રંગરૂપ અને પૈસો નહીં, પણ માયાળુ સ્વભાવ જુએ છે આજની કન્યાઓ

29 August, 2019 03:04 PM IST  |  મુંબઈ | લેડીઝ સ્પેશયલ - અર્પણા શિરીષ

રંગરૂપ અને પૈસો નહીં, પણ માયાળુ સ્વભાવ જુએ છે આજની કન્યાઓ

રંગરૂપ અને પૈસો નહીં, પણ માયાળુ સ્વભાવ જુએ છે આજની કન્યાઓ

દીકરો રંગેરૂપે દેખાવડો હોય એટલે તેનાં લગ્ન આસાનીથી થઈ જશે એવું ઘણાં મા-બાપને લાગતું હોય છે, પણ શું ખરેખર આ હકીકત છે? હાલમાં જ જર્મનીની યુનિવર્સિટી ઑફ ગોટિંગજેનના સોશિયલ રિસર્ચરો દ્વારા ૧૮૦ દેશના ૬૪,૦૦૦ લોકો પર એક વૈશ્વિક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં તેમને તેમના ભાવિ પતિમાં ધર્મ, રાજકીય નિરપેક્ષતા,  ઊંચાઈ, દેખાવ જેવી કઈ બાબત જોઈતી હોય છે એ વિશે પૂછવામાં આવ્યું હતું. અને આ સર્વે માંથી જે તારણ મળ્યું છે એ ખરેખર ચોંકાવનારું છે. સૌથી મહત્વની વાત એટલે સર્વેમાં ભાગ લેનારી પોણા ભાગની મહિલાઓની ઉંમર ૧૮થી ૨૪ વર્ષની હતી. સર્વેના તારણમાં મહિલાઓને તેમના ભાવિ પતિમાં બીજા એકેય ગુણ કરતાં માયાળુ અને પરોપકારી સ્વભાવ અગ્રેસર જોઈતો હતો એવું જાણવા મળ્યું હતું. જોકે સપોર્ટિવનેસ અને ઇન્ટેલિજન્સને બીજા અને ત્રીજા નંબરે સ્થાન મળ્યું હતું.

અહીં વિચારવાની વાત એ છે કે સ્ત્રીઓએ પુરુષોના દેખાવ, કમાણી કે પર્સનાલિટી પ્રત્યે ધ્યાન સુધ્ધાં નહોતું આપ્યું. તો માની શકાય કે આજની યુવતીઓ પોતાને શું જોઈએ છે એ પ્રત્યે વધુ પ્રૅક્ટિકલ બની રહી છે. આ વિશે વધુ વાત કરતાં મલાડમાં ગુજરાતી યુવક-યુવતીઓ માટે છેલ્લાં બાવીસ વર્ષથી મૅરેજ બ્યુરો ચલાવતાં મોનિકા શાહ કહે છે, ‘આ વાત મુંબઈમાં પણ સાચી જ છે. આજની યુવતીઓ સૌથી પહેલાં જેમનો નેચર સારો હોય એ છોકરાઓ પ્રિફર કરે છે. આ સિવાય માયાળુ સ્વભાવ તેમ જ ફૅમિલી માટે કલ્ચરલ વૅલ્યુ ધરાવતા છોકરાઓ ડિમાન્ડમાં છે. આ સિવાય પોતાના ભાવિ પતિને કોઈ પણ ટાઇપનું વ્યસન ન હોય એવો પણ છોકરીઓનો ખાસ આગ્રહ હોય છે. જે છોકરાનું એજ્યુકેશન, નેચર તેમ જ વિચાર મેળ ખાતા હોય તો કદકાઠી અને દેખાવ પ્રત્યે યુવતીઓ બાંધછોડ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. એટલે કહી શકાય કે આજની યુવતીઓ વધુ પ્રૅક્ટિકલ અને રિયલ વિચાર કરતી થઈ છે. અને તેમના માટે લાઇફમાં દેખાવ અને પર્સનાલિટી કરતાં બીજી ઘણી મહત્વની વાતો છે.’

યુવતીઓના પ્રૅક્ટિકલ વિચાર જોકે આજીવન કાયમ રહે તો લગ્નજીવન સુખમય પસાર થાય છે એવું સમજાવતાં મૅરેજ-કાઉન્સેલર પ્રીતિ અગ્રવાલ કહે છે, ‘ગમે તે લગ્નમાં છોકરા કે છોકરીમાં ગુણો ભલે ગમે તે હોય, વ્યસન હોય કે ન હોય, પણ જો ઍડ્જસ્ટમેન્ટ કરવાની તૈયારી અને આવડત હશે તો એ લગ્નજીવન ટકે છે. જો બન્ને તરફથી થોડી-થોડી ઍડ્જસ્ટમેન્ટની તૈયારી હોય તો ઍડ્જસ્ટમેન્ટના ઇનામરૂપે ખુશી-ખુશી મળે છે. એકબીજાના ગુણોને જેવા છે એવા જ સ્વીકારવાની સમજણ ધરાવતી વ્યક્તિઓનાં લગ્ન આગળ જઈને સુખી સંસારનું રૂપ લે છે.’

