ત્ર્યંબકેશ્વર મહાદેવ અને રામચરણ ધૂલી ધન્યા ધ્રબુડી

20 August, 2019 04:23 PM IST  |  કચ્છ | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

ત્ર્યંબકેશ્વર મહાદેવ અને રામચરણ ધૂલી ધન્યા ધ્રબુડી

ધ્રબુડી

શિવની ઉપાસના આદિકાળથી વિભિન્ન સ્વરૂપોમાં પ્રચલિત છે. તમામ દેવી–દેવતાઓથી અલગ અને વિશિષ્ટ હોવાથી જ કદાચ ભગવાન શિવ ‘મહાદેવ’ના નામથી પૂજાય છે. તેમની ઉપાસના સર્વત્ર વ્યાપક છે. પરિણામે શિવાલયોની શ્રુંખલા એને પ્રગટ કરે છે. ભારત દેશમાં એવાં કેટલાંક પુણ્ય ક્ષેત્રો છે જ્યાં શિવની ઉપાસના અત્યાધિક અને ચરમ ઉત્કર્ષ પર રહી છે. દેવો પણ જેને પૂજે છે એ કૈલાસ પર્વત પર સમાધિમાં ડૂબેલા એકાંતપ્રિય દેવતા શિવ જેવો કોઈ દેવ નથી એવું ભક્તો શ્રદ્ધાપૂર્વક માને છે. શિવને ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને માલવાની પુણ્ય ધરા ગમી છે. ગુજરાતની પુણ્ય ધરામાં કચ્છ અત્યંત મહત્ત્વ ધરાવે છે. એ જ કારણ છે કે એ બધા પ્રદેશોમાં અદ્ભુત મહત્ત્વ ધરાવતાં શિવ મંદિરો છે જેને પ્રાચીન કાળ સાથે સંબંધ છે.

‘શંકરયંબક્મ મુંડમાલમ શિવમ,
આશુતોષમ ભવમ નીલકંઠ હરમ,
શશિધર શૂલીનમ શૈલજા વલ્લભમ,
પાર્વતી નાયકમ ભાલચંદ્ર ભજે’

આમ તો કહેવાય છે કે ‘કંકર કંકરમાં શંકર’ અને એમાં પણ ઘણી જગ્યાએ શિવને જાતે પ્રગટ થવું હોય છે. એ કઈ રીતે પ્રગટ થયા હોય છે એ કથાઓના કારણે તેમના પ્રાગટ્ય સ્થળનો મહિમા વિશિષ્ટ બની જાય છે. કચ્છમાં એવાં ઘણાં મંદિરો છે જ્યાં શિવ પોતાની ઇચ્છાથી પ્રગટ થયા છે તો ક્યાંક ભક્તોની ઇચ્છા પૂરી કરવા લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. એમાંનાં બે સ્થળોની વાત કરીએ તો એમાં માંડવીની નજીક આવેલા ધ્રબુડી ખાતે ભક્તની ઇચ્છા પૂરી કરવા ભગવાન શ્રીરામે દરમ્યાનગીરી કરીને મહારાષ્ટ્રમાં નાશિક ખાતે આવેલા યંબકેશ્વર મહાદેવને પધારવું પડ્યું છે, જ્યારે કોટડા-રોહા ખાતે ભોળાનાથને જાતે ત્યાં પ્રગટ થવાનું મન થયું અને કોટડાની નાની ટેકરી પર આવીને વસવાટ કર્યો છે !

સંત અને સૂરાઓની ભૂમિ ગણાતા કચ્છમાં પાટનગર ભુજથી બાવન કિલોમીટર દૂર આવેલું ગામ કોટડા-રોહા અને ત્યાં આવેલું પવિત્ર સ્થાન એટલે સન મહાદેવનું મંદિર. ‘સન’ એટલે ઝરણું. ખળખળ વહેતા આ ઝરણાને અડીને થઈ છે ‘સન મહાદેવ’ની ઉત્પિત્ત ! તેમના પ્રાદુર્ભાવની કથા પણ શિવભક્તિના ઝરણા સમાન છે !

