આહીરોનો એક જ અવાજ : અમારી જમીન આપી દઈશું, અમને નર્મદાનાં પાણી આપો!

17 March, 2020 07:25 PM IST  |  Mumbai | Kishor Vyas

આહીરોનો એક જ અવાજ : અમારી જમીન આપી દઈશું, અમને નર્મદાનાં પાણી આપો!

કચ્છની આહીર પ્રજા એ કચ્છનાં ઘરેણાં સમાન છે. તેમનો મૂળ પહેરવેશ તેમની સ્ત્રીઓએ જાળવી રાખ્યો છે. મોટા ભાગના પુરુષો પણ તેમના મૂળ લિબાસમાં જોવા મળે છે, પરંતુ બદલાતા સમય સાથે તેમનાં વસ્ત્રોનું શહેરીકરણ થઈ ગયું છે. હા, માત્ર વસ્ત્રોનું જ! વજ્ર સમાન છાતી અને ઓછું શિક્ષણ છતાં જાળવી રાખેલાં સંસ્કાર અને પ્રદેશપ્રેમનો જોટો જડે એમ નથી. મૂળ ઉદ્યોગ તો ખેતીનો જ. જમીન પણ પોતાની ખરી, પરંતુ જ્યારથી કચ્છમાં લિગ્નાઇટની ખાણો ખોદાઈ ત્યારથી મોટા ભાગના આહીર લોકોએ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ઝંપલાવ્યું એથી દરેક પાસે એક ટ્રક તો હોવાની જ. કરે પણ શું? પાણીની સમસ્યાના કારણે માત્ર ખેતીવાડી પર ગુજારો થઈ શકે એવું ક્યા રહ્યું!

એ આહીરો થોડા દિવસો પહેલાં સંત દાદા મેકણના સ્થાનક શ્રવણ કાવડિયા ખાતે એકઠા થયા અને એકઅવાજે બોલ્યા કે અમારી જમીનો અમે આપી દેવા તૈયાર છીએ, પણ અમને નર્મદાનાં નીર આપો. આ બિનરાજકીય મિલનને હરિભાઈ, શિવજીભાઈ, છગનભાઈ અને વેલજીભાઈ જેવા વીર આહીરોએ સૌમાટે પ્રેરક બનાવ્યું. ના, માત્ર આહીર જ નહોતા એ સભામાં, આહીર પટ્ટીના સર્વ ધર્મના લોકો પણ હતા. એમાં એક ભૂદેવ રણછોડ મા’રાજ પણ હતા જેમની પાસે માત્ર પાંચ એકર જમીન છે. તેમણે ગળગળા અવાજે કહ્યું કે ‘હું મારી પાંચેપાંચ એકર જમીન આપી દેવા તૈયાર છું, પણ અમારા વિસ્તારમાં નર્મદાનાં પાણી સરકાર આપે!’ આવા આર્તનાદ પાછળ ઘણાં કારણોમાંનું મહત્ત્વનું કારણ એ છે કે ‘આ લોકો પોતાની જમીન નર્મદા યોજના માટે આપતા નથી’ એમ કહીને તેમને બદનામ કરવામાં આવ્યા હોવાનું તેમને ખૂબ દુઃખ લાગ્યું છે. બીજું મહત્ત્વનું કારણ એ પણ છે કે આ વિસ્તારમાંથી નર્મદા કૅનલ પસાર કરવાના ખર્ચ પેટેના ૬૦૦ કરોડ રૂપિયા વણવાપર્યા પાછા ગયા હોવાનું તેઓ જાણે છે અને હવે જ્યારે ફરી ૧૦૮૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાની તેમને જાણ થતાં તેમનું લોહી ઊકળી ઊઠ્યું છે અને સરકાર જે ભાવે જમીન સંપાદન કરે એ ભાવે પોતાની જમીનો આપવા તૈયાર હોવાનું કોઈ પણ રાજકીય નેતાગીરીને સામેલ કર્યા વગર જાહેરમાં કર્યું છે. તેમનો એક જ સૂર પડઘાતો હતો કે અધિકારીઓ ખેડૂતો અને સરકાર બન્નેને ગેરમાર્ગે દોરતા રહ્યા છે!

