ઇન્ડિયન ક્રિકેટનું કચ્છી રત્ન : આણંદજી ડોસા

12 May, 2020 08:16 PM IST  |  Gujarat | Vasant Maru

ઇન્ડિયન ક્રિકેટનું કચ્છી રત્ન : આણંદજી ડોસા

કચ્છીઓએ કળા, વિજ્ઞાન, ફિલ્મો, સાહિત્ય, ધર્મ, રમતગમત ઇત્યાદિ ક્ષેત્રે જબરું પ્રદાન કર્યું છે. ‘મિડ-ડે’ આવા-આવા અલગારી સપૂતોના જીવનચરિત્રને ‘કચ્છી કૉર્નર’માં સ્થાન આપી તમામ જ્ઞાતિઓના કચ્છીઓને ગર્વ કરતા કરી દીધા છે. આ કચ્છી સપુતોનાં પ્રેરણાદાયક જીવનચરિત્રો અને રેખાચિત્રો આલેખવા હું સારો એવો પરિશ્રમ કરું છું. હવે એવા બે ક્રિકેટ રત્નોની વાત મારે કરવી છે જેમણે વિશ્વ ક્રિકેટમાં અનોખું પ્રદાન કરી ક્રિકેટને વધુ રોમાંચક અને મનોરંજક બનાવવાનું કાર્ય કર્યું છે. એમાંથી એક છે ક્રિકેટના આંકડાશાસ્ત્રી આણંદજીભાઈ ડોસા અને બીજા છે વાનખેડેથી લઈ વિદેશોમાં પણ સ્ટેડિયમની પિચ બનાવનાર પિચ ક્યુરેટર નદીમ મેમણ.

અંદાજે ૧૦૪ વર્ષ પહેલાં ભાટિયા સજ્જન જમાનાદાસ ડોસા અને મોંઘીબાઈ ડોસાના ઘરે મુંબઈમાં આણંદજીભાઈનો જન્મ થયો હતો. આણંદજીભાના મોટા ભાઈ પ્રાગજીભા ડોસા એટલે ગુજરાતી સાહિત્ય, ખાસ કરીને ગુજરાતી નાટકોમાં બહુ મોટું નામ. તેમને રાષ્ટ્રપતિ ડૉ. સંજીવ દયાળ શર્માના હસ્તે સંગીત નાટક અવૉર્ડ સુધ્ધાં મળ્યો હતો. પ્રાગજીભાઈને ગળાનું કૅન્સર થતાં સ્વરપેટી ગુમાવી છતાં વર્ષો સુધી સાહિત્યસર્જન કરતાં-કરતાં આશરે ૭૦૦થી વધુ મોટી કૃતિઓ સર્જી. આવા મેઘાવી કચ્છીમાડુના નાના ભાઈ આણંદજીભા પણ લેખક તો હતા જ, ક્રિકેટના વિષય પર પાઠ્ય પુસ્તકોમાં સ્થાન પામે એવાં પુસ્તકો લખ્યાં, ક્રિકેટ પણ રમ્યા, પરંતુ ક્રિકેટમાં તેમનું પ્રદાન હતું આંકડાશાસ્ત્રી તરીકે.

ગુજરાતમાં જ્યાં સૌથી વધુ ઠંડી પડે છે અને સૌથી વધુ ગરમી પણ ત્યાં જ પડે છે, છતાં બારેમાસ જૈન યાત્રિકોથી ઊભરાતા નલિયાના આણંદજીભાને બાળપણથી ક્રિકેટનો જબરો શોખ હતો. ન્યુ ઈરા સ્કૂલ અને વિલ્સન કૉલેજમાંથી અનેક ટુર્નામેન્ટ રમી ટીમને ટ્રોફીઓ અપાવી હતી. રણજી ટ્રોફીમાં પણ હિન્દુ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. એ જમાનામાં ક્રિકેટ પ્રોફેશન તરીકે નહીં, પણ હૉબી તરીકે રમાતી. ક્રિકેટરો ઘરના પૈસા ખર્ચી પરદેશમાં ટેસ્ટ મૅચ રમવા જતા. શરૂઆતમાં તો સ્ટીમરનો લાંબો પ્રવાસ કરી વિદેશમાં ટેસ્ટ મૅચ રમવા જતા! આઝાદી મળ્યા પછીના સમયમાં ક્રિકેટરોને સાવ મામૂલી મહેનતાણું મળતું એટલે આણંદજીભાને ક્રિકેટને ત્યજી પોતાના ખાનદાની વ્યવસાયમાં જોડાવું પડ્યું. ડોસા કુટુંબ શરૂઆતમાં ઘીના વ્યવસાયમાં અને પાછળથી કૉટન જિનિંગ ફૅક્ટરીઓમાં જોડાયું. આણંદજીભા કૉટનના વ્યવસાયમાં જોડાયા. તેમનાં લગ્ન ગુણવંતીબેન સાથે થયાં હતાં. તેમની દીકરીઓ ડૉ. કુંજલતા આસર તથા આર્કિટેક્ટ રંજન ડોસા અમેરિકામાં સ્થાયી થયાં હતાં.

