્સ કર્યા બાદ મશીનની અંદર જે વૅક્સ વધે છે એને ફેંકવામાં આવતું નથી, બીજી મહિલાને વૅક્સ કરતી વખતે એમાં જ વધુ વૅક્સ ઉમેરવામાં આવે છે. આ સાઇકલ ચાલ્યા કરે છે. અનેક મહિલાઓ માટે વૅક્સ એનું એ જ વપરાય છે. આમ વૅક્સના માધ્યમથી રોગ પ્રસરે છે.’

સ્કિન-ઇન્ફેક્શન વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘બ્યુટી-ટ્રીટમેન્ટ દરમ્યાન બે પ્રકારનાં ઇન્ફેક્શનની શક્યતા વધુ છે, વાઇરલ વૉર્ટ્સ અને મૉલસ્કમ. આમાં શરીર પર મસા જેવા નાના દાણા ઊપસી આવે છે. જોકે આ રોગ માત્ર પાર્લરમાંથી જ આવે છે એમ ન કહી શકાય. એનાં બીજાં પણ ઘણાં કારણો હોઈ શકે. બ્યુટી-ટ્રીટમેન્ટ માટે વપરાતાં સાધનોને સ્ટરિલાઇઝ કરવામાં નથી આવતાં એ વાઇરલ અને ફંગલ ઇન્ફેક્શનનું મુખ્ય કારણ છે. મૅનિક્યૉર અને પેડિક્યૉરમાં વપરાતાં સાધનોને સ્ટરિલાઇઝ કરવામાં ન આવે તો નખમાં ફંગલ ઇન્ફેક્શન થાય. માત્ર ગરમ પાણીમાં સાધનો ધોવાથી એ સ્ટરિલાઇઝ્ડ થતાં નથી. એ માટે ખાસ સ્ટરિલાઇઝ્ડ મશીન રાખવાં જોઈએ. ઇન્ફેક્ટેડ સાધનો દ્વારા સ્કિનને ખોતરવામાં આવે તો નખ મારફત રોગની એન્ટ્રી થાય. હેપેટાઇટિસ કે અન્ય ગંભીર રોગ રક્ત દ્વારા ફેલાય છે. બ્યુટી-ટ્રીટમેન્ટ દરમ્યાન જો લોહી નીકળે તો જ સમસ્યા ઊભી થાય અન્યથા સ્કિનને લગતી સમસ્યા જ ઉદ્ભવે. હાઇજીનની દૃષ્ટિએ શ્રેષ્ઠ હોય એવા પાર્લરની પસંદગી કરવાની સાથે કેટલીક તકેદારી રાખવી અનિવાર્ય છે. મારું અંગતપણે માનવું છે કે મહિલાઓએ અમુક સાધનો કાયમી ધોરણે વસાવી લેવાં જોઈએ. પાર્લરમાં જાઓ ત્યારે પોતાનાં સાધનો લઈ જવાં. આ વન ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે. પર્સનલ કૅરમાં કૉમ્પ્રોમાઇઝ ન કરવાની સલાહ છે.’

બ્યુટી-પાર્લરમાંથી બીમારી કઈ રીતે આવે તેમ જ મહિલાઓએ કેવી તકેદારી રાખવી જોઈએ એ સંદર્ભે વાત કરતાં સ્કિન એક્સપર્ટ સુજાતા અબ્રાહમ કહે છે, ‘સ્કિન ઇન્ફેક્શન વાઇરલ ફીવરની જેમ જલદીથી પ્રસરે છે. પિગ્મેન્ટેશન અને ઍક્ને રિમૂવ કરવા વપરાતાં સાધનોને ગરમ પાણીમાં ડેટોલ નાખીને ધોવામાં ન આવે તો રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલાના હાથ અને પગના ક્યુટિકલ્સમાં પસ થઈ જવાના કિસ્સા બનતા હોય છે. સ્કિનની જેમ હેર-ટ્રીટમેન્ટમાં પણ સાવધાની રાખવી જોઈએ. આજે દર ત્રણમાંથી એક મહિલા વાળને લગતી સમસ્યાથી હેરાન છે. હેરફૉલ કે ડૅન્ડ્રફની ટ્રીટમેન્ટ માટે ગયાં હો અને માથામાં જૂ લઈને આવો તો બ્યુટી-પાર્લરમાં જવાનો શું ફાયદો?’

બ્યુટી-પાર્લર મહિલાઓનું મનપસંદ સ્થળ છે. અહીં તમે ઘણા કલાકો વિતાવો છો તેથી તકેદારી જરૂરી છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘મશીન દ્વારા થતી ટ્રીટમેન્ટમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ ઓછા છે, કારણ કે એ તમારી બૉડીને સ્પર્શતાં નથી. જે સાધનોનો ત્વચા પર સીધો ઉપયોગ થાય છે એનાથી જ બચવાની જરૂર છે. બ્યુટી ઍન્ડ ગ્રૂમિંગ ટ્રીટમેન્ટમાં શક્ય હોત ત્યાં સુધી મશીનનો ઉપયોગ થવો જોઈએ. અમારા સેન્ટરમાં વેઇટલૉસ માટે વપરાતાં મશીનોને પણ સમયાંતરે સ્વચ્છ કરવામાં આવે છે. હાથેથી મસાજ કરવાનો હોય ત્યારે બ્યુટિશ્યનના હાથ જોઈ લેવા. ઘણી મહિલાઓ સસ્તા પાર્લરમાં ઘૂસી જાય છે અને પછી પસ્તાય છે. નાના કે નામાંકિત કોઈ પણ પાર્લરમાં જાઓ ત્યારે ચહેરા અને વાળ બન્ને માટે બે અલગ-અલગ ટૉવેલ લઈને જ જાઓ. સંવેદનશીલ ત્વચા ધરાવતી મહિલાઓએ કાંસકી અને મેકઅપના બ્રશથી લઈને તમામ સાધનો જુદાં વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. નાની-નાની બાબતોનું ધ્યાન રાખશો તો અહીંથી તમે બીમારી નહીં, સૌંદર્ય જ લઈને જશો.’