કોટડા ગામના અગ્રણી અને શિવભક્ત મનજીભાઈ કોઠારીની ગાય બીજી ગાયો સાથે ધણમાં ચારો ચરવા જતી હતી. સાંજ પડ્યે એ ગાયોનું ધણ ગામમાં પાછું ફરતું અને બધી ગાયો પોતપોતાના ઘરે ચાલી જતી. જ્યારે ગાયોને દોહવાનો સમય થતો ત્યારે મનજીભાઈની ગાય દરરોજ ઓછું દૂધ આપતી! આવું ઘણા દિવસો ચાલ્યું પછી તે પરિવારે ગાયોના ગોવાળને ફરિયાદ કરી કે આવું કેમ થાય છે ? ગોવાળને પણ આશ્ચર્ય થયું ! બીજા દિવસે તેણે મનજીભાઈની ગાય પર ચાંપતી નજર રાખી તો ગોવાળને એક ચમત્કારિક દૃશ્ય જોવા મળ્યું. એક ટેકરી પર ગૌધૂલી સમય પહેલાં એ ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને તેનું દૂધ આંચળમાંથી આપોઆપ ધરા બનીને વહેવા લાગ્યું ! તેણે મનજીભાઈને એ ઘટનાની વાત કરી તો તેમણે પણ ખૂબ આશ્ચર્ય થયું.

બીજા દિવસે બધા એ સમયે પેલી ટેકરી પર પહોંચી ગયા. ગાયને દૂધનો અભિષેક કરતા જોઈને સૌ વિમાસણમાં પડી ગયા. આ તો, આધ્યાત્મિક કૌતુક હતું ! શાસ્ત્રીઓની સલાહ લેવામાં આવી ત્યારે એવું તારણ નીકળ્યું કે જ્યાં ગાય ઊભી રહી જાય છે ત્યાં જરૂર કંઈક હોવું જોઈએ. એ સ્થળની સાફસૂફી કરવામાં આવી, ત્યાં લીલાછમ પાંદડાં હતાં એ ખસેડવામાં આવ્યાં તો નીચેથી શિવલિંગ પ્રગટ થયું. શિવલિંગનાં દર્શન થતાં બધા ખુશ થયા, ધન્યતા અનુભવી અને એ જગ્યાએ શિવમંદિર બાંધવાનું નક્કી થયું. એ મંદિર એટલે ‘સન મહાદેવ’નું મંદિર !

સંવત ૧૮૮૨ના વૈશાખ સુદ પાંચમના દિવસે મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો જે ૧૫ દિવસ ચાલ્યો હતો. ૭૦થી વધારે વિદ્વાન પંડિતોને ભુજ, મુંબઈ અને બનારસથી નોતરવામાં આવ્યા હતા. ૧૫ દિવસ ગામમાં ‘ધૂંવા બંધ’ અને એ ૧૫ દિવસ ચાલેલા યજ્ઞના દિવસો દરમ્યાન ગામ અને આસપાસના વિસ્તારમાં એક પણ મરણ નહોતું થયું એવી મહાદેવની કૃપા રહી હતી.

યાત્રાધામ તરીકે વિકસાવી શકાય એવા એ રમણિય સ્થળે મહાદેવના મંદિરની પાસે ગૌમુખી અને જમના મુખી એમ બે કુંડ બાંધવામાં આવ્યાં છે તથા યાત્રાળુઓ માટે રહેવા-જમવાની સગવડ પણ ઊભી કરવામાં આવી છે. એ મનજીભાઈએ ભગવાન શિવને તેમના મુંબઈ ખાતેના સૂકામેવાના વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યા અને જીવ્યા ત્યાં સુધી મંદિરને વધુમાં વધુ પૂજનીય બનાવ્યું ! આજે પણ મસ્જિદ બંદર, મુંબઈ ખાતે તેમના વારસદારો એ જ રીતે વ્યવસાય કરી રહ્યા છે.

‘માંડી મેં તો દુકાન, વેપાર શંભુના નામનો,
આવો, ગ્રાહક ગુણવાન વેપાર શંભુના નામનો !’

માંડવીથી ખૂબ નજીક આવેલું ધ્રબુડી એક તીર્થધામ છે અને એનો મહિમા પૌરાણિક છે. દર્ભ નામનું એક અણીદાર ઘાસને ધ્રબ પણ કહેવાય છે. એ ઘાસ પૂજામાં જ ઉપયોગમાં લેવાય છે. એ ધ્રબ ઘાસવાળી ભૂમિ એટલે ધ્રબુડી. આવા નામાભિધાન પાછળ પણ એક કથા છે. વશિષ્ઠ પુરાણના ૩૧મા અધ્યાયના પાના ક્રમાંક ૬૯૪ પર આ તીર્થધામની ખ્યાતિની વિગતો મળી રહે છે. એ મુજબ, ત્રેતા યુગમાં ૮૮૦૦૦ ઋષિ-મુનિઓ અહીં પધાર્યા હતા અને તેમની એવી ઇચ્છા હતી કે જ્યારે સોમવતી અમાસ તેમ જ બુદ્ધ અષ્ટમી જેવા પવિત્ર તિથિ દિન આવે ત્યારે તપ શરૂ કરવું. તપ કરવા માટે તેમણે ધ્રબુડીની ભૂમિ જ પસંદ કરી. ફરી જ્યારે સોમવતી અમાસ અને બુદ્ધ આઠમ આવે ત્યાં સુધી તપ કરવું એવું ઋષિ સમુદાયે નક્કી કર્યું. મહાત્મા ભૃગુ ઋષિએ પોતાના તપોબળથી એ તીર્થ સ્થાન પર તપ કરવાનું નક્કી કર્યું હતું. એ તપસ્યા હજારો વર્ષ ચાલી હોવાનું કહેવાય છે.

