26 August, 2024 10:25 AM IST | Mumbai | Krupa Jani
પ્રતીકાત્મક તસવીર
જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘરે-ઘરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી માટે મીઠાઈ અને છપ્પનભોગ સહિતની અનેક તૈયારીઓ થઈ રહી હશે. કેટલાક લોકો આ દિવસે ફળ અને ફૂલ અર્પણ કરીને તો કેટલાક ભજન, પ્રાર્થના અને મંત્ર-જાપ દ્વારા કૃષ્ણભક્તિ કરે છે. ભક્તિના અનેક પ્રકાર છે, પણ શ્રીકૃષ્ણની આરાધના તો ગોપીભાવે જ થાય.
શ્રીકૃષ્ણનો ઉલ્લેખ તેમની ગોપીઓ વગર થઈ શકે જ નહીં. તેમની બાળલીલાઓ અને પ્રસંગોમાં ગોપીઓનું વર્ણન છે. ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, સમર્પણ અને કંઈક કરી છૂટવાની ભાવના તેમને શ્રીકૃષ્ણના અન્ય ભક્તોથી અલગ તારવે છે. એટલે જ તો કહેવાય છે કે શ્રીકૃષ્ણને રીઝવવા હોય તો ગોપીભાવે ભક્તિ કરો. તેથી જ જન્માષ્ટમી નિમિત્તે ‘મિડ-ડે’એ પોતાની કળા દ્વારા કૃષ્ણભક્તિ કરતી કેટલીક ગોપીઓની મુલાકાત લીધી છે જેઓ પોતાની કળાને જ પ્રભુસેવા અને સાધના ગણાવે છે.
રંગોળી દ્વારા શ્રીકૃષ્ણને સજીવન કરે છે આ યુવતી
‘માનવજીવન રંગોનો ઉત્સવ છે તો જન્માષ્ટમી રંગીલા શ્રીકૃષ્ણના જન્મદિનની ઉજવણી. જન્માષ્ટમીનું ઉદ્યાપન થાય ત્યારે રંગોળી અને સાથિયાનું ખાસ મહત્ત્વ હોય છે. રંગોળી એટલે સર્જનાત્મકતા અને સર્જનાત્મકતા એટલે પ્રભુસેવાનો માર્ગ.’
આ શબ્દો છે બાવીસ વર્ષની તૃપા નિકેત પરીખના. કાંદિવલી-વેસ્ટમાં રહેતી તૃપા દર વર્ષે જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની રંગોળી બનાવે છે અને એ દ્વારા કૃષ્ણભક્તિ કરે છે. આજે મોટા ભાગના ટીનેજર્સ ભૌતિક સુખોમાં રચ્યાપચ્યા રહે છે ત્યારે તૃપાના વિચારો તેની પેઢીથી અલગ છે. મૂળ વૈષ્ણવ એટલે ઘરમાં શ્રીકૃષ્ણની સેવા થાય. નાનપણથી જ દાદી ચારુબહેન અને મમ્મી નીપાબહેન સાથે હવેલીમાં દર્શન કરવા જવાના સંસ્કાર સાથે ઊછરેલી તૃપા કહે છે, ‘કૃષ્ણની વાર્તા અને બાળલીલાઓ પ્રત્યે મને જબરું આકર્ષણ છે. હું ચાર-પાંચ વર્ષની હતી ત્યારે મેં હવેલીમાં કૃષ્ણનાટિકા, નૃત્ય અને શોમાં પર્ફોર્મ કરવાની શરૂઆત કરી હતી.’
પરિવારે નાનપણથી આ બાળકીની કોરી પાટીમાં સર્જનાત્મકતાના સંસ્કારોનું સિંચન કર્યું અને મમ્મી નિપાબહેને તેની આંગળી પકડીને તેને કૃષ્ણભક્તિનાં જીવંત ચિત્રો રંગોળીમાં ઉતારવાની પ્રેરણા આપી. તૃપા કહે છે, ‘હું જ્યારે રંગોળી ચીતરું છું ત્યારે મને દૈવી કનેક્શનની અનુભૂતિ થાય છે અને મારી રંગોળી દ્વારા હું આ અનુભૂતિને અન્યો સાથે શૅર કરું છું. માત્ર આઠ વર્ષની વયે હું આ કળામાં તલ્લીન થવા લાગી હતી. મારી મમ્મીએ મને નિતનવી ડિઝાઇન અને ટેક્નિકો શીખવાડી અને પછી પ્રૅક્ટિસ દ્વારા મેં આ કળામાં નિપુણતા મેળવી લીધી. આ કળા દ્વારા હું શ્રીકૃષ્ણ પ્રત્યેનો મારો પ્રેમ અને આદર વ્યક્ત કરું છું.’
