ગાંડા બાવળના ભરડામાં ભીંસાતું કચ્છ

17 March, 2020 07:09 PM IST  |  Mumbai | Mavji Maheshwari

ગાંડા બાવળના ભરડામાં ભીંસાતું કચ્છ

ભૂકંપ સમયે કચ્છની મુલાકાતે આવેલા તત્કાલીન ગૃહપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસે હેલિકૉપ્ટરમાથી કચ્છની જમીન પર દેખાતી હરિયાળી જોઈને સાથે બેઠેલા કચ્છના પત્રકારને કહેલું કે – કચ્છ સુક્કો પ્રદેશ છે એવું સાંભળ્યું છે. અહીં તો ચોમેર હરિયાળી દેખાઈ રહી છે. કચ્છના પત્રકાર એમને માંડ સમજાવી શકેલા કે જે હરિયાળી દેખાય છે તે બિનઉપયોગી ગાંડો બાવળ છે. ગુજરાતમાં ગાંડા બાવળ તરીકે કુખ્યાત થઈ ગયેલા કાંટાળા વૃક્ષે એવો તો ભરડો લીધો છે કે એનાથી મુક્તિ કેમ મેળવવી એનો ઉકેલ ન તો સરકાર પાસે છે ન લોકો પાસે. કચ્છના રણને આગળ વધતું અટકાવવાના પ્રયાસરૂપે વવાયેલા આ બાવળના વનસ્પતિક ગુણો હશે, પણ એનું પ્રત્યક્ષ નુકસાન અવગણી ન શકાય એટલું છે.

ભારતની આઝાદી પહેલાં અંગ્રેજોએ જ્યારે Prosopis juliflora (પ્રોસોપીસ જુલીફ્લોરા) નામની બાવળની એક જાતને કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવવાનું નક્કી કરેલું ત્યારે કચ્છના અને મોરબીના રાજાઓએ એવું જણાવીને વાવવા ન દીધું કે એ વનસ્પતિ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અનુકૂળ નથી. પરંતુ ૧૯૬૦માં ભારતમાં કાયદેસર આ વૃક્ષને વાવવામાં આવ્યું. જેને ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું. કોઈ કારણસર એ વૃક્ષના બી ઊગ્યાં નહીં. રણ વિસ્તારને આગળ વધતો અટકાવવા ૧૯૭૧માં કચ્છના ગ્રેટર રણ અને બન્ની વિસ્તારમાં ઇન્દિરા ગાંધીની સરકારે હેલિકૉપ્ટરથી એનાં બીનો છંટકાવ કર્યો. ત્યારથી કચ્છના વનસ્પતિ જગતમાં આ બાવળે પગપેસારો કર્યો. હિન્દી ભાષામાં અંગ્રેજી બબુલ, વિલાયતી કીકર અને વિલાયતી ખેજરા કહેવાતા આ વૃક્ષને ગુજરાતની બોલચાલની ભાષામાં ગાંડો બાવળ કહેવાય છે. આ વનસ્પતિએ છેલ્લી અર્ધી સદીમાં કચ્છને ચોમેરથી એવો તો ભરડો લીધો છે કે આ વૃક્ષ હવે અળખામણું બની ગયું છે.