ઋષિ-મુનિઓ દ્વારા તપ ચાલુ હતું પણ તપસ્યાની પૂર્ણાહૂતિ કરવા માટે જોઈતા દિવસો, સોમવતી અમાસ અને બુદ્ધ આઠમ જેવા પુણ્ય પવિત્ર દિવસો આવ્યા જ નહીં એથી તેમની તપસ્યા વધુ ઉગ્ર બનતી ગઈ. એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે ત્રેતા યુગમાં એ પવિત્ર દિવસો વરસોનાં વહાણાં વહી જતાં પણ ભાગ્યે જ આવતા. ઋષિ-મુનિઓની તપસ્યા દરમ્યાન એક ઋષિને અંતરથી યંબકેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગની યાત્રાએ જવાની અદમ્ય ઇચ્છા થઈ. તેમણે સૌને એ વાત કરી, પણ જ્યાં સુધી તપસ્યાની પૂર્ણાહૂતિ ન થાય ત્યાં સુધી જ્યોતિર્લિંગનાં દર્શન કરવા જઈ શકાય એમ નહોતું. ઇચ્છા દબાવીને તેમણે તપ ચાલુ જ રાખ્યું. આમ હજારો વર્ષ સુધી કઠોર તપસ્યાના કારણે તેમના શરીર પર માટીના થર વળી ગયા અને એના પર ધ્રબનું ઘાસ ઊગી નીકળ્યું !

આમ તેમની તપસ્યા ચાલુ હતી એ દરમ્યાન રામાવતાર થઈ ચૂક્યો હતો. ભગવાન શ્રીરામ રાવણ સાથેના યુદ્ધમાં વિજયી થઈ પાછા અયોધ્યા પધારી ચૂક્યા હતા અને રાજ્યાભિષેક પણ થઈ ગયો હતો. લાંબો સમય વીત્યા પછી શ્રીરામને એવો વિચાર આવ્યો કે લંકાના યુદ્ધ દરમ્યાન ઘણા જીવોનો સંહાર થયો છે એથી એના પ્રાયશ્ચિતરૂપે પવિત્ર અને મહાન તીર્થધામોની યાત્રા કરવી જોઈએ. એ સંકલ્પને મૂર્તિમંત કરવા તેઓ સીતાજી અને લક્ષ્મણને સાથે લઈ યાત્રાએ નીકળ્યા.

યાત્રા ભ્રમણ કરતાં-કરતાં તેઓ હાલના માતાના મઢની ભૂમિ પર પધાર્યા. એ વખતે મઢ નહોતો, પરંતુ આદ્યશક્તિ મહિષાસૂરનો વધ કરી એ સ્થળે ભૂમિગ્રસ્ત થયાં હતાં. એ પવિત્ર જગ્યા હોવાથી શ્રીરામે ત્યાં રાતવાસો કર્યો હતો. એ ભૂમિ પર રામે ભ્રમણ કરતાં ત્યાંથી થોડે દૂર મઢની દક્ષિણે હાલના અબડાસા તાલુકામાં તેમના પાવન પગલે ‘રામવાડો ’નામના સ્થળનો પ્રાદુર્ભાવ થયો છે. કોટેશ્વર મહાદેવનાં દર્શને પણ પ્રભુ પધાર્યા હતા, કારણ કે જે જગ્યાએ ભગવાન શ્રી આદિનારાયણ શેષ શૈયા પર બિરાજમાન હતા એ સ્થળ હતું નારાયણ સરોવર !

