કચ્છી વીરાંગના જેઠીબાઈ

22 October, 2019 02:01 PM IST  |  મુંબઈ | લાખેણો કચ્છ - કિશોર વ્યાસ

કચ્છી વીરાંગના જેઠીબાઈ

જેઠીબાઈ બસ સ્ટેન્ડ

દીવની શેરીઓમાં સવારનો તડકો આળોટતો હતો ત્યાં એક કારખાનામાંથી પ્રાણપોકનો કંપાવી દેતો અવાજ આડોશપાડોશમાં પથરાઈ ગયો. નમાયો તો હતો જ, પણ પિતાના અવસાનથી એક ૧૪ વર્ષનો છોકરો અનાથ બની ગયો હતો. બધાને ડર હતો કે હમણાં જ સરકારી પલટન આવી પહોંચશે અને છોકરાને લઈ જઈ જબરદસ્તીથી વટલાવી નાખશે.

દીવમાં એ વખતે પોર્ટુગીઝ શાસન હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝોએ આક્રમણ કરીને દીવ જીતી લીધું હતું. સત્તરમાં સૈકાનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. બીજી તરફ કચ્છમાં મહારાઓ શ્રી ભારમલજી સિંહાસને બિરાજમાન હતા.

એ સમયે સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરના, રંગાટ અને વણાટ કામના એક કચ્છી કારખાનામાં, પત્નીના સ્વર્ગવાસ પછી કાનજી નામનો એક કચ્છનો કારીગર પોતાના દસ વરસના નમાયા દીકરાને લઈને અહીં રોજી-રોટી માટે આવ્યો હતો. નામ હતું તેનું કાનજી. સગાં-સંબંધીમાં તો કાનજી માટે તેનો પુત્ર પમો અને સાથી કારીગરો સિવાય અન્ય કોઈ નહોતું. અન્ય કારીગરોની માફક કાનજી માટે પણ કારખાનાનાં માલિક જેઠીબાઈ માતા કરતાં પણ વિશેષ હતાં. પારકા પ્રદેશમાં પેટનો ખાડો પૂરવા આવેલા કારીગરોને માતાની ખોટ ‘જેઠીમા’ પૂરી પાડતાં હતાં.

જેઠીમા અને તેમના પતિ પંજુ ખત્રીએ માંડવીથી ઊપડીને દીવમાં રંગાટ અને વણાટકામનું મોટું કારખાનું ઊભું કર્યું હતું. ભારતના રંગાટકામના હુન્નરમાં કચ્છનો ફાળો વિશેષ હતો. જામ રાવળના સમયમાં કચ્છથી જામનગર ગયેલા હિંદુ ખત્રીઓએ રંગાટકળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટકામ એકઅવાજે વખણાતું હતું, પરંતુ જેઠીબાઈએ તો દૂર-દૂર દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી તેમના કારખાનાનો માલ પુષ્કળ પ્રમાણમાં પરદેશ જતો હતો. યુરોપ, ઈરાન અને જંગબાર-મોઝામ્બિક સુધી તેમના કારખાનાના માલની ખપત હતી. ઉચ્ચ કક્ષાની રંગાટકળાના કારણે તેમના કારખાનાનો વિકાસ વધુ ને વધુ થતો જતો હતો.

એ અરસામાં પોર્ટુગલના પાદરીઓ દ્વારા ધર્મપરિવર્તનની વટાળ પ્રવૃત્તિ મોટા પાયા પર અને પુરજોશમાં ચાલી રહી હતી. દીવના કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા પ્રકારના બનાવવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર બની જાય તો તેનો કબજો લઈને તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેની માલ-મિલકતો જપ્ત કરી લેવી! આ કાયદાએ દીવની જનતામાં ફફડાટ પેદા કરી દીધો હતો.

