L-1 વીઝા મેળવીને અમેરિકામાં બિઝનેસ કરવો હોય તો શું જરૂરી છે એ જાણી લો

19 February, 2025 07:29 AM IST  |  Mumbai | Dr. Sudhir Shah

ડોનલ્ડ ટ્રમ્પે હમણાં જ જાહેર કર્યું છે કે તેઓ વ્યાપાર-વાણિજ્યને ઉત્તેજન આપવા ચાહે છે એટલે જેમને વેપાર કરવો હોય તેઓ અમેરિકામાં જઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

ડોનલ્ડ ટ્રમ્પે હમણાં જ જાહેર કર્યું છે કે તેઓ વ્યાપાર-વાણિજ્યને ઉત્તેજન આપવા ચાહે છે એટલે જેમને વેપાર કરવો હોય તેઓ અમેરિકામાં જઈ શકે છે. જો કોઈ ભારતીય, જે ભારતમાં વેપાર કરતો હોય અને તેનો વેપાર સારો કહી શકાય એવો ચાલતો હોય અને તેને પોતાનો વેપાર અમેરિકામાં વિકસાવવો હોય તો આ સારા સમાચાર છે. તે ધી ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ 1952 હેઠળ ઘડવામાં આવેલા આંતરકંપની ટ્રાન્સફરી મૅનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના L-1 વીઝા મેળવીને અમેરિકામાં આવીને વેપાર કરી શકે છે. એ માટેનાં જરૂરી પગલાં નીચે મુજબનાં છે:

૧. તેમનો ભારતનો વેપાર સારો કહી શકાય એવો અને એની શાખા અમેરિકામાં ખોલી શકે એવો હોવો જોઈએ.

૨. અમેરિકામાં ક્યાં અને કયો બિઝનેસ કરવો છે એ નક્કી કરવું. અહીં જે બિઝનેસ કરતા હો એ જ બિઝનેસ અમેરિકામાં કરવો જોઈએ એવું જરૂરી નથી.

૩. જે નામથી અમેરિકામાં બિઝનેસ કરવો હોય એ નામની કંપની અમેરિકામાં જ્યાં બિઝનેસ કરવાના હો એ સ્ટેટમાં રજિસ્ટર્ડ કરી એ કંપનીનું અમેરિકાની બૅન્કમાં અકાઉન્ટ ખોલાવવું જોઈએ.

૪. ભારતમાં શું બિઝનેસ કરે છે? અમેરિકામાં શું કરવાના છે? કેવી રીતે કરવાના છે? આમ બિઝનેસને લગતો અમેરિકામાં કરવાના બિઝનેસનો એક પંચવર્ષીય પ્લાન તૈયાર કરાવવો જોઈએ.

૫. અમેરિકન બૅન્કમાં એકાદ લાખ ડૉલર ભારતીય બિઝનેસના બૅન્ક-ખાતામાંથી ટ્રાન્સફર કરાવવા જોઈએ. (જેટલા વધુ કરાવી શકો એટલું વધુ સારું.)

૬. અમેરિકામાં જ્યાં બિઝનેસ કરવાના હો ત્યાં બિઝનેસની જગ્યા એટલે કે ઑફિસ, દુકાન, ગોડાઉન ભાડે લેવું. શરૂમાં કોઈ બિઝનેસ સેન્ટરમાં લો તો પણ ચાલશે.

૭. જે વ્યક્તિએ છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતની કંપનીમાં મૅનેજર, એક્ઝિક્યુટિવ યા ખાસ જાણકારીવાળી વ્યક્તિ તરીકે ઓછામાં ઓછું એક વર્ષ ફુલટાઇમ કામ કર્યું હોય તેમને તેઓ અમેરિકામાં સ્થાપેલી કંપનીમાં કામ કરવા મોકલી શકે છે. મૅનેજર અને એક્ઝિક્યુટિવોને સાત વર્ષ અને ખાસ જાણકારીવાળી વ્યક્તિને પાંચ વર્ષ અમેરિકામાં કામ કરવાની છૂટ આપવામાં આવે છે.

૮. L-1 વીઝા મેળવવા માટેનું જરૂરી ઍપ્લિકેશન ફૉર્મ ભરીને સાથે સપોર્ટ લેટર, જેમાં બધી વિગતો આપીને મોકલવાનું રહે છે. એ પિટિશન અપ્રૂવ થાય એટલે કૉન્સ્યુલેટમાં જઈને લાયકાત દર્શાવીને L-1 વીઝા મેળવવા રહે છે.

૯. જો પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ભરો તો પિટિશન પંદર દિવસમાં પ્રોસેસ થાય છે.

ભારતીય વેપારીઓ માટે અમેરિકામાં બિઝનેસ કરવા માટે L-1 વીઝા યોગ્ય છે.

donald trump india united states of america business news columnists Sociology gujarati mid-day mumbai