તેમણે એ પણ જોયું છે કે વાગડ વિસ્તારના ખેડૂતોને નર્મદા કૅનલનો કેટલો સારો લાભ મળી રહ્યો છે. એ અલગ વાત છે કે કૅનલને કિનારે હજારો મશીન પંપ લગાડીને પાણી ખેંચવામાં આવી રહ્યું છે. એ લોકો પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે. એ લોકો સ્વયં શિસ્ત જાળવે અને વહીવટી તંત્ર થોડું જાગે તો પાણી અવરોધાતું અટકશે અને કૅનલ તૂટવાનો ભય ઓછો થશે. કૅનલથી એ સિવાય પણ થનારા લાભનો એ સભામાં હાજર તમામ આહીરો અને અન્ય લોકોને પૂરેપૂરી જાણ હતી!

૨૦૦૯માં કીર્તિભાઈ ખત્રીએ લખ્યું હતું કે ‘કચ્છમાં નર્મદાનું અવતરણ થયું ત્યારે એમ લાગ્યું હતું કે મેઘરાજા ઉપરાંત હવે કચ્છના ભાગ્યવિધાતાના સ્વરૂપમાં નર્મદાનું અવતરણ થયું છે. થોડાં વર્ષો વિત્યાં ત્યારે સમજાયું કે પાણી કચ્છ સુધી પહોંચ્યાં તો ખરાં, પણ એની વિતરણવ્યવસ્થા, થતી પાણીની ચોરી અને ઔદ્યોગિક એકમોની જરૂરિયાતને અગ્રતા અપાતી હોવાના કારણે વ્યવસ્થા ખોરવાતી રહી છે, લંગડાઈ રહી છે! સોનેરી સપનાં જેવી યોજના માનવીએ અપંગ બનાવી દીધી છે.’

આજે પણ આટલાં વર્ષો વિત્યાં પછી પરિસ્થિતિમાં કોઈ જ ફેર નથી પડ્યો. રાપર અને ભચાઉ વિસ્તારોને બાદ કરતાં કચ્છના મોટા ભાગના વિસ્તારોને નર્મદાનું પાણી જોઈતા પ્રમાણમાં નથી પહોંચતું. જે અપાય છે એ નર્મદાનાં નીરમાં સ્થાનિક પાણીના સ્રોતને જોડીને અપાય છે. પરિણામે પીવાના કે પિયત માટેનાં પાણીની કાયમ અછત રહે છે. અરે! નર્મદાનાં પાણી તો પાછાં અઠવાડિયામાં બે વખત પણ માંડ આવે છે. હજારો કરોડ રૂપિયા ખર્ચાયા પછી પણ કચ્છની હાલત તો દયનીય જ રહી છે!
અતિ મહત્ત્વાકાંક્ષી યોજનાની વ્યવસ્થામાં જ અરાજકતા છે. નર્મદા નિગમે પાણીની ફાળવણીની જવાબદારી પાણીપુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડને સોંપીને હાથ ઊંચા કરી દીધા છે. એ બોર્ડે વળી એ કામ વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને સોંપી દીધું છે. જા બિલ્લી મોભામોભ! જેમણે નર્મદાનાં પાણી પર ભરોસો કર્યો હતો તેમણે નવા બોર ઊભા કરવાનું છોડી દીધું હતું અને આટલાં વરસો વિત્યાં પછી ફરી પાણીના સંગ્રહ માટે એજ જૂના સૉર્સ, બોર ખોદવાના દિવસો કચ્છના ખેડૂતો માટે આવી ગયા છે. એ લોકોને એવું જ લાગી રહ્યું છે કે નર્મદાનાં પાણી આવશે એવો વિશ્વાસ રાખીને તેમણે ભૂલ કરી છે. બાકી, કચ્છમાં જૂથ પાણીપુરવઠા યોજનામાંથી ભલે ઓછું પણ નિયમિત રીતે પાણી મળતું હતું! ઉપરાછાપરી પડેલા દુષ્કાળમાં પણ પાણીની હાડમારી ભોગવવી નહોતી પડતી. હવે તો, સરકાર પણ કહેતી થઈ ગઈ છે કે નવા બોર ખોદવા સહિતના નવા સ્રોત ઊભા કરો અને પાણીનો સંગ્રહ કરો. તો શું ગુજરાત સરકાર પીવા અને પિયત માટે નર્મદાનાં નીર પૂરાં પાડવાની જવાબદારીમાંથી છટકવા તો નથી માગતીને?
એક તો, ભૂગર્ભ જળની તંગી વર્તાય છે અને એમાં પણ ભૂગર્ભ જળ બેફામ રીતે ઉલેચાયા કરશે તો કચ્છના લોકોને માથે હાથ મૂકીને રોવાનો જ સમય આવશે. અત્યારે એક અંદાજ મુજબ કચ્છની પ્રજાની પીવાના પાણીની રોજની જરૂરિયાત ૧૫ કરોડ ‌લિટરની છે અને ઉદ્યોગની જરૂરિયાત રોજની ૪૫ કરોડ લિટરની છે. નર્મદાનાં પાણી માત્ર ૧૬થી ૨૦ કરોડ લિટર મળે છે. એનો અર્થ એવો થયો કે કચ્છમાં રોજ ૪૦ કરોડથી વધારે લિટર પાણી ભૂગર્ભમાંથી ઉલેચાય છે. ઉદ્યોગો માટે ભૂગર્ભ સિવાયના જળના વિકલ્પની સરકારી, અર્ધસરકારી કે સંસ્થાકીય વાતો આજ દિવસ સુધી માત્ર કાગળ પર જ રહી હોય એવું લાગ્યા વગર રહેતું નથી.
કચ્છની આ સ્થિતિ ખરેખર તો ૧૮૧૯ની સાલથી ઊભી થઈ હોવાની ધારણા બાંધી શકાય, કારણ કે ૧૮૧૯ની ૧૬ જૂને આવેલા ભીષણ ભૂકંપના કારણે લખપત વિસ્તારમાં આવેલી ‘કોરી ખાડી’ પાસે સિંધુ નદીનું પાણી આવતું હતું, એ પાણીની આવવાની જગ્યાએ ધરતીકંપના કારણે પાતાળની જમીન ઊંચી આવી ગઈ અને એ પાણી આવતું અટકી ગયું છે. કુદરતે જ એક બંધ ઊભો કરતાં એ ‘અલ્લાહ બંધ’ તરીકે ઓળખાય છે. એ પાણી પર કચ્છનો અધિકાર છે, પણ સરકારને કયો ‘બંધ’ આડે આવે છે એ સમજાતું નથી!

