‘કવિની ભીતર રહેલી સજ્જતાને બહારનો કોલાહલ કદી ખલેલ ન પાડી શકે’

12 July, 2020 07:44 PM IST  |  Mumbai | Rajani Mehta

‘કવિની ભીતર રહેલી સજ્જતાને બહારનો કોલાહલ કદી ખલેલ ન પાડી શકે’

ખુદા જબ દેતા હૈં તો છપ્પર ફાડકર દેતા હૈં, પરંતુ એ પૈસા ઘર બનાવનારાને નહીં, ઘરના માલિકને મળતા હોય છે. લગભગ ૧૫ લાખના બજેટમાં બનેલી અને ૧૯૭૫ની ૩૦ મેએ રિલીઝ થયેલી  આ ફિલ્મે પાંચ કરોડનો ધંધો કર્યો. એ દિવસોમાં ‘શોલે’ અને ‘દીવાર’ જેવી હિટ ફિલ્મો સામે ‘જય સંતોષી માં’એ ટક્કર લીધી અને એ પણ કેવળ ગીત–સંગીતના બળ પર.

હૉલીવુડના એક ફિલ્મ-મેકરે કહ્યું હતું, ‘મારે મન ફિલ્મ બનાવવી અને જુગાર રમવો, એ બન્નેમાં કોઈ ફરક નથી. બન્નેમાં તમે કુશળ હો એ જરૂરી છે. તમે દરેક વખતે જીતવાનો જ પ્રયત્ન કરતા હો છો. એવું બને કે તમારા હાથમાં હુકમનો એક્કો હોય અને એ છતાં તમે બૂરી રીતે હારી જાવ. જ્યારે તમારું નસીબ જોર કરતું હોય ત્યારે સામે રમતા મહારથીઓને હંફાવી, તમે હારેલી બાજી જીતી જાવ.’

 ફિલ્મ ‘જય સંતોષી મા’ની શરૂઆત કેવા સંજોગોમાં થઈ એ આપણે જોયું. આ ધાર્મિક ફિલ્મે, બિગ બજેટ ફિલ્મો સામે ટક્કર લઈને અનેક રેકૉર્ડ તોડ્યા. ફિલ્મની રિલીઝ પહેલાં સંગીતકાર સી. અર્જુને રેકૉર્ડ વેચવા માટે જે તરકીબ કરી એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...  

‘ફિલ્મનું બજેટ સાવ નાનું હતું પ્લેબૅક માટે લતાજી તો પોસાય જ નહીં, એટલે અમે ઉષા મંગેશકરને પસંદ કર્યાં. ૧૦થી ૧૫ મ્યુઝિશ્યન્સથી વધારે બોલાવી શકાય એમ હતું જ નહીં. રેકૉર્ડિંગ થાય ત્યારે એમ લાગે કે કોઈ દેવાળું ફૂંકેલા પ્રોડ્યુસરની ફિલ્મનાં ગીતો રેકૉર્ડ થઈ રહ્યાં છે. કોઈ દોસ્તો, યારોને રેકૉર્ડિંગમાં બોલાવવાની અમારી હિંમત જ ન ચાલે. આ ગીતો રેકૉર્ડ થયાં ત્યારે કોને ખબર હતી કે આટલાં હિટ જશે?’

‘ગીતો રેકૉર્ડ થઈ ગયાં અને રેકૉર્ડ બહાર પડી, પણ લે કોણ? બાંદરામાં એક રેકૉર્ડ્સની દુકાન છે. અવારનવાર હું ત્યાં આંટો મારતો. કયા પિક્ચરનાં ગીતો આવ્યાં છે? કઈ રેકૉર્ડ્સ ચાલે છે? કઈ નથી ચાલતી? એ વાતો થાય. તેની સાથે થોડી ઓળખાણ થઈ ગઈ હતી. એક દિવસ હું ત્યાં ગયો અને કહ્યું, ‘મારી એક ફિલ્મ આવે છે ‘જય સંતોષી માં’. કાલે એની બે-ચાર રેકૉર્ડ્સ મગાવીને તમારી પાસે રાખજો.’પેલો કહે, ‘જો ભાઈ, અમારે ત્યાં આવી ફિલ્મોની રેકૉર્ડ્સ વેચાતી નથી. અમારી વાત જવા દે, બીજા કોઈને ત્યાં પણ આવી રેકૉર્ડ નહીં ચાલે. તારા મનમાં કોઈ ખોટી આશા હોય તો કાઢી નાખજે. આવી રેકૉર્ડ્સ કોઈ નહીં ખરીદે.’

