રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના કચ્છી પાયોનિયર ગગુબાપા અને પ્રભુલાલ

17 March, 2020 05:44 PM IST  |  Mumbai | Vasant Maru

રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના કચ્છી પાયોનિયર ગગુબાપા અને પ્રભુલાલ

ગાર્મેન્ટ માટે મુંબઈ હબ કહેવાય છે. રેડીમેડ કપડાં અને એથનિકવેરમાં શરૂ થતી ફૅશન આખા ભારતભરમાં ફેલાઈ જાય છે, વિદેશોમાં એક્સપોર્ટ થાય છે. આ ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરિંગનો કારોબાર મોટાભાગે કચ્છીઓના હાથમાં છે, જ્યાં વર્ષે દહાડે અબજોનું ટર્નઓવર થાય છે. અહીં મનમાં સવાલ થાય છે કે આ રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત કોણે કરી હશે? આ સવાલ પર સંશોધન કરતાં કરતાં બે ત્રણ નામ સપાટી પર ઊપસી આવે છે. વર્ષો પહેલાં (આઝાદી પહેલાં) કચ્છના સમાઘોઘા ગામના ગગુભાઈ પુનશીએ આ નવા ઉદ્યોગનો પાયો છેક મદુરાઈ શહેર (તામિલનાડુ)માં નાખ્યો, અને વાગડ બે-ચોવીસી સમાજના પ્રભુલાલભાઈ પારેખે મુંબઈમાં સંભવિત આ ઉદ્યોગ શરૂ કર્યો. ઉપરાંત અત્યારે અત્યંત ક્રિએટિવ ગણાતા એથનિકવેરનો પાયો કચ્છના રાયણ ગામના દિલીપભાઈ દામજી રાંભિયાએ નાખ્યો. આજે ભારતના અનેક શહેરોમાં આ ઉદ્યોગે વિકાસ કર્યો છે, એક્સપોર્ટ દ્વારા કરોડોનું હૂંડિયામણ કમાવી આપે છે.

પહેલાંના સમયમાં લોકો દુકાનમાંથી કાપડ લઈ કપડાં સીવવા ઘરે દરજીને દાનકી ઉપર બોલાવતા. એક જ દરજી પુરુષોના ઝભ્ભાથી લઈ મહિલાઓના કપડાં સીવનારા ઓલરાઉન્ડર ગણાતા. એ સમયે ગામડાઓમાં વીજળી હજી પહોંચી નહોતી એટલે કળસિયામાં બળતો કોલસો નાખી, કપડાંની કરચલીઓ કાઢી ઈસ્ત્રી કરી આપતા. સમય જતાં શહેરોમાં ધીરે ધીરે ટેલરિંગની દુકાનો ખુલવા માંડી. દુકાનમાંથી કપડું લઈ લોકો ટેલર પાસેથી કપડાં સીવડાવતા.