એ સ્થિતિમાં આઠ દિવસથી બીમાર કાનજીનો જીવ ડચકાં ખાઈ રહ્યો હતો, કેમે કરી જીવ નીકળતો નહોતો. ઢળતી રાતે કાનજીના જીવને રૂંધાતો જોઈને જેઠીમા તેને આશ્વાસન આપતાં કહી રહ્યાં હતાં, ‘કાનાભાઈ, તું તારા જીવને ગતે કર! તારે જે કહેવું હોય એ કહી દે! તારો જીવ કેમ અકળાય છે?’

ત્યારે કાનજીએ બાજુમાં ઊભેલા દીકરા પમા તરફ અંગૂલિનિર્દેશ કર્યો. જેઠીમા તરત તેની વાત સમજી ગયાં અને કાનાના પુત્રનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ‘કાના, હું તને વચન આપું છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં! તેના ધર્મને વટલાવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી, પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર.’

જેઠીમાના આ શબ્દોએ કાનજીના અંતરના ઉત્પાતને શમાવી દીધો. તેનો તરફડતો આત્મા શાંત થઈ ગયો અને તેણે પ્રાણ ત્યજી દીધા. પેલી પ્રાણપોક તેના મૃત્યુ પછીની હતી ! હવે ખેલ ખરાખરીનો હતો. કાનજીના અવસાનની વાત જો પ્રસરી જાય તો તરત જ પાદરીઓ અને પોલીસનો ધસારો આખા કારખાનાને ઘમરોળી નાખે એમ હતું. જેઠીબાઈએ સમયસૂચકતા વાપરીને કાનજીના મૃત્યુ પર પરદો પાડી દીધો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યાં. તેમણે કાનજીના મૃતદેહને કારખાનાથી બહાર કાઢવાની ના પાડી દીધી એટલું જ નહીં, એ અનાથ છોકરાના તરત જ લગ્ન કરી નાખવાનો નિર્ણય પણ લઈ લીધો જેથી છોકરાનો કબજો સરકાર ન લઈ શકે અને ધર્મના વટાળથી પણ બચાવી શકાય. તેમણે પોતાના એક સંબંધીને બોલાવીને કહ્યું, ‘જો તે પોતાની પુત્રી કાનજીના છોકરા સાથે પરણાવે તો મોટા ધર્મસંકટમાંથી બચી જવાય.’

પેલા સંબંધી ભાઈએ કહ્યું, ‘આવા અનાથ અને ગરીબ છોકરા સાથે મારી દીકરી પરણાવું એ તો હાથે કરીને કૂવામાં ધકેલી દેવા જેવું થઈ જાય.’ પરંતુ આ તો જેઠીબાઈ! તેમણે તે ભાઈને કહ્યું કે ‘જો તમે દીકરી આપતાં હો તો તે બન્નેના ભરણપોષણની જવાબદારી પોતે લેવા તૈયાર છે!’

આખરે પેલા ભાઈ સહમત થયા એટલે તેઓ બોલ્યાં, હવે પહેલાં લગ્નની ક્રિયા પછી મરણક્રિયા. ઉપસ્થિત બધા જ આશ્ચર્યમાં પડી ગયા અને વીરાંગના સમાન જેઠીબાઈને જોઈ રહ્યાં. તેમણે કહ્યું, ‘જેવો મૃતદેહ બહાર કાઢશો કે તરત જ સરકારી પલટન પહોંચી આવશે, પછી શું આ લગ્ન કરાવી શકાશે કે? જેઠીબાઈએ થોડી વારમાં જ લગ્નની વિધિ કરાવી પછી જ મૃત્યુ પામેલા કાનજીની અંતિમ ક્રિયા પૂરી કરાવી. થોડા જ સમયમાં સરકારના માણસો પહોંચી આવ્યા અને અનાથ બાળકના કબજાની માગણી કરી, પરંતુ જેઠીબાઈએ અનાથ છોકરાને તેમ જ તેને પરણેલી છોકરીને બતાવીને તે માણસોને કહ્યું, ‘આ છોકરો તો પરણેલો છે!’ સરકારી માણસો ધૂંધવાઈને ચાલ્યા ગયા ! જેઠીબાઈનું  સ્વરૂપ રણચંડી જેવું થઈ ગયું હતું એ જોઈને સરકારી માણસો ડઘાઈ ગયા હતા! પાદરીઓ મમત જલદી છોડે એવા નહોતા. તેમણે કાનજીના મૃત્યુનો કેસ પોર્ટુગીઝ અદાલતમાં દાખલ કર્યો. કાનજીના પુત્રનાં લગ્ન ફોક કરાવવા પણ તેમણે અદાલતનો આશ્રય લીધો, પરંતુ થયેલાં લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિંદુ ધર્મનો અબાધિત અધિકારનો ભંગ અદાલત પણ કરી શકી નહીં! પાદરીઓ હાથ ઘસતા રહી ગયા.