વ્યવસાયની સાથે-સાથે શોખ ખાતર હિન્દુ જિમખાના, જૉલી જિમખાના તરફથી વર્ષો સુધી ક્રિકેટ રમ્યા. તે ઓપનિંગ બૅટ્સમૅન અને મિડિયમ ફાસ્ટ બોલર હતા. ક્યારેક વિકેટકીપિંગ પણ કરી લેતા. ટેસ્ટ ક્રિકેટર અને કૉમેન્ટેટર વિજય મરચંટ તેમના ઘનિષ્ટ મિત્ર હતા. એ જમાનામાં મર્યાદિત ટેસ્ટ ક્રિકેટ રમાતું. ભાટિયા જ્ઞાતિના વિજય મર્ચન્ટે દસ ટેસ્ટ મૅચમાં ત્રણ સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી મારી હતી જેમાં ૧૫૪ રન હાઇએસ્ટ હતા. બીજા વિશ્વયુદ્ધને કારણે તેમનું ટેસ્ટ કરીઅર અધૂરું રહી ગયું, પણ તેમણે છેલ્લી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ દિલ્હી ખાતે ૧૫૪ રન બનાવી ક્રિકેટરસિકોનાં દિલ જીતી લીધાં. રિટાયર થયા પછી વિજય મર્ચન્ટે કૉમેન્ટેટર તરીકે જબરું કાઠું કાઢ્યું હતું. કૉમેન્ટરીમાં તેમના સાથીદાર હતા આંકડાશાસ્ત્રી આણંદજીભા ડોસા.

આ એ જમાનાની વાત છે જ્યારે ભારતમાં ટીવીનું આગમન નહોતું થયું. રેડિયો પર કૉમેન્ટરી સાંભળી ખેલરસિકો આનંદ માણતા. પરદેશમાં રમાતી મૅચોની કૉમેન્ટરી તો ઘણી વાર મૅચના બીજા દિવસે ઑન ઍર થતી છતાં ખેલરસિકો ઉત્સાહથી આનંદ લેતા.

એ જમાનામાં આ કમ્પ્યુટરનું કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું. વિશ્વભરમાં રમાતી મૅચના રેકૉર્ડ અને સ્કોર હાથેથી લખી રાખવા પડતા, ઘણા રેકૉર્ડ્સ તો મગજમાં જ સંઘરાયેલા પડ્યા હોય. કૉમેન્ટેટરને એ આંકડાઓ તાત્કાલિક આપી કૉમેન્ટરીને રોમાંચક બનાવવા આંકડાશાસ્ત્રીનું કાર્ય મહત્ત્વનું રહેતું. ધીરે-ધીરે આંકડાશાસ્ત્રી આણંદજીભાનું નામ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયું. અધધધ થઈ જવાય એવા રેકૉર્ડ્સ પલવારમાં કૉમેન્ટેટરને આપી આણંદજીભા ખૂબ લોકપ્રિય થઈ ગયા હતા. આણંદજીભા મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમ.સી.એ.) જેવી માતબર સંસ્થામાં ઘણાં વર્ષો સુધી મૅનેજિંગ કમિટીમાં હતા. આ સંસ્થાને કારણે ઘણા નામી ટેસ્ટ ક્રિકેટરો ભારતને મળ્યા હતા. ‘ક્રિકેટ ટાઇઝ’, ‘આર્ટ ઑફ સ્કોરિંગ’, ‘દુલીપ’, ‘સી.સી.આઇ. ઍન્ડ બેબ્રોન સ્ટેડિયમ’ જેવાં પુસ્તકો તેમણે લખ્યાં હતાં. બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.)ના સ્ટેટેસ્ટિક કમિટીના ચૅરપર્સન તરીકે વર્ષો સુધી તેમણે સેવા આપી હતી. માધવ મંત્રીથી લઈ સુનીલ ગાવસકર સુધીના ક્રિકેટરો તેમના મિત્ર હતા. દેશ-વિદેશના લેખકોને અચાનક કોઈ રેકૉર્ડ્સ કે સ્કોરના આંકડા જાણવા હોય તો આ કચ્છીમાડુ આણંદજીભાને પૂછે. તેમનું ક્રિકેટનું અથાગ જ્ઞાન અને સ્મરણોને કારણે વિજય મરચન્ટ, સુરેશ સરૈયા, ડીકી રત્નાકર સુધીના કૉમેન્ટરોને આંકડાના ઇતિહાસની માહિતી પૂરી પાડતા. તેઓ અંગ્રેજી, ગુજરાતી અખબારોમાં સતત લખતા. તેમના લેખોથી તેમની કારકિર્દી ઝળહળતી હતી. આયુષ્યની સેન્ચુરી પૂરી કર્યા વગર ૯૯ વર્ષની ઉંમરે ન્યુ યૉર્કમાં દીકરીના ખોળામાં તેમણે દેહ ત્યાગ્યો ત્યારે જાણે આંકડાશાસ્ત્રના માનવકમ્પ્યુટર યુગનો અંત આવ્યો. તેમના ભાઈ પ્રાગજી ડોસાના પૌત્ર હર્ષદભાઈ માધવજી ડોસાએ પ્રખ્યાત આર્કિટેક્ટની સાથે-સાથે લેખનનો વારસો પણ સાચવ્યો છે. હર્ષદભાએ ‘હાફિઝ કૉન્ટ્રૅક્ટર’ પર લખેલું અંગ્રેજી પુસ્તક અત્યારે આર્કિટેક્ટ સર્કલમાં ખૂબ ગાજી રહ્યું છે.

જાણીતા પિચ-ક્યુરેટર નદીમ મેમણના મતે વડીલ આણંદજીભા ડોસાની ક્રિકેટ-સેવાની  સુગંધ કાયમ માટે પ્રસરતી રહે એ માટે તેમના નામે ક્રિકેટ-ટુર્નામેન્ટ શરૂ થાય તો સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.

    સ્પોર્ટ્સ જર્નલિઝમનું અદ્ભુત કચ્છી રત્ન અને કોઈ પણ કાર્ય માટે હા કહેવાની તાસીર ધરાવતા આ કચ્છી માડુને ‘મિડ-ડે’ વતી માનવંદના કરીને હવે ક્રિકેટના બીજા મહારથી નદીમ મેમણની વાત અહીં લખવાનું વચન આપીને વિરમું છું, અસ્તુ.

gujarat kutch columnists vasant maru