આઝાદીની પહેલાંના સમયની વાત છે. ધંધા માટે કચ્છથી મુંબઈ અને મુંબઈથી જપાન જવા નીકળેલા ગગુભાઈ પુનશી પાસે પાસપોર્ટ-વિઝા ઇત્યાદિ ન હોવાથી જપાનને બદલે સાવ અજાણ્યા એવા મદુરાઈ શહેર પહોંચી જઈ નોકરી શરૂ કરી. પંદરસો-બે હજાર વર્ષ જૂના મદુરાઈની નગરરચના અને મીનાક્ષીમંદિર જોઈ આજે પણ મંત્રમુગ્ધ થઈ જવાય છે. આર્કિટેક્ટ વગર આટલા સુંદર આયોજન કરાયેલા શહેરમાં આવી પહોંચેલા ગગુબાપાને તામિલ ભાષા ન આવડે એટલે કચ્છીમાં બોલતા બોલતા ઇશારાથી યાત્રાળુઓને લૂંગી તથા પહેરણનું કાપડ સફળતાપૂર્વક વેચતા. આ પ્રક્રિયા દરમ્યાન ગગુબાપાને ધ્યાનમાં આવ્યું કે મીનાક્ષી દેવીનાં દર્શને આવતા યાત્રિકોને કાપડમાંથી તાત્કાલિક પહેરણ સીવી આપીએ તો તેઓ કાપડ સીવડાવવાની હાડમારીમાંથી બચી જાય. આ વિચાર સાથે ગગુબાપાએ પોતાની એક દુકાન શરૂ કરી અને પહેરણ સીવવા એક તામિલ દરજીને દુકાનમાં બેસાડ્યો. શ્રદ્ધાળુ યાત્રિકોને બીજા જ દિવસે કપડું સીવી આપવાના એમના કીમિયાને અદ્ભુત સફળતા મળી. પરિણામે એમણે બ્લુ-ટ્રુથ નામની રેડીમેડ કંપની શરૂ કરી. એક મશીનથી શરૂ કરેલા આ રેડીમેડ કારખાનામાં સમય જતાં ૫૦૦૦ મશીનો ચાલવા લાગ્યાં. અધધધ થઈ જવાય એવો વેગ ધંધામાં આવ્યો. ભારતની આ પ્રથમ રેડીમેડ ગાર્મેન્ટની ફૅક્ટરીમાં કચ્છથી અનેક કુટુંબોને બોલાવી મદુરાઈમાં સેટલ કર્યા. એમાં કચ્છના કોડાય ગામના રવજીભાઈ લાલન સામાજિક રીત-રિવાજો સામે બગાવત કરી વિધવા સાથે લગ્ન કરી મદુરાઈ આવી પહોંચ્યા. કચ્છી સમાજમાં હાહાકાર મચી ગયો, પણ ગાંધીવાદી રવજીબાપાએ હિંમત હાર્યા વગર મદુરાઈમાં હોટેલ શરૂ કરી. આજે એમની હોટેલ આખા તામિલનાડુમાં પ્રખ્યાત છે અને હોટેલિયર તરીકે રવજીબાપા પણ.
એ જ રીતે મુંબઈમાં સંભવિત પ્રથમ રેડીમેડ કારખાનું નાખનાર પણ કચ્છના જ હતા. પ્રભુલાલ પારેખ એમનું નામ. પ્રભુલાલભાઈ માંડ દસ-બાર વર્ષની ઉંમરે પૈસા કમાવવા મુંબઈ આવ્યા. એ સમયે વાગડ બે-ચોવીસી જ્ઞાતિના કુટુંબો રાપર અને આજુબાજુનાં ગામડાઓમાં અનાજ અને રસકસનો વેપાર કરતા. ખાધેપીધે સુખી હતા, પણ દસ-બાર વર્ષના પ્રભુલાલભાઈ બહુ મોટું સપનું જોઈ માયાનગરી મુંબઈમાં આવી પહોંચ્યા. શરૂઆતમાં દાદરની એક દુકાનમાં નોકરીએ રહ્યા. સંઘર્ષ કરતાં કરતાં દુકાન જે દિવસે બંધ હોય તે દિવસે દાદર સ્ટેશનની પાસે પથારો લગાવી ફેરિયા તરીકે ધંધો કરતા. પાછળથી એમના ત્રણ ભાઈઓ પણ જોડાયા. આ વાત દેશની આઝાદી મળ્યા પછીના તાત્કાલિક સમયની છે. ત્યારે મુંબઇમાં આટલી ભીડ નહોતી, ટ્રેનો રાતે અંદાજે સાડાદસ વાગે બંધ થઈ જતી, ત્યારે પ્રભુલાલભાઈ પથારો સંકેલી પથારા સાથે મબલક સ્વપ્નોને બાંધી રહેઠાણે પાછા ફરતા.