જોકે એ હકીકત છે કે આ બાવળ રણને આગળ વધતું અટકાવી શકે છે. વળી તે ઓછા વરસાદવાળા પ્રદેશમાં પણ અસ્તિત્વ ટકાવી શકે છે. મધ્ય અમેરિકા અને કેરેબિયન ટાપુઓના મૂળ નિવાસી ગાંડા બાવળને ભારતમાં લાવવાનું અંગ્રેજ સરકારનું પ્રયોજન જુદું હતું. ભારતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં લાકડું મળી રહે અને જમીનનું ધોવાણ અટકે એ હેતુથી અંગ્રેજો ભારતમાં આ વૃક્ષનાં બી લાવ્યા હતા. કપાયા પછી તેની ઝડપથી ફૂટવાની શક્તિ અન્ય વૃક્ષો કરતાં વધારે હોય છે. વાસ્તવમાં ઑસ્ટ્રેલિયામાં આ બાવળની સફળતા જોઈને કંપની સરકારે તેને ભારતમાં લાવવાનું મુનાસીબ માન્યું હતું, પરંતુ ગાંડા બાવળને કારણે કચ્છની સ્થિતિ વિચિત્ર થઈ છે. કચ્છનું હવામાન આ વૃક્ષને એટલું માફક આવી ગયું છે કે આખાય કચ્છમાં આ વૃક્ષ ફેલાઈ ચૂક્યું છે. હવે તેનાથી ફાયદા કરતાં વધારે નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં કચ્છની જૈવ સંપત્તિ, પાણીનાં વહેણો અને કચ્છની મૂળ વનસ્પતિને નુકસાન થઈ રહ્યું છે. ૧૯૬૦ પહેલાં કચ્છમાં દેશી બાવળ અને ખીજડાના પુષ્કળ વૃક્ષો હતાં. ૧૯૬૦થી ૮૦ વચ્ચે પડેલાં દુષ્કાળોમાં સંખ્યાબંધ વૃક્ષો કપાઈ ગયાં. ગુજરાતના વન વિભાગે કચ્છની આબોહવાને માફક આવે એવાં વૃક્ષો વધુ વાવ્યાં નહીં. પરિણામે ખુલ્લી જમીનમાં ગાંડા બાવળને ફેલાવા માટે પૂરતો અવકાશ મળ્યો. ગાંડો બાવળ કાઢવા માટે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં કોલસો બનાવવાની મંજૂરી આપી હતી. આખાય કચ્છમાં કોલસો બનાવવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલી. સરવાળે ગાંડો બાવળ તો ન ઘટ્યો, પણ કોલસો બનાવનારાઓએ અન્ય મીઠાં વૃક્ષોનો સોથ વાળી દીધો. આ બાવળ વૃક્ષ નહીં પણ ક્ષુપ પ્રકારની વનસ્પતિ હોવાથી કોલસો બનાવનારા તેને જમીનસરસું કાપતા એટલે તેની અનેક શાખાઓ જમીનમાંથી ફૂટી નીકળતી. કચ્છમાં કોલસા બનાવવાનું શરૂ તો કરવામાં આવ્યું, પણ કચ્છના ઘાસિયા મેદાનો એવા બન્ની વિસ્તાર, જ્યાં રોજગારીની પણ જરૂર હતી ત્યાં મંજૂરી આપવામાં આવી નહીં. બન્નીમાં બાવળનું જંગલ ફેલાયેલું છે પણ બન્ની વિસ્તારને મહેસૂલી દરજ્જો ન મળવાને કારણે મંજૂરી ઘોંચમાં પડી, પરંતુ કોલસાના ધંધામાં નાણાંની રેલમછેલ જોઈ ગયેલા લોકોએ મંજૂરી વગર જ કોલસો બનાવવા માંડ્યો હતો. બન્ની વિસ્તારમાં કોલસો બનાવવાનો કાળો કારોબાર થવાના બનાવ પણ અખબારોના પાને ચમક્યા. જોકે પાછળથી મંજૂરી મળી હતી પરંતુ એ પહેલાં કેટલુંય રંધાઈ અને પીરસાઈ ગયું હતું. ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાની સરકારની યોજનાથી કચ્છમાં અમુક લોકોને થોડો સમય રોજી જરૂર મળી, પણ ગાંડો બાવળ કચ્છમાં જેમનો તેમ ઊભો છે. ચર્ચા તો એવી પણ થયા કરે છે કે કચ્છને આકાશમાંથી ગ્રીનરી બતાવવી હોય તો એક જ ઉપાય છે ગાંડો બાવળ. માટે જ તેને જડમૂળથી કાઢવાના સઘન પ્રયત્નો થતાં નથી. હવે લોકો ગાંડા બાવળની ફરિયાદ કરતા નથી પણ જીવ જરૂર બાળે છે. ખેતી અને જમીનના જાણકારો જાણે છે કે ગાંડો બાવળ ભાથામાંથી નીકળી ગયેલું તીર છે, જે પાછું વળી શકે તેમ નથી. 

