તમને પણ દાઢી-મૂછ તો નથી ઊગતાંને?

23 June, 2020 08:16 PM IST  |  Mumbai | Varsha Chitaliya

તમને પણ દાઢી-મૂછ તો નથી ઊગતાંને?

સ્ત્રી અને પુરુષ એના દેખાવને લઈને જુદા તરી આવે છે. પુરુષોનો દાઢી-મૂછવાળો રૂઆબદાર ચહેરો આકર્ષે છે તો સ્ત્રીના ચહેરા પર વાળ ન હોય તો સુંદર લાગે. આપણો સમાજ બન્નેને એ જ દૃષ્ટિએ જોવા ટેવાયેલો છે. જેમ પુરુષોને માથામાં ટાલ પડે કે યુવાનોને સમયસર દાઢી ન ઊગે તો ટેન્શન વધી જાય એવી જ રીતે મહિલાઓ માટે શરીર પર રુવાંટી વધવા લાગે એ પચાવવું અઘરું છે. અનેક મહિલાઓને તો રીતસરની પુરુષો જેવી દાઢી અને મૂછ ઊગી નીકળે છે. અરે, કેટલીક મહિલાઓ તો નિયમિત રીતે શેવિંગ પણ કરતી હોય છે. સાંભળીને હાસ્યાસ્પદ લાગે, પરંતુ જે મહિલાઓને આવી સમસ્યા છે તેઓ એને કઈ રીતે હૅન્ડલ કરતી હશે તેમ જ જાહેરમાં કેવો ક્ષોભ અનુભવતી હશે એ વિચારો. શરીર પર અવાંછિત વાળ ઊગવાની પ્રક્રિયાને તબીબી ભાષામાં હિર્સુટિઝમ કહે છે. આજે આપણે આ વિષય પર વિગતવાર વાત કરીશું.

હેર ગ્રોથનું કારણ

પુરુષો જેટલો હેર ગ્રોથ સ્ત્રીઓમાં હોય એવી કલ્પના પણ કરવી મુશ્કેલ છે. મહિલાઓના ચહેરા પર દાઢી-મૂછ ઊગવા લાગે એ અસ્વીકાર્ય અને અસહનીય છે, પરંતુ અમુક મેડિકલ કન્ડિશન તેમને આવી અવસ્થામાં મૂકી દે છે. જે મહિલાઓને એડ્રિનલિન ગ્રંથિનું ટ્યુમર હોય તેમના શરીરમાં પુરુષો જેવો હેર ગ્રોથ જોવા મળે છે. બાયોલૉજિકલ સાઇકલ ખોરવાઈ જવાના લીધે અનેક મહિલાઓને પુરુષોની જેમ હડપચી કે આખી દાઢી, હોઠની ઉપરના ભાગમાં, અન્ડર આર્મ્સ, પેટ ઉપર તેમ જ છાતીના ભાગમાં વાળ ઊગવા લાગે છે. ચહેરા પર વાળ વધારે હોય એને હાઇપર ટ્રાઇકોસિસ પણ કહેવાય. આ સંદર્ભે વાત કરતાં ડર્મેટોલૉજિસ્ટ સોમા સરકાર કહે છે, ‘મહિલાઓના ચહેરા પર હેર ગ્રોથનાં બે જ કારણ હોય છે, પીસીઓડી (પૉલિસ્ટિક ઓવેરિયન ડિસઑર્ડર) અથવા ઓવરીમાં સિસ્ટ અને બીજું જિનેટિક. વર્તમાન સમયમાં યંગ એજમાં પીસીઓડીની સમસ્યા સામાન્ય છે પરિણામે ટીનેજ ગર્લ્સના ચહેરા પર પણ વાળ ઊગવા લાગ્યા છે. આજથી થોડાંક વર્ષ પહેલાં ત્રીસી વટાવ્યા બાદ આ સમસ્યા ઉદ્ભવતી હતી. હવે એજ ગ્રુપમાં દસ વર્ષનો ઘટાડો જોવા મળે છે. એની માટે આપણી

લાઇફ-સ્ટાઇલ જવાબદાર છે. યંગ વિમેનમાં હૉર્મોનનું સંતુલન બગડવાનું મુખ્ય કારણ પીસીઓડી છે.  જોકે આ રોગની સમસ્યાથી પીડાતી દરેક યુવતીના ચહેરા પર વાળ ઊગી નીકળે એ જરૂરી નથી, પણ કેટલાક કેસમાં મહિલાઓની બૉડીમાં ટેસ્ટોસ્ટેરોન જેવા પુરુષ હૉર્મોનનું પ્રમાણ વધી જાય છે. ઉપરોક્ત કારણો ઉપરાંત મેનોપૉઝની એજમાં મહિલાઓના અપર લિપ્સ અને ચિનમાં હેર ગ્રો થવા લાગે છે. મેનોપૉઝમાં વધુ ચિંતા કરવાની જરૂર નથી.’

