જંપસૂટ પહેરીને લગ્ન કરાતાં હશે?

16 May, 2019 02:39 PM IST  |  મુંબઈ | લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

જંપસૂટ પહેરીને લગ્ન કરાતાં હશે?

સોફી ટર્નર

બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને હૉલીવુડ સિંગર નિક જોનસનાં રજવાડી લગ્નની ચર્ચાનાં પડઘમ હજી શમ્યાં નહોતાં ત્યાં તો પ્રિયંકાના જેઠ જો જોનસે તેની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે અચાનક લગ્ન કરી લીધાંના સમાચાર આવતાં સૌ આર્યમાં પડી ગયા છે. સાવ જ સાદાઈથી થયેલાં આ લગ્નમાં આમ જોવા જઈએ તો ચર્ચા કરવા જેવું કશું છે નહીં. તો પછી આ ગણગણાટ શેનો છે? આર્યનું કારણ છે સોફીનો વેડિંગ ડ્રેસ. સોફીએ ડિઝાઇનર બ્રાઇડલ ડ્રેસ પહેરવાની જગ્યાએ પિકનિક પર પહેરી શકાય એવા સાવ સાદા જંપસૂટમાં લગ્ન કરી સૌને ચોંકાવી દીધા છે.

પરંપરાગત ભારતીય લગ્નોમાં માત્ર બ્રાઇડલ ડ્રેસ પાછળ જ હજારો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે. વેડિંગ ડ્રેસની પસંદગીને લઈને યુવતીઓ બહુ જ ચીકણાવેડા કરતી હોય છે. એવામાં આ નવો ટ્રેન્ડ કૌતુક જગાવે છે. વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત નવી પેઢીની યુવતીઓ આવું અનુકરણ કરવાની ડૅરિંગ કરી શકે? કેટલી યંગ ગલ્ર્સ વેડિંગ ડ્રેસમાં કૉમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છે એ તેમને જ પૂછીએ.

આ કોઈ પ્લાન્ડ વેડિંગ નહોતાં એટલે ડ્રેસકોડથી ફરક નથી પડતો એવો અભિપ્રાય આપતાં અલીશા પંચાલ કહે છે, ‘લગ્ન કરવા માટે વ્યક્તિ મહત્વની છે, ડ્રેસ નહીં એ વાત સો ટકા સાચી, પરંતુ સોફીએ કદાચ પહેલેથી પ્લાનિંગ કર્યું હોત તો વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે તેણે પણ વેડિંગ ગાઉન પહેર્યો જ હોત. જાણે ર્કોટ મૅરેજ કરવાનાં હોય એમ આ બધું અચાનક બન્યું હતું. ઢોલ-નગારાં વગરનાં આ લગ્નમાં કોઈ ઇન્વૉલ્વ થયું નહોતું એટલે ડ્રેસનું મહત્વ રહેતું નથી. લાસ વેગાસ એવી જગ્યા છે જ્યાં આવાં ગતકડાં કરવાવાળા પડ્યા જ છે એમાં મને કંઈ નવું નથી લાગતું. મારું માનવું છે કે દરેક યુવતીનાં લગ્ન માટેના પૅરામીટર જુદાં હોય છે. આપણે ત્યાં લગ્નના દિવસને જોવાનો નજરિયો જુદો છે. વિદેશની સરખામણીએ ભારતની યુવતીઓ કૅમેરા કૉન્શિયસ છે તેથી જંપસૂટ કે જીન્સ અને ટી-શર્ટમાં લગ્ન કરવાનું વિચારી ન શકે. હા, વેડિંગ ડ્રેસ પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરવા કરતાં ફરી ફરી પહેરી શકાય એવો ડ્રેસ પસંદ કરવા જેટલી સમજદારી દરેક યુવતીમાં હોવી જોઈએ. હું ઇકૉનૉમિક લાઇનને નજરમાં રાખી બ્રાઇડલ ડ્રેસ પસંદ કરીશ.’

આપણા દેશની યુવતીઓ વેસ્ટર્ન કલ્ચરના ઇન્ફ્લુઅન્સમાં આવીને વેડિંગ ડ્રેસમાં કૉમ્પ્રોમાઇઝ કરતી થઈ જશે એવા ચાન્સિસ બહુ ઓછા છે એવો જવાબ આપતાં હિમાની પટેલ કહે છે, ‘લગ્નના દિવસે શું પહેરવું છે એ કોઈ પણ છોકરીનો અંગત નિર્ણય હોય છે. સોફીને જે ગમ્યું એ પહેર્યું. આપણે ત્યાં લગ્ન એ યાદગાર પ્રસંગ છે. વડીલોના આર્શીવાદ સાથે નવું જીવન શરૂ કરવાનું હોય ત્યારે પરંપરાગત વસ્ત્રોને પ્રાધાન્ય આપવું જ જોઈએ. ભારતમાં વિવિધ પ્રાંતમાં વેડિંગ ડ્રેસમાં નવીનતા જોવા મળે છે. હવે ઘણી યુવતીઓ લગ્નના દિવસે બીજા પ્રાંતની સ્ટાઇલ અપનાવવા લાગી છે. ગુજરાતીઓ બંગાળી સ્ટાઇલની સાડી પહેરે કે પંજાબી ડ્રેસ પહેરે એવું બને છે. કેટલીક ઇવેન્ટ્સમાં વેસ્ટર્ન સ્ટાઇલનો ગાઉન પણ પહેરે છે. અમારું જનરેશન બ્રાઇડલ વેઅરમાં કૉમ્પ્રોમાઇઝ કરે તો પણ અન્ય પરંપરાગત ભારતીય પોશાક પર જ પસંદગી ઉતારે. મારાં લગ્નને યાદગાર બનાવવા કેવાં વસ્ત્રો પહેરીશ એ બાબત હજી વિચાર્યું નથી, પણ એટલું ચોક્કસ કે જંપસૂટ પહેરીને તો લગ્ન નહીં જ કરું.’

સ્ટિરિયો-ટાઇપ વિચારસરણીમાંથી બહાર નીકળવામાં વાંધો શું છે એવો સામો પ્રશ્ન કરતાં ખ્યાતિ શાહ કહે છે, ‘મને તો સોફીનો આ કૂલ એટિટ્યૂડ બહુ ગમ્યો. હું આવી જ છું અને આ જ મારી લાઇફસ્ટાઇલ છે એવો મેસેજ તેણે પાસ કર્યો છે. હું માનું છું કે લગ્નના દિવસે કંઈક એવું કરીને બતાવો કે લોકો એને કૉપી ન કરી શકે. મેં અત્યારથી જ વિચારી રાખ્યું છે કે મારા લગ્નમાં મહેમાનો માટે પાયજામા થીમ રાખીશ. મેકઅપના થપેડા અને મોંઘાં વસ્ત્રોની જરૂર નથી. જોકે, આવી થીમ કેટલા લોકો અનુસરશે એ કહી ન શકાય, પણ મારી ઇચ્છા તો આવી જ છે. એ જ રીતે બ્રાઇડલ ડ્રેસને લઈને પણ હું ક્લિયર છું. એ દિવસે મને ડેનિમ ફૅબ્રિકમાંથી બનાવેલો ઘાઘરો અને લેધર જૅકેટ ટાઇપનું બ્લાઉઝ પહેરવું છે. મને ફન્કી દેખાવું ગમે છે એટલે નવા નવા આઇડિયા આવી જ જાય છે. હું મારા આઇડિયાઝને ઇમ્પ્લાન્ટ કરવામાં અચકાતી નથી. હજી ત્રણ મહિના પહેલાં મારી બહેનનાં લગ્નમાં મેં અને મારા ડૉગીએ એકસરખો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. મને પેટ્સ સાથે મૅચિંગ કરવું હતું તો કરી બતાવ્યું. મારી સિસ્ટરને ટિપિકલ રેડ પાનેતરની જગ્યાએ પ્રિન્સેસ જેવો લુક જોઈતો હતો તો એના માટે એ રીતે ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. મારું એટલું જ કહેવું છે કે રૂલ્સ બ્રેક કરવામાં અચકાઓ નહીં.’

મુંબઈની યુવતીઓ સાથે વાત કર્યા બાદ એટલું તો સ્પષ્ટ થાય છે કે દેશ-વિદેશમાં શું ચાલી રહ્યું છે એનાથી તેઓ સારી રીતે પરિચિત છે, પરંતુ એનું આંધળું અનુકરણ કરવામાં નથી માનતી. પરંપરાગત ઇન્ડિયન બ્રાઇડલ ડ્રેસને વેસ્ટર્ન ટચ આપવા તેમની પાસે પોતાના આઇડિયાઝ પણ છે અને વિવેકબુદ્ધિ પણ.

દરેક યુવતીનાં લગ્ન માટેનાં પૅરામીટર જુદાં હોય છે. વિદેશની સરખામણીએ ભારતીય યુવતીઓ કૅમેરા-કૉન્શિયસ છે તેથી જંપસૂટ કે જીન્સ અને ટી-શર્ટ પહેરીને લગ્ન કરવાનું વિચારી પણ ન શકે.

- અલીશા પંચાલ

અમારું જનરેશન ઇન્ફ્લુઅન્સમાં આવીને વેડિંગ ડ્રેસમાં કૉમ્પ્રોમાઇઝ કરે એવું મને લાગતું નથી. નવી સ્ટાઇલ અપનાવવી જ હશે તો ભારતના અન્ય પ્રાતંનાં પરંપરાગત વસ્ત્રો પહેરવાનું પસંદ કરશે.

-હિમાની પટેલ

આ પણ વાંચો : એવરગ્રીન પોલ્કા ડૉટ્સ

આપણે સ્ટિરિયોટાઇપ વિચારસરણીમાંથી બહાર નીકળવાની જરૂર છે. મને ફન્કી લુક પસંદ છે તેથી લગ્નના દિવસે ડેનિમ ફૅબ્રિકમાંથી બનાવેલો ઘાઘરો અને લેધર જૅકેટ ટાઇપનું બ્લાઉઝ પહેરવાની મારી ઇચ્છા છે.

- ખ્યાતિ શાહ

Varsha Chitaliya fashion fashion news columnists