આવઈ અષાઢી બીજ કચ્છી નવું વર્ષ અને લાખો ફુલાણી

23 June, 2020 01:00 PM IST  |  Kutch | Vasant Maru

આવઈ અષાઢી બીજ કચ્છી નવું વર્ષ અને લાખો ફુલાણી

અજ આય અષાઢી બીજ વલા,

પાં ગીત મિલણજા ગાઈબો,

અજ આનંધજે હિન ઑચ્છવમેં,

પાં ખિલબો, છિલબો છિલાઇબો.

હિત મૉસમ કૅડ઼ી આય મિઠી,

હુત કુધરત નૅર્યો નાય વિઠી,

હિત-હુતજે હિન વસઁધલ મીં મેં,

પિંઢ ભિજબો બેં કે ભિજાઇબો.

હિત વ્હાલપજા ઐં વ્હાણ વડા,

હુત હુંભજા હેડ઼ાહેડ઼ ગડા,

બખ વિજબો બરસેં બેલીડ઼ા,

સિક કૈક વરેંજી લાઇબો.

થીયૅ માલિકજી હી મૅર ફિરી,

હરસાલ મિલોં પાં હીં જ વરી,

હિન હિલણ - મિલણજે મેડ઼ેમેં,

પાં મિલબો બેં કે મિલાઇબો.

હી ગીત વરી પાં ગાઇબો..

-  ડૉ. વિસન નાગડા

આજે કચ્છી નવું વર્ષ છે. ‘મિડ-ડે’ના સર્વ વાચકોને ‘નયે વરેંજીયુ જેજીયુ જેજીયુ  વધાયું’. દિવાળી પછીના દિવસે શરૂ થતા વિક્રમ સંવતની શરૂઆત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શકો પર વિજય મેળવી ઉજ્જૈન જીતી લીધું એ દિવસથી નવું વર્ષ ગણવાનું શરૂ થયું. વિક્રમ સંવત કારતક મહિનાની પ્રથમ તિથિએ શરૂ થાય અને એનાથી ચાર મહિના પહેલાં અષાઢ સુદ બીજના કચ્છી નવું વર્ષ કચ્છ અને હાલારનાં કેટલાંક ગામોમાં શરૂ થાય છે.

કચ્છી નવું વર્ષ શરૂ થવા માટે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. દરિયામાં ખેપ મારવા ગયેલા કચ્છી ખલાસીઓ, વહાણવટિયાઓ વરસાદ પહેલાંની દરિયામાં આખરી ખેપ મારી અષાઢી બીજે અચૂક પાછા આવે છે. વિશાળ દરિયાનાં તોફાનો અને ચાંચિયાઓના આક્રમણથી બચીને અષાઢી બીજે સાંગોપાંગ ઘરે પાછા આવવાને કારણે ઉત્સવ સાથે કચ્છી નવા વર્ષની શરૂઆત થાય છે.

બીજી એક કથા મુજબ દુકાળને કારણે પોતાનાં પશુધનને બચાવવા કચ્છ છોડી ગયેલા માલધારીઓ સારા વરસાદની આશા સાથે અષાઢી બીજના અચૂક કચ્છ પરત ફરે છે અને અષાઢી બીજને નવા વર્ષ તરીકેની ગણતરી કરી ઉત્સવરૂપે ઊજવે છે.

એવી માન્યતા પણ છે કે પહેલાંના સમયમાં ચોમાસામાં લડાઈઓ બંધ રહેતી એટલે લશ્કરમાં કામ કરતા સૈનિકો અષાઢી બીજના દિવસે વતન પરત ફરતા. જીવતાજાગતા પાછા ફરેલા સૈનિકો પોતાના કુટુંબ સાથે પ્રસંગની ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરતા.

પણ સૌથી વધુ માન્યતા લાખા ફુલાણીની કથાને મળેલ છે. આશરે હજારેક વર્ષ પહેલાં કચ્છ પ્રદેશ પર જામ લાખા ફુલાણીનું રાજ હતું. લાખાબાપુ જેટલા પરાક્રમી અને પ્રતાપી હતા એટલા જ દાનવીર હતા. તેમના માટે કહેવાતું કે લાખાના દરબારમાં તો જાણે કબુડાં (પારેવાં) પણ મોતીનો ચારો ચણે છે. લાખાબાપુ રોજ સવાશેર સોનાનું દાન કરતા.

લાખોભા જ્યારે યુવાન રાજકુમાર હતા ત્યારે એક વાર રાણીઓની કાન ભંભેરણીથી રાજા જામ ફુલાણીએ પોતાના પુત્ર લાખા ફુલાણીને દેશવટાની શિક્ષા કરી. પિતાની આજ્ઞા માથે ચડાવી લાખો ફુલાણી કચ્છ મુલકને રડતા હૃદયે રામ રામ કરી પાટણ તરફ ચાલી ગયા અને પાટણના રાજા સામંતસિંહ ચાવડા પાસે અનેક પરાક્રમો કરી મોભાદાર સ્થાન મેળવીને નામના કમાવી. લાખા ફુલાણીના દેશવટા બાદ કચ્છમાં ઉપરાઉપરી દુષ્કાળ પડવા લાગ્યા. અનાજ વગર મનુષ્ય અને ઘાસ-પાણી વગર ઢોર મૃત્યુ પામવા લાગ્યાં. દુકાળની ચિંતામાં રાજા જામ ફુલાણી મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુના સમાચાર જાણી દુખી હૃદયે લાખો ફુલાણી પાટણથી કચ્છ પાછા ફર્યા. જે દિવસે લાખા ફુલાણી કચ્છ પાછા ફર્યા એ દિવસ અષાઢી બીજનો હતો. લાખા ફુલાણીએ કચ્છમાં પગ મૂકતાં જ ધોધમાર વરસાદનું આગમન થયું એના માનમાં કચ્છી નવા વર્ષની શરૂઆત થઈ.