ચહેરા અને શરીર પર રુવાંટી વધુ હોવી એ વારસાગત સમસ્યા હોઈ એને મેડિકલ ટર્મ્સમાં જિનેટિક હાઇપર ટ્રાઇકોસિસ કહે છે. તેઓ કહે છે, ‘તમે જોજો, અન્ય મહિલાઓની તુલનામાં આપણે ત્યાં સિંધી અને પંજાબી ખાસ કરીને સરદાર કમ્યુનિટીની મહિલાઓના શરીર પર વાળનું પ્રમાણ વધુ હોય છે. આ જિનેટિક છે. તેમના ચહેરા પર અને શરીરના અન્ય ભાગમાં હેર ગ્રો થવાની ઝડપ વધારે હોય છે. આવી જ રીતે અનેક મહિલાઓમાં શરીર પર અતિશય રુવાંટીનું કારણ વારસાગત સમસ્યા હોય છે. અન્ય કોઈ રોગના કારણે શરીર પર રુવાંટીનું પ્રમાણ વધી જાય એવી શક્યતા ખૂબ ઓછી છે.’

સોશ્યલ સ્ટિગ્મા

શરીરના અન્ય ભાગમાં ઊગી નીકળેલા વાળને ઢાંકી શકાય છે, પરંતુ ચહેરા પર વાળ વધુ હોય એવી મહિલાઓ માનસિક તાણનો ભોગ બને છે એમ જણાવતાં સોમા આગળ કહે છે, ‘કોઈ પણ સ્ત્રીને તમે બિઅર્ડ લુકમાં તો શું ચહેરા પર મોટા પ્રમાણમાં રુવાંટી સાથે પણ ન જોઈ શકો. કદાચ કોઈ મહિલા હેર ગ્રો સાથે બહાર નીકળવાની હિંમત કરે તો લોકોમાં ગણગણાટ શરૂ થઈ જાય અને પ્રશ્નો ઉદ્ભવે. તેને પોતાને પણ આ નથી ગમવાનું. અરીસામાં ચહેરો જોઈ હતાશ થઈ જાય છે. એટલે જ અપર લિપ્સ, હડપચી અને અન્ડર આર્મ્સના વાળ દૂર કરવા તેઓ નિયમિતપણે બ્યુટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. ઘણી મહિલાઓ જુદા-જુદા ઘરગથ્થુ ઉપાયો દ્વારા અણવાંછિત વાળને દૂર કરવાના પ્રયાસો કરે છે. પ્રેઝન્ટેબલ લુક માટે તેમને આમ કરવું જ પડે છે. જોકે આ કાયમી સોલ્યુશન નથી.’ 

ઇલાજ શું?

મોટા ભાગના કેસમાં રોગનાં લક્ષણો જાણી લાઇફ-સ્ટાઇલ ચેન્જિસ અને દવાઓથી હેર ગ્રોથને કન્ટ્રોલમાં રાખી શકાય છે. સોમા કહે છે, ‘પીસીઓડીની સમસ્યામાં સૌથી પહેલાં ગાઇનેકોલૉજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. જ્યાં સુધી એને ઍડ્રેસ કરવામાં નહીં આવે આગળની પ્રોસેસ કામ નહીં લાગે. ભવિષ્યમાં કોઈ રોગ ન થાય એ માટે પણ પીસીઓડીનો ઇલાજ અત્યંત જરૂરી છે. ત્યાર બાદ ટૅબ્લેટ્સ અને દવાઓ દ્વારા હેર ગ્રોથ રિડક્શન પર કામ કરી શકાય. લેઝર ટ્રીટમેન્ટ બેસ્ટ સોલ્યુશન છે. ઇચ્છો તો આખી બૉડી પરથી વાળ દૂર કરાવી શકો અથવા માત્ર ચહેરા પરથી રિમૂવ કરાવી શકો છો. અપર બૉડીના વાળ દૂર કરવાની પ્રક્રિયા માટે વાળના ગ્રોથ પ્રમાણે છથી આઠ સિટિંગ્સ કરવી પડે છે. પ્રથમ ત્રણ સિટિંગ એક-એક મહિનાના અંતરે અને ત્યાર પછીની સિટિંગ દોઢેક મહિનાના અંતરે થવી જોઈએ. લેઝર ટ્રીટમેન્ટમાં વાળનાં મૂળિયાંને બાળી નાખવામાં આવે છે તેથી ફરીથી સમસ્યા ઊભી થતી નથી. આજકાલ યંગ ગર્લ્સ આ સારવાર પર વધુ ભાર મૂકે છે. માસિકચક્ર શરૂ થવાને ઓછાંમાં ઓછાં બે વર્ષ થઈ ગયાં હોય એવી ગર્લ્સ પર જ લેઝર ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવે છે. જોકે વારસાગત સમસ્યામાં ટૅબ્લેટ્સ કામ આવતી નથી. તેમણે કાયમી ધોરણે વાળ દૂર કરાવવા લેઝરનો સહારો લેવો જ પડે છે.’

