89 વર્ષનાં આ બહેન હૅરી પૉટરનાં ચિત્રોવાળી બૅડશીટ શું કામ બનાવે છે?

01 May, 2019 12:42 PM IST  |  મુંબઈ

89 વર્ષનાં આ બહેન હૅરી પૉટરનાં ચિત્રોવાળી બૅડશીટ શું કામ બનાવે છે?

પુષ્પા પારીખ

મુંબઈમાં જન્મેલાં અને અહીં જ ભણીગણીને મોટાં થયેલાં ગ્રાન્ટ રોડમાં રહેતાં ૮૯ વર્ષનાં પુષ્પા પરીખે પોતાની ટૅલન્ટને યોગ્ય દિશામાં વાળી એકલતાને દૂર કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે. નાનપણથી જ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં પુષ્પાબહેન આ ઉંમરે એમ્બ્રૉઇડરીના માધ્યમથી પોતાની દવાનો અને હાથખર્ચો કાઢી લે છે.

શરીર હાલતુંચાલતું હોય ત્યાં સુધી કામ કરતાં રહેવું એ ખૂબ જ સારી વાત છે, પણ આ ઉંમરે કમાવાની જરૂર ખરી? આ પ્રશ્નનો સુંદર જવાબ આપતાં પુષ્પાબહેન કહે છે, ‘પગભર રહેવું એટલે પૈસા કમાવાની દૃષ્ટિએ નહીં, પણ જીવનની સમીસંધ્યાએ પોતાની જાત પર ઉપકાર કરવો. આખો દિવસ પલંગ પર પડી રહું કે આંટાફેરા કરું તો મને કોઈ ના નથી પાડવાનું. દીકરા-વહુ વાપરવા માટે જોઈએ એટલા પૈસા પણ આપશે, પરંતુ આ મારા જીવનનું ધ્યેય નથી. મનગમતી પ્રવૃત્તિ સાથે સ્વમાનભેર જીવવા માટે હું કામ કરું છું. આત્મનિર્ભરતા તમારામાં જોમ અને જોશ ભરી દે છે.’

થોડાં વર્ષ પહેલાં સુધી તેઓ સાડીમાં એમ્બ્રૉઇડરી વર્ક કરતાં હતાં. હવે તેઓ નાનાં બાળકોની બેડશીટ ડિઝાઇન કરે છે. આ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘હવે જમાના પ્રમાણે ડિઝાઇનમાં ફેરફારો કર્યા છે. આજે ફૂલ-પાનની ડિઝાઇનવાળી હાથભરતની સાડી કોઈ પહેરતું નથી. ઘેરબેઠાં કંઈક તો કરવું જ છે તેથી નાનાં બાળકોની ચૉઇસ પર રિસર્ચ કર્યું. બાળકોના બેડરૂમની દીવાલોના કલર્સ અને ફર્નિચર સાથે મૅચ થાય એવી ડિઝાઇન છપાવવાની શરૂઆત કરી. પ્લેન બેડશીટ પર હૅરી પૉટર સિરીઝના પાત્રો અને ટૉમ એન્ડ જેરી જેવાં વિવિધ કાટૂર્ન કૅરૅક્ટરનાં ચિત્રો છપાવી એના પર એમ્બ્રૉઈડરી કરું છું. બેડશીટની ફરતે પાંચ ઇંચની ર્બોડર બનાવી જુદા જુદા ટાંકા ભરી સિંગલ બેડશીટ તૈયાર કરવામાં એક મહિનો થઈ જાય અને ડબલ બેડની ચાદર હોય તો થોડો વધુ સમય લાગે.’

ઉલ્લેખનીય છે કે તેમણે ડ્રાઇવિંગ, ર્હોસ રાઇડિંગ, સ્વિમિંગ અને સંગીતની બાકાયદા તાલીમ લીધી છે. કાર લઈને તેઓ આખું ભારત ફર્યાં છે. મુંબઈથી દિલ્હી સુધી એકલા હાથે કાર દોડાવી છે અને લોનાવલા-ખંડાલાના કઠિન ઘાટ પણ ચડાવ્યા છે. હાર્મોનિયમ વગાડતાં પણ આવડે છે. ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઊંડું જ્ઞાન ધરાવે છે. જૈન સમાજની પુસ્તિકામાં પ્રૂફરીડિંગ પણ કરે છે. જ્ઞાતિનાં મંડળોમાં ઍક્ટિવ મેમ્બર છે. તેઓ ફસ્ર્ટ લેડી કમિટી મેમ્બર પણ રહી ચૂક્યા છે.

એમ્બ્રૉઇડરીમાં એક્સપર્ટ પુષ્પાબહેન રસોડું પણ સંભાળે છે. તેમને બે દીકરા છે. હાલ તેઓ મોટા દીકરા સાથે રહે છે. યુવાન પૌત્ર-પૌત્રી છે. આ ઉંમરે પણ તેમને નખમાંય રોગ નથી. છેલ્લાં ચાલીસ વર્ષથી મીઠાઈ છોડી દીધી છે. લગભગ વીસ વર્ષથી તળેલી વાનગીઓ ચાખી નથી. તેઓ હેલ્થ કોન્શિયસ છે એ જ તેમની તંદુરસ્તીનું રહસ્ય છે. તેમનું કહેવું છે કે ‘ઉંમરના કારણે સામાન્ય શારીરિક તકલીફો આવ્યા કરે બાકી તબિયત ટકાટક છે. વહુ ઘરના બિઝનેસમાં હેલ્પ કરે છે એટલે સવારથી નીકળી જાય. ત્યાર બાદ ઘર અને રસોડું હું જ સંભાળું છું. ઘરના કામકાજમાંથી સમય કાઢી મારા શોખને જીવંત રાખવાનો પૂરો પ્રયાસ કરું છું.’

columnists