લાખા ફુલાણી પાટણ પ્રદેશથી એક અનોખા પ્રકારનું ધાન્ય કચ્છ લઈ આવેલા. એ ધાન્યનું નામ હતું ‘બાજરી’! એટલે હજારેક વર્ષ પહેલાં બાજરીનું કચ્છમાં આગમન થયું, પછી તો બાજરીનો ખોરાક કચ્છમાં દૈનિક જીવનમાં વણાઈ ગયો. અષાઢી બીજ કચ્છી નવા વર્ષે કચ્છમાં પધારેલી બાજરીને શુકનવંતી મનાતી. લોકો બાજરીને આયુષ્યના પ્રતીકરૂપે જોવા લાગ્યા એટલે જ મૃત્યુ વખતે કહેવાય છે કે ‘બાજર ખોટી પૈ’ (બાજર (આયુષ્ય) પૂરું થયું) અથવા ‘કેકે ખબર કેતરી બાજર ભાકી આપ’ (કોને ખબર કેટલું આયુષ્ય બાકી છે)!

આમ લાખા ફુલાણીના પુનઃ આગમનથી શરૂ થયેલ કચ્છી નવા વર્ષનો મહિમા અનોખો છે. અષાઢી બીજ એ કુદરત (વરસાદ) અને વતનપ્રેમના પ્રતીકરૂપે મનાય છે. એનો લોકમહિમા વિશ્વભરમાં વસતા કચ્છીઓમાં અનોખો છે. રાજાશાહીના સમયમાં અષાઢી બીજની ઉજવણી ઠાઠમાઠથી થતી. ચંદ્ર દર્શનના સમયે (સાંજે) દરબારગઢમાં કચેરી ભરાતી. ત્યાં રાજા અને પ્રજાનું મિલન થતું. લપઈ (લાપસી)નું ભોજન થતું. કચ્છ રાજ્યની ટંકશાળમાંથી નવો સિક્કો બહાર પડતો. હસ્તલિખિત કચ્છી પંચાંગનું પ્રકાશન થતું.

આજે પણ ખેડૂતવર્ગમાં કચ્છી નવા વર્ષે બળદ અને જમીનના સોદા થાય છે. માલધારીઓ આ દિવસે પશુઓની ખરીદી કરી પૂજન કરે છે. નાળિયેર અને ખડીસાકરનાં પડિકાં સાથે વડીલોને પગે લાગવાનો રિવાજ પણ ક્યાંક-ક્યાંક અમલમાં છે. દરિયાખેડૂઓ દરિયાલાલની પૂજા કરવા કાંઠે જાય છે, પોતાનાં વહાણોને શણગારે છે. વહાણ પર નવા વાવટા કચ્છી નવા વર્ષે ફરકાવાય છે. ગામના પાદરમાં આવેલા પાળિયાને સિંદૂરથી સ્નાન કરાવી પરાક્રમી પૂર્વજોને અંજલિ અપાય છે.

નારાયણ સરોવરમાં આ દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે. કચ્છ અને બહાર વસતા કચ્છીઓનાં ઘરોમાં કુળદેવીની પહેડી (નૈવેદ) અચૂક થાય છે. કોઠારાના જૈન મંદિર (પંચતિથિમાંનું એક દેરાસર), કોટાયના પ્રાચીન શિવમંદિર ઇત્યાદિમાં કચ્છી શિલ્પીઓએ અષાઢી બીજનાં અદ્ભુત શિલ્પો રચ્યાં છે. કચ્છી નવા વર્ષની ઘણી માહિતી ૮૦ વર્ષના ઇતિહાસ વિશારદ પૂજ્ય ઉમિયાશંકર અજાણીદાદા પાસેથી મેળવી શકાય છે.

હાલમાં કોરોનાને કારણે જાહેર સમારોહમાં નોંધનીય કાર્યો કરનારને સન્માનવું શક્ય નથી, પરંતુ ‘મિડ-ડે’એ કચ્છી પ્રજા પ્રત્યેની અનહદ લાગણીને કારણે સારાં કાર્યો કરનારની અહીં નોંધ લઈ અભિવાદન કરે છે. અત્યારે સૌથી વધુ સારાં કાર્ય એટલે કચ્છી કોરોના વૉરિયર્સનું અભિવાદન! મુંબઈમાં અનાજ અને રસકસનો તથા રૅશનિંગનો મોટા ભાગનો વેપાર કચ્છી વેપારીઓનો છે. આ વેપારીઓએ નફા-નુકસાનનો વિચાર કર્યા વગર જાનના જોખમે વિતરણ કાર્ય કરી અનોખા પ્રકારના કોરોના વૉરિયર્સ સાબિત થયા છે. ‘મિડ-ડે’ વતીથી તેમને સલામ!

કચ્છી સેવાભાવીઓએ વિવિધ રીતે સેવાઓ કરી કપરા સમયને સાચવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. કચ્છી નવા વર્ષ પ્રસંગે આવા બહાદુર કોરોના વૉરિયર્સને ‘મિડ-ડે’ વતી સલામ કરી વિરમું છું. અસ્તુ.

saurashtra kutch columnists vasant maru