કૃષ્ણ ચક્રવ્યૂહમાં દાખલ થવાની સલાહ આપે, ચાણક્ય એમાંથી બહાર આવવાનો રસ્તો

28 September, 2020 11:56 AM IST  |  Mumbai | Manoj Joshi

કૃષ્ણ ચક્રવ્યૂહમાં દાખલ થવાની સલાહ આપે, ચાણક્ય એમાંથી બહાર આવવાનો રસ્તો

ચાણક્યને જીવનમાં અપનાવવા પડશે અને તેમને અપનાવવા માટે વહેલામાં વહેલી તકે ચાણક્યને જીવનનો સાર બનાવવો પડશે.

ચક્રવ્યૂહ.
આ એક શબ્દ બોલતાની સાથે જ હિન્દી ફિલ્મનું ગીત યાદ આવી જાય...
‘અભિમન્યુ ચક્રવ્યૂહ મેં ફસ ગયા રે તું...’
ચક્રવ્યૂહની વ્યૂહરચના જે સમયે થતી હતી એ સમયે અભિમન્યુએ કહ્યું હતું કે ચક્રવ્યૂહને ભેદતાં મને આવડે છે. ગર્ભસંસ્કાર સમયે તેને આ આવડત મળી હતી અને એ આવડતના ભાગરૂપે જ અભિમન્યુ મહાભારતના યુદ્ધ દરમ્યાન જ્યારે ચક્રવ્યૂહની રચના થઈ ત્યારે તે એને છેદીને અંદર દાખલ થઈ શક્યો. આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા વિશે તેને ખબર નહોતી એટલે તે બહાર આવી ન શક્યો અને તેનું મોત થયું. ચક્રવ્યૂહમાં દાખલ થવાનો માર્ગ ભગવાન શ્રીકૃષ્ણ પાસે હતો પણ એના વિશે અભિમન્યુને જાણકારી નહોતી એટલે તેણે જીવ ગુમાવવો પડ્યો. યાદ રાખજો કે આ જીવન પણ એક ચક્રવ્યૂહ છે, જેમાં દાખલ થવા માટે આપણે કોઈ જાતની રીતરસમ અને નીતિનિયમો શીખવા નથી પડતા, પણ આ ચક્રવ્યૂહમાં સુખરૂપ ટકી રહેવા અને જોઈતી સફળતા હાંસલ કરવા માટે ઝઝૂમવું પડે છે અને એનો માર્ગ કે પછી એના રસ્તા ચાણક્ય પાસે છે. આ માર્ગ તેમણે ૨૩૦૦ વર્ષ પહેલાં જ સૌની સામે મૂકી દીધો હતો, પણ આપણી કમનસીબી છે, દુર્ભાગ્ય છે કે એ માર્ગને આપણે ક્યારેય ધ્યાનપૂર્વક જોવાનો અને એમાંથી શીખ લેવાનો પ્રયાસ નથી કર્યો.
ચાણક્ય વિશે ક્યારેય બે-ચાર કે છ વાક્યમાં કંઈ બોલી ન શકાય. ચાણક્ય વિશે ક્યારેય થોડા અમસ્તા ફકરાઓમાં વાત ન થઈ શકે, કારણ કે ચાણક્ય જીવનના દરેક તબક્કે અને દરેક પરિસ્થિતિમાં માર્ગદર્શન આપવાનું કામ કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના મોહ વચ્ચે આપણે ત્યાંના લેખકોના મોટિવેશનનાં ભાષણો સાંભળીએ છીએ, માર્ગદર્શન માટે આપણા ચોપડાઓ ઊથલાવી નાખીએ છીએ, પણ આપણે ચાણક્યને વાંચવાની તસ્દી નથી લીધી, બહુ દુઃખની વાત છે કે જે ચાણક્ય જીવનની તમામેતમામ તકલીફ, મુશ્કેલી અને પીડાઓ વચ્ચે કામ લાગવાની ક્ષમતા ધરાવે છે એ જ ચાણક્યનો ફેલાવો આપણે ત્યાં પ્રમાણમાં સાવ નહીંવત્ સ્તરે છે. હમણાં યોગગુરુ બાબા રામદેવની સાથે લાંબો સત્સંગ થયો. સત્સંગનો મુદ્દો પણ ચાણક્ય જ હતા. આ સત્સંગના અંતમાં અમે એક નિષ્કર્ષ પર હતા અને એ નિષ્કર્ષ હતો કે જો ચાણક્ય વિદેશમાં જન્મ્યા હોત તો તેઓ આજે સૉક્રેટિસ, લાઓત્સેની જેમ વિશ્વભરમાં પૂજાતા હોત અને આપણે પણ તેમના એ મેસેજનું ભાષાંતર વાંચીને એમાંથી શીખ લેતા હોત. સાવ સાચી વાત છે આ. ચાણક્ય અહીં જન્મ્યા અને એટલે જ ચાણક્ય અહીં જીવનમાં ઊતર્યા નથી. ચાણક્ય જો વિદેશથી આવ્યા હોત તો આજે આપણે ચાણક્યની એકેએક વાતને બ્રહ્મવાક્ય માનતા હોત. આ માનસિકતા કાઢવી પડશે, જો ચક્રવ્યૂહને છેદીને એમાંથી ફરી બહાર આવવું હશે તો. ચાણક્યને જીવનમાં અપનાવવા પડશે અને તેમને અપનાવવા માટે વહેલામાં વહેલી તકે ચાણક્યને જીવનનો સાર બનાવવો પડશે.

manoj joshi columnists