બ્યુટિશ્યન શું કહે છે?

ચહેરા પરના વાળ દૂર કરવામાં બ્યુટી ટ્રીટમેન્ટ કેટલી અસરકારક છે એવા પ્રશ્નનો જવાબ આપતાં બ્યુટિશ્યન ભાવિશા રાઠોડ કહે છે, ‘મારી પાસે એવી ઘણી મહિલાઓ આવે છે જેમની આઇબ્રો ખૂબ જલદી વધી જાય છે, અપર લિપ્સ અને ચિન પર વાળનું પ્રમાણ વધુ હોય છે. સામાન્ય રીતે તેઓ થ્રેડિંગ કરાવે છે અથવા બ્લીચ કરાવી અણગમતા વાળને છુપાવવાનો પ્રયાસ કરે છે. કેટલીક મહિલાઓના વાળ એટલા લાંબા અને જાડા હોય છે કે બ્લીચ કામ લાગતું નથી. તેઓ વૅક્સિંગ કરી આપવાની ડિમાન્ડ કરે છે. ફરીથી વાળ ઊગવાની પ્રક્રિયા દરેક મહિલાની જુદી હોય પણ થ્રેડિંગમાં વાળ જલદી આવી જાય છે, જ્યારે વૅક્સિંગથી દૂર કરવામાં આવેલા વાળ ફરીથી આવતાં સમય લાગે છે. તેથી હેર ગ્રોથનો પ્રૉબ્લેમ હોય એવી મહિલાઓ એજ પ્રિફર કરે છે. જોકે મારી અંગત સલાહ છે કે વૅક્સિંગ ન કરાવવું જોઈએ. યુવાનીમાં ચહેરો સુંદર લાગે છે, પરંતુ વારંવાર વૅક્સિંગ કરાવવાના કારણે કાનની નીચેથી ગરદન સુધીની ત્વચા ઢીલી પડી જાય છે. થ્રેડિંગની તુલનામાં વૅક્સિંગ કરનારી મહિલાઓના ચહેરા પર કરચલી વહેલી દેખાવા લાગે છે. તેમ છતાં જો વૅક્સિં.ગ કરાવવું જ હોય તો થોડી તકેદારી જરૂરથી રાખો. અનુભવી બ્યુટિશ્યન પાસે જ વૅક્સિંગ કરાવવું. ઘરે જાતે વૅક્સ કરતાં હો તો પણ ચહેરા પર પ્રયોગ ન કરવો. વૅક્સિંગ દ્વારા વાળ દૂર કરાવ્યા બાદ સ્કિન લોશન અને આઇસ વડે મસાજ કરી આપવાનું કહો. ઘણી મહિલાઓનો ચહેરો લાલ થઈ જાય છે અને કેટલાક કેસમાં રીઍક્શન આવવાની સંભાવના પણ વધી જાય છે. આઇસ થેરપીથી ફાયદો ન થાય તો વૅક્સિંગ બંધ કરી દેવું તેમ જ જરૂર જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.’

મહિલાઓના ચહેરા પર હેર ગ્રોથનાં બે જ કારણ હોય છે, પૉલિસિસ્ટિક ઓવેરિયન ડિસઑર્ડર અથવા ઓવરીમાં સિસ્ટ અને બીજું જિનેટિક. બાયોલૉજિકલ સાઇકલ ખોરવાઈ જવાના લીધે પુરુષોની જેમ હડપચી કે આખી દાઢી, હોઠની ઉપરના ભાગમાં, અન્ડર આર્મ્સ, પેટ ઉપર તેમ જ છાતીના ભાગમાં તેમને વાળ ઊગવા લાગે છે. પીસીઓડીની સારવાર કરાવવાથી હેર ગ્રોથ કન્ટ્રોલમાં આવી જાય છે. જો કાયમી ધોરણે વાળના ગ્રોથથી છુટકારો મેળવવો હોય તો લેઝર ટ્રીટમેન્ટ બેસ્ટ સોલ્યુશન છે

- સોમા સરકાર, ડર્મેટોલૉજિસ્ટ

columnists fashion Varsha Chitaliya