જાણકારી અને સમજદારી

19 November, 2022 06:13 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ધનુર્વિદ્યામાં એ કાળે બ્રહ્માસ્ત્ર એ અંતિમ જ્ઞાન હતું. દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ પણ બ્રહ્માસ્ત્રનું આ જ્ઞાન પોતાને મળે એ માટે ભારે આગ્રહ કર્યો, પણ પિતા દ્રોણાચાર્ય તેને આ જ્ઞાન આપવા માગતા નહોતા.

પ્રતીકાત્મક તસવીર

મહાભારતની એક કથા યાદ કરવા જેવી છે. દ્રોણાચાર્યએ પોતાના શિષ્યો પાંડવો અને કૌરવો પૈકી માત્ર અર્જુનને જ બ્રહ્માસ્ત્ર શીખવ્યું હતું. ધનુર્વિદ્યામાં એ કાળે બ્રહ્માસ્ત્ર એ અંતિમ જ્ઞાન હતું. દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ પણ બ્રહ્માસ્ત્રનું આ જ્ઞાન પોતાને મળે એ માટે ભારે આગ્રહ કર્યો, પણ પિતા દ્રોણાચાર્ય તેને આ જ્ઞાન આપવા માગતા નહોતા. આખરે પુત્રના વાત્સલ્યને કારણે કહો કે પછી પુત્રહઠને કારણે કહો, દ્રોણાચાર્યએ અશ્વત્થામાને પણ આ બ્રહ્માસ્ત્ર શીખવ્યું. કથા કહે છે કે બ્રહ્માસ્ત્રના આ જ્ઞાનને લીધે અશ્વત્થામાએ યુદ્ધના અંતે ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો. આનું કારણ એ હતું કે અશ્વત્થામા આ શસ્ત્રનો ઉપયોગ કરવા વિશેનો વિવેક જાણતો નહોતો. જાણકારી હોવી એ એક વાત છે અને જાણકારી સાથે સમજદારી હોવી એ સાવ જુદી વાત છે.
‘તમે શું જાણો છો?’
સામાન્ય રીતે જેની પાસે વધારે જાણકારી હોય તેને આપણે વિદ્વાન કહીએ છીએ. વિદ્વાનનો આ સાચો અર્થ નથી. એક પાદરી વિશે એવી માન્યતા હતી કે તેમને પુષ્કળ જ્ઞાન છે અને દરેક પ્રવચનમાં તેઓ નવી નોખી વાત કહી શકે છે. આ પાદરીનો એક મિત્ર આ વાત માનતો નહોતો. પાદરીએ આ મિત્રને આગ્રહપૂર્વક કહ્યું કે ‘આવતા રવિવારે મારા પ્રવચનમાં આવો અને સાંભળો કે હું કેવી સાવ નવી જ વાતો કરું છું.’ પાદરીની વાત માનીને પેલા મિત્ર એ સભામાં ગયા. સભામાં પાદરીએ ખૂબ જ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. શ્રોતાઓએ તેમને ખૂબ વધાવ્યા. વ્યાખ્યાનના અંતે પાદરીએ પેલા મિત્રને પૂછ્યું કે ‘આ પ્રવચન તમને કેવું લાગ્યું?’ મિત્રે હસીને કહ્યું, ‘દોસ્ત, તમે જે એક કલાક સુધી બોલ્યા એ વ્યાખ્યાનનો એકેએક શબ્દ અગાઉ છપાઈ ચૂક્યો છે. આમાં કંઈ નવીન નથી.’ પાદરી હેબતાઈ ગયા અને તેમને પૂછ્યું, ‘તમે મને બતાવો કે આ બધું ક્યાં છપાયેલું છે?’ પેલા મિત્રે પોતાના બગલથેલામાંથી એક પુસ્તક કાઢીને તેમની સામે ધર્યું અને કહ્યું, ‘જુઓ આ શબ્દકોશ છે. તમે જે બોલ્યા છો એનો એકેએક શબ્દ આ પુસ્તકમાં વર્ષોથી છપાયેલો છે.’