વ્યવસાયે પ્રી-પ્રાઇમરી ટીચર અને સર્ટિફાઇડ કોરિયોગ્રાફર તૃપા તેના આ હુન્નરનું સંપૂર્ણ શ્રેય તેના પરિવારને આપે છે. તે કહે છે, ‘મારા પરિવારે મારા દરેક શોખ અને કળાને ટેકો આપીને મારી સર્જનાત્મકતાને પાંખો આપી છે. પછી એ રંગોળી, ભરતનાટ્યમ, ગરબા, ટીચિંગ કરીઅર કે પછી જિમ્નૅસ્ટિક્સ હોય. તેમના પ્રોત્સાહનને કારણે જ હું આજે જે છું એ છું.’
આખો પરીખ પરિવાર જન્માષ્ટમીના દિવસે સાથે મળીને ઘરને ડેકોરેટ કરે છે. ઘરમાં ખાસ રંગોળી બને છે, લાલા માટે તાજું માખણ બનાવવામાં આવે છે, કૃષ્ણની લીલાઓમાંથી એક ભજવાય છે અને ભજન અને સંગીત સાથે કૃષ્ણજન્મની ધામધૂમથી ઉજવણી થાય છે.
મૉડર્ન યુગનાં મીરાંબાઈ : દરેક સ્વરમાં તેમના નામનું રટણ કરે છે
મીરાંબાઈ કે નરસિંહ મહેતા જેવી ભક્તિ આજના મૉડર્ન યુગમાં કોઈ કરી શકે નહીં, પણ જો તમે સાઉથ મુંબઈમાં બ્રીચ કૅન્ડીમાં રહેતાં બાવન વર્ષનાં પૂર્વી આનંદને મળો તો આ વાત ખોટી સાબિત થાય. તેમના દરેક રાગમાં, ગીતમાં અને સંગીતમાં તમને કૃષ્ણની અનુભૂતિ થયા વિના રહે નહીં. વ્યવસાયે કમર્શિયલ ડિઝાઇનર પૂર્વીબહેન કૃષ્ણગીતો ગાય છે અને કમ્પોઝ કરે છે.
કૃષ્ણ સાથે તેમનો જન્મોજન્મનો સંબંધ છે એમ જણાવતાં પૂર્વીબહેન કહે છે, ‘કૃષ્ણ મારા દરેક શ્વાસમાં છે અને તે જ મારો આત્મા છે. હું સવારે ઊઠું ત્યારથી તેમના સ્મરણ સાથે મારા દિવસની શરૂઆત થાય છે અને તેમની ધૂન સાથે મારા દિવસનો અંત થાય છે. મારા રિયાઝના દરેક સ્વરમાં અને દરેક સૂરમાં હું તેમના નામનું રટણ કરું છું.’
મીરાંબાઈને પોતાનાં આઇડલ માનતાં પૂર્વીબહેન કહે છે, ‘નાનપણમાં મારો ઉછેર ભક્તિમય વાતાવરણ થયો હતો. અમારે ભગવદ્ગીતાના પાઠ થાય. મારા પિતા રોજ સવારે મીરાંબાઈનાં ભજનો સંભાળે અને હું એમાં તલ્લીન થતી. મીરાંબાઈની મારા જીવનની પર ઊંડી અસર રહી છે. તેમના જીવન-પ્રસંગો સાંભળીને હું મારી જાતને તેમની જેમ વિઝ્યુઅલાઇઝ કરતી. તેમના શબ્દો, ભક્તિ, તેમનો પ્રેમ અને તેમના કૃષ્ણ પ્રત્યેના સમર્પણે મને મંત્રમુગ્ધ કરી દીધી હતી. મારાં મમ્મી ઉષા પારેખ શ્રીકૃષ્ણની રંગોળીમાં માહેર હતાં. આ કળા તેમણે મને અને મેં મારી દીકરી અન્વિતાને વારસામાં આપી છે. દિવાળીમાં અમે સાથે મળીને ૧૫ દિવસ સુધી કૃષ્ણલીલાની રંગોળી બનાવીએ છીએ. રંગોળી કરતાં-કરતાં ભજન ગણગણવાની મને આદત હતી. મારા પરિવારે મારા આ શોખને વાચા આપી અને મેં સંગીત અને નૃત્યની તાલીમ લેવાની શરૂઆત કરી. મારા ગુરુઓ (મંજરી હુક્કુ, સ્વ. શ્યામ ગોગટે અને પુરુષોત્તમ ઉપાધ્યાય)એ મને કમ્પોઝિશન કરતાં પણ શીખવ્યું અને આમ કવિતા અને ગીતો લખવાની મારી જર્ની શરૂ થઈ.’
