વરરાજા બનવું હોય તો વનરાજ, તમારી આ કેશવાળી હટાવવી પડશે

21 November, 2019 12:41 PM IST  |  Mumbai | Manoj Joshi

વરરાજા બનવું હોય તો વનરાજ, તમારી આ કેશવાળી હટાવવી પડશે

આપણે વાંચ્યું કે, ગીર જેવા એક ઘનઘોર જંગલમાં વનરાજ રહેતા હતા. જંગલ પાસેથી નદી પસાર થાય અને નદીના સામે કાંઠે એક રાજ્ય, એ રાજ્યની રાજકુમારી અતિશય ખૂબસૂરત. વનરાજ રાજકુમારીના પ્રેમમાં પડ્યા. વનરાજને તો ધૂનકી ચડી કે એ હવે આ રાજકુમારી સાથે લગ્ન કરે. વનરાજ તો ગલબા શિયાળ અને ઐરાવત હાથી સાથે પહોંચ્યા પોતાનું માગું લઈને દરબારમાં. માગું નાખ્યું એટલે રાજવી હેરાન-પરેશાન, એણે પ્રધાનની સામે જોયું અને પ્રધાને બે દિવસનો સમય માગ્યો, પણ વિચારવા માટે વનરાજે એક દિવસનો સમય આપ્યો અને એ પોતાની ટોળકી સાથે રવાના થઈ ગયા.

થયો બીજો દિવસ અને વનરાજ ફરીથી શિયાળ અને હાથી સાથે પહોંચી ગયા દરબાર. આ વખતે પ્રધાનને ખાતરી હતી કે વનરાજ આવશે જ અને એને જો સીધી ના પાડવામાં આવશે તો વનરાજ એને ફાડી ખાશે. તેને એક વિચાર મનમાં આવ્યો હતો. વનરાજ જેવા આવ્યા કે પ્રધાને જ સૌથી પહેલાં ઊભા થઈને વનરાજનો જય-જયકાર કરાવ્યો. વનરાજ થઈ ગયા રાજી-રાજી. ગલબા શિયાળે પ્રધાનને સવાલ કર્યો કે શું વિચાર્યુ વનરાજના માગાંનું?

પ્રધાનની સામે આખો દરબાર જુએ. રાજા પણ પ્રધાન સામે જોયા કરે. દીકરીનો સવાલ હતો. પ્રધાનની હાલત સાવ કફોડી. જો વનરાજનો પક્ષ લે તો રાજવી મારી નાખે અને જો રાજવીની વાત સમજીને એ રાજવીનો પક્ષ લે તો વનરાજ ફાડી ખાય.

પ્રધાને હાથ જોડીને વનરાજને કહ્યું કે ‘અમે આપના માગાંને અમારું અહોભાગ્ય માનીએ છીએ. ગઈ કાલે અમારી વાત તેણે ફટાક દઈને લગ્ન માટે હા પાડી દીધી છે.’

આખો દરબાર હેબતાઈ ગયો. જોકે રાજવી સમજી ગયા હતા કે આ વાર્તા શરૂ થઈ છે. કારણ કે ગઈ કાલે દરબાર છૂટ્યા પછી પ્રધાન સીધા પોતાના ઘરે ગયા હતા અને એમણે રાજકુમારીને મળવાની કોઈ ચેષ્ઠા કરી નહોતી. રાજવીએ પ્રધાનની વાત પર ધ્યાન આપ્યું. પ્રધાને વનરાજને હિંમત સાથે કહ્યું, વનરાજ આપ લગ્ન માટે તૈયાર છો, દીકરી લગ્ન માટે તૈયાર છે એટલે અમારે કશું કહેવાનું તો રહેતું નથી, પણ એક નાનકડી વિનંતી છે અમારી. રાજકુમારી સ્વરૂપવાન છે, એની ખૂબસૂરતીની વાતો જગત આખામાં ફેલાયેલી છે અને તમે... તમે આમ અસ્તવ્યસ્ત વાળ ધરાવો છો. અમારી ઈચ્છા છે કે આપ આપના વાળ કપાવીને સરસ મજાની બાબરી પાડો, તો શું રાજકુમારી સાથે ઊભા હો તો તમે બન્ને દીપી ઊઠો. રાજકુમારીને પણ લાગે કે મારા લગ્ન વનના રાજવી સાથે થયા છે, જે જગતનો સૌથી પ્રભાવશાળી છે.

વનરાજને અચરજ થયું કે માત્ર વાળ કપાવવાના છે. વનરાજ તો આગળની વાત સાંભળ્યા વિના સીધા જ નીકળી ગયા દરબારમાંથી અને સીધા જઈને ઊભા રહ્યા વાળંદની દુકાને. વાળંદને કહે કોઈ જાતની દલીલબાજી કર્યા વિના કાપ મારી કેશવાળી. ઐરાવત આગળ આવ્યો, એણે કહ્યું કે કેસરીકુમાર, આ ખોટું કરો છો. નહીં કરો આવું.

વનરાજે ત્રાડ પાડી અને ઐરાવત શાંત થઈ ગયો તો વાળંદના હાથ ચાલુ થઈ ગયા. કાતર ફરી અને કેશવાળી ગાયબ.

(કેશવાળી કપાવી નાખ્યા પછી વનરાજનું શું થયું એ જાણીશું આવતી કાલે, પણ આ આખી વાતમાં કોઈએ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિને સાંકળવાની નથી એ સ્પષ્ટતા બે દિવસથી કરવામાં આવી રહી છે, જે આજે પણ અકબંધ છે.)

columnists manoj joshi