ઘણા વિચાર બાદ પ્રભુલાલભાઈને થયું કે લોકો કાપડ વેચાતું લઈ દરજી પાસે કપડાં સીવડાવવા જાય એમાં સારો એવો સમય અને પૈસા ખર્ચાઈ જાય છે. એના કરતાં ગ્રાહકોને તૈયાર પેન્ટ બનાવીને આપીએ તો? આ વિચારબીજમાંથી મુંબઈ રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નખાયો. મુંબઈમાં સંભવત પહેલી ગાર્મેન્ટની ફૅક્ટરી શરૂ થઈ. કિફાયતી ભાવે ટકાઉ અને ફૅશનેબલ પાટલૂન (પેન્ટ) દુકાનદારોને વેચતા. લોકોની માગ જોઈ ધીરેધીરે કપડાના દુકાનદારોએ રેડીમેડની દુકાનો શરૂ કરી. કહેવાય છે કે મુંબઈ અને બહારગામથી વેપારીઓની પ્રભુલાલભાઈની ઑફિસ બહાર લાંબી લાઈન લાગતી. પ્રભુલાલ પારેખના નામના સિક્કા પડવા લાગ્યા!
પ્રભુલાલભાઈ સુખ વહેંચીને જીવવામાં માનતા. એટલે પોતાના જ્ઞાતિજનોને ઉપર લાવવા મથામણ કરવા લાગ્યા. જ્યારે કચ્છમાં જાય ત્યારે પાણીદાર યુવાનોને મુંબઈ લાવી પોતાના કારખાનાઓમાં કામ શીખવાડતા. ધીરે ધીરે એમને અલગ કારખાનું કરી આપવા મદદ કરતા. આજે વાગડ બે-ચોવીસી જ્ઞાતિના અસંખ્ય રેડીમેડનાં કારખાનાઓ છે. એમાંથી ઘણાને પ્રભુલાલભાઈએ સેટલ કર્યા છે. એમના ભત્રીજા હસમુખભાઈ પારેખ એમની સ્મૃતિને વાગોળતા વાગોળતા લાગણીવશ થઈ જાય છે. ગુર્જર સમાજના આ અણમોલ રત્ને પોતાના જ્ઞાતિજનોને રેડીમેડનો ધંધો શીખવાડી એમની આર્થિક પ્રવૃત્તિમાં જબ્બર ફાળો આપ્યો છે.

પ્રભુલાલભાઈએ માત્ર વ્યવસાયમાં જ નહીં, સામાજિક ક્ષેત્રે પણ બહુ પ્રચારમાં આવ્યા વગર નક્કર કાર્યો કર્યાં છે. અંદાજે પંદરેક વર્ષ સુધી ‘વાગડ બે-ચોવીસી મિત્ર મંડળ’ના પ્રમુખ રહી જ્ઞાતિજનો દરેક ક્ષેત્રે વિકાસ કરે એવા ભગીરથ કાર્યો કર્યાં છે. વિદ્યા, રમતગમત, આરોગ્ય ક્ષેત્રે જ્ઞાતિજનોને દોર્યા છે. પારેખબાપા મૂળ ધાર્મિક પ્રકૃતિના હોવાથી વાગડના કરસન લધુ નીસરને ગુરુપદે સ્થાપી અનેક ધાર્મિક કાર્યો કર્યાં છે. સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ એ એમની પ્રિય પ્રવૃત્તિ રહી હતી. વાગડ બે-ચોવીસી સમાજ આમ તો નાનકડો સમાજ છે. મુંબઈ ઉપરાંત રાપર, ભુજ, ગાંધીધામ ઇત્યાદિ શહેરોમાં વેપાર-વાણિજ્ય કરે છે. આ સમાજ સ્થાનકવાસી સંપ્રદાયને અનુસરે છે, જેમાં અજરામર સંપ્રદાય, સ્થાનકવાસી તેરાપંથ સંપ્રદાય અને આઠકોટી મોટી પક્ષનો સમાવેશ થાય છે. આઠકોટી મોટી પક્ષના સ્થાપક પૂજ્ય દેવજીસ્વામી વાગડ બે-ચોવીસી સમાજ રાપરના હતા. અંદાજે અઢીસો વર્ષ પહેલાં દેવજીસ્વામીએ આઠકોટી મોટી પક્ષની સ્થાપના કરી. આ સંપ્રદાયના પૂજ્ય દિનેશ મુનિ બિદડા હાઇવે પાસે પરિસર સ્થાપી હાલમાં આખા કચ્છને લાભ આપી રહ્યા છે.

મુંબઈમાં સમૃદ્ધિના શિખર પર બિરાજમાન આ પારેખકાકા અંદરથી અત્યંત ઋજુ સ્વભાવના હતા. જ્યારે એમના નાનાભાઈની દીકરી આશાનો અકસ્માત થતાં અવસાન થયું ત્યારે આ ઋજુ હૃદયના વાણિયા હચમચી ગયા. સાપ કાંચળી ઉતારે એમ એમણે મુંબઈનો મોહ ઉતારી કચ્છમાં પાછા જવાનો નિર્ણય કર્યો અને ધીખતો ધંધો સમેટી ભુજની વાટ પકડી.
મુંબઈથી ભુજ આવી ભત્રીજી આશાના નામે પાઠશાળા શરૂ કરી, પણ અંદરનો સાહસિક જીવ એમને જંપવા નહોતો દેતો એટલે મુંબઈમાં જેમ રેડીમેડ ઇન્ડસ્ટ્રીઝના પાયોનિયર બન્યા હતા તેમ ભુજની વાણિયાવાડ માર્કેટના અદ્ભુત વિકાસ માટે કારણભૂત બન્યા. આજે ભુજની વાણિયાવાડ માર્કેટ એનઆરઆઈ, વિદેશીઓ અને ગુજરાત બહારના લોકોથી ખરીદી માટે ઉભરાય છે, પણ પ્રભુલાલ પારેખ અહીં આવ્યા ત્યારે આ વિસ્તાર સાવ સામાન્ય હતો. એ સમયે અત્યંત મોંઘા ભાવે સાત-આઠ દુકાનો એમણે ખરીદી લીધી અને કાપડ, સાડી ઇત્યાદીનો વેપાર શરૂ કરી ભાઈઓ, દીકરા અને ભત્રીજાઓને સોંપી દીધો. આ વિસ્તારની એવી કાયાપલટ કરી કે વિસ્તાર ભુજનું આર્થિક કેન્દ્ર બની ગયું. આજે સેંકડો લોકો અહીં રોજીરોટી મેળવી રહ્યા છે. અંદાજિત બાવન વર્ષની ઉંમરે એમણે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે મુંબઈની રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના પાયોનિયર તરીકે, ભુજના વાણિયાવાડ વિસ્તારના વિકાસક તરીકે, અને અનેક લોકોને મુંબઈની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સેટલ કરવાનું કાર્ય એમના ખાતે બોલી રહ્યું છે.

વાગડ બે-ચોવીસીના બીજા એક નરબંકાનો ઉલ્લેખ પણ અહીં અનિવાર્ય છે. જીવદયા એ જૈનોની કુળદેવી કહેવાય. જીવદયાના તીરથ સમી ગુજરાતની સૌથી મોટી ‘રાપર પાંજરાપોળ’ શરૂ કરનાર વેલજી ઈંદરજી મહેતાએ અથાગ પરિશ્રમ દ્વારા, મૂંગાં પશુઓની વેદના સમજી સેવા કરવા પોતાનું જીવન ઘસી નાખ્યું. કાપડની નાનકડી દુકાન ચલાવવા વેલજીભાઈને જીવદયાના સંસ્કારો વારસામાં મળ્યા હતા. નાનકડી દુકાનને ભગવાનના ભરોસે મૂકી રાપર તાલુકાના અંદાજે ૧૧૮ ગામોનાં પશુઓની સેવા કરવા યજ્ઞ આરંભ્યો. પશુઓને કતલખાને જતાં રોકવા જીવના જોખમે કાર્ય કર્યું. અનેક મુશ્કેલીઓ વચ્ચે માનવતાના મંદિર સમી આ રાપર પાંજરાપોળ ચલાવીને સંત કક્ષાએ પહોંચ્યા છે.

કચ્છના વાગડ વિસ્તારના બે તાલુકા ભચાઉ અને રાપરમાંથી રાપરની એક અલગ ઓળખ છે. રાપરથી થોડે દૂર સઈ ગામ છે, ત્યાં પાબુદાદાનો મેળો ભરાય છે. પોતાના લગ્ન મંડપમાંથી ઊભા થઈ પાબુદાદા ગાયોને બચાવવા ગયા અને વીરગતિ પામ્યા હતા. તો રાપર તાલુકામાં આવેલું રવેચી ગામ પણ રવેચી માતાના સ્થાન માટે પ્રખ્યાત છે. મા પાર્વતી અને મા આશાપુરાનું બીજું રૂપ મનાતા રવેચી માતાને અઢારે આલમ નમે છે. નૅશનલ અવૉર્ડ મેળવનાર ફિલ્મ ‘હેલ્લારો’ જે લોકકથાના કથાબીજ પર આધારિત હતી એ વૃજયાણીનો ઢોલી જ્યાં આકાર પામ્યો હતો એ વૃજયાણી ગામ પણ રાપર તાલુકામાં આવેલું છે. કહેવાય છે કે રાપર શહેરની સ્થાપના ૧૫૦૩માં મહેમુદ બેગડાની મદદથી કરવામાં આવી હતી. રાપર વિશેની બીજી રસિક વાતો ફરી ક્યારેક
‘મિડ–ડે’ના પાના પર માંડીશ.

અસ્તુ.

columnists vasant maru