આઇ મેકઅપ તમને દૃષ્ટિહીન બનાવી શકે છે

બ્યુટિશ્યન અને ત્વચા નિષ્ણાતો હંમેશાં સલાહ આપતા હોય છે કે રાતના સમયે સૂતાં પહેલાં મેકઅપ કાઢી નાખવો જોઈએ, પરંતુ આળસના કારણે આપણે ઘણી વાર માત્ર સાદા પાણીથી ચહેરો ધોઈને સૂઈ જઈએ છીએ. આવી જ ટેવના કારણે થોડા સમય પહેલાં સિડનીની એક મહિલાને દૃષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે. વારંવાર આઇ મસ્કરા લગાવીને સૂઈ જતી થેલેસા લિંચની આંખમાં નાની-નાની ગાંઠ બની જતાં તેને ઝાંખું દેખાવા લાગ્યું છે. ડૉક્ટરોનું કહેવું છે કે ધીમે-ધીમે કરતાં તેની આંખોની રોશની સાવ જ ચાલી જશે. આ સંદર્ભે વાત કરતાં ઘાટકોપરના ઑપ્થેલ્મોલૉજિસ્ટ હિરેન મહેતા કહે છે, ‘મેકઅપના કારણે દૃષ્ટિ ચાલી જવાના કિસ્સા બહુ ઓછા બને છે, પણ એને અવગણી ન શકાય. આંખની અંદર તમે કાજલ કે સુરમો લગાવો છો ત્યારે આંસુ સાથે મેકઅપની લેયર મિક્સ થાય છે. આ લેયરથી કૉર્નિયાના ઉપરના ભાગને ગંભીર અસર થઈ શકે છે. આવી પ્રોડક્ટ્સમાં બૅક્ટેરિયાની હાજરીના કારણે ઍલર્જી થવાની શક્યતા નકારી ન શકાય. ઍલર્જીની સારવાર કરાવવામાં મોડું કરવું અથવા ઘરમેળે ઉપાય કરવાથી ઇન્ફેક્શન વધે. આઇ ઇન્ફેક્શન વધી જાય તો વ્યક્તિ દૃષ્ટિ ગુમાવી દે એવું પૉસિબલ છે. એ જ રીતે મસ્કરા લગાવવામાં પણ જોખમ છે. પાંપણ પર કરવામાં આવતા આ મેકઅપથી મહિલાઓની પાંપણના વાળ ખરી ગયા હોય એવા અનેક કિસ્સા બને છે.’

જેમ દવાનું રીઍક્શન આવે એ રીતે મેકઅપનું પણ રીઍક્શન જોવા મળે એમ જણાવતાં તેઓ કહે છે, ‘ઘણી મહિલાઓને વારંવાર લાઇનર અને અન્ય પ્રોડક્ટ્સની બ્રૅન્ડ બદલતા રહેવાની ટેવ હોય છે. આવી આદત પણ આંખો માટે હાનિકારક છે. શક્ય હોય ત્યાં સુધી આઇ મેકઅપ ટાળવો જોઈએ. કોઈ ફ્ંક્શન માટે કર્યો હોય તો બેથી ત્રણ કલાકમાં કૉટન બૉલ્સ વડે હળવે હાથે મેકઅપ રિમૂવ કરવો. આંખમાં સોજો, આંખ લાલ થવી, ખંજવાળ આવવી વગેરે પ્રાથમિક લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટર પાસે દોડી જવું. શરૂઆતમાં સારવાર કરાવવાથી દૃષ્ટિ બચાવી શકાય છે. આંખની ઉપરની ત્વચા પર તકેદારી રાખી મેકઅપ કરવામાં વાંધો નથી, પરંતુ અંદર કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ્સ ન વાપરવાની ભલામણ છે.’

આ પણ વાંચો વર્કિંગ વિમેન વચ્ચે જામી છે રસાકસી, ખરેખર?

તમે જ્યારે વૅક્સિંગ કરાવો છો ત્યારે નાઇફ સ્વચ્છ છે જોઈને ખુશ થઈ જાઓ છો, પણ બીમારી નાઇફથી નહીં; વૅક્સથી શરીરમાં પ્રવેશે છે. તમારા શરીર પર વૅક્સ કર્યા બાદ મશીનની અંદર જે વૅક્સ વધે છે એને ફેંકવામાં આવતું નથી, બીજી મહિલાને વૅક્સ કરતી વખતે એમાં જ વધુ વૅક્સ ઉમેરવામાં આવે છે. - ડૉ. મૈથિલી કામત, ડર્મેટોલૉજિસ્ટ

હાથેથી મસાજ કરવાનો હોય ત્યારે બ્યુટિશ્યનના હાથ જોઈ લેવા. ઘણી મહિલાઓ સસ્તા પાર્લરમાં ઘૂસી જાય છે અને પછી પસ્તાય છે. નાના કે નામાંકિત કોઈ પણ પાર્લરમાં જાઓ ત્યારે ચહેરા અને વાળ બન્ને માટે બે અલગ-અલગ ટૉવેલ લઈને જ જાઓ. - સુજાતા અબ્રાહમ, સ્કિન એક્સપર્ટ

life and style columnists Varsha Chitaliya