આવી સ્થિતિમાં વળી એક નવી વાત પણ પ્રસરી છે કે ખેડૂતો હવે ખારાં પાણીમાં પણ ભરપૂર પાક પેદા કરી શકશે! એ હકીકત છે કે ભૂકંપ પછી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે, પાણી ક્યાંક તુરુ તો ક્યાંક ઓછું મીઠું જોવા મળે છે. અહીં જર્મન ટેક્નૉલૉજીનો હવાલો આપીને એમ કહેવામાં આવી રહ્યું છે કે એ ટેક્નૉલૉજીવાળા મશીનના ઉપયોગથી પાણીની ‘ફિઝિકલ ટ્રીટમેન્ટ’ એવી રીતે થાય છે કે એનું ‘લિનિયર ફોર્મ’માં રૂપાંતર શક્ય બને છે. ખેડૂતો એ ટ્રીટમેન્ટ દ્વારા ખાતર પણ ઓછું વાપરે તો પણ ખેતપેદાશમાં વધારો થઈ શકે. એટલું જ નહીં, પીવાના પાણીમાં પણ ૪૦ ટકા જેટલો સુધારો થઈ શકે છે. જે ખેડૂતો ડ્રીપ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને એમાં પણ ક્ષાર ભરાઈ જાય છે એ પણ જર્મન ટેક્નૉલૉજીવાળા મશીન બેસાડવાથી દૂર થઈ જાય છે અને ખેતપેદાશ તેમ જ જમીન પણ સુધરી જાય છે. એ કોઈ ‘આર.ઓ. પ્લાન્ટ’ નથી છતાં પણ ઘરમાં વપરાતા પાણી માટે પણ એને આદર્શરૂપ ગણવામાં આવે છે. આ પ્રયોગ દેશમાં કે ગુજરાતમાં કયા હાથ ધરાયો છે એની માહિતી મેળવવી જરૂરી છે અને એનો પ્રયોગ કેટલો સફળ થયો છે એ જાણવું પણ એનાથી વધારે જરૂરી છે. જોકે કચ્છનો ખેડૂત માત્ર સરકારની વાતોમાં જ આવી જાય, બાકી તો તેલ જુએ અને તેલની ધાર પણ જુએ! મારી ધરાને રક્ષજે પ્રભુ!

columnists kishor vyas kutch