અત્યાર સુધીમાં તેમણે અનેક કૃષ્ણગીતો લખ્યાં છે અને આઠ કૃષ્ણગીતો પ્રોફેશનલી કમ્પોઝ કર્યાં છે. એમાંનાં બે ગીત રિલીઝ થઈ ચૂક્યાં છે જેમાં તેમણે પોતાનો અવાજ પણ આપ્યો છે. તેમના મતે આ ગીતો કૃષ્ણે તેમને આપેલી અનોખી ભેટ છે. તેમનો પરિવાર તેમની સપોર્ટ સિસ્ટમ છે અને તેમના પતિ આનંદ અને સાસુ-સસરાના ટેકા વિના તેઓ કૃષ્ણભક્તિ કરી શકત નહીં એમ તેઓ દૃઢપણે માને છે.
આ દાદી હાથે બનાવેલા ઠાકોરજીના વાઘા વહેંચીને ધન્યતા અનુભવે છે
કહેવાય છે કે શોખ અને સેવા બન્ને તદ્દન ભિન્ન બાબતો છે. જોકે શોખ અને સેવાને સાથે જોડીએ તો કઈ રીતે સોનામાં સુગંધ ભળે એ જાણવું હોય તો તમારે વર્ષોથી વિરારમાં રહેલાં અને તાજેતરમાં કાંદિવલી શિફટ થયેલાં ૬૬ વર્ષનાં રમીલા શશિકાંત તન્નાને મળવું જોઈએ.
લોહાણા વૈષ્ણવ રમીલાબહેનને તેમનો કાનો બહુ વહાલો. તેમનો આખો પરિવાર કૃષ્ણપ્રેમી. તેથી નાનપણથી તેમને લાલાની સેવામાં ભારે રસ. લાલાને સુંદર વાઘા પહેરાવીને શણગારવામાં તેમને અનન્ય આનંદ મળે. તેમને ઠાકોરજીને રોજ નવા વાઘા પહેરાવવાનું મન થાય, પણ ૧૦ ભાઈ-બહેનોના પરિવારમાં આટલો ખર્ચ પોસાય નહીં એટલે તેમણે જાતે વાઘા બનાવવાનું શીખવાની શરૂઆત કરી. અનેક વર્ષો સુધી તેઓ ફક્ત પોતાના લાલા માટે જ વાઘા બનાવતા, પણ ૨૦૧૦માં પતિના મૃત્યુ બાદ નવરાશના સમયમાં તેમણે યુટ્યુબ જોઈને આ શોખ ફરી જીવંત કર્યો અને એના દ્વારા લોકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું. હવે તેઓ ઠાકોરજીનાં નિતનવી ડિઝાઇનનાં વસ્ત્રો બનાવીને પોતાના સોશ્યલ સર્કલમાં નિઃશુલ્ક એનું વિતરણ કરે છે. તેમના મતે જ્યારે તેઓ ઠાકોરજીના વાઘા બનાવે છે ત્યારે તેમને ઠાકોરજી તેમની સાથે હોવાનો અહેસાસ થાય છે અને આ કાર્ય દ્વારા તેમનું મન પ્રફુલ્લિત રહે છે.
ઉલ્લેખનીય છે કે નાનપણમાં રામાયણ જોયા બાદ તેઓ તેમનાં ભાઈ-બહેનો સાથે ઝાડીની સળીથી તીરકમાન બનાવતાં અને રમતાં હતાં. આવી જ એક રમતમાં ભૂલથી તીર તેમની એક આંખમાં વાગી જવાથી તેઓ એક આંખ ગુમાવી ચૂક્યાં છે.