ગાંડો બાવળ નુકસાન જ કરે છે તેવી માન્યતાને વૈજ્ઞાનિક રીતે ખોટી ઠરાવાના પ્રયત્નો જરૂર સફળ થયા છે. આમ તો કોઈ પણ વનસ્પતિ બિનજરૂરી કે ગુણરહિત ન હોય, પરંતુ કચ્છની જમીન, વરસાદનું પ્રમાણ, હવામાન અને તેની ભૂગોળને કારણે કચ્છમાં ગાંડો બાવળ કોઈ રીતે હિતકારક નથી. કચ્છમાં ગાંડા બાવળની સરખામણીમાં એવાં કેટલાંય વૃક્ષો છે જે ઓછા વરસાદમાં પાંગરી શકે અને પર્યાવરણ અને વનસંપદાની રીતે ઉપયોગી નીવડે તેમ છે. સંશોધનો દર્શાવે છે કે જ્યારે ઉનાળો આવે છે ત્યારે દેશી બાવળ પોતાના પાંદડાં ખેરવી સુસુપ્ત અવસ્થામાં ચાલ્યું જાય છે જેથી તેને ઓછા પાણીની જરૂર પડે છે. જ્યારે ગાંડો બાવળ બારેય મહિના પાણી ચૂસે છે. જમીનમાંથી ભેજ ઘટી જવા માટે ગાંડો બાવળ જવાબદાર છે. ગાંડા બાવળને કારણે પશુઓના ચરિયાણ માટેની ખુલ્લી જમીન ઢંકાઈ જવાથી કુદરતી ઉગતા ઘાસનો જથ્થો ઓછો થઈ ગયો છે. કચ્છની નદીઓ અને અન્ય કુદરતી પાણીનાં વહેણો પણ આ બાવળથી ઘેરાઈ ગયા છે જેથી કુદરતી રીતે વહેતું પાણી અવરોધાય છે અને જમીનના સેન્દ્રીય તત્વોનાં સ્થળાંતરની પ્રક્રિયા ધીમી પડી છે. જેટલા વિસ્તારોમાં ગાંડો બાવળ છવાઈ જાય છે ત્યાં જમીન સખત થઈ જાય છે એટલે કુદરતી વેલી-વેલાઓને પાંગરવાની જગ્યા નથી મળતી. આ બાવળની ફળીઓનો ગર્ભ પશુઓ માટે ઉપયોગી તો છે, પરંતુ ફળીમાં રહેલાં તેનાં બી એટલા સખત અને લીસ્સાં હોય છે કે ક્યારેક દાઢમાં બી ફસાઈ જવાને કારણે પશુઓ દાઢ ગુમાવી બેસે છે. કચ્છના સાગરકાંઠે અને આંતરરાષ્ટ્રીય સીમા પર ગાંડા બાવળના જંગલ દેશવિરોધી તત્ત્વોને સંતાવાની જગ્યા બની રહે છે. સુરક્ષાની દષ્ટિએ પણ આ બાવળ હવે કચ્છમાં જોખમી બનતો જાય છે.

કચ્છના મૂળ જંગલી વૃક્ષો જેવાં કે દેશી બાવળ, ખીજડો, ખેર, ગુગળ, પીલુડી, કઈ, આવળ, હરુ, થોર, ખાખરા કે અંગારિયાનું પ્રમાણ છેલ્લા બે દાયકામાં ભયજનક રીતે ઘટી ગયું છે. ગાંડા બાવળના વિસ્તરતાં જંગલોને કારણે કચ્છનાં મૂળ વૃક્ષો પાંગરતાં નથી, પરિણામે ગુંદર મળવું ઓછું થતું જાય છે. કચ્છના અબડાસા, નખત્રાણા, વાગડ વગેરે વિસ્તારોમાં એક સમયે કુદરતી મધનું પ્રમાણ વિશેષ હતું. ફૂલવાળાં વૃક્ષો ઓછાં થવાથી હવે મધની આવક પણ ઘટતી જાય છે. કચ્છનું વનખાતું કચ્છની આબોહવામાં સરળતાથી પાંગરે એવાં વૃક્ષો વધુ વાવે તો પણ ગાંડા બાવળનું અતિક્રમણ ઘટી શકે એમ છે. જંગલ ખાતાની રખાલોમાં સદાપર્ણ વૃક્ષો ઉગાડવાની જરૂર છે. ધોરીમાર્ગોની સમાંતરે ખાખરા કૂળના અને પીંપળ જેવાં વૃક્ષો પણ વાવવાની જરૂર જણાય છે. કચ્છમાં શીમળો, અર્જુન, શિરીષ, મહુડો જેવાં વૃક્ષો પણ નથી અને વનખાતાએ હજુ એ દિશામાં વિચાર્યું નથી. ગાંડા બાવળને નિર્મૂળ ન કરી શકાય પરંતુ અંકુશમાં જરૂર લાવી શકાય જો અન્ય વૃક્ષો જંગલ વિસ્તારમાં વાવવામાં આવે. આપણે ત્યાં દૂરોગામી અસરોને સમજ્યા વિના વિદેશી કૂળના વૃક્ષો વાવી નખાય છે અને પરિણામે પર્યાવરણને હાનિ પહોંચે છે, જે ગાંડા બાવળે સાબિત કર્યું છે.

columnists mavji maheshwari kutch