એ પછી થોડા દિવસો રહીને એવો જ બીજો બનાવ બન્યો, પણ તેમના કારખાનામાં નહીં. એ જ રીતે અનાથ થઈ ગયેલા એક છોકરાના સગાં-સંબંધી દોડતાં જેઠીબાઈ પાસે આવ્યા અને તેમની સમક્ષ તે છોકરાને વિધર્મી થતો રોકવા વિનંતી કરી. જેઠીબાઈએ પહેલાં લીધું હતું એવું જ પગલું લીધું અને તે છોકરાને તરત જ પરણાવી દીધો. નિયમ મુજબ તે અનાથ છોકરાનો કબજો લેવા આવેલા સરકારી અમલદારોએ નિરાશ થઈને પાછા જવું પડ્યું. એક અમલદાર ખાલી હાથે જતી વખતે બોલ્યો પણ ખરો કે આ કામ જરૂર જેઠીબાઈનું જ હશે, હું તેમને જોઈ લઈશ!

એ રીતે જેઠીબાઈનો નૈતિક વિજય થયો. અમલદારની ધમકીથી ડરે તેવાં નહોતાં જેઠીબાઈ, પરંતુ પોર્ટુગીઝ સરકારની વટાળ પ્રવૃત્તિનો આ જાલિમ કાયદો તેમના અંતરમાં હવે કાંટાની માફક ખટકી રહ્યો હતો. ક્યાં સુધી અનાથ છોકરાઓને આ રીતે બચાવતા રહેવું શક્ય બનશે? આ સવાલ તેમને કોરી ખાતો હતો. આ કાળા કાયદાના સકંજામાંથી છૂટવા કયો રસ્તો લેવો એના વિચારો તેમના મનમાં રાત-દિવસ ચાલી રહ્યા હતા. સામે પોર્ટુગીઝ સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર તેમને મચ્છરની માફક મસળી નાખે એવો એ જમાનો હતો! એટલે જેઠીબાઈએ નવો જ રસ્તો અપનાવવાનું નક્કી કર્યું. તેમને યાદ આવ્યું કે પોર્ટુગીઝની રાજધાની લિસ્બનમાં પોર્ટુગલનાં રાજા અને રાણીનું રાજ છે. રાણી એક માતા તરીકે આમ ઝૂંટવાઈ જતાં સંતાનોની પીડા જરૂર સમજી શકશે એવું તેમને લાગ્યું. બાકી સ્થાનિક સત્તાવાળાઓ તો અત્યંત હઠાગ્રહી જ હતા.

આ પણ વાંચો : કચ્છના બહાદુર બંકા ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા

તેમણે એક ફિરંગી બૅરિસ્ટર શોધી કાઢ્યો, તે બાહોશ પણ હતો. જેઠીબાઈએ તે બૅરિસ્ટરને પોર્ટુગીઝ સરકારના જુલમી કાયદાની કહાણી કહી અને પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને એક અરજી તૈયાર કરાવી, પણ એટલેથી ક્યાં પૂરું થતું હતું? તેમને હવે એ વિચાર આવ્યો કે એ અરજી રાણીના હાથમાં જ પહોંચે એમ મોકલવી કઈ રીતે?

(આ ઐતિહાસિક શૌર્યથી ભરપૂર ઘટના વિશે વધુ આવતા અંકમાં વાત )

(ક્રમશ:)

columnists