મેં કહ્યું, ‘તમે તો મારા મિત્ર છો. એક કામ કરો, તમે વધારે નહીં, એક રેકૉર્ડ મગાવો. જો એ ન વેચાય તો હું ખરીદી લઈશ, બસ?’ આમ તેને મનાવ્યો. તેણે ફિલ્મની એક ઈ.પી. મંગાવી. (શરૂઆતનાં વર્ષોમાં જે રેકૉર્ડ્સ આવતી એ હતી ૭૮ આર.પી.એમ. વાળી રેગ્યુલર રેકૉર્ડ, જેમાં આગળ-પાછળ એક-એક ગીત હોય, જેને થાળી રેકૉર્ડ કહેતા.  ધીમે-ધીમે એનું ચલણ બંધ થયું અને આવી ૪૮ આર.પી.એમ. વાળી એક્સટેન્ડેડ પ્લે રેકૉર્ડ એટલે ઈ.પી. રેકૉર્ડ, જે થોડી નાની સાઇઝની હોય. એમાં આગળની સાઇડમાં બે ગીત અને પાછળની સાઇડમાં બે ગીત હોય. ત્રીજી હતી ૩૩ આર.પી.એમ. વાળી મોટી  લૉન્ગ પ્લે રેકૉર્ડ એટલે એલ.પી. રેકૉર્ડ, જેમાં ફિલ્મનાં દરેક ગીતો હોય. સમય જતાં કેવળ એલ.પી. રેકૉર્ડ્સ જ બનવા લાગી.)

‘હું મનમાં ખૂબ રાજી થયો કે ચાલો તેણે મારી વાત માની. એ દિવસથી હું રોજ સાંજે બાંદરા જાઉં અને પૂછું કે રેકૉર્ડ વેચાઈ કે નહીં? એક દિવસ પેલો કંટાળ્યો અને મને કહે, ‘તું રોજ-રોજ આવીને મારો જીવ ન ખા. જ્યારે વેચાશે ત્યારે સામેથી તને કહીશ.’ હું થોડો નિરાશ થઈ ગયો. ૧૫ દિવસ થયા. મહિનો વિત્યો. તેના તરફથી કોઈ મેસેજ નહોતો એટલે હું તેની દુકાને ગયો પેલાએ ડ્રૉઅર ખોલ્યું અને કહે, ‘જો, તારી રેકૉર્ડ પૅકેપૅક પડી છે. પાછી લઈ જા.’ મેં કહ્યું, ‘તમે એક ભૂલ કરી છે. કમસે કમ રેકૉર્ડને તમારા શો-કેસમાં મૂકો તો આવતા-જતા લોકોની નજરે તો ચડે?’ પેલો કહે, ‘ભલે, કાલે તું આવજે અને    તારી રીતે શો-કેસમાં ગોઠવી દેજે.’

 ‘બીજે દિવસે જઈને મેં રેકૉર્ડને શો-કેસમાં એવી પ્રોમિનન્ટ જગ્યાએ મૂકી કે દૂરથી પણ લોકોનું ધ્યાન ખેંચાય. પછી મેં ત્યાં જવાનું બંધ કર્યું. ત્યાર બાદ જ્યારે એ બાજુથી પસાર થવાનું થાય ત્યારે દૂરથી જોઉં તો રેકૉર્ડ શો-કેસમાં જ પડી હોય. મારો ચહેરો ઊતરી જાય. મનમાં થાય કે હું એવો બોગસ મ્યુઝિક ડિરેક્ટર છું કે મારી એક રેકૉર્ડ પણ નથી વેચાતી? આમ ને આમ લગભગ એક મહિનો વીતી ગયો. એક દિવસ હું ત્યાંથી બસમાં  જતો હતો. દૂરથી જોયું તો શો-કેસમાં રેકૉર્ડ નહોતી. ખુશ થતો-થતો હું બસમાંથી ઊતરીને લગભગ દોડતો રેકૉર્ડ્સની દુકાને પહોંચ્યો અને કહ્યું, ‘મારી રેકૉર્ડ વેચાઈ ગઈને?’ પેલાએ મોઢું બગાડતાં કહ્યું, ‘પાછો હેરાન કરવા આવી ગયો. તને કોણે કહ્યું કે રેકૉર્ડ વેચાઈ ગઈ છે?’ 

 મને આ સાંભળી નવાઈ લાગી. મેં કહ્યું, ‘શો-કેસમાં તો રેકૉર્ડ છે જ નહીં અને તમે કહો છો કે વેચાઈ નથી?’

 પેલાએ મોઢું બગાડતાં પૂછ્યું, ‘તે મને રેકૉર્ડ આપી હતી એનું કવર કયા રંગનું હતું?’

 ‘લાલ.’ મેં જવાબ આપ્યો.

 તેણે શો-કેસ તરફ આંગળી ચીંધી રેકૉર્ડ દેખાડતાં કહ્યું, ‘આ જો, તડકામાં એ કવર પીળું પડી ગયું છે. આજ સુધી આ રેકૉર્ડ વેચાઈ નથી. હવે આવીને પૂછતો નહીં કે શું થયું?’

 નિરાશ થઈ હું ત્યાથી નીકળી ગયો. મને યાદ છે એ દિવસે હું બાંદરાથી સાંતાક્રુઝ ચાલતો ગયો. એટલા વિચારો આવતા હતા કે શું કરું? ત્યારે ખબર નહોતી કે એ દિવસો દૂર નથી જ્યારે માર્કેટમાં આ રેકૉર્ડની એટલી ડિમાન્ડ નીકળશે કે રેકૉર્ડના ડીલર્સને પોતાના ઑર્ડર માટે રાહ જોવી પડશે. એ દિવસોમાં પાનની દુકાનો અને હોટેલના ગલ્લા પરથી  રેડિયોમાં ગીતો વાગતાં. થોડા જ દિવસોમાં આ ગીતો એટલાં લોકપ્રિય થયાં કે દર અડધા કલાકે ‘જય સંતોષી માં’નું એકાદ ગીત વાગે. બસ, પછી તો ચારેતરફ આ ગીતોની ધૂમ મચી ગઈ.’

 ‘આ પૂરી ફિલ્મનું મ્યુઝિક ૩૫થી ૪૦,૦૦૦માં પૂરું કર્યું હતું. એટલે કે મારા, પ્રદીપજીના અને સિંગર્સના પેમેન્ટના આટલા પૈસા થયા. ત્યારે અમને કોઈને ખબર નહોતી કે આ ગીતોની રૉયલ્ટીના ૧૧થી ૧૨ લાખ રૂપિયા પ્રોડ્યુસરને મળશે. અમને કોઈને રૉયલ્ટીનો એક પૈસો મળ્યો નથી. હા, ટૉકનમાં તેણે મને એક ફ્રિજ આપ્યું જે આજે પણ આ ફિલ્મની યાદગીરીરૂપે મોજૂદ છે.’

 ‘જય સંતોષી માં’ની સફળતામાં ગીત-સંગીતનો બહુ મોટો ફાળો છે. બિનાકા ગીતમાલામાં ધૂમ મચાવનાર આ ગીતોને યાદ કરીએ...

‘મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી’ (ઉષા મંગેશકર)

‘મદદ કરો હૈ સંતોષી માતા’ (ઉષા મંગેશકર)

‘કરતી હું તુમ્હારા વ્રત સ્વીકાર કરો માં’ (ઉષા મંગેશકર)

‘મત રો મત રો આજ રાધિકે’  (મન્ના ડે)

‘યહાં વહાં જહાં તહાં, મત પૂછો કહાં કહાં, હૈ સંતોષી માં, અપની સંતોષી માં’ (કવિ પ્રદીપ) 

આ ગીત મહેન્દ્ર કપૂરે પણ ગાયું છે. પ્રદીપજીને આ ગીત માટે બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ અસોસિએશન તરફથી બેસ્ટ સિંગરનો અવૉર્ડ મળ્યો હતો. એ વર્ષનાં બેસ્ટ ફિમેલ સિંગર ફિલ્મ ફૅર અવૉર્ડ માટે ઉષા મંગેશકરનું નામ (મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી) નોમિનેટ થયું હતું.   

એક મજાની વાત એમ બની કે લતાજી અને આશાજીને ખૂબ નવાઈ લાગી કે ઉષા મંગેશકરનાં ગીતો આટલાં લોકપ્રિય થયાં. એટલા માટે ખાસ તેમના ઘરે આ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું.    

સી. અર્જુનનો ઇન્ટરવ્યુ સાંભળી મને એટલો જ વિચાર આવ્યો કે ખુદા જબ દેતા હૈં તો છપ્પર ફાડકર દેતા હૈં, પરંતુ એ પૈસા ઘર બનાવનારાને નહીં, ઘરના માલિકને મળતા હોય છે. લગભગ ૧૫ લાખના બજેટમાં બનેલી અને ૧૯૭૫ની ૩૦ મેએ રિલીઝ થયેલી  આ ફિલ્મે પાંચ કરોડનો ધંધો કર્યો. એ દિવસોમાં ‘શોલે’ અને ‘દીવાર’ જેવી હિટ ફિલ્મો સામે ‘જય સંતોષી માં’એ ટક્કર લીધી અને એ પણ કેવળ ગીત–સંગીતના બળ પર. ૧૯૭૫ની ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘દીવાર’નું બજેટ હતું ૯૦ લાખનું અને કલેક્શન હતું ૩ કરોડનું. ૧૯૭૫ની ૧૫ ઑગસ્ટે રિલીઝ થયેલી  ‘શોલે’ ૩ કરોડમાં બની અને ૩૦૦ કરોડનો વકરો થયો. ગણિત મારો ગમતો વિષય હતો જ નહીં, પરંતુ જાણકારો કહે છે કે રોકાણની સામે નફો મેળવવામાં ‘જય સંતોષી માં’નો નંબર ‘શોલે’ પછી બીજો હતો. 

એ દિવસોમાં સૌથી પહેલાં મુંબઈ અને બીજાં મોટાં શહેરોમાં ફિલ્મ રિલીઝ થતી. નાનાં સેન્ટર અને ગામડાંમાં ફિલ્મ રિલીઝ થતાં મહિનાઓ નીકળી જતા. ‘જય સંતોષી માં’ જોવા અનેક લોકો મોટાં શહેરોમાં આવતાં. અનેક થિયેટર્સને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ઇન્ટરવલમાં ગોળ અને ચણાનો પ્રસાદ વહેંચાતો. ગીતો આવે ત્યારે પરદા પર ફૂલો અને પૈસાનો વરસાદ થતો. ફિલ્મનાં મુખ્ય કલાકાર હતાં કાનન કૌશલ અને આશિષ કુમાર. ‘સંતોષી માંનો રોલ અનિતા ગુહાએ નિભાવ્યો હતો. થિયેટર્સની અંદર મંદિર બનાવીને એના મોટા ‘કટ આઉટ’ને મૂકીને હારતોરા પહેરાવવામાં આવતા. આ ફિલ્મની સફળતા બાદ તે જાહેરમાં ક્યાય દેખાય તો લોકો તેને પગે લાગતા. ખાસ કરીને નૉર્થ ઇન્ડિયાનાં શહેરો અને ગામડાંમાં સંતોષી માંનાં અનેક મંદિરો બનવા લાગ્યાં. ઘણા શહેરોમાં આ ફિલ્મની સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલી થઈ. મુંબઈના અલંકાર થિયેટરમાં આ ફિલ્મ ૬૦ અઠવાડિયા સુધી ચાલી હતી.

ફિલ્મ સુપર હિટ ગઈ એટલે સંતરામ બોહરા સાતમા આસમાનમાં હતા. એક દિવસ પ્રદીપજીએ તેમને કહ્યું, ‘આ બધામાં તમે તમારું પ્રૉમિસ ભૂલી ગયા લાગો છો. યાદ છેને? તમે કહ્યું હતું કે અહીં બહારના ટ્રાફિકનો બહુ અવાજ આવે છે. મારી ફિલ્મ હિટ જશે તો આ રૂમમાં એક ઍરકન્ડિશનર લગાવી દઈશ.’

સંતરામે જવાબ આપ્યો, ‘હા જી, બિલકુલ યાદ છે’ અને બીજે જ દિવસે પ્રદીપજીના રૂમમાં એ.સી. ફિટ થઈ ગયું.

સંતરામ બોહરા કહે, ‘હવે તમે શાંતિથી કવિતા લખી શકશો.’

એક સંવેદનશીલ ખુદ્દાર કવિ જ આપી શકે એવો જવાબ પ્રદીપજી એ આપ્યો. ‘કર્કશ અવાજો વચ્ચે લખાયેલી કવિતાએ જ આ ઘર આપ્યું છે અને આજે આ એ.સી. પણ. કવિની ભીતર રહેલી સજ્જતાને બહારનો કોલાહલ કદી ખલેલ ન પાડી શકે.’

‘જય સંતોષી માં’ની અધધધ સફળતા હિન્દી ફિલ્મના ઇતિહાસની એક એવી ઘટના છે જેનાં કારણો શોધવા જઈએ તો પણ ન મળે. નસીબની બલિહારીનો આ એવો કિસ્સો હતો જે ‘અનપૅરેલલ’ હતો. જોકે આમાં દરેક નસીબદાર નહોતા. શરૂઆતમાં સંતરામ બોહરા અને આશિષ કુમાર આ ફિલ્મમાં પાર્ટનર હતા. પોતાના ઇન્વેસ્ટમેન્ટ તરીકે આશિષ કુમાર હીરો તરીકે કામ કરવાના પૈસા નહોતા લેવાના. અધવચ્ચે શું બન્યું કે તેમણે પાર્ટનરશિપમાંથી છૂટા પડવાનું નક્કી કર્યું અને કામ કરવાના પૈસા લઈ લીધા. જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે તેને ખૂબ ઇર્ષા આવી. રોષે ભરાઈ તેણે બોહરા પર કેસ કર્યો, જે બિલકુલ ગેરવાજબી હતો. ધારણા મુજબ એમાં હાર થઈ, એટલે તેણે એક ફિલ્મ શરૂ કરી ‘સોલહ શુક્રવાર’ (ગીત-સંગીત રવીન્દ્ર જૈન) જે તદ્દન ફ્લોપ ગઈ.

‘જય સંતોષી માં’ની સફળતાને ચરી ખાવા ૧૯૮૦માં એક ફિલ્મ બની ‘સંતોષી માં કી મહિમા’ ત્યાર બાદ ૨૦૦૩માં ફિલ્મ આવી ‘જય સંતોષી મા’, ૨૦૦૬માં આવી ‘જય જય સંતોષી માં’. ગુજરાતીમાં પણ ‘જય સંતોષી માં’ ફિલ્મ બની. આ જ નામની એક ટીવી સિરિયલ આવી. અનેક લોકોએ સંતોષી માંના નામને વટાવવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે પોતાની રીતે પ્રેક્ષકોની સંતોષી માં પ્રત્યેની આસ્થાને રોકડી કરવામાં કસર નથી છોડી. સંતરામ બોહરા જે પૈસા કમાયા એમાંથી ‘ઘર કી લાજ’, નવાબ સાહેબ’ અને બીજી ફિલ્મો બનાવી જે સદંતર ફ્લોપ ગઈ. આમ પૈસાની બાબતમાં તેમની હાલત હતા ત્યાંના ત્યાં જેવી  થઈ ગઈ. વર્ષો વિત્યાં પછી પણ તેને ઘેર પારણું બંધાયું નહોતું. એક સમય એવો આવ્યો કે ફાઇનૅન્શિયર કેદારનાથ અગરવાલને રક્તપિત્તનો રોગ થયો. સ્વજનો તેની નજીક જવા તૈયાર નહોતા. એક રૂમમાં, એકલા બેસીને તેમણે છેલ્લા દિવસો વિતાવ્યા.કહે છે ને કે જ્યારે પૈસો આવે છે ત્યારે કમર પર લાત મારે છે એટલે તમે ટટ્ટાર થઈને  રુઆબથી ચાલો છો, પરંતુ પૈસો જ્યારે જાય છે ત્યારે પેટમાં લાત મારીને જાય છે, જેને કારણે તમે એવા બેવડ વળી જાવ છો કે જેની કદી કળ વળતી નથી.

columnists rajani mehta