આ રીતે કચ્છની ભૂમિ પર વિચરતાં ભગવાન રામે જાણ્યું કે આ ભૂમિ પર એક સ્થળે ૮૮૦૦૦ જેટલા ઋષિ-મુનિઓ હજારો વર્ષથી કઠોર તપસ્યા કરી રહ્યા છે. ભગવાનની લીલા કહો કે મનુષ્ય અવતાર સહજ વિચાર કહો તેઓ ધ્રબુડી ખાતે ઋષિઓનાં દર્શન કરવા પધાર્યા. ધ્રબ ઘાસ અને માટીના થર તેમના પર જામી જવાના કારણે તેમની તપસ્યાની પૂર્ણાહૂતિ તેમણે કરાવી અને તેમને વરદાન માગવા કહ્યું. ઋષિઓએ વરદાન માગતાં કહ્યું કે પ્રભુ આપ આ ભૂમિ પર નિવાસ કરો એવી અમારી ઇચ્છા છે અને અમારા તપોબળથી પવિત્ર બની ગયેલી આ ભૂમિ ધ્રબુડી તીર્થધામ તરીકે ઓળખાય એવી આપ સમક્ષ પ્રાર્થના છે.

ભગવાન રામે તથાસ્તુ કહીને કહ્યું કે તમારા તપોબળથી આ ભૂમિ અતિપવિત્ર બની છે જેથી અહીં મારો કાયમ વાસ રહેશે અને આ ભૂમિ મારા નામથી ન ઓળખાતાં તમારી ઇચ્છા મુજબ ‘ધ્રબુડી’ તરીકે ઓળખાશે અને એ એક તીર્થસ્થાન બનશે એટલું જ નહીં, એ બધાં તીર્થધામોમાં ‘જવ’ ભાર વધુ મહત્ત્વ ધરાવશે. આ તીર્થધામની યાત્રા કરનારને બધાં તીર્થધામોની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થશે. આ તીર્થધામની પવિત્ર ધરતી પરના ‘ઋષિ કુંડ ’ અને ‘રામ કુંડ’ની સમિપ જે કોઈ વ્યક્તિ પોતાના પિત્રુના મોક્ષાર્થે તર્પણ કરશે તેના પૂર્વજોની પણ સદ્ગતિ થશે.

ઋષિ-મુનિઓના ગણ પૈકી જે મહાત્માને યંબકેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શનની ભાવના હતી તેને ભગવાન શ્રીરામે પૂછ્યું, મહાત્મા, આપને શું ઇચ્છા જાગી હતી? તે મહાત્માએ પોતાની ઇચ્છા પ્રગટ કરતાં જ પ્રભુએ ‘યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની આરાધના કરી અને ત્યાં જ સૌને દર્શન કરાવ્યાં હતાં ! જે આજે પણ ‘યંબકેશ્વર મહાદેવ’ તરીકે બિરાજમાન છે. તપસ્યા પૂર્ણ થતાં સૌ ઋષિઓએ બાજુમાં જ આવેલા સમુદ્રમાં સ્નાન કર્યું. વિશ્વામિત્રે એ દરિયાકિનારે મીઠા જળનાં કુંડ બનાવ્યાં હતાં એ આજે પણ અસ્તિત્વમાં છે. એ ઋષિ કુંડ તરીકે જ પ્રચલિત છે.

જરા રામકુંડનો મહિમા પણ જાણી લઈએ. ભગવાન શ્રીરામે તમામ ઋષિઓની ચરણ વંદના કરીને તેમનાં ચરણ પખાળી ચરણામૃત લીધું હતું અને પગ ધોતાં જે ભાગમાં પાણી નીચે ઊતર્યું એ રામ કુંડ તરીકે ઓળખાય છે. ચરણ પ્રક્ષાલન દરમ્યાન બાકીનું જળ બાજુની તળાવડીમાં વહી ગયું હતું એનું નામ ‘રામ તલાવડી’ રાખવામાં આવ્યું છે. આજે તો એને એટલું વિસ્તારવામાં આવ્યું છે કે એ ‘રામ સરોવર’ બની ગયું છે.

આ પણ વાંચો : કચ્છી સંસ્કૃતિનો અરીસો એટલે જન્માષ્ટમી

શ્રી ગુરુ ગીતામાં પ્રભુ મહાદેવએ પાર્વતીજી સાથેની એક ગોઠડી દરમ્યાન કહ્યું છે કે

‘સર્વશુદ્ધ: પવિત્રોડ સૌ સ્વભાવાધ્યત્ર તિષ્ઠતિ,
તમ દેવગણા: સર્વે ક્ષેત્રપીઠે ચરન્તી ચ ||’

અર્થાત જ્યાં પવિત્ર મહાપુરુષો રહે છે એ તીર્થમાં સર્વે દેવતાઓ વિચરતા હોય છે. એવી ભૂમિ એટલે કચ્છનું આ ધ્રબુડી !

kutch columnists