કચ્છની કમાંગર કલા : શાશ્વત ને જીવંત વારસો

17 March, 2020 07:16 PM IST  |  Mumbai | Sunil Mankad

કચ્છની કમાંગર કલા : શાશ્વત ને જીવંત વારસો

કમાંગર કલા

કમ્પ્યુટર અને આધુનિક પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીના વર્તમાન હાઈટેક યુગે વર્ષોથી ચાલી આવતી કેટલીક પરંપરાઓને અસ્તવ્યસ્ત અને લગભગ નાબૂદ કરી નાખી છે. એમાં સૌથી મોટો ભોગ લલિતકલા ક્ષેત્રનો લેવાયો છે. એવી પરંપરાગત કલા-ચિત્રકામ શૈલીઓને આજકાલનો સ્કેનર-ગ્રાફિકસ યુગ જાણે ગળી જવા બેઠો છે. આવી કેટલીક શૈલીઓ હવે તો માત્ર તસવીરો, પ્રાચીન મંદિરો કે મ્યુઝિયમમાં જ કેદ થઈને રહી ગઈ છે. એની જીવંત પ્રેક્ટિસ કે પ્રક્રિયા અટકી પડી છે. કલા હંમેશાં શાશ્વત છે, તેનો નાશ કે લોપ થતો નથી એવું ભલે કહેવાય પણ જ્યારે કલા ભૂતકાળ બની જાય ત્યારે આખી સંસ્કૃતિ, અભિવ્યક્તિને જબરો ધક્કો પહોંચતો હોય છે.

કચ્છની કમાંગર કલા ચિત્રશૈલી પણ શાશ્વત કલા કહી શકાય. કચ્છમાં ચિત્રકારને ‘કમાંગર’ અને ચિત્રકળાને ‘કમાંગરી’ કહે છે. રાજાશાહીના કચ્છ રાજ્યમાં કમાંગરી કળાનું વિશેષ ચલણ હતું. રાજાશાહી ઇમારતો, રાજ્ય તાબાની કચેરીઓ, મંદિરો વિગેરેમાં કમાંગર કલાકારો દ્વારા દોરાયેલાં ભીંતચિત્રો એ હવે કચ્છ માટે ભૂતકાળ બની ગયાં છે. તેમાંય કચ્છમાં ર૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે ભુજમાં કોટ અંદરનો વિસ્તાર મોટાભાગે ધ્વંસ થઈ ગયો ત્યારે જૈન દેરાસરો સિવાય ભુજમાં કયાંય પણ આ કળાના નમૂના જોવા દુર્લભ બની ગયા છે. ભુજના નાગર ચકલામાં આવેલી એક ભગ્નાવેશ ડેલી જેને રાજાશાહી વખતમાં ‘ગાડું’ કહેવાતું, એ ડેલીના રાજાશાહી વખતના ભવ્ય પણ ભગ્ન થયેલા દરવાજા ઉપરની બારસાખમાં આ કળાના કેટલાક નમૂનાઓ જોવા મળે છે. મૃત:પ્રાય થયેલી આ કમાંગરી કલા દ્વારા દોરાયેલાં ચિત્રોમાં વૈષ્ણવપંથી હવેલીમાં આરતી થતી હોય એવું દૃશ્ય જોવા મળે છે. ઉપરાંત જ્યેષ્ઠી જ્ઞાતિના મલ્લો દ્વારા થતી કુસ્તીનું ચિત્ર પણ દેખાય છે. આ કળા દ્વારા રાજાશાહીના સમયનાં પ્રતિકાત્મક ચિત્રો લગભગ દરેક ઘરો અથવા મહોલ્લામાં દોરાતાં હશે એવું લાગે છે. જોકે ત્રણસો-ચારસો વર્ષ પહેલાંના દરવાજાઓ, મહોલ્લા પરનાં ભીંતચિત્રો એ કાળની થપાટે હવે જોવા મળતા નથી, એટલે આવી કળાના અંશો કે નમૂના અલભ્ય છે.