આજકાલ વધુ જાણકારીની જાણે કે સ્પર્ધા ચાલી રહી છે. જનરલ નૉલેજના નામે શિક્ષકો અને માતા-પિતા બાળકો પર જાણે કે અત્યાચાર કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં ટીવીના લોકપ્રિય કાર્યક્રમ ‘કૌન બનેગા કરોડપતિ’માં આઠમા-નવમા ધોરણનાં બાળકો માટે ખાસ શો યોજાયા હતા. આ બાળકો સરેરાશ ૧૨-૧૩ વર્ષનાં જ હોવાથી તેમને રશિયામાં થતાં શાકભાજી કે પછી આફ્રિકાની કોઈ નદી વિશે પ્રશ્નો પૂછવામાં આવે અને આવા પ્રશ્નોના બાળકો જવાબ પણ આપે એ જાણીને ભારે આશ્ચર્ય થયું. જર્મનીના હિટલરની પ્રેમિકા અથવા પત્નીનું નામ શું હતું? એ જાણકારી આપણાં બાળકોને કઈ રીતે ઉપયોગી થાય એ સમજવું ભારે કઠિન છે.
વિદ્યા અને અવિદ્યા
આપણા વૈદિક સાહિત્યમાં ઇશાવાસ્ય ઉપનિષ્ય ભારે મહત્ત્વનું ગણાય છે. આ ઉપનિષદમાં જીવન સારી રીતે જીવવા માટે ૧૮ મંત્રો આપવામાં આવ્યા છે. આ ૧૮ પૈકી ૯મા મંત્રમાં વિદ્યા અને અવિદ્યા એમ બે શબ્દો વાપરવામાં આવ્યા છે. સામાન્ય રીતે વિદ્યા એટલે જ્ઞાન. અવિદ્યા એટલે અજ્ઞાન એવો અર્થ આપણે કરીએ છીએ. ઇશાવાસ્ય ઉપનિષદમાં આ બે શબ્દોનો વ્યાપ જે રીતે ઉઘાડી દેવામાં આવ્યો છે એ આપણને નવેસરથી વિચારતા કરી મૂકે એવો છે. અહીં ઋષિએ અવિદ્યા એટલે અજ્ઞાન એ તો સ્વીકાર્યું છે, પણ આ અજ્ઞાનને તેમણે અંધકાર કહ્યો છે. અવિદ્યા એ જો અંધકાર હોય તો પછી વિદ્યાને તો પ્રકાશ જ કહેવી પડે, પણ ઋષિ કહે છે, ‘ના, વિદ્યા એ તો ઘોર અંધકાર છે.’ આમ અવિદ્યા એટલે કે અજ્ઞાનને અંધકાર અને વિદ્યા એટલે કે જ્ઞાનને ઘોર અંધકાર કહ્યું છે.
આપણને આ વાંચીને પહેલી નજરે ભારે આશ્ચર્ય થાય કે અવિદ્યા તો ઠીક, પણ વિદ્યાને શી રીતે ઘોર અંધકાર કહેવાય? આ બે શબ્દોનું જે સાચું અર્થઘટન વિનોબા જેવા અભ્યાસીઓએ કર્યું છે એ સમજવા જેવું છે. આપણને સામાન્ય જીવન વ્યવહારમાં ઘણીબધી ચીજોની જરૂર પડે છે. અનાજ, પાણી, મકાન, વસ્ત્ર આમ આપણી અનેક જરૂરિયાતો છે. આ બધી જરૂરિયાતો માટે આપણે ઘણુંબધું કામ શીખવું પડે છે. આ કામ શીખ્યા વિના આપણે જીવી નહીં શકીએ. પણ આ કામ કંઈ મોક્ષના માર્ગે લઈ જઈ શકતાં નથી એટલે આ જાણકારી જરૂરી હોવા છતાં અવિદ્યા છે. આમ હોવાથી અવિદ્યાને અહીં અંધકાર કહેવામાં આવી છે.
આથી સામા છેડે જે પરમ જ્ઞાન છે એ વિદ્યા છે. આ પરમ જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન. પણ જો બધા જ માણસો આ પરમ જ્ઞાનમાં જ મચ્યા રહે તો જીવન વ્યવહારનાં સાધનો શી રીતે ઉપલબ્ધ થાય? એટલે ઋષિ કહે છે, ‘એકલી અવિદ્યાથી જીવન જીવી શકાય. એ અંધકાર હોય તો પણ ચાલશે, પણ જો માણસ એટલી વિદ્યામાં જ ડૂબેલો રહે તો એ જીવી નહીં શકે, એટલે વિદ્યાને અહીં ઘોર અંધકાર કહેવામાં આવે છે.’
જ્ઞાનની ગાંસડી અને અજ્ઞાનનો ખાલીપો
જાણકારીનો ઢગલો માણસને જ્ઞાની બનાવતો નથી. આવા ઢગલાને ગાંસડીમાં બાંધીને ખભે ચડાવીને ફરવાથી કશું ઉપલબ્ધ થતું નથી. એ જ રીતે અજ્ઞાનનો ખાલીપો માણસના જીવનને સત્ત્વશીલ બનાવી શકતો નથી. ખરી વાત એ છે કે જાણકારી અને સમજદારી એ બન્નેનું સંતુલન કેમ જળવાય એ વિવેક માણસને આવડવો જોઈએ.

columnists dinkar joshi