કૉલમ: મહિલાઓને સરકારી સુવિધા મફત મળવી જોઈએ?

06 June, 2019 01:40 PM IST  |  | લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

કૉલમ: મહિલાઓને સરકારી સુવિધા મફત મળવી જોઈએ?

મેટ્રો

તાજેતરમાં દિલ્હી સરકારે મેટ્રોમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની કરેલી જાહેરાત દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની છે. કેટલીક મહિલાઓ ખુશ થઈ છે તો ટીકાકારોનું કહેવું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવાથી દેશનો કે શહેરનો ઉદ્ધાર નહીં થાય અને આપણને ફ્રીની આદત પડી જશે. અનેક મહિલાઓએ પણ આ જાહેરાતને સ્ત્રી-પુરુષ સમાનાધિકાર સાથે જોડી વિરોધ નોંધાવ્યો છે ત્યારે મુંબઈની મહિલાઓનું શું કહેવું છે એ જાણીએ.

તાજેતરમાં દિલ્હી સરકારે મેટ્રો અને ડીટીસી (દિલ્હી ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન)ની બસમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જાહેરાત કરતાં માત્ર રાજધાનીમાં જ નહીં, દેશભરમાં એના મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. કોઈ આ જાહેરાતને વિધાનસભાની આગામી ચૂંટણીના ગિમિક તરીકે જુએ છે તો કેટલાક લોકોએ દિલ્હી સરકારના આવા હાસ્યાસ્પદ નિર્ણયની ઝાટકણી કાઢતાં વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને આર્થિક રીતે સ્વતંત્ર યુવતીઓએ આ સમાચારને સખત શબ્દોમાં વખોડી કાઢતાં કહ્યું છે કે વિમેન એમ્પાવરમેન્ટ ઍન્ડ ઇક્વાલિટીના જમાનામાં માત્ર મહિલાઓને આવી છૂટછાટ આપી દિલ્હી સરકારે સ્ત્રી-પુરુષ સમાનાધિકારનો છેદ ઉડાડી નાખ્યો છે. શું મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં આવી છૂટછાટ આપવી જોઈએ? મુંબઈની કેટલીક મહિલાઓના પ્રતિભાવ જાણીએ.

પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરવું જ છે તો સ્ટુડન્ટ્સ માટે કરો, અમને જરૂર નથી

દિલ્હી સરકારના આવા નિર્ણયને મારો બિલકુલ સપોર્ટ નથી એવો જવાબ આપતાં મલાડનાં હાઉસવાઇફ પૂજા શાહ કહે છે, ‘આવું કરી જ કેમ શકાય? સાર્વજનિક પરિવહનનો પ્રવાસ મફત કરવાથી દેશને બહુ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. કોઈ પણ શહેર કે રાજ્યની પ્રગતિ માટે સરકારી આવક પર કાપ મૂકવો એ મૂર્ખામી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના મેઇન્ટેનન્સ માટે મફત સેવા તો ન જ આપી શકાય. હા, રાહત આપી શકાય. અને જો ફ્રી કરવું જ હોય તો મહિલાઓ માટે નહીં પણ સ્ટુડન્ટ્સ માટે કરવું જોઈએ. વિશ્વમાં અનેક દેશોમાં સ્ટુડન્ટ્સ માટે આવી સેવા ઉપલબ્ધ છે. મુંબઈની વાત કરીએ તો શહેરની વસ્તી જોતાં લોકલ ટ્રેનમાં તો આવું કદાપિ થવું ન જોઈએ. મુંબઈગરાઓને ફૅસિલિટી જોઈએ છે, ભલે થોડા પૈસા વધુ થાય. ઓલા અને ઉબર જેવા પ્રાઇવેટ ક્ષેત્રની કંપનીનાં વાહનોનો દાખલો લઈ લો. ફૅસિલિટી સારી મળે છે તેથી હવે લોકો કાળી-પીળી ટૅક્સી અને રિક્ષા અવૉઇડ કરવા લાગ્યા છેને? આજે આપણે અફૉર્ડ કરી શકીએ છીએ તો શા માટે ફ્રી મળે એવી અપેક્ષા રાખવી જોઈએ? મફતમાં મળેલી વસ્તુની આપણે કાળજી લેતા નથી એટલે ન મળે એ જ સારું.’

મુંબઈની મહિલાઓને મફત સેવા ન આપો તો કંઈ નહીં, સુરક્ષા આપો

દિલ્હી સરકારે આવો નિર્ણય લીધો છે તો સરકારી આવક માટેનો બૅકઅપ પ્લાન પણ વિચાર્યો હશે એવો મત વ્યક્ત કરતાં દહિસરની વર્કિંગ વુમન નેહા સુરલિયા કહે છે, ‘સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવતાં મહિલાઓને ચોક્કસ લાભ થશે. આજે ઘણી એવી મહિલાઓ છે જેને બે છેડા ભેગા કરવા ફરજિયાતપણે કામ કરવું પડે છે. આવી મહિલાઓનો ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચશે તો ફાયદો થશે. મારું માનવું છે કે જે લોકો આ બાબત હોહા કરે છે એ હાઈ સોસાયટીના લોકો છે. તેમને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાનું હોતું નથી જ્યારે બસ-ટ્રેનની મુસાફરી કરનારી મહિલાઓ મધ્યમવર્ગીય જ હોય છે. વિમેન ઇક્વાલિટીની વાત થોડેઅંશે સાચી છે, પરંતુ ઘરની બહાર નીકળનારી દરેક મહિલા હાથમાં ઇક્વાલિટી અને એમ્પાવરમેન્ટનો ઝંડો લઈને નથી ફરતી. આપણે ટૅક્સ પે કરીએ છીએ એની સામે આ સુવિધા મળતી હોય તો એમાં કશું ખોટું નથી. મુંબઈની વાત કરીએ તો આવી સ્કીમ અહીં આવશે નહીં. કદાચ આવી જાય તો લોકલ ટ્રેનની ભીડ જોઈ કોઈ મહિલા મફતમાં પણ ધક્કા ખાવા ઘરની બહાર નીકળશે નહીં. અહીંની મહિલાઓની પ્રાથમિકતા જુદી છે. તેમને મફતની સુવિધા નહીં, સુરક્ષા જોઈએ છે.’

મહિલાઓ પોતાનો ખર્ચો ઉપાડી શકે એટલી સક્ષમ છે તો મફત સુવિધાની શું જરૂર?

ટ્રાવેલિંગ ફ્રી કરવા જેવી ફૅસિલિટી આપવાનો શું અર્થ છે એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરનાં સ્કૂલ ટીચર વૈશાલી લિમ્બાચિયા કહે છે, ‘આજના સમયમાં મહિલાઓ પુરુષસમોવડી નહીં પણ પુરુષો કરતાં શક્તિશાળી બનીને ઊભરી આવી છે ત્યારે મફત સુવિધાની તેને પોતાને જ જરૂર નથી. તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે અને પોતાનો ખર્ચ ઉપાડી શકવા સક્ષમ છે. બીજું એ કે કોઈ પણ કાયદો લાગુ કરવો હોય તો માત્ર દિલ્હીમાં જ કેમ? આખા દેશમાં કરોને. મારા મતે મફત મુસાફરીની સુવિધા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળવી જોઈએ. અમારી સ્કૂલમાં નાસ્તો મફતમાં આપવામાં આવે છે એના કારણે અનેક ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છેક દીવા અને ડોમ્બિવલીથી અહીં ભણવા આવે છે. એ લોકોને આવી રાહત મળે એ ખૂબ જ જરૂરી છે.  મુસાફરી જેવી બાબતમાં આવી રાહત આપવા કરતાં શૈક્ષણિક ક્ષેત્રે નવા અને અસરકારક કાયદા ઘડવાની વધુ આવશ્યકતા છે. ખરેખર કંઈ કરવું જ છે તો આપણી આવનારી પેઢીના ભવિષ્યના નિર્માણ માટે કરો. મહિલાઓ પોતાનું ફોડી લેશે. વિમેન એમ્પાવરમેન્ટ માટે કંઈ કરવાની ઇચ્છા હોય તો તેની ટૅલન્ટની કદર કરો. આજે મહિલાઓને સૌથી વધુ જરૂર જૉબની છે. બધી જગ્યાએ તેને અન્ડરએસ્ટિમેટ કરવામાં આવે છે. દરેક મહિલાને તેની ક્ષમતા અને ટૅલન્ટ પ્રમાણે કામ મળે તેમ જ તેની શક્તિનો સદુપયોગ થાય એમાં તે વધુ ખુશ થશે.’

આ પણ વાંચો : ચાલીસ વર્ષ પછી ભારતમાં વૃદ્ધો અને યુવાનોની સંખ્યા સરખી હશે

આવી સુવિધા આપી સ્ત્રી અને પુરુષમાં જે ભેદભાવ રાખો છો એ યોગ્ય નથી

માત્ર મહિલાઓને આવી સુવિધા આપી શું સાબિત કરવા માગો છો એવો સામો પ્રશ્ન પૂછતાં વસઈનાં કૉલેજ પ્રોફેસર રાજશ્રી પ્રજાપતિ કહે છે, ‘ઉપરોક્ત સમાચાર સાથે હું બિલકુલ સહમત નથી. ઇક્વાલિટીના જમાનામાં મહિલાઓને રાહત આપી તમે જતાવવા માગો છો કે મહિલાઓ બિચારી છે. આજે પણ આપણા દેશના નેવું ટકા પુરુષો મહિલાઓની પુરુષસમોવડી માનતા નથી. એમાં તમે તેને મફતમાં કોઈ ફૅસિલિટી આપશો તો પુરુષ સામે મહિલાઓની વૅલ્યુ હજી ઘટશે. ભગવાને પુરુષની જેમ મહિલાને પણ હાથ-પગ આપ્યા છે અને એ લોકો આત્મનર્ભિર અને સક્ષમ છે તો મફત પ્રવાસની જરૂર શું છે? ખરેખર રાહત આપવી હોય તો દિવ્યાંગોને આપો, પ્રેગ્નન્ટ મહિલાઓને આપો. કોઈ પણ નિયમોનું અમલીકરણ દેશના કે રાજ્યના જાતિભેદ વગર ચોક્કસ શ્રેણીના નાગરિકોને અથવા દેશના સર્વે નાગરિકો માટે થવું જોઈએ. મુંબઈ માટે એટલું કહીશ કે સવારે વહેલી ઘરેથી નીકળતી કામકાજી મહિલાઓ રાત્રે દોડતાં-દોડતાં ટ્રેન પકડે છે અને લટકતાં ઘરે પહોંચે છે. ઘરે આવ્યા બાદ પણ તેમને અનેક કામ કરવાં પડે છે. અહીંની ફાસ્ટ લાઇફમાં મહિલાઓને પ્રૉપર કનેક્ટિવિટી જોઈએ છે. લોકલ ટ્રેનની મુસાફરી ફ્રી કરવા કરતાં લેડીઝ સ્પેશ્યલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે એમાં મહિલાઓ વધુ રાજી થશે.’

columnists Varsha Chitaliya