કમાંગરી કળાની વાત કરીએ તો કમાંગરી પ્રક્રિયામાં પહેલાં ચૂનો અને ચિરોડી મેળવી તેના લીંપણથી ભીંતને ચકચકિત કરવામાં આવતી. ત્યારબાદ તેના પર ખજૂરીના કૂણા પાનની પીંછીઓ વડે ઝીણી ડિઝાઇનો આલેખી તેમાં ભભકાદાર રંગો પુરાતા. માનવ આકૃતિઓ, પશુ-પક્ષીઓ, ફૂલ-વેલીઓ, લડતા મલ્લો, પાણિયારી જેવા વર્ણ્ય વિષયો રહેતા.

ભારાપર ગામના સૂજાબાના ગઢમાં, ભુજના આયના મહેલમાં, અંજારના મેકમર્ડોના બંગલામાં, બિબ્બર ગામના મંદિરોમાં કમાંગરી કળાના નમૂના આજેય જોઈ શકાય છે. કચ્છના પાટનગર ભુજમાં એક સમયે દ્વારકાધીશના મંદિરમાં, આશાપુરા મંદિરમાં આ કળા જોવા મળતી, પરંતુ ભૂકંપમાં આ મંદિરો ક્ષતિગ્રસ્ત થતાં નમૂનારૂપ ચિત્રો પણ જોવા મળતાં નથી. જોકે દેરાસરોમાં કમાંગરી ભીંતચિત્રો જોવા મળે છે.

અનેક લોકકળાઓથી કચ્છની સંસ્કૃતિ સમૃદ્ધ બનેલી છે. કમાંગર શબ્દ અને કલા કચ્છમાં ક્યાંથી આવ્યા એ અંગે અનેક લોકવાયકા છે. એવું કહેવાય છે કે કમાંગર શબ્દના મૂળમાં પર્શિયન શબ્દ ‘કમાન’ સંસ્કૃત શબ્દ ‘બાણ’ પરથી આવ્યો છે. આવા કમાનનાં ચિત્રો દોરતા કલાકારો એટલે ‘કમાંગર’.

મુંબઈ રાજ્યના પ્રસિદ્ધ ૧૮૮૦ના ગેઝેટ પ્રમાણે સોળમી સદીના ઉત્તરાર્ધમાં હથિયારો બનાવનાર કેટલાક કારીગરો સિંધ થઈને દિલ્હીથી કચ્છ આવી વસ્યા. રાજ્યના પાયદળ માટે બાણ, ધનુષ, ઢાલ જેવા સામાન્ય હથિયારો બનાવનાર આ હુન્નરવિદો પૈકી બાણ બનાવનાર વિશિષ્ટ કારીગરો હતા, તેમણે પોતાનાં હથિયારો માટે પોતાની કળાની જુદી જુદી ડિઝાઇનો દર્શાવવા કેટલાક વિશિષ્ટ રંગો સાથેનાં ચિત્રો બનાવ્યાં. ઊપસી આવે તેવા આકર્ષક બોર્ડર સાથેના યુદ્ધ અને શિકાર પ્રવૃત્ત દર્શાવતાં આ ચિત્રો ખૂબ જ આકર્ષક બનવા લાગ્યા. ધીમે ધીમે એ કળા તરીકે વિખ્યાત થવા લાગ્યા. અન્ય માન્યતા પ્રમાણે કામ(કાર્ય)ને કચ્છી ભાષામાં ‘કમ’ કહેવાય છે. કામ કરનાર અપભ્રંશ કમાંગર થયું. જોકે તે માત્ર ચિત્રો બનાવનાર માટે જ વપરાયું તે જુદી વાત છે.

કચ્છના મહારાજાઓ શ્રાવણ મહિનામાં નાગપંચમી નિમિત્તે ભુજના ઐતિહાસિક ભૂજિયા ડુંગર પરના ભૂજંગ દેવના મંદિરે પૂજા કરવા રસાલા સાથે જતા એ સળંગ ચિત્રો કમાંગરી કલામાં બનાવવામાં આવ્યાં છે. આ સળંગ રોલ કરી શકાય તેવા કાપડ ઉપરનું ૧પ મીટર લાંબું અને રર સેન્ટિમીટર પહોળું ચિત્ર આયના મહેલમાં મુકાયું છે.

આ કળાને પુનર્જિવિત કરવી અશકય છે. હાલ અબડાસાના સાંધાણ, આરીખાણા જેવા ગામોમાં આ કલાના અવશેષો હજુયે જીવંત છે.

columnists sunil mankad kutch