ઉમ્ર કી સીમા

૯૦ ટકા યુવતીઓ ભલે કાઇન્ડનેસને પ્રાધાન્ય આપતી હોય, પણ ૧૦ ટકા યુવતીઓ એવી પણ છે કે જેમને લાઇફ-પાર્ટનરમાં અમુક ચીજો જોઈતી જ હોય છે અને એ વિશે તેઓ કોઈ બાંધછોડ કરવા તૈયાર હોતી નથી. જેમાંની એક વાત એટલે ઉંમર. આ વિશે વધુ જણાવતાં મોનિકા શાહ કહે છે, ‘કેટલીક યુવતીઓની ફર્મ ડિમાન્ડ હોય છે કે બેથી ત્રણ વર્ષ કરતાં મોટી ઉંમરનો છોકરો ન હોવો જોઈએ. જોકે બાકી બધા ક્રાઇટેરિયામાં છોકરો સર્વોત્કૃષ્ટ હોય તો ઉંમરમાં ક્યારેક બાંધછોડ કરવામાં આવે છે, પણ પાંચ વર્ષ કરતાં વધુ તો નહીં જ.’

છોકરાઓને શું જોઈએ?

વૈશ્વિક સ્તરે થયેલા આ સર્વેમાંથી યુવકોને પૂરી રીતે બાકાત નહોતા રાખવામાં આવ્યા. સર્વેમાં ભાગ લેનારા ૬૪ હજારમાંથી ૭૦૦ પુરુષો હતા જેમણે પણ ભાવિ પત્નીમાં સૌથી મહત્વનો ગુણ એ માયાળુ સ્વભાવ, સપોર્ટિવનેસ, બુદ્ધિમત્તા અને ત્યાર બાદ ભણતરને મહત્વ આપ્યું હતું. જોકે સર્વેમાં ભાગ લેનારા બધા જ પુરુષો યુનાઇટેડ સ્ટેટ્સના હતા. ભારતની વાત કરીએ તો હજીયે આપણે ત્યાં છોકરાની ફૅમિલી થનારી પત્ની કે વહુ દેખાવમાં સુંદર અને શરીરે પાતળી હોય એના પર જ વધુ મહત્વ આપે છે. એવું જણાવતાં મોનિકા શાહ કહે છે, ‘જો બિઝનેસ ક્લાસ ફૅમિલી હોય તો તેમને પોતાની વહુ સુંદર અને પાતળી હોય એવો આગ્રહ હોય છે. જોકે સામાન્ય છોકરાઓ હજીયે એજ્યુકેશન અને કરીઅરને મહત્વ આપે છે. જોકે ગમે તે ક્લાસમાં એજ્યુકેશનથી લઈને ફૅમિલી સુધી બધું જ પર્ફેક્ટ હોય તો એ પહેલું પ્રાધાન્ય તો તેનાં રંગરૂપને જ આપવામાં આવે છે. એ વિશે આજે પણ આપણે ત્યાં છોકરાઓ બાંધછોડ કરવા તૈયાર નથી.’

આજની યુવતીઓ સૌથી પહેલાં જેમનો નેચર સારો હોય એ છોકરાઓ પ્રિફર કરે છે. આ સિવાય માયાળુ સ્વભાવ તેમ જ ફૅમિલી માટે કલ્ચરલ વૅલ્યુ ધરાવતા છોકરાઓ ડિમાન્ડમાં છે. આ સિવાય પોતાના ભાવિ પતિને કોઈ પણ ટાઇપનું વ્યસન ન હોય એવો પણ છોકરીઓનો ખાસ આગ્રહ હોય છે.

- મોનિકા શાહ, મૅરેજ બ્યુરોના સંચાલક

ગમે તે લગ્નમાં છોકરા કે છોકરીમાં ગુણો ભલે ગમે તે હોય, વ્યસન હોય કે ન હોય, પણ જો ઍડ્જસ્ટમેન્ટ કરવાની તૈયારી અને આવડત હશે તો એ લગ્નજીવન ટકે છે. જો બન્ને તરફથી થોડી-થોડી ઍડ્જસ્ટમેન્ટની તૈયારી હોય તો ઍડ્જસ્ટમેન્ટના ઇનામરૂપે ખુશી-ખુશી મળે છે.

- પ્રીતિ અગ્રવાલ,મૅરેજ-કાઉન્સેલર

મારી ઇચ્છા છે કે મારો ભાવિ પતિ એજ્યુકેટેડ હોવાની સાથે દયાળુ સ્વભાવનો તેમ જ નમ્ર હોય. જીવનસાથી એવો હોવો જોઈએ જે લાઇફમાં પોતાના માટે તેમ જ પોતાની પત્ની માટે જરૂર પડ્યે સ્ટૅન્ડ લઈ શકે.

- જિજ્ઞા રાઠોડ,અકાઉન્ટ એક્ઝિક્યુટિવ

આ પણ વાંચો : મલ્ટિટાસ્કિંગ અને મહિલાઓઃ યે બાત હજમ કરની પડેગી સા’બ

મારા ભાવિ જીવનસાથીમાં મારે હંમેશાં જ એક ગુણ શોધવો છે અને એ છે એ વ્યક્તિ અભિમાની ન હોવી જોઈએ, કારણ કે વ્યક્તિ એવી હોવી જ જોઈએ કે જે પોતે ભલે ગમે તેટલી સફળ અને શક્તિશાળી હોય પણ તે બીજાના દુઃખમાં સામેલ થવામાં તેમ જ દુઃખને સમજવામાં સમર્થ હોવી જોઈએ. વધુમાં થોડો રમૂજી હશે તો સંબંધમાં સુગંધ ભળશે

- સોનમ ધરોડ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર એન